Tuesday, May 3, 2011

વેકેશન એટલે મામાનું ઘર, ધમાચકડી ને મોજમસ્તી.....પણ ....


ગુજરાતની મોટાભાગની શાળામાં આજથી વેકેશન શરુ થઇ ગયું છે... સાથે સાથે ઉરચ માધ્યમિક અને કોલેજ માં પણ વેકેશનનો માહોલ છવાઈ ગયો છે.. બાળકો પણ ભારેખમ થોથાં મૂકીને મોજમસ્તીના મૂડમાં આવી ગયાં હશે..
વેકેશન એટલે મામાનું ઘર, ધમાચકડી ને મોજમસ્તી...,વાર્ષિક પરીક્ષાઓ પૂરી થાય એ પહેલાં તો ઉનાળુ વેકેશનનું આયોજન થઈ ગયું હોય! મહિનાઓ પહેલાં પ્લાનિંગ કરી જ દીધું હોય. વેકેશન એટલે એમના માટે ભારેખમ થોથાંને એક બાજુ મૂકીને માનસિક રાહત માણવાનો સમય. મોજ જ મોજ, ધિંગામસ્તી, હલ્લાગુલ્લા, શોરશરાબા, પિકનિક, વિડિયોગેમ્સ, ટીવી પ્રોગ્રામ્સ જોવા, થિયેટરમાં નવી આવેલી બધી જ ફિલ્મો જોઈ નાંખવી, કુટુંબ કે દોસ્તો સાથે હરવા ફરવાના સ્થળે જવું. બાળકો સહિત માતા-પિતા પણ આતુરતાથી  વેકેશનની રાહ જોતાં હોય છે કે ક્યારે બાળકો ભણતરના ભારમાંથી બહાર નીકળીને થોડા હળવાં બને.
પરંતુ આજકાલ વેકેશનમાં પોતાના બાળકને વિવિધ કલાસીસમાં મુકવાનો ક્રેઝ વધતો જાય છે.. માબાપ ઈચ્છે છે કે તેમનાં સંતાનો સુપરમેન કે શ્રીકૃષ્ણની જેમ સર્વગુણસંપન્ન બની જાય. એટલે તેમને તેમનાં બાળકોને કરાટે શીખવીને બ્રુસ લી પણ બનાવવા છે અને ડાન્સિંગ શીખવીને માઇકલ જેક્સન પણ. પેઇન્ટિંગ શીખવીને રાજા રવિ વર્મા બનાવવા છે અને વેદિક મેથ્સ શીખવીને શકુંતલાદેવી બનાવવા છે.  કોઈ ખોટી વાત નથી. આ જમાનો મલ્ટિટેલન્ટનો જ છે. આ સ્પર્ધાના જમાનામાં જો મલ્ટિ ટેલન્ટ નહીં હોય તો સંતાન ફેંકાઈ જશે તેવી માબાપને ભીતિ છે જે ઘણા અંશે સાચીય છે. અને આ ભીતિની રોકડી કરવા માટે ઘણા વેકેશનમાં સમર કેમ્પ લઈને કે ક્લાસ ખોલીને બેસી જાય છે. તેમાંથી કેટલાક જેન્યુઇન હોય છે તો ઘણા ઉપરછલ્લું શીખવે છે.



