Sunday, February 18, 2018

રવિવાર એટલે શું ?

વ્યવસાયમાં વિખરાયેલી જિંદગીને,

પરિવાર, ભાઈબંઘ સાથે બેસીને, થોડું થિગડું મારવાનો દિવસ.
💀 સ્મશાનમાં લખેલું અર્થપૂર્ણ વાક્ય .💀

" અહીં સુધી મૂકી જવા બદલ આપનો આભાર .🙏 આગળની યાત્રા પર મને મારા કર્મો લઇ જશે ."

Thursday, February 15, 2018

આજની પેઢી પાસે શું નથી ?

એમની બુદ્ધિ...
ભલભલાને પાણી પીવડાવે એવી !

એમને મળતી સગવડો...
કેટલી બધી !

જ્ઞાન મેળવવા માટેના રિસોર્સ...
ઢગલાબંધ !

ફેમિલીનો સહકાર...
સતત !

અરે !
એમ કહું તો ચાલે કે -
માતા-પિતા એમના પ્રોગ્રામ કે ટાઈમટેબલને પ્રાયોરિટી આપે...
અને,
પછી જ પોતાનો કોઈ પ્રોગ્રામ બનાવે !!

સુખ સગવડના સાધનો ?
એના વગર તો જીવાય જ કેમ !

ખુદ માતા કે પિતા જુનો ફોન વાપરે,
સ્કૂટર જુનું થયું હોય તો ચલાવી લે...
પણ,
દીકરા, દિકરીને મોબાઇલ, બાઈક કે સ્કૂટી તો નવું જ અપાવે !!

ટ્યુશન...સ્કુલની મોટી ફી દેવું કરીને પણ અરેન્જ કરી આપે !

અને,
છતાં આજની પેઢી...
આજનો યુવાન કે યુવતીના ચહેરા પર કોઈ ખુશી કેમ નથી ?
આ પેઢી ઉદાસ કેમ છે ??

૪૦-૫૦ વર્ષ કે એથી મોટી વયના લોકોને યાદ હશે કે -
માતા-પિતાને ખબર પણ ના હોય કે... પોતાનું બાળક કયા ધોરણમાં ભણે છે !

અરે,
આજે સ્કુલમાં સાહેબે તમને બોલાવ્યા છે, એવું પિતાજીને કહેવામાં પણ ડર લાગતો !

કારણકે -
આપણે જ કોઈ ભૂલ કરી હશે...
અને ફરિયાદ કરવી હશે...
- એમ માની પપ્પાના હાથનો લાફો પહેલાં પડી જતો !

અને,
“ભણે છે તો શું થયું ?
બજારનાં નાનાં-મોટાં કામ તો તારે જ કરવાના..”

અથવા,

દીકરી હોય તો
ઘરનાં કામ તો કરવાના જ !
-આવો સંવાદ દરેકના જીવનમાં થયો હશે...

અરે ભલું હોય તો -
પપ્પાની દુકાન સંભાળવા પણ જવું પડતું.

લેસન કરવાની જવાબદારી તો આપણી જ !

એના માટે કોઈ સ્પેશિયલ સમય નહોતો ફાળવાતો...

અને ટ્યુશન ?

એ શું વળી ?

“સ્કુલમાં ઢોર ચારે છે...
તો તારે ટ્યુશન રખાવવું પડે ?”
-આ ડાયલોગ પણ ઘણાં બધાએ સાંભળ્યો હશે !

અને,
ટ્યુશન રખાવનાર બાળક સહુથી ડફોળ ગણાતો...

એટલે જો શિક્ષક બાળકને ટ્યુશન રખાવવાનું કહે...
તો -
બાળકને અને વાલીને ડૂબી મરવા જેવું લાગતું !!

છતાં ચહેરા પર ખુશી કેટલી હતી !

કોઈ બોર્નવીટા કે હોર્લીક્સ વાળું દૂધ નહોતું મળતું...

અને છતાં એ વખતે પણ હાઈટ વધતી હતી...
અને,
શક્તિ અત્યારના બાળક કરતાં વધુ રહેતી !

સ્કુલેથી આવી દૂધ પીને સીધા ગલીમાં કે પોળમાં રમવા જતા રહેવાનું...
અને,
માટીમાં રમીને ધૂળવાળા થઈને પાછા આવવાનું...
છતા,
કેટલો સંતોષ !

ક્યારેય આપણને એ માટીમાં રમવાથી ઇન્ફેકશન નહોતું થતું !

થોડો તાવ આવતો તો -
ઘરગથ્થુ ઉકાળાથી જ મટી જતો !

વળી,
ઘરમાં પિતાને પણ ખબર ના પડતી...

અત્યારની જેમ કોઈ ખોટા લાડ નહિ...
અને,
છતાં બધાં જ બાળક ખુશ રહેતાં !

કોઈના જીવનમાં - કોઈ ટેન્શન નહીં...

અને હા,
ખાલી એ દિવસ થોડો ટેન્શન વાળો જાય...
જ્યારે રિઝલ્ટ પર પપ્પાની સહી લેવાની હોય !

અને,
રીઝલ્ટ ખરાબ હોય...
તો પણ,
પપ્પા લડે કે એકાદ લાફો મારી દે...

તો -
૧૦ મીનીટમાં ભૂલી જવાનું !

*એ મારા પપ્પા કે મમ્મી છે...*
*મારે પણ ખરાં !*

અને અત્યારે ?

માતા-પિતાથી બાળકને ઉંચા અવાજે બોલાય પણ નહીં...

બાળકનું ધાર્યું ના થાય તો -
એ ડીપ્રેશનમાં જતું રહે !

શિક્ષક એને લઢી ના શકે...
તો મારવાની વાત જ ક્યાંથી ?

દરેક બાળક ભીડ વચ્ચે એકલતા અનુભવે છે...

પોતાની જીદ પૂરી ના થાય તો -
ડીપ્રેશન આવી જાય !

અને એટલી હદે કે -
બાળક આત્મઘાતી પગલું ભરતાં પણ વિચાર નથી કરતું !!

અત્યારનાં દરેક માતા-પિતા મારી સાથે સહમત થશે કે...?

આપણે એને પૂછીએ કે -
”બેટા, ક્યાં જાય છે ?”

તો જવાબ આ જ હોય કે -
“ બહાર જઉં છું. “

કોઈ વાતનો સીધો જવાબ નહિ...
અને,
છતાં માબાપથી કશું કહેવાય નહી !

બસ,
સમસમીને બેસી રહેવાનું...

ક્યાં લઇ જઈ રહ્યા છીએ આપણે આપણી આ નવી પેઢીને ?

પશ્ચિમી સંસ્કૃતિનું આંધળું અનુકરણ આપણને એક ઊંડા કૂવામાં ધકેલી રહ્યું છે...
- એનું ભાન છે ?

પાણી માગે તો -
દૂધ હાજર કરી દેનારા માતા-પિતા સમજતા કેમ નથી કે -
એ પોતાના જ બાળકને પાંગળું બનાવી રહ્યા છે !

થોડું પણ 'સ્ટ્રેસ' ના આપવું...
એ આપણો 'પ્રેમ' હોઈ શકે...

પણ,
એનાથી એ બાળક ભવિષ્યમાં આવનારા સ્ટ્રેસને હેન્ડલ નહિ કરી શકે !

કાં તો ડીપ્રેશનનો ભોગ બનશે...
અથવા તો -
આત્મઘાતી પગલું ભરશે...
- એ કેમ નથી વિચારતા, ?

‘ના’ સાંભળવાની આદત નહિ હોવાને કારણે -
ભવિષ્યમાં કોઈ વ્યક્તિ એને ‘ના’ કહેશે...તો?

એને પોતાનો 'અહમ' ઘવાશે...

અને,
ના કરવાનું કરી બેસશે એનું શું ?

વસ્તુઓ માગ્યા પહેલાં જ મળી જતી હોય...

એને પછી -
ભવિષ્યમાં ધીરજ રહેશે ખરી ?

તમારું બાળક તમને પ્યારુ છે, ઈમ્પોર્ટન્ટ છે...

એટલું જ મહત્વનું સમાજમાં પગ મુકશે ત્યારે બધા ગણશે એને ?

એ સ્વાર્થી બનીને કોઈને ગણે જ નહિ તે છતાં આપણા તરફથી જે વાત્સલ્ય એને મળે છે,
એવું જ વ્હાલ એને સમાજમાંથી નહિ મળે !
(કારણકે સામેની વ્યક્તિ પણ આવી રીતે ઉછરેલી વ્યક્તિ હશે ને !)

