Friday, January 26, 2018

27 January (Short Movie)


ભારતમાં દેશભક્તિ સાવ 'સીઝનેબલ' થઈ ગઈ છે.
તેનુ આ ઉદાહરણ જુવો આ વિડિઓ


Sunday, January 21, 2018

ફેસબુકનો ઉમદા ઉપયોગ


દક્ષિણ ભારતના ત્રિવેન્દ્રમ રેલ્વે સ્ટેશન પાસે એક શિક્ષીકાએ એક ઘરડી બાઈને કચરાપેટી ફંફોસી કંઈક ખાતી જોઈ !
વિધ્યા નામની તે શિક્ષીકાએ ઘરડી બાઈને નજીકની હોટલ પર લઈ જઈ જમાડતી વખતે પુછપરછમાં જાણ્યું કે તે ઘરડી બાઈનું નામ વત્સલા છે અને તે વરસો અગાઉ માલાપ્પુરમની શાળામાં ગણિતની શિક્ષિકા હતી !
વિધ્યા આ ઘરડી બાઈને પોતાના ઘરે લઈ ગઈ અને માલાપ્પુરમની શાળામાંથી જરુરી વિગત અને ફોટા મેળવીને ફેસબુક પર મુક્યા !

ફેસબુક પર આ ફોટા વાયરલ થતા વિધ્યાની વોલ પર અનેક મેસેજ આવવા લાગ્યા કે આ મારા વત્સલા ટીચર છે,હું તેમને મારી સાથે લઈ જવા ત્રિવેન્દ્રમ તમારા રહેઠાણ પર આવી રહ્યો છું !
વિધ્યાના રહેઠાણ પર વત્સલાના અનેક ભુતપુર્વ વિધાર્થીઓ આવી ગયા,તે સૌએ હાલ વત્સલાને માલાપ્પુરમમાં રહેવા જમવાની વ્યવસ્થા કરી આપી છે !
વત્સલા ટીચર હવે તેનું બાકીનું જીવન આરામથી વિતાવી શકશે !
ફેસબુક જેવા સામાજીક મિડીયાનો ઉમદા ઉપયોગ આવી રીતે પણ થાય છે !

Thursday, January 18, 2018

આયુષ્ય

આજે કમ્પ્યુટર પર બેસતાં જ લાગ્યું કે,
Out dated થયું આયુષ્ય;
સપનાઓ પણ download થતાં નથી,
સંવેદનાને virus વળગ્યો છે;
સુખ-દુઃખ send થતાં નથી
જૂના સંબંધો સાવ ઊડી ગયા
જાણે delete કરેલી ફાઇલ,
ઘરમાં સ્મશાનવત્ શાંતિ;
જાણે નેટવર્ક વગર મોબાઈલ,
મનની સ્થિતિ થઈ ગઈ hang ,
સ્વજનોને મળવા મળતી નથી range,
એકવીસમી સદીની પેઢી લાગે છે cute,
Contact List લાંબુ અને સંવાદો છે mute,
Harddiskમાં સંસ્કારની જગ્યા જ નથી,
Mother નામના boardને કોઈ સમજ્યા જ નથી,
તૂટેલા સંબંધ ને જોડવાનો ઈન્ટરનેટ પર નથી ઉપાય,
આવી ગુલામગીરી ઓછી કેમ થાય?
હું ચોંકી...
ને બારીમાંથી બહાર જોતા દેખાયું આકાશ,
ને મેં લીધો નિરાંતનો શ્વાસ.


