Wednesday, December 20, 2017

ને કાં તો મારા મૃત્યુ નું સ્વર્ગમાં તું લાઈવ ટેલિકાસ્ટ કર.

કાં તો મૃત્યુનું સ્વર્ગમાં લાઈવ
ટેલીકાસ્ટ થવું જોઈએ,

ને કાં તો જીવતા હોઈએ ત્યારે
મૃત્યુનું એક રિહર્સલ થવું જોઈએ.

કોણ આવશે પ્રસંગમાં ? કોણ મને
અડશે ? કોણ કેટલું રડશે ?

એ સમયે જો હું જ નહિ હોઉં,
તો યાર મને ખબર કેમ પડશે ?

ઈશ્વરની બાજુમાં બેસીને
FULL HDમાં મારે મારું મૃત્યુ
જોવું છે,

મારા જેવો માણસ મરી ગયો,
એ વાત પર મારે પણ થોડું રોવું
છે.

કેટલાક ચહેરાઓ છેક સુધી
ધૂંધળા દેખાયા,
એ ચહેરાઓ સ્પષ્ટ જોવા છે.

ચશ્માના કાચ, કારની વિન્ડસ્ક્રીન
અને ઘરના અરીસાઓ મારે સાફ
કરવા છે.

જેમને ક્યારેય ન કરી શક્યો,
એવા કેટલાક લોકોને જતા પહેલા
મારે માફ કરવા છે.

મને અને મારા અહંકાર બંનેને,
મારે જમીન પર સૂતેલા જોવા છે.

મારે ગણવા છે કે કેટલા કટકાઓ
થાય છે મારા વટના ?

મારે પણ જોવી છે,
મારી જિંદગીની સૌથી મોભાદાર
ઘટના.

આમ કારણ વગર કોઈ હાર
પહેરાવે, એ ગમશે તો નહિ.

પણ તે સમયે એક સેલ્ફી પાડી
લેવી છે.

ગમતા લોકોની હાજરીમાં કાયમ
ને માટે સૂતા પહેલા, એક વાર મારે
મારી જાતને જગાડી લેવી છે.

એક વાર મૃત્યુનું રિહર્સલ કરવું છે.

હે ઈશ્વર,
કાં તો તું મૃત્યુ ફોરકાસ્ટ કર.

ને કાં તો મારા મૃત્યુ નું સ્વર્ગમાં
તું લાઈવ ટેલિકાસ્ટ કર.

- *ડૉ. નિમિત્ત ઓઝા*

No comments:

Post a Comment