ત્યારે શું થશે એનો વિચાર કર્યો કોઈ દિવસ ?

ચાલો,

આજે.... થોડું આપણે સુધારવાનો નિર્ણય લઈએ.

આપણે આપણા બાળકને 'સામાન્ય' દેખાતા...પરંતુ,
ભવિષ્યમાં થનારા મોટાં જોખમો સામે રક્ષણ આપનારા ગુણો શીખવાડીશું.

એના માટે માતા-પિતાએ થોડું કઠોર બનવું પડશે !

*જો હીરાને ઘસવાવાળી પોલિશ કરવાવાળી એમ્રી થોડી કઠોર અને કર્કશ નહિ હોય...*

*તો -*
*હીરાની કિંમત નજીવી બની જશે !*
*કેમકે એ પોલીશ જ નહિ કરાયેલો હોય એટલે !*

દિલમાં દુ:ખ તો થાય...

છતાં પણ બાળકને ધીરજ,
‘ના’ સાંભળવાની ટેવ,
મોટાઓનો આદર કરવાની ટેવ
અને,
પ્રોબ્લેમ સોલ્વ કવાની કેપેસીટી...
આ બધું જ શીખવાડવું પડશે.

દુનિયા ક્યારેય એટલી નવરી નથી કે -
તમારા બાળકની સતત ઢાલ બનીને રહે !

જો આ ગુણો એનામાં આવશે...
તો -
ફક્ત હેપ્પી ન્યુ ઈયર નહિ...
પણ,
આપણી અને એમની લાઈફ પણ 'હેપ્પી' બની જશે !!

સોરી,
*થોડી ભાષા કઠોર વાપરી છે...*
પણ,
*એ મારી આજની યુવાપેઢી વિશેની ચિંતા છે...*

*તો એને 'ક્ષમ્ય' ગણશો !!*🙏

Saturday, February 10, 2018

ચાદર ટ્રેક




ફોટોગ્રાફર સૌરભ દેસાઈ, ચેતન સાંઘાણી અને મિત્ર ચિત્રાંગી પટેલ હાલમાં જ ચાદર ટ્રેક કરી આવ્યા અને હવે તેઓ રોજ ચાદર અને ઝંસ્કારનો કોઈને કોઈ ફોટોગ્રાફ અપલોડ કરીને જીવ બાળે છે. મનમાં થાય છે કે આ બધું મૂકીને ફરી એકવાર ચાદર પર ચાલવું છે, ફરી એકવાર અંતરનો ઓમકાર સાંભળવો છે અને બરફના પંખી બની જવું છે... જોકે એ શક્ય નથી. હવે તો ચાદર પણ ઓગળવા માંડી હશે, પરંતુ મેં જ્યારે ટ્રેક કરેલો ત્યારે જે અનુભૂતિઓ ઝીલેલી એ મેં ફરી વાંચીને ઝંસ્કારને યાદ કરી. આયમ શ્યોર કે તમને આ ગમશે જ... ફરી વાંચીએ ચાદરના એ લેખો...

ચદરીયા ઝીણી રે ઝીણી

-અંકિત દેસાઈ

'જીવનમાં કશું કાયમી નથી હોતું એ વાત જેટલી સાચી છે એટલી જ સાચી વાત એ પણ છે કે, લાઈફમાં આપણું પેશન પણ કાયમી નથી હોતું. કોઈ એક-બે કે ત્રણ બાબત, કામ કે હૉબી માટેના તમારા પેશન માટે તમને એમ હોય કે, ખોળિયામાંથી જીવ જશે ત્યાં સુધી આ પેશન જવાનું નથી. પરંતુ કોઈક ઘટના, પ્રવાસ કે ક્ષણમાંથી કલાક અને કલાકમાંથી દિવસો કે મહિનો બની જતો સમય કોઈક બાબત, કામ કે હૉબી માટેની તમારી ચાહત, લગાવ કે તમારા ગાંડપણની માત્રામાં ઘટાડો કરી શકે છે. એમ પણ બને કે, ક્યારેક તમે એ બાબત, કામ કે હૉબી માટે મરણિયા થઈને મથ્યાં હો એ બાબત તમને લગીર નહીં આકર્ષે.'

અવતરણ ચિહ્નમાં લખાયેલું આ વાક્ય મેં મારા અનુભવમાંથી લખ્યું છે પરંતુ એ કેટલે અંશે સાચું છે કે એ યુનિવર્સલ ટ્રુથ છે કે નહીં એ વિશેનો કોઈ જ દાવો નથી કરતો. અને દાવા-દલીલોમાં ઝાઝો રસ પણ નથી! આ લખાઈ રહ્યું છે ત્યારે હું નક્કી નથી કરી શકતો કે, લેખન-પત્રકારત્વ માટેનો મારો લગાવ, એ તરફની મારી ચાહત કે એમાં કોઈક નવા પ્રયોગો કરવાની મારી પેશન ઓછી થઈ ગઈ છે કે મારા પ્રવાસ અને પ્રવાસ દરમિયાન અનુભવેલા સ્પંદનોને કારણે ઉદભવેલી આ કોઈ ટેમ્પરરી અસર છે. કારણ કે, જે કોરી વર્ડ ફાઈલ જોઈને એ ફાઈલ હજાર-બે હજાર શબ્દોથી ભરી દેવાની ચાનક ચઢતી કે TVS ના જે કીબોર્ડ પર ટાઈપ કરતી વખતે ઉદભવતો ખટખટાખટનો અવાજ પિયાનોની ધૂન જેવો લાગતો, એમાંનું કશું આકર્ષતું નથી. બધુ વ્યર્થ લાગે છે. આશા રાખીએ કે, આ ફીલિંગ્સ પણ ટેમ્પરરી જ હોય!

ખૈર, ઝંસ્કારની વાત કરીએ. લેહ-લદાખની ખીણમાં વહેતી આ નદી કંઈક નોખી છે. સામાન્ય રીતે નદીમાં આપણે નહાતા, તરતા હોઈએ, કોઈક નદીને કિનારે બેસીને પ્રિયજનના હાથમાં હાથ પરોવીને સૂર્યાસ્ત માણતા હોઈએ કે, ક્યારેક એકાદ હોડી ભાડે લઈને નદીની સેર કરતા હોઈએ. પણ ઝંસ્કાર નોખી એટલે છે કે, એ થીજેલી નદીની છાતી પર આપણે ચાલવું પડે છે અને કલાકો સુધી ચાલીને થાકી જઈએ તો ઝંસ્કારની મધ્યે કોઈક ખડક પર બેસીને થોડો પોરો પણ ખાઈ શકીએ છીએ. પાછળથી સિંધુ નદીમાં ભળીને પોતાનું અસ્તિત્વ ખોઈ બેસતી ઝંસ્કાર નદી ઝંસ્કાર વેલીના બાર હજાર લોકો માટે શિયાળામાં લાઈફ લાઈન છે, તો ટ્રેકર્સ, માઉન્ટેનર્સ કે એડવેન્ચર સ્પોર્ટ્સમાં રસ ધરાવતા લોકો માટેનું સ્વર્ગ છે.

લેહના છ મહિનાના કાતિલ શિયાળામાં જ્યારે વાયા કારગીલ લેહ જતો રસ્તો બરફને કારણે બંધ થઈ જાય છે ત્યારે ઝંસ્કાર વેલીના લોકો લેહ જવા માટે થીજેલી ઝંસ્કારનો સહારો લે છે. આ કારણે જ ઝંસ્કારને થીજી ગયેલી કહેવી સરાસર ગુનો કહી શકાય કારણ કે, થીજેલી ઝંસ્કાર પર અનેક ઝંસ્કારીઓ અવિશ્રાંત ચાલે છે અને ટ્રેકરો ટ્રેક કરે છે, આ કારણે જ તે વહેતી રહે છે, ઝંસ્કાર ખળખળ ધબકતી રહે છે.