        એક સવાલ માબાપની નિષ્ઠાનો પણ છે. શું તેઓ તેમના બાળકને માત્ર એટલા કારણસર જ વેકેશનમાં આ બધી પ્રવૃત્તિમાં મોકલે છે કે જેથી તેનો વિકાસ થાય? ક્યાંક એવું તો નથી ને કે વેકેશનમાં બાળક ઘરે ધમાલ કરે માટે, ઘરે શાંતિ મળે તે માટે તેને તગેડીદેવાય છે? એક પરિવારમાં માત્ર ૩ વર્ષના બાળકને જેને હજુ કે.જી.માં ભણવાનું ચાલે છે તેને ટ્યૂશનમાં પણ મોકલવામાં આવે છે. કેમ? તો કહે, ઘરે ભણતો નથી. ભણતો નથી કે માબાપને ભણાવવા બેસવું ગમતું નથી? કે પછી માબાપને પોતાની મનપસંદ પ્રવૃત્તિ કરવી છે એટલે બાળકને આ પ્રવૃત્તિઓમાં ધકેલી દેવામાં આવે છે. અથવા તો અત્યારના વર્કિંગ પેરન્ટ્સઘરે બાળક એકલું રહે તે મેનેજ કરી શકતા નથી? કે પછી ઘરે બાળક રહે તો કાર્ટૂન ચેનલ જોયા કરે અને માબાપને પોતાની ગમતી ચેનલ નથી જોવા મળતી તે પ્રશ્ન છે? અથવા તો વિડિયો ગેમ જ રમ્યા કરે છે એ પ્રશ્ન છે?  આજનાં બાળકો પાસે શું નથી તે પ્રશ્ન છે. ફિલ્મ જોવી છે તો ડીવીડી છે. ટીવી પર ૨૪ કલાક મનોરંજન છે. વિડિયો ગેમ અને પ્લેસ્ટેશન છે. સમરકેમ્પ સહિતની ઢગલાબંધ એક્ટિવિટિઝ છે. નાસ્તો કરવો છે તો મેગી સહિતના ઇન્સ્ટન્ટ વિકલ્પો છે. કાર્ડબોર્ડ સહિતની ઇન્ડોર ગેમ્સ છે. કદાચ નથી તો રમવાવાળા ભાઈબહેનો?  સવાલ એ પણ છે કે, આજની ત્રીસી વટાવી ચૂકેલી પેઢી નાની હતી ત્યારે વેકેશનમાં કેવી ધમાલમસ્તી થતી? લખોટીઓ લઈને અગલ (એક નાનો ખાડો) ખોદાતો. શું લખોટી કે પછી ગોટીની રમતમાં નિશાન સાધવાનું નહોતું શીખવા મળતું? મોઇ ડાંડિયામાં પણ કસરત નહોતી મળી રહેતી? ‘આંબલી પીપળીતો હવે રમી શકાય એમ જ નથી. આઇસપાઇસઅને થપ્પો દાકે સંતાકૂકડીમાં સાવધાની શીખવા મળતી હતી. તમે એક તરફ કોઈને શોધવા જાવ ત્યારે બીજી તરફથી કોઈ આવી ન જાય તેનું ધ્યાન રાખવું પડતું. નદી પર્વતકે લોઢું લાકડુંજેવી રમતમાં કોઈ સાધનની જરૂર પડતી નહોતી. ખોની રમત પણ આવી જ સાધન વગરની રમત હતી. તેમાંય વેરિએશન. ઊભી ખોઅને બેઠી ખો’. ‘કેપ્ટન કેપ્ટન સાઇન બદલજેવી રમતમાં ઈશારો ઈશારો મેં બાતથઈ જતી.ધમાલિયો ધોકો ધમ ધમ થાય, પાછળ જુએ એની તુંબડી રંગાયએવા ગીત સાથે રમાતીરૂમાલ દાપણ રમત મજાની નહોતી? પાછળ રૂમાલ મૂકાઈ જાય એટલે રૂમાલ લઈને ભાગવાનું અને રૂમાલ મૂકનારને પકડવાનું. ન પકડાય તો દાદેવાનો. નારગોલ, હુતુતુ કે પછી કબડ્ડી, લંગડી, દોરડાકૂદ આવી બધી રમતો કૌશલ્ય વિકસાવતી અને સાથે સાથે સસ્તું ભાડું ને સિદ્ધપુરની જાત્રાની જેમ અલ્પ ખર્ચાળ હતી.  બેડમિન્ટન, કેરમ, વ્યાપાર જેવી રમતો પણ આવી જ ઓછી ખર્ચાળ રમતોમાં સ્થાન પામે. ક્રિકેટમાં નાઇટ ક્રિકેટ રમાય. અને દિવસેય ક્રિકેટ રમાય. વીજળીનો થાંભલો એ સ્ટમ્પ! રસ્તાના સામે છેડે ફૂટપાથ (હવે તો ફૂટપાથ પર જ લારીગલ્લાવાળા ઊભા હોય છે!)ની કિનારી નોન સ્ટ્રાઇકર એન્ડ! એમાં ઘરના નિયમોપણ ચાલે. અમુક ઘરના માલિક બહેન કે ભાઈ ઘરમાં દડો આવે તો પાછો ન આપે કે બહુ ખીજાય તો એવો નિયમ બને કે જો એ ઘરમાં દડો જશે તો આઉટ! કટે રનજેવો પણ નિયમ હોય, જેમાં બેટને અડે એટલે રન લેવા ભાગવાનું. એક ટપ્પી આઉટમાં, બેટને અડીને પછી દડાની એક જ ટપ્પી પડી હોય ને ફિલ્ડર કે બોલર પકડી લે તો આઉટ. આઈપીએલમાં જેમ ખેલાડીઓને પસંદ કરવામાં આવે છે તેમ એ શેરી ક્રિકેટમાં ય કેપ્ટન ખેલાડીઓને વારાફરતી માગે. એમાં જે કેપ્ટન બને તે બળુકો હોય. તેનામાં નેતા બનવાના નાનપણથી જ જાણે ગુણ હોય. ક્રિકેટમાં આઈપીએલનો પ્રયોગ કરાયો છે તેમ આવા પ્રયોગ કરીને પણ ક્રિકેટ રમાય તો મજો મજો થઈ જાય. અમારા જમાનામાં તો અમે વેકેશનમાં સાઇકલ શીખવાનો અને શીખ્યા પછી સાઇકલ ચલાવવાનીય મજા માણતા હતા.  સાઇકલ પાછી ૨૫,૫૦ પૈસા પ્રતિ કલાકના ભાવે ભાડે લવાતી.  કદાચ આજથી પચ્ચીસ વર્ષ પછી વેકેશન વિશે કોઈ પત્રકાર (અથવા તો બ્લોગર) લખશે ત્યારે તેના શબ્દો હશે  :
કાર્ટૂન ચેનલો જોવામાં કેવી મજા પડતી! બોબ ધ બિલ્ડર, રેન્જર્સ અને સ્કૂબી ડુ! આ હા હા! અને વોરિયર્સની વિડિયો ગેમ રમવામાં તો મનની સાથે આંગળીઓનું કૌશલ્ય પણ વિકસતું. સમર કેમ્પમાં કેવા કેવા નવા મિત્રો મળી રહેતા અને ટ્રેકિંગમાં કેવો જલસો પડતો
દરેક પેઢીને તેનું બાળપણ વહાલું જ લાગે છે અને તે દિવસો સોનેરી જ હોય છે, નહીં? તમે બાળક/કિશોર છો? તો આ એક એક દિવસને મન ભરીને માણજો. અને માબાપ હો તો બાળકને માણવા દેજો.

No comments:

Post a Comment