== દીપ્તિ બુચ (મુંબઈ)

Sunday, January 14, 2018

મકરસંક્રાંતિ

(વિચાર સૌજન્ય - શ્રી આર.કે.પટેલ-સુરત)
આજે મકરસંક્રાંતિનો પાવન તહેવાર છે. આજના દિવસે જ ભીષ્મપિતામહે પ્રાણત્યાગ કર્યા હતા. મહાભારતના યુદ્ધ વખતે અર્જુનના બાણથી ઘવાયેલા ભીષ્મએ તત્કાળ પ્રાણત્યાગ કરવાને બદલે ઉત્તરાયણ સુધી બાણશૈયા પર શરીરને ટકાવી રાખ્યું હતું. આપણને આ વાર્તા જેવું લાગે પણ વેદવ્યાસજી આ પ્રસંગ દ્વારા બહુ મોટો સંદેશો આપે છે.

ભીષ્મના શરીર પરનું એક એક બાણ કૌરવોના એક એક દુષ્કૃત્યનું પ્રતીક છે. કૌરવોએ કરેલી ભૂલોને ભીષ્મએ બાણ રૂપે પોતાના પર લઇ લીધી જેથી કૌરવોને તકલીફ ના પડે. જ્યાં સુધી દાદાએ બાણ ઝીલ્યા ત્યાં સુધી કૌરવો ટકી શક્યા પછી ખતમ થઈ ગયા.

આપણા દરેકના પરિવારમાં પણ એક ભીષ્મ હોય છે જે આપણી ભૂલોના બાણ પોતાના પર લઇ લે છે અને એટલે આપણે સૌ ટકી શકીએ છીએ. જે પરિવાર ટકી શક્યો હોય તે પરિવારમાં કોઈને કોઈ સ્વરૂપે ભીષ્મ હાજર હોય જ છે. એ દાદા, દાદી, પપ્પા, મમ્મી, ભાઈ, બહેન, પતિ, પત્ની, દીકરો કે દીકરી કોઈપણ સ્વરૂપે હોય પણ એમના અસ્તિત્વથી જ પરિવાર ટકી રહેતો હોય. પરિવારના બાકીના સભ્યોને એમ હોય કે આપણા કુટુંબમાં કોઈ મુશ્કેલી જ નથી આપણે સુખી છીએ જ્યારે વાસ્તવિકતા એ હોય કે આવા ભીષ્મ મુશ્કેલીઓનું પોટલું પોતાના માથે ઉપાડી લેતા હોય એટલે આપણને મુશ્કેલી અનુભવાતી જ ના હોય.

ભીષ્મ તો ઉતારાયણે જતા રહ્યા પણ આપણે આપણા ભીષ્મને ઓળખીને સાચવી લેવા નહીંતર કૌરવોની જેમ આપણું અસ્તિત્વ પણ ખતમ થઈ જશે. આ ઉતરાયણે આપણે આપણા ભીષ્મને શોધવાનો પ્રયાસ કરીએ. થોડીવાર આંખો બંધ કરીને વિચારો તમારી સમસ્યાઓને તમારા સુધી ના પહોંચવા દેનાર એ કોણ છે ? વિચારો કે તમારી ભૂલોને પોતાના માથે ઓઢી લેનાર એ કોણ છે ? વિચારો કે એવુ કોણ છે જેના કારણે તમને સુરક્ષાનો અનુભવ થાય છે ? એવું કોણ છે જેની ગેરહાજરી આખા પરિવારને પારાવાર મુશ્કેલીમાં મૂકી દે ? એવું કોણ છે જેનો સાથ તમને સદાય હલવાફૂલ રાખે છે ?

બસ આ જ તમારા ભીષ્મ છે. આજના મકરસંક્રાંતિના પાવન પર્વએ આ ભીષ્મને ઓળખીને એનું જતન કરીએ, જાળવીએ, સાચવીએ કારણકે એ છે તો આપણે છીએ. આજે દાનનો પણ મહિમા છે. અન્ન, ધન કે વસ્ત્રનું દાન નહીં કરીએ તો ચાલશે પણ જો ક્ષમાદાન કરીશું તો આપણો પરિવાર જળવાઈ રહેશે.

આપને અને આપના પરિવારને ઉત્તરાયણની હૃદયપૂર્વકની શુભેચ્છાઓ.