શિયાળાના છ મહિના ઝંસ્કાર સાવ અને સતત થીજેલી જ હોય એવું પણ નથી હોતું. આ હિમાલય પુત્રી ક્યાંક ક્યાંક ખળખળ વહે છે તો ક્યાંક બંને કાંઠે ધોધમાર વહે છે, જેના પાણીમાં તમે જરા જરખો હાથ બોળો તો ઠંડીને કારણે હાથમાં લોહીનું પરિભ્રમણ પણ ઓછું થઈ જાય અને હાથ કામ કરતા બંધ થઈ જાય! જોકે ઝંસ્કારનું આ રૂપ બહુ જૂજ જગ્યાએ જોવા મળે. બાકી, મોટાભાગે તો એ થીજેલી જ હોય. આ કારણે જાન્યુઆરી અને ફેબ્રુઆરી મહિનામાં ઝંસ્કાર નદીના 75 કિલોમિટરના વિસ્તારમાં મોટાપાયે ટ્રેકિંગ થાય છે, જેને 'ચાદર ટ્રેક' કહેવામાં આવે છે. ચાદર નામ એટલા માટે જ કે, ઝંસ્કાર થીજી જાય ત્યારે બરફને કારણે એવું લાગે કે, ઝંસ્કારે બરફની સફેદ ચાદર ઓઢી છે. અલબત્ત, ઝંસ્કારની આ ચાદર આપણા ઘરની ચાદરની જેમ નરમ-મુલાયમ કે આરામદાયક નથી હોતી. એની ક્યારેક સાવ ખરબચડી તો ક્યારેક સાવ લપસણી સતહ તમને વારંવાર પાડે છે અને સાવ નજીવું અંતર કાપતા તમને હંફાવે છે, જેના કારણે જ ચાદર ટ્રેક ભારતના ટફેસ્ટ ટ્રેકમાં ટોપ થ્રીમાં આવે છે.

ચાદર ટ્રેકમાં થીજેલી કે વહેતી ઝંસ્કાર કરતા મોટી ચેલેન્જ હોય છે ત્યાંની ઠંડી. જ્યાં દિવસ દરમિયાન માઈનસ પાંચથી સાત, સાંજે માઈનસ દસથી બાર, રાત્રે પંદરથી વીસ અને મળસકે માઈનસ વીસથી સત્તાવીસ સુધીનું તાપમાન રહેતું હોય ત્યારે માણસ યોગ્ય રીતે ઊભો નહીં રહી શકતો હોય અને ક્યારેક ઓક્સિજનની અછત વર્તાવાને કારણે એણે મોટે મોટેથી શ્વાસ લેવા પડતા હોય ત્યાં દિવસના બાર-પંદર કિલોમિટર સુધી ચાલવાની તો વાત જ શું કરવી? પણ તોય દેશ-વિદેશના સેંકડો સાહસવીરો ઝંસ્કારની છાતી પર હિંમતભેર ઉતરી પડે છે અને ઝંસ્કાર વેલીના તમામ પડકારોનો સામનો કરીને ચાદર ટ્રેક પૂરો કરે છે.

ચાદર ટ્રેક

ટફ ભલે હોય પરંતુ આ ટ્રેક અશક્ય તો નથી જ. ઠંડી કી ઐસી કી તૈસી કરીને તમે એકવાર ત્યાં પહોંચી જાઓ અને ચાદરને જોઈને નક્કી કરી લો કે, તમારે આ ટ્રેક પૂરો કરવો છે તો ચાદરની મજાલ નથી કે, એ તમને અટકાવી શકે. અહીં પગલે પગલે પડકાર આવે છે. એ પડકારો તમારી ધીરજ અને તમારી હિંમતની કપરી પરીક્ષા કરી નાંખે છે.

ચાદરનો એક જ નિયમ છે કે, અહીં સતત ચાલતા રહેવું પડે છે. જો અહીં અટકવાનો વિચાર કરશો કે ચાલવાની આળસ કરશો તો તમારી હાલત કફોડી થઈ જશે. ચાલતા નહીં રહો તો શરીરમાં ગરમી ઉત્પન્ન નહીં થાય, તમે ઠંડીનો સામનો નહીં કરી શકો અને તમારે ઠુઠવાઈને મરવાનો વારો આવે. અને બીજું કારણ એ કે, ઝંસ્કારની ચાદરનો કોઈ ભરોસો નથી હોતો. એ ચાદર સતત આકાર બદલતી રહે છે અને જે ચાદર સવારે અત્યંત કઠણ જણાતી હોય એ જ ચાદર સાંજ ઢળ્યે પાતળી પણ થઈ જાય, જેના પર પગ મૂકતા જ તે કડડભૂસ થઈ જાય અને ઝંસ્કારના ઠંડા પાણી, બરફના ગાંગડા તમારા પગને સ્પર્શી જાય અને તમે ઠંડીની કાતિલતાથી ચિલ્લાઈ ઊઠો.

ચાદર ટ્રેકનો સૌથી મોટો ફાયદો એ હોય છે કે, આ ટ્રેક તમારો તમારી જાત સાથે સીધો સંપર્ક કરાવી આપે છે. 75 કિલોમિટરના આ ટ્રેકમાં એડવેન્ચરની સાથે તમને અધ્યાત્મની પણ અનુભૂતિ થતી રહે છે. ચાદરની સફેદી, હિમાચ્છાદિત હિમાલયની તોતિંગ ભેખડો, અમાપ આકાશ અને એવી જ અસીમ નિરવતા તમારા આત્માને ઢંઢોળીને ઉઠાડી મૂકે છે. ત્યાંના વાતાવરણને કારણે તમે ટ્રેકર હો તો પણ તમને સતત સાધુત્વનો અહેસાસ થતો રહે છે. એમાંય જો ક્યારેક ચાદર લાંબી અને સરળ હોય અને ચાલવામાં બહુ જહેમત નહીં લેવાની હોય તો તમારું ચાલવું ઑટો મૉડ પર થઈ જાય છે તમે તમારી જાત સાથે સંવાદ કરતા થઈ જાઓ છો. અને જાતને અનેક ન પૂછવાના સવાલ પૂછી બેસો છો.

ત્યાંની વિષમ ભૌગોલિક પરિસ્થિતિને કારણે આખા ચાદર ટ્રેકમાં એક જ કોમ્યુનિકેશન શક્ય છે. અને એ છે તમારું તમારી જાત સાથેનું કોમ્યુનિકેશન. બાકી મોબાઈલ ટાવર્સ કે વ્હોટ્સ એપ કે ફેસબુક તો પરગ્રહના કોમ્યુનિકેશન ટુલ્સ જ સાબિત થાય.

છ રાત અને સાત દિવસ તમે તમામ સંબંધો, તમામ પદવીઓ અને બધી આવડતોથી દૂર થઈ જાઓ છો. ઝંસ્કારને એ બાબત સાથે કોઈ લેવા દેવા નથી કે, તમે કોના દીકરા છો, કોઈ તમને કેટલું ચાહે છે કે તમે કોઈને કેટલો પ્રેમ કરો છો? ચાદરને એની સાથે પણ કોઈ નિસ્બત નથી કે તમે શું ભણ્યા છો કે, તમારામાં કેટલી સ્કીલ્સ છે, કે મેદાનોની હાઈરાઈઝ બિલ્ડિંગ્સમાં સૂટ બૂટમાં તૈયાર થઈને એપલના લેપટોપ પર તમે શું તોપ ફોડો છો અને તમે કેટલું કમાઓ છો. એના માટે તમારું માણસ હોવું એ જ તમારી લાયકાત છે. એના માટે ઝંસ્કાર વેલીમાં ભયંકર અભાવોમાં રહેતા અદના લદાખી અને આપણે બધા એક સમાન છીએ.

ઝંસ્કાર પર ચાલતા પહેલા આપણે આપણા અહં અને બધી હોશિયારી કર્ણના કવચની જેમ ઉતારી દેવા પડે છે. નહીંતર ઝંસ્કાર આપણને એક મિનિટ પણ સરખા ચાલવા નહીં છે. એ આપણને વારંવાર પછાડશે, અને જ્યાં સુધી આપણે એના તાબે નહીં થઈએ ત્યાં સુધી વારંવાર એની કઠોરતાનો પરચો આપશે. જો આપણે એને થોડી અકડ બતાવીશું તો એનાથી પાંચ ગણી અકડ ઝંસ્કાર આપણને બતાવશે. ઝંસ્કાર પર ચાલતી વખતે ડાઉન ટુ અર્થ નહીં પણ ડાઉન ટુ ઝંસ્કાર રહેવું પડે છે.

