Monday, September 23, 2013

છત્રપતિ શિવાજી મહારાજ

છત્રપતિ શિવાજી મહારાજ જેટલા તલવાલના ચલાવવામાં નિપુણ હતા તેટલા જ તેઓ બેદાગ ચરિત્ર માટે પણ જાણીતા હતા. પોતાની તલવાર અને ચરિત્ર પર તેમણે ક્યારેય દાગ ન પડવા દીધો.

એકવાર શિવાજીના એક વીર સેનાપતિએ એક કયાણ જીલ્લો જીત્યો. હથિયારો સાથે સાથે તેના હાથમાં અન્ય વસ્તુઓ પણ આવી. એક સૈનિકે મુગલ કિલેદારની પરમ સુંદર વહુને તેમની સમક્ષ રજૂ કરી. તે સેનાપતિ એ નવયૌવનાના સૌદર્ય પર મુગ્ધ થઈ ગયા અને તેણે શિવાજી માટે ભેટ રૂપે તે સ્ત્રીને રજૂ કરવાનું નક્કી કર્યુ. એ સુંદરીને એક પાલકીમાં બેસાડીને તેઓ શિવાજી પાસે પહોંચ્યા. શિવાજી એ સમયે પોતાના સેનાપતિઓ સાથે શાસન વ્યવસ્થાના સંબંધમાં વાતચીત કરી રહ્યા હતા. એ સેનાપતિએ શિવાજીને પ્રણામ કર્યા અને કહ્યુ કે તેઓ કલ્યાણમાંથી મળેલી એક સુંદર વસ્તુ તેમને ભેટ રૂપે આપવા માંગે છે. આવુ કહીને તેમણે એક પાલકી તરફ ઈશારો કર્યો. શિવાજીએ જેવુ પાલકીનો પડદો ઉઠાવ્યો તો જોયુ કે તેમા એક સુંદર મુગલ નવયૌવના બેસેલ છે.


તેમનુ મસ્તક લાજથી નમી ગયુ અને તેમના મોઢેથી એકાએક એ શબ્દો નીકળી પડ્યા.. 'કાશ. મારી માતા પણ આટલી સુંદર હોત તો હુ પણ આટલો જ સુંદર જન્મ્યો હોત.'

ત્યારબાદ પોતાના સેનાપતિને વઢતા શિવાજીએ કહ્યુ, - 'તમે મારી સાથે રહીને પણ મારા સ્વભાવને ન જાણી શક્યા ? શિવાજી બીજાની પુત્રીઓ અને વહુ ને માતાની નજરે જુએ છે. હમણા જ જાવ અને સસન્માન તેમને તેના ઘરે પહોંચાડીને આવો.

સેનાપતિને કાપો તો લોહી ન નીકળે એવી હાલત થઈ ગઈ. ક્યા તો એ પોતાને ઈનામ મળશે એવુ વિચારતો હતો અને મળ્યો માત્ર ફટકો. પણ મુગલ કિલેદારની વહુને તેના ઘરે સહી સલામત પહોંચાડ્યા વગર તેની પાસે બીજો કોઈ રસ્તો નહોતો.

તેણે મનમાં ને મનમાં શિવાજીના ચરિત્રની પ્રશંસા કરી અને એ મોગલવધુને તેના ઘરે પહોંચાડવા નીકળી પડ્યો.

આવા હતા આપણા છત્રપતિ શિવાજી મહારાજ.

Wednesday, July 24, 2013

બાપ બનવાની મઝા



કોઈ પણ પુરુષને જ્યારે જીવનમાં પ્રથમવાર ખબર પડે કે પોતે બાપ બનવાનો છે એનો આનંદ અનેરો હોય છે. શરત એટલી કે આવા સમાચાર મળે ત્યારે પુરુષ પરણેલો હોવો જોઈએ અને પોતે પ્રથમવાર જેનો બાપ બનવા જઈ રહ્યો છે એ બાળક એની પોતાની પત્નીના ઉદરમાં હોવું જોઈએ. હોસ્પિટલ કે ઘરે પત્નીની પ્રસૂતિ સમયે વ્યગ્રતાથી નખ ચાવતા પુરુષને કોઈ બારણું ખોલીને સમાચાર આપે કે બાબો આવ્યો છે ત્યારે જે આનંદ એક બાપને થતો હોય છે એ વર્ણનનો નહીં પરંતુ અનુભૂતિનો વિષય છે. અલગ-અલગ વ્યવસાયના માણસને આ સમાચાર મળે તો એનો પ્રતિભાવ કેવો હોય એની વાત આજે લખવી છે.
દાખલા તરીકે કોઈ બકાલીને પૂછો કે બાબો કેવો છે? એ તરત જ કહેશે એકદમ તાજો છે, બિલકુલ દેશી. આમ તો ત્રણ કિલોને સો ગ્રામ વજન છે પણ તમે કાયમી ગ્રાહક છો એટલે ત્રણ કિલોના રૂપિયા આપજો.

દાક્તરને પૂછો કે તમારો દીકરો કેવો છે? એટલે તરત જ કહેશે હેલ્ધી છે. મા અને દીકરાની બંનેની તબિયત નોર્મલ છે. ફ્રી ફ્રોમ ટેન્શન છે. હવે સમયસર ટીકા લગાવતા રહેશું એટલે ચિંતા નથી.
વકીલને પૂછો એટલે કહેશે એક અઠવાડિયાથી ટેન્શનમાં હતા. હજુ ગઇકાલે જ જજમેન્ટ આવ્યું. જજમેન્ટ આપણી ફેવરમાં આવ્યું કારણ નોર્મલ ડિલિવરી થઈ છે, મીન રાશિ આવતી હતી એટલે બાબાનું નામ ચુકાદો રાખ્યું છે. અત્યારે સવા મહિનાની મુદત નાખી છે. સવા મહિનો ચુકાદો અને એની મમ્મી પિયર રહેશે, છતાં મારા મમ્મીનું કામ સુપ્રીમ જેવું છે. સુપ્રીમનો ઓર્ડર થશે તો થોડાં વહેલાં પણ બોલાવી લઈએ.
જો કવિને સમાચાર મળે કે બાબો આવ્યો છે એટલે તરત જ કહેશે કે સંતાન કુમાર હોય કે કુમારી કશો ફરક નથી પરંતુ શરત એટલી કે સર્જન સત્વશીલ હોવું જોઈએ. હે ભગિની, આપ મને કહો કે પ્રસૂતિ કુદરતી રીતે થઈ કે પછી વાઢકાપનો આશ્રય કરવો પડ્યો છે? કુમાર ગાૈર હો કે શ્યામ લગીરે ફરક નથી, ચિંતા ફકત છે એટલી કે સ્વસ્થ હોવો જોઈએ, સાથે સાથે મારી જીવનસંગિની, મારી સહધર્મચારિણી, મારા સર્જનની પ્રેરણા એવી શિશુમાતા પણ સ્વસ્થ હોય તો વારુ.
કથાકારને સમાચાર આપો કે આપનાં પત્નીએ પુત્રરત્નને જન્મ આપ્યો છે એટલે બંને હાથ ઊંચા કરીને બોલવા લાગશે : વધાઈ હોવધાઈ હોઅને તરત જ ગાવા માંડશે, નંદ ઘેર આનંદ ભયો, જય કનૈયા લાલ કી, પોતે તો ગાશે પણ હોસ્પિટલના સ્ટાફને તથા બીજા દર્દીઓનાં સગાંવહાલાંને પણ કહેશે કે આપ
સબ મેરે સાથ ભાવ સે ગાઈએ, નંદ ઘેર આનંદ ભયો
પોલીસમેનને એનું બાળક હાથમાં આપો એટલે તરત જ કહેશે કે નવ મહિનાથી હેરાન કરતો હતો પણ હવે હાથમાં આવ્યો. ચહેરા ઉપરથી તો નિર્દોષ હોવાનું નાટક કરે છે પણ હકીકત હમણાં બહાર આવી જશે. આમ નાની નાની વાતમાં રોવાની જરૂર નથી. તું મને તપાસમાં સહયોગ આપીશ તો મારે કડક હાથે કામ લેવું નથી. બધાં બાળકો નવ મહિને આવે છે જ્યારે આ શખ્સ સાત મહિનામાં બહાર આવી ગયો એટલે નાણાંનો વહીવટ થઈ ગયો હશે અથવા કોઈ મોટા માણસની લાગવગ કામે લગાડી લાગે છે.
છેલ્લે  કોઈ મંત્રીને સમાચાર મળે એટલે તરત જ કહેશે બોલો ભારત માતા કી જય, બોલો બાળકની માતા કી જય. ગુજરાતની સાડા પાંચ કરોડની જનતામાં અત્યારે એકનો વધારો થયો છે. મેં જેવા પરિણામની અપેક્ષા રાખી હતી એના કરતાં પણ સારું પરિણામ આવ્યું છે. મને એમ કે બાળક ત્રણ કિલોનું હશે પણ સાડા ત્રણ કિલો વજન સાથે સ્પષ્ટ બહુમતી મળી છે. આપણા કાર્યકરો વધુ પડતા વિશ્વાસમાં રહ્યા એમાં સિઝેરિયન કરવુ પડ્યું છે છતાં અત્યારે જનતામાતા અને નેતાપુત્ર બંનેની તબિયત સારી છે. આ બાળક સ્વર્ણિમ
ગુજરાતને મળેલી મહામૂલી ભેટ છે. જય જય ગરવી ગુજરાત