ઝંસ્કાર પર જામેલા ક્રિસ્ટલ ક્લિયર બરફમાં આપણને આપણો ચહેરો જ નહીં પરંતુ આપણી જાત પણ દેખાય છે. એ જોઈને આપણને ખ્યાલ આવે છે કે, આપણે કોણ છીએ. એ જોઈને ખ્યાલ આવે છે કે આપણે બીજાઓથી કંઈ વિશેષ નથી. આપણે એ જ છીએ, જે અહીંનો સામાન્ય ઝંસ્કારી છે. એનો અભાવ આપણો અભાવ છે. ઝંસ્કારી હોય કે આપણે હોઈએ, અભાવથી કોઈ અલિપ્ત રહી શકતું નથી. અલબત્ત આપણા અને એના અભાવની સ્થિતિમાં જમીન આસમાનનો ફરક છે. સામાન્ય ઝંસ્કારી ભૌતિકતા અને તકોના અભાવમાં જીવે છે, તો શહેરની આપણી સૉફેસ્ટિકેટેડ લાઈફસ્ટાઈલમાં આપણે આપણા જ અભાવમાં જીવીએ છીએ.

આ બંનેમાં વેઠી શકાય એવો અભાવ કયો? ભૌતિકતાનો અભાવ કે આપણો પોતાનો અભાવ? ઝંસ્કાર આવા બધા સવાલો ખડા કરી આપે છે. જોકે જેમ જેમ ચાલતા જઈએ, આગળ વધતા જઈએ અને ચાદરના વિવિધ પડાવોને પાર કરતા જઈએ એમ ખૂદ ઝંસ્કાર જ એ બધા સવાલોના જવાબ આપતી જાય છે. કુરુક્ષેત્ર મધ્યે ઊભેલા કૃષ્ણની જેમ એ આપણને બધુ સમજાવતી જાય અને જીવન શું છે, આપણે કોણ છીએ અને આપણું અહીં શું કામ છે એની સમજણ આપતી જાય છે. હા, જોકે આ બધુ શીખવા, જાણવા માટે આપણે આપણા અંતરના દ્વાર ઉઘાડા રાખવા પડે છે. ચાદર જે શીખવે એ શીખવાની તૈયારી રાખવી પડે છે અને સંપૂર્ણ પણે ઝંસ્કારને શરણે થઈ જવું પડે. જોકે ઝંસ્કારને ખોળે ગયા હો તો આમ પણ ઝંસ્કારને તાબે થયે જ છૂટકો. એની આમાન્યા જાળવવી જ પડે. નહિતર ન તો ઠંડીનો સામનો કરી શકાય કે નહીં તો ચાદર ટ્રેક પૂરો કરી શકાય.

આ તો મારા અધ્યાત્મિક અનુભવની વાત. ચાદર ટ્રેક દરમિયાનના વિવિધ પડાવો, જાતજાતના પડકારો, ત્યાંનુ એડવેન્ચર, બરફની ચાદરના પ્રકારો અને ત્યાંની જીવનશૈલી વિશેની વાતો બાકી છે. એ કથા કાલે માંડીએ. જૂલે!

(તસવીર : ચેતન સાંઘાણી)


યા હોમ કરીને પડો, ચાદર છે આગે....

(ચાદર સિરીઝનો બીજો લેખ.)

અંકિત દેસાઈ

ગઈકાલે આપણે ઝંસ્કાર નદી અને શિયાળામાં એના પર બાઝતી ચાદર વિશેની કેટલીક વાતો જાણી. આજે ચાદર ટ્રેક ક્યાંથી શરૂ થાય, ટ્રેક દરમિયાન ચાદરના કેવાક રંગો હોય, ટ્રેક દરમિયાન ક્યા પ્રકારના પડકારો અને પડકારોની સાથે કયા પ્રકારની મજા આવે એ વિશે જોઈએ. ભારતના સૌથી ટફ ટ્રેક્સમાં હંમેશાં ટોપથ્રીમાં સ્થાન પામતો ચાદર ટ્રેક જાન્યુઆરી અને ફેબ્રુઆરી મહિના દરમિયાન જ કરી શકાય છે. આ સિવાયના સમયમાં જ્યારે નદી ખળખળ ધસમસતી હોય ત્યારે પ્રવાસીઓ ઝંસ્કારમાં રિવરક્રાફ્ટિંગની મજા માણતા હોય છે.

ચાદર ટ્રેક માટે અનેક ટ્રેકિંગ કંપનીઓ ઓનલાઈન બુકિંગ કરે છે. સત્તરથી વીસ હજારના પેકેજમાં છ નાઈટ સાત દિવસનું બુકિંગ કરાવી શકાય છે. ટ્રેકિંગ માટે ઉત્સુક ગુજરાતીઓએ ઓગસ્ટ અથવા સપ્ટેમ્બર મહિનાથી બુકિંગ કરવાનું શરૂ કરી દેવું જોઈએ, બુકિંગ કરવા માટેનું રિમાઈન્ડર હમણાથી મૂકી દેવું હોય તો મૂકી દો, જેથી તમને સામાન્ય ભાવ કરતા થોડા સસ્તા ભાવમાં ટ્રેકિંગ પેકેજ મળે અને ફ્લાઈટની ટિકિટ્સ પણ સાવ નજીવા દરે મળે. પછી જેમ મોડું કરશો એમ સિટ્સ બુક થવા માંડશે અને વિવિધ કંપનીઓના ભાવ વધવા માંડશે અને ફ્લાઈટ્સના ભાવ તો પેલી વાર્તાની રાજકુમારી કરતાય વધુ ઝડપે વધતા જશે. યાદ રહે કે, શિયાળામાં લેહ જતાં જમીન માર્ગો બંધ થઈ જાય છે એટલે ત્યાં ફ્લાઈટમાં ગયા વિના છૂટકો નથી.

ચાદર ટ્રેક માટે જાઓ ત્યારે ફ્લાઈટની ટિકિટ્સ એ રીતે બુક કરાવવી કે ટ્રેક શરૂ થાય એ પહેલા લેહમાં તમને દોઢથી બે દિવસ રહેવા મળે, જેથી ટ્રેક દરમિયાન વાતાવરણની કઠણાઈઓ શરૂ થાય એ પહેલા તમે લેહના વાતાવરણ સાથે તાલમેલ સાધી શકો. કારણ કે દિલ્હીથી ઉડતી ફ્લાઈટમાં તમે જ્યારે લેહ ઉતરો ત્યારે અચાનક જ વધી જતી ઉંચાઈ તેમજ માઈનસમાં જતું રહેતું તાપમાન અમસ્તા જ તમારું માથું ભારે કરી દેશે અને તમને ઊલટી થવાનો અહેસાસ થતો રહેશે.

ટ્રેકિંગ પર જતાં પહેલા વુલન શોક્સથી લઈને જાડા સ્વેટર કે ફ્લિશ જેકેટ હોય કે પછી વુલન ઈનર્સ હોય કે હેન્ડ ગ્લવ્ઝ અને ટ્રેક પેન્ટ હોય એ બધુ જ વ્યવસ્થિત પેક કરી લેવું. અને હા, આ બધાની બબ્બે જોડી સાથે રાખવી. કેટલીક વસ્તુ તમારે લેહના બજારમાંથી જ લેવાનો આગ્રહ રાખવો. જેથી વસ્તુની ક્વોલિટી પણ ત્યાંના તાપમાન મુજબની મળી રહે અને ગુજરાત કે દિલ્હીથી લેહ જઈએ ત્યારે આપણને એનો ભાર પણ ઓછો લાગે.

લેહ પહોંચીએ ત્યારે આપણી હોટેલનું બુકિંગ ટ્રેકિંગ કંપનીએ કરી જ દીધું હોય, એટલે આપણે માત્ર જે-તે સ્થળે પહોંચવાનું જ રહેતું હોય છે. લેહ એરપોર્ટ પર ઉતરો એટલે તરત માથે ઉનની ટોપી પહેરી લેવી અને આખો દિવસ બને એટલું વધુ પાણી પીવાનું રાખો. જેથી માથું દુખવાની સંભાવના નહીંવત થઈ જાય. અને હા, બને ત્યાં સુધી પહેલા ત્રણેક દિવસ આલ્કોહોલ કે સિગારેટનું સેવન પણ ટાળવું.

ચાદર ટ્રેકનો રોમાંચ તો તમે તમારી હોટેલમાં પહોંચો ત્યારથી જ શરૂ થઈ જતો હોય છે. એક તરફ તમારી ટ્રેકિંગ કંપની તમારા બેચ મેટ્સ સાથે તામારો મેળાપ કરાવી આપે છે, તો ટ્રેક પૂરો કરીને આવતા અગાઉના બેચના સાહસવીરો પણ એમની ટ્રેકિંગ બેગમાં ચાદરની ભાતભાતની વાતો લઈને હોટેલ આવી પહોંચેલા હોય, જેઓ 'અમે આવી પરેશાનીનો સામનો કર્યો અને અમે ચાલતા હતા ત્યારે વાતાવરણે અમને જરાય સાથ નહીં આપ્યો કે અમારા પેશનને કારણે જ આ ટ્રેક પૂરો થયો, બાકી ઢીલા પોચાનું આ કામ નહીં.' જેવી અનેક વાતો કરીને પોતાની સાહસગાથાનું પઠન કરતા હોય. આ બધી વાતોમાં કેટલીક નેગેટિવ વાતો પણ સાંભળવામાં આવતી હોય, પરંતુ આપણે એ બાબતો પ્રત્યે ધ્યાન નહીં આપવાનું અને ચાદર માટેના આપણા રોમાંચને જરા પણ ઓછો નહીં થવા દેવાનો.

દોઢેક દિવસના લેહ રોકાણ પછી તમારી ટ્રેકિંગ કંપની, એક બસમાં તમારા આખા ગ્રુપને સિત્તેર કિલોમિટર દૂર વાયા ચિલિંગ તિલદ લઈ જશે, જ્યાં તમારા ટ્રેકિંગનો પહેલો પડાવ હશે. મેગનેટિક હિલ્સના રસ્તે વાયા ચિલિંગ થઈ તિલદ પહોંચતી બસની બંને તરફ હિમાલયનું સૌંદર્ય સોળે કળાએ ખીલેલું હોય અને સાથે દિલમાં ચાદરનો રોમાંચ હોય ત્યારે દિલમાં લાગણીઓના જે ઘોડાપુર ઉમટે એ લાજવાબ હોય છે. ઈન્ડસ વેલીમાંથી પસાર થતી બસ ઝંસ્કાર વેલીની ચટ્ટાનો પર ક્યારે ઘરેરાટી બોલાવતી થઈ જાય એની કોઈ સરત નહીં રહે. સદીઓથી માનભેર ઊભેલી ચટ્ટાનોની નીચે દેખાતી ઝંસ્કાર નદી જોઈને તમને એમ જ થાય કે, હવે જો આ બસ નહીં અટકે તો મારે બસની બારીમાંથી બહાર નીકળીને ઝંસ્કાર પર એક ભૂસકો મારવો છે!

બસ જ્યારે ચિલિંગ જઈને ઊભી રહે ત્યારથી જ ટ્રેકિંગ શરૂ થઈ જાય, જ્યાં તમારે તમારા ગાઈડ સાથે ઊંચી પહાડી પરથી ઉતરીને નીચે તિલદ સુધી પહોંચવાનું રહે. થોડા નીચે ઉતરો એટલે ઝંસ્કારની ચાદર તમને એના આલિંગનમાં લેવા માટે તત્પર હોય. તમે ઝંસ્કારના સૌંદર્યથી અભિભૂત થઈને એની સુંદરતામાં ગળાડૂબ થયાં હો ત્યાં અચાનક તમારે કાને, 'જૂલે... જૂલેજી.... જૂલે...'ના અવાજો સંભળાય. તિલદ પોઈન્ટ પર ઝંસ્કારના કિનારે બેઠેલા સ્થાનિક ઝંસ્કારીઓ આ રીતે તમારું સ્વાગત કરે છે, જેઓ પછીથી તમારી સાથે પોર્ટર્સ તરીકે જોડાતા હોય છે અને તેઓ જ આવનારા સાત દિવસો સુધી તમારા સુખ-દુખના સાથી બનતા હોય છે, તમારા શિક્ષક બનતા હોય છે.

ઝંસ્કાર વેલીમાં દૂરદરાઝના ગામડામાં વસતા આ ઝંસ્કારીઓના સ્વભાવ તમને અચંબામાં પાડી દે એવા હોય. નિયતના એકદમ ચોખ્ખા આ સાફદિલ ઈન્સાનોના કપડા ભલે ચાડી ખાતા હોય કે, તેઓ અભાવમાં જીવે છે પરંતુ એમના હસમુખા ચહેરા હંમેશાં કોઈને કોઇ આનંદગાથા ગાતા હોય, જેમને જોઈને કે એમની સાથે વાતો કરીને તમને ગજબનાક પોઝિટીવ એનર્જી મળે. આ પોર્ટર્સ જ તમને આવનારા દિવસોમાં એ સમજાવી દે છે કે, 'બકા, હસવા કે આનંદમાં રહેવા માટે ક્યારેય કોઈ કારણની જરૂર નથી હોતી. કે ન તો હસવા માટે કોઈ ભૌતિક બાબતની જરૂર હોય. હસવું જ હોય, આનંદમાં રહેવું જ હોય તો ઉપર આકાશ તરફ જો, એમાં વિહરતા વાદળના ગોટા તરફ જો, આસપાસ સરસરાતા પવનને મહેસૂસ કર, એના લયને માણ, મન થાય તો આ કોતરોને લલકારીને એકાદ બૂમ પાડ અને કોતરોમાંથી પરત થતાં તારા ધ્વનિને માણ, નદીના ખળખળાટને ધ્યાનથી નિહાળ અને આ ઠંડકની દિવ્ય અનુભૂતિ કર. જો તો ખરો આ વિચારતા જ તારા ચહેરા પર ખુશી પ્રકટી ગઈ, હાસ્યની નાનકડી લહેરખી ફરકી ગઈ તો જ્યારે તું આ બધુ અનુભવશે ત્યારે તને કેવી મજા આવશે!'

આ નવો અને નિર્મળ પ્રદેશ જોઈને તમે થોડા આગળ વધશો ત્યાં જ તમને તમારો ગાઈડ આદેશ આપશે કે, 'બસ હવે આપણે વધુ નથી ચાલવાનું સામે જે તંબુ બંધાઈ રહ્યા છે એ જ આજનું આપણું નિવાસસ્થાન છે. આજનું ટ્રેકિંગ બસ આટલું જ!' વળી, થોડા જ સમયમાં પોર્ટર્સ અને કુક તમને લંચ કરાવી દે છે અને પહેલા દિવસે હજુ તો બપોરના બે પણ વાગ્યા નહીં હોય ત્યાં તમે સાવ નવરા થઈ જાઓ. તમારી પાસે કોઈ કામ રહેતું નથી. મોબાઈલ ફોનના નેટવર્ક નહીં હોય એટલે ફેસબુક, વ્હોટ્સ એપ કે ઈમેલની વાત તો ભૂલી જ જવાની. તો કરવાનું શું? વાતો? બેચ મેટ સાથે દોસ્તી કેળવવાની? કે પછી પોતાના ટેન્ટમાં જઈને કે ઝંસ્કારની રેતી પર લંબાવીને આરામ કરવાનો? ના... ના... ના...

બેચ મેટ્સ સાથે હાય-હેલ્લો તો આમ પણ તમારું થઈ જ ગયું હોય. અને આગલા સાત દિવસ સુધી ઝંસ્કાર તમને એટલી બધી તકો પૂરી પાડશે કે, તમે ગમે એટલા અંતર્મુખી હશો તો પણ તમે તમારા બેચ મેટ્સના ખાસમખાસ થઈ જશો. એટલે સંબંધ કેળવવાના પોકળ વલખા મારવા કરતા ક્યાં તો કેમેરા હાથમાં લઈ ફોટોગ્રાફ્સ ક્લિક કરવા નીકળી પડો અથવા હેડ ફોન લઈને મોબાઈલમાં સુંદર ગીતો વગાડતા ઝંસ્કારની ચાદર પર હળવે હળવે લટાર મારવા નીકળો. થોડે દૂરની કોઈક શિલા પર બેસવું અને હિમાલયની અસીમ સૌંદર્યતા અને અખંડ નિરવતા વચ્ચે આપણું એકાંત માણવું. ચાદરના પડ જોવાના, બે તરફની ચાદર વચ્ચે વહેતી ઝંસ્કારને માણવી. એ નિરવતામાં તમને આવનારા સાત દિવસ સુધી ઝંસ્કારમાં ઝઝૂમવાની તાકાત મળશે, ઝંસ્કાર જાણે તમારા ખભે હાથ મૂકીને કહેશે કે, 'તારામાં અને મારા ઝંસ્કારી સંતાનોમાં કોઈ ભેદ નથી. મારા માટે તમે બંને એક જ છો. તારે માત્ર એટલું જ ધ્યાન રાખવાનું કે, આ ટ્રેક કોઈ મિશન નથી, આ ટ્રેકમાં તારે કંઈ અચિવ નથી કરવાનું નથી. 75 કિલોમિટરની આ યાત્રામાં તારે માત્ર તને જ પામવાનો છે, તારો ક્રોધ, તારી ઉતાવળ, તારો સંતાપ બધુ જ તારે મારા પાણીમાં વિસર્જિત કરવાના છે. તું મારામાં શ્રદ્ધા મૂકી તો જો, હું તને એવી ભેટ આપીશ કે, પરત ફરતી વખતે તને વિશ્વાસ નહીં થશે કે, તું પણ આવો હોઈ શકે.'

આજુબાજુના પર્વતો, ઝંસ્કાર અને તમારી જાતને માણીને ઊઠશો એટલામાં અંધારુ છવાઈ ગયું હશે, ડિનર તૈયાર કરીને કુક અને પોર્ટર્સ ડિનર માટે વ્હિસલ મારીને તમને બોલાવશે, જમીને થોડા સમય માટે તમે કેમ્પફાયર પાસે જશો, જ્યાં તમારા બેચ મેટ્સ સાથે તમારે ફરજીયાત અંતાક્ષરી રમવી પડશે, ગીતો ગાવા પડશે કે દિવસનો એક્સપિરિયન્સ કેવો રહ્યો એની વાતો કરવી પડશે. કદાચ એમ પણ બને કે તમારી શરમ અને તમારા અંતર્મુખી સ્વભાવને કારણે તમે આમાનું કશું નહીં કરી શકો. પરંતુ એ વાત નક્કી કે, ઠંડીથી બચવા તમે કેમ્પફાયર પાસે જશો જ, જ્યાં તમારી જાણ બહાર તમે થોડા થોડા ઉઘડશો, ભલે મોટેથી નહીં, પરંતુ હળવેકથી પણ થોડું ગણગણશો અને બાજુમાં ઊભેલા કો'ક સાથે વચ્ચે વચ્ચે થોડી વાત કરી લેશો અને ત્યાં કલાકેક ઊભા રહીને પોતાના ટેન્ટમાં જઈ સ્લીપિંગ બેગમાં ઉંઘીને થરથરશો. ઝંસ્કારને કિનારે ઉંઘ સળંગ નથી આવતી. ઠંડીને કારણે તમે સતત તંદ્રામાં રહેશો, ક્યારેક ઉંઘ સમૂળગી પણ ઊડી જશે. પરંતુ એનાથી થાક નહીં વર્તાય બીજા દિવસે ચાલવાનું જોમ તમને અમસ્તુ મળી રહેશે.

અને હા, ટેન્ટમાં સૂવા જતાં પહેલા માથે ઝૂલતું આભ જોવાનું નહીં ચૂકતા. સહસ્ત્ર તારાઓની ફોજ માથે ઝળહળાટ કરતી હશે. તારાઓની આવી ચમક આપણા મેદાનોમાં ક્યારેય નહીં દેખાય. એટલે જ, આપણા આદિલ સાહેબ સુગંધનો દરિયો શ્વાસમાં ભરી લેવાની વાત કરતા એમ તારાઓના એ ચળકાટનો દરિયો આંખમાં ભરી લેવાનું નહીં ચૂકતા. આ ઝંસ્કાર છે અહીંની ચાદર જ નહીં, અહીંનું બધુ જ ખૂબસૂરત છે. જો એ ખૂબસૂરતીના પ્રેમમાં નહીં પડો તો ચાદર ટ્રેકથી ઘરે આવો એ પહેલા સાઈકિયાટ્રીસ્ટની અપોઈમેન્ટ લઈ લેવી. ચાદર વિશેની વાતો આ લેખમાં પૂરી કરી દેવી હતી. પરંતુ કમબખ્ત યાદો મૂળ મુદ્દાને અવળે પાટે લઈ જાય છે. કેટલા લેખોમાં ચાદરગાથા પૂરી થશે એની ખબર નથી. કિપ રીડિંગ. જૂલે!

Wednesday, February 7, 2018

'રણ સરોવર'

'રણ સરોવર' પુસ્તક તેની ઝિણવટ ભરી રૂપરેખાનો જ દસ્તાવેજ છે !

ચાર હજાર નવસો સ્કવેર કિલોમીટર !

આ મહાકાય આંકડાંથી હજુ વધુ અંજાવું હોય તો જાણી લો કે આ એરિયા રાજકોટથી વેરાવળ અને રાજકોટથી વિરમગામ જેટલો થાય અને આવી કદાવર જગ્યામાં સરોવર બનાવીએ તો એ એશિયાનું સોથી મોટું મીઠાં પાણીનું સરોવર બને...


4900 સ્કવેર કિલોમીટરનું આ (કલ્પ સરોવરથી ય મોટું) સરોવર બનાવવા માટે કેટલો ખર્ચ થાય, એ માટે તો સરકારી અનુમાનો પાસે કેલક્યૂલેટર હાંફી જાય પણ 'અજન્તા-ઓરેવા'ગૃપના વિઝનરી ચેરમેન જયસુખભાઇ પટેલના મતે, વધીને સો કરોડનો ખર્ચ કરીએ તો એક વરસની અંદર આ સરોવરની યશકલગી ગુજરાતના મુગટમાં ઉમેરાય જાય...

બહુ અઘરું કે અટપટું ન થઇ જાય એમ સમજાવું તો - 4900 સ્કવેર કિલોમીટર એરિયા માટે જમીન સંપાદનની કડાકૂટ પણ કથવાની જરૂર નથી કારણકે, આટલો વિસ્તાર કચ્છના 'નાના રણ'નો જ છે અને તેમાં જ બારમાસી રહે એવું મીઠા પાણીનું 'રણ સરોવર' બની શકે તેમ છે ! કચ્છના આ નાનું રણ ચોમાસાંમાં વરસાદી (અને 110 નદીઓના) પાણીથી છલકાઇ જાય છે પણ... અત્યારે એનો ક્ષય(ટી.બી.) દરિયામાં વહી જઇને યા દરિયાઇ પાણીની ખારાશના મેળવણ થવાથી થઇ જાય છે. કુદરતની મહેરને આપણે સાવ વેડફી જવા દઇએ છીએ. જો આ મીઠા પાણીને આપણે રોકી લઇએ તો...

- પણ આવું થાય કેવી રીતે?

જયસુખભાઇ પટેલે આકરી મહેનત/સ્ટડી/રિસર્ચ પછી શોધી કાઢયું કે - સૂરજબારી પરના સૌથી પહેલા બનેલા (અને હવે નૉનયૂઝ ખંડેરની જેમ પડી રહેલા) પૂલના પિલ્લર વચ્ચેના પોલાણને પેક કરી દેવામાં આવે તો...
... તો નંદ ઘેર આનંદ ભયો થઇ જાય !

નર્મદા ડેમ જેટલું જ પાણીનું સ્ટોરેજ આપણને મળી જાય એ પણ સો કરોડના મામૂલી ખર્ચ અને છ/આઠ મહિનાના અંતરાલ બાદ જ. અહીં તો મોટે તૌર પર આ વાત સમજાવી છે પણ એ થાય તો અઢળક ફાયદાઓ(વૉટર સ્પોર્ટસથી માંડીને ખેતઉપજ/એગ્રીકલ્ચર ઇન્ડસ્ટ્રીઝ ડેવલપ થવા સુધીના) ગુજરાતને મળવા લાગે. બેશક, થોડા વિકરાળ ભાસતા (ઘૂડખર/અભ્યારણ્ય/મીઠા ઉદ્યોગ / માછીમારી) નુકશાન કે થનારી ક્ષતિ વિષે
'રણ સરોવર'પુસ્તકમાં ડિટેઇલમાં સોલ્યૂશન અને સુઝાવ પણ અપાયા છે.
રણ સરોવર પર પાક્કું હોમવર્ક કર્યા પછી જયસુખભાઇ પટેલ તત્કાલિન મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીને તેમની ટીમ સાથે મળેલાં ત્યારે મોદીજીની કૉમેન્ટ આ મતલબની હતી : 'આપણામાંથી કેમ કોઇને આ સૂઝયું નહોતું !'

ખેર, જયસુખભાઇ તો 2017માં વડાપ્રધાનને પણ મળી આવીને રિ-માઇન્ડર(!) આપી આવ્યા છે.
આનંદીબહેન પટેલ, એ પછી વિજય રૂપાણી અને અન્ય હોદ્દેદારો પણ 'રણ સરોવર'થી વાકેફ છે જ , ક્ચ્છના નાના રણમાં ઘૂડખર અભ્યારણ્ય (જેની વરસે હજારેક લોકો જ મુલાકાત લે છે!) હોવાથી અનેક મંજૂરી/ રિપોર્ટ / સ્ટડી વગેરેને કારણે હોઠેં રહેલો પ્યાલો ગુજરાત ગટગટાવી શકે તેમ નથી અત્યારે તો. પણ 'રણ સરોવર' પુસ્તકમાં આ વિષયના તમામ પાસાંની વિગતવાર છણાવટ કરવામાં આવી છે...

'રણ સરોવર' બને તો/ત્યારે ગુજરાતના ચારેય હાથમાં લાડુ જ હશે, એમાં શંકા નથી !!!

▪ નરેશ શાહ

Tuesday, February 6, 2018

**દેશનું સર્વોત્તમ મધ બનાવે છે સૌરાષ્ટ્રનો એક યુવાન**

*દર્શન ભાલારા મસ્ત મજાની નોકરી છોડી ને મધ ઉત્પાદન શા માટે કરે છે?*

*દેશનું સર્વોત્તમ મધ બનાવે છે સૌરાષ્ટ્રનો એક યુવાન*

*બજારમાં મળતું બ્રાન્ડેડ મધ વાસ્તવમાં તમારી હેલ્થ બગાડે છે: જાણો કે, અસલી મધ કોને કહેવાય!*






અહીં આપેલા ફોટોગ્રાફ્સમાંથી એક ફોટોમાં મધની ચાર બરણી ગોઠવેલી છે. ચારેયના કલર જુઓ. કોઈનો કાળો તો કોઈનો સફેદ, લાલ અને બ્રાઉન. કહો જોઉં, ચારેયમાંથી શુદ્ધ મધ કયું ગણવું? વેલ, આ ચારેય મધ 100% પ્યોર છે. સૌથી નીચે કાળું મધ છે એ સિસમના ફુલમાંથી મધમાખીઓએ ચૂંટયું છે, તેના પર દૂધ જેવું સફેદ મધ છે તે કાજુના ફુલમાંથી ચૂંટેલું છે, તેની પર બ્રાઉન રંગનું છે તે અજમાનું અને ઉપર લાલ રંગનું છે તે બોરમાંથી બનેલું છે. ચારેય મધ શુદ્ધ જ છે પણ તેના ગુણ અલગ છે. સ્વાદ પણ નોખા. અજમાનું મધ મીઠું તો છે જ પરંતુ એમાં થોડી કડવાશ પણ આવે. સ્વાસ્થ્ય માટે ઉત્તમ. કાજુનું મધ ભરપૂર શક્તિ આપે. આ ચારેય મધના ઉત્પાદક છે, જામનગર જિલ્લાના કાલાવડ તાલુકાના ખરેડી ગામના દર્શન ભાલારા (મોબાઈલ: 9662166770) નામના યુવાન.

મધ ઉત્પાદક કહેવા કરતા તેમને મધપ્રેમી કે સ્વાસ્થ્યપ્રેમી કે કહેવા વધુ યોગ્ય ગણાય. MBAની ડિગ્રી મેળવ્યા પછી તેમની પાસે 40 હજારના પગારની સરસ નોકરી હતી. ઘેર નેવું વીઘાની પાણીદાર અને ઉપજાઉ જમીન. 2014માં વડા પ્રધાન મોદીએ પોતાના એક વક્તવ્યમાં કૃષિ ક્ષેત્રે વેલ્યુ એડિશન પર થોડી વાતો કરી. દર્શનભાઈએ નોકરી છોડી દીધી અને નક્કી કર્યું કે, સમાજનું સ્વાસ્થ્ય સુધરે એવો વ્યવસાય કરવો છે. પોતાના વિસ્તારમાં તેમણે અજમાના ખેતરમાં મધની પેટી મૂકી. ત્યારથી એમણે પાછું વળીને જોયું નથી. અત્યારે તેઓ 900 પેટી દ્વારા દેશભરમાંથી મધ મેળવે છે. વરિયાળીનું મધ હળવદ પંથકમાંથી મેળવે, અજમાનું સૌરાષ્ટ્રમાંથી, લીચી, સિસમ અને બેરીનું ઉત્તરાંચલ તથા ઉત્તર પ્રદેશમાંથી મેળવે છે.

ઘણાંને સવાલ થાય કે, બજારમાં પાંચસો પ્રકારના બ્રાન્ડેડ મધ ઉપલબ્ધ છે ત્યારે દર્શન ભાલારાનું મધ શું અલગ છે? વિશિષ્ટ છે? હા. એ એકદમ સ્પેશિયલ છે. તેમના મધમાં ભેજ-મોઇશ્ચરનું પ્રમાણ આંતરરાષ્ટ્રીય માપદંડથી એક ટકો પણ વધુ નથી. તેનું કારણ એ છે કે, મધ પૂર્ણતઃ પાકે પછી જ તેઓ તેને પૂડામાંથી નિતારે છે. અચ્છા, પૂર્ણરૂપે પાકેલું મધ એટલે શું? મધમાખી જ્યારે મધ બનાવવાની પ્રક્રિયા પુરી કરી લે ત્યારે એ પૂડાને વેક્સ વડે સિલ કરી દે. આ ઘટના બને એટલે સમજવાનું કે મધ સંપૂર્ણપણે પાકી ગયું. એ પછી મેળવેલું મધ જ સાચું ગણાય. પણ આ પ્રક્રિયા દ્વારા મધનું વજન ખૂબ ઘટી જાય. કાચું મધ ઉતારી લો તો ઉત્પાદન અનેકગણું વધી જાય, નફો વધે. પણ એ મધ સાવ ઓછું ગુણકારી હોય. પ્યોર મધ જોઈતું હોય તો તેની પડતર કિંમત જ ખૂબ ઊંચી જાય. આપણે ત્યાં હૉલસેલમાં મધની મહત્તમ કિંમત 150 રૂપિયા કિલોની છે! મહાકાય કંપનીઓ આ જ ભાવે ઉત્પાદકો પાસેથી મધ મેળવે છે અને પોતાની બ્રાન્ડના લેબલ મારી બજારમાં વેંચે છે. કેટલીક અત્યંત જાણીતી કંપનીઓ તેમાં ફ્રુટ સીરપ અને કોર્ન સીરપ તથા પેસ્ટીસાઈડ્સ પણ ભેળવે છે. આ મધ ડેરીના દૂધ જેવું હોય. ઘેટાં-બકરાં, જર્સી ગાય, ભેંસ... બધાનું મિક્સ થાય તેમ મધ પણ બધું એકઠું થાય. તેમાં બાવળનું પણ હોય અને રાઈનું પણ હોય. એના મૂળ-કુળનો ખ્યાલ ખુદ કંપનીને પણ ન હોય. ભાલારાનું મધ 100% પાકેલું છે અને એ ખરા અર્થમાં Raw છે, તેના પર કોઈ જ કેમિકલ પ્રોસેસ થતી નથી. એટલે જ એ થોડું મોંઘુ છે.

બજારમાં ઉપલબ્ધ બ્રાન્ડમાંથી 99.9% મધ કાચું અને પ્રોસેસ્ડ હોય એ લખી રાખજો. બીજી મહત્વની વાત: દેશી પેટીમાં મધ ઉછેર થાય ત્યારે કદાચ શુદ્ધત્તમ સ્વરૂપે મધ મેળવીએ તો પણ તેમાં લાર્વા, ઈંડા અને અશુદ્ધિઓ આવી જ જાય. દર્શન ભાલારા ન્યુઝીલેન્ડ પદ્ધતિની પેટીઓ જ ઝાઝા ભાગે ઉપયોગ કરે છે, તેમાં મધમાખીની મધ એકત્રિત કરવા માટેના અને ઈંડા મુકવાના ખાનાં જ નોખાં હોય! અશુદ્ધિ કે ઈંડાની ભેળસેળ થઈ જવાનો સવાલ જ ન હોય. આ પદ્ધતિ તેમના મધને ભારતની બજારોમાં ઉપલબ્ધ મધ કરતા ક્યાંય અલગ અને ગુણકારી તથા શુદ્ધત્તમ બનાવે છે.

દર્શન ભાલારાને શુદ્ધ મધ પીરસવાનું ઘેલું લાગ્યું છે. એમનું ઉત્પાદન તોતિંગ નથી પણ નિષ્ઠા અને પ્રામાણિકતા પહાડ જેવી છે. મધનું પેકીંગ કાચની બોટલમાં જ થવું જોઈએ એવું તેઓ વાજબી રીતે જ માને. એટલે જ છેક મલેશિયાથી વિશિષ્ટ બોટલ મંગાવે, બોક્સની અંદર થર્મોકોલ ગોઠવીને પછી જ એ મધ સપ્લાય કરે. પોતાની જ એક બ્રાન્ડ. નામ: મધુધારા. કોઈ ડિસ્ટ્રિબ્યુટર નહીં, કોઈ સ્ટોકિસ્ટ નહીં. પોતે જાતે જ ઓર્ડર પર કુરિયર કે ટ્રાન્સપોર્ટ દ્વારા મોકલી આપે! અને એક વખત એમનું મધ ચાખ્યું હોય એ વ્યક્તિ બીજું મધ ક્યારેય અજમાવે નહીં.

મધની જેમ તેમનું ગીર ગાયનું ઘી પણ સર્વોત્તમ. તેમની પાસે સારી સંખ્યામાં ગીર ગાય છે. આ ગાયોને ખોરાકમાં લીલું ઘાસ અને ટોપરાંનો ખોળ જ આપે. દૂધ માત્ર પિત્તળના વાસણમાં દોહવાનું, દહીં મેળવવા માટે માત્ર માટીનાં વાસણો. વલોવવા માટે લાકડાંના વલોણાનો જ ઉપયોગ. માખણ બને એટલે એ પાત્રના મુખને કપડાંથી બાંધી ને તેમની વાડીની ફરતે આવેલા લીમડા નીચે રાત્રે મુકવાના. છેવટે માટીના વાસણમાં જ દેશી ચૂલા પર ઘી બનાવવાનું. આ અસલી આયુર્વેદિક પદ્ધતિ છે. રોજ લગભગ એકસો લિટર છાસ થાય પણ કદી એનું વેંચાણ ન કરે, ગામમાંથી જેમને જોઈતી હોય એ નિઃશુલ્ક જ લઈ જાય. ઘીનો વ્યવસાય એમણે શરૂ કર્યો ત્યારે એમના દાદીમાએ વચન લીધું હતું કે, એ ક્યારેય છાસના પૈસા નહીં લે! આજે પણ એ વચન તેઓ ખુશીથી નિભાવે છે.

આજે ખેડૂતના જુવાન દિકરાને ખેતી નથી કરવી, ખેડૂતોને લોનમાફી અને સરકારી સહાયમાં બહુ રસ ઉપડ્યો છે. રોદણાં રોવા છે પણ ખેતીમાં વેલ્યુ એડિશન નથી કરવું. મગફળી અને કપાસ સિવાય પણ જગતમાં બીજું ઘણું છે એવું વિચારવું નથી. આવાં અનેક લોકો માટે દર્શન ભાલારા એક આદર્શ ઉદાહરણ છે. પ્રામાણિકતાથી ખેતી-ગોપાલન થાય, વેલ્યુ એડિશન વિશે વિચારવામાં આવે તો ઊચ્ચ વર્ગનો જાગૃત ગ્રાહક ભારેખમ ગજવું લઈ ને તમારી પ્રોડક્ટ ખરીદવા લાઈનમાં ઉભો છે.

*દર્શન ભાલારાનો તમે 9662166770 મોબાઈલ પર સંપર્ક કરી શકો છો*

Friday, February 2, 2018

આને કહેવાય લેણદેણ ના સંબંધ...

રેલવે ની પ્લેટ ફોર્મ ટિકિટ લઈ હું ઉતાવળે ચાલતો હતો....કારણ કે
મારી પાછળ એક સાત આઠ વર્ષ નો ભિખારી જેવો બાળક..
એ સાહેબ....એ સાહેબ.કહી પાછળ દોડતો હતો....
હું મારી સ્પીડ વધારતો જતો હતો...તેમ તે બાળક પણ ..ઓ.ઓ સાહેબ ઉભા તો રહો..કહી બુમ પાડે જતો હતો...
મન મા ખિજાતો ગાળો આપતો હતો...આ ભિખારી ની જાત...એક ને આપો તો દસ પાછળ પડે...

હું થાકી ને ઉભો રહી..ગયો...
અને જોર થી બોલ્યો... ચલ અહીં થી જાવુ છે કે પોલીસ ને બોલવું..
ક્યાર નો સાહેબ..સાહેબ કરે છે....લે 10 રૂપિયા.. હવે જતો રહેજે....
મેં પોકેટ માંથી પાકીટ કાઢી 10 ની નોટ કાઢવા પ્રયતન કર્યો.....
પાકીટ ગાયબ....હું તો મૂંઝાઈ ગયો..હમણાજં..ATM માથી ઉપાડેલ 20 હજાર રૂપિયા... ડેબિટ કાર્ડ..ક્રેડિટ કાર્ડ..ડ્રાઇવિંગ લાઇસન્સ....બધું અંદર....

સાહેબ.....પેલો બાળક બોલ્યો

અરે ..સાહેબ...સાહેબ શુ કરે છે ક્યારનો ? મેં ઉચ્ચા અવાજે કિધુ...

બાળક એ એક હાથ ઊંચો કર્યો સાહેબ....

તેના..હાથ તરફ...નજર...ગઈ...
પછી તેની નિર્દોષ આંખ તરફ....
બે ઘડી તો...મને મારી જાત ઉપર
મારા ભણતર ઉપર...
મિથ્યા અભિમાન અને અધ્યાત્મિક જ્ઞાન ઉપર નફરત થઈ ગઈ....

માણસ પોતાનો સ્વાર્થ હોય ત્યરે જ આંખ મેળવી ને વાત કરે છે..બાકી તો આંખ મિચોલી કરી રસ્તો બદલી ને ભાગી જનાર વ્યક્તિઓ પહણ સંસાર મા છે..

એ બાળક ની નિર્દોષ આંખો અને હાથ ઉપર નજર નાખતા..ખબર પડી.. મારૂં ખોવાયેલ "પાકીટ "
તેના ના નાજુક હાથ મા હતું...

લો સાહેબ ...તમારૂં પાકીટ....
સાહેબ.. ટિકિટ બારી ઉપર પાકીટ ખીશા મા મુક્તા... પાકીટ સાહેબ...તમારૂં નીચે પડી ગયું હતું.....

મારી આંખો ભીની થઈ ગઈ...રેલવે સ્ટેશન ઉપર ગોઠણ ઉપર બેસી એ બાળક ના માથે હાથ ફેરવ્યો.....બેટા..... મને માફ કરજે....
આ જુલમી સમાજ ગરીબ માણસ ને હંમેશા ચોર અને ભિખારી જ સમજે છે...
આજે... પાકીટ આપતો તારો હાથ ઉપર છે..મારો હાથ નીચે છે...સાચા અર્થ મા ભિખારી કોણ?

આજે..મને સમજાયું..ઈમાનદારી એ ફક્ત રૂપિયા વાળા ની જાગીર નથી....
બેઈમાની ના રૂપિયા થી ધરાઈ ને ઈમાનદારી નું નાટક કરતા બહુ જોયા છે....પણ..
ભુખા પેટે ..અને ખાલી ખીસ્સે .ઈમાનદારી બતાવનાર તું પહેલો નીકળ્યો....
બહુ સહેલી વાત નથી..બેટા.. લક્ષ્મીજી જોઈ ભલ ભલા ની વૃત્તિ એની નીતિઓ બદલાઈ જાય છે...

બેટા.... હું ધારૂં તો આ પાકીટ તને ઇનામ મા આપી શકું તેમ છું...હું એક વખત એવું સમજી લઈશ કે કોઈ મારૂં ખીસ્સું કાતરી ગયું....

બેટા...તારૂં
ઈમાનદારી નું ઇનામ તને જરૂર મળશે...
બેટા.....તારા મમ્મી ..પપ્પા..ક્યાં છે....?
મમ્મી ..પાપા નું નામ સાંભળી...તે બાળક ની આંખ મા આસું આવી ગયા...
હું તેના ચહેરા અને વ્યવહાર ઉપર થી એટલું સમજી ગયો હતો... કે આ વ્યવસાય તેનો જન્મ જાત નહીં હોય...કોઈ હાલત નો શિકાર ચોક્કસ આ બાળક બની ગયો છે..

મેં..તેનો...હાથ પકડ્યો...ચલ બેટા... આ નર્ક ની દુનિયા મા થી તને બહાર નીકળવા કુદરતે મને સંકેત કર્યો છે...
હું સીધો.. નજીક ના પોલીસ સ્ટેશને જઈ હકીકત બધી જણાવી...

પોલીસ ઇન્સ્પેક્ટરે સવાલ કર્યો.
આપને કોઈ સંતાન છે ?
મેં કીધું છે..પણ USA છે..અહીં મારો પોતાનો બિઝનેસ છે...આ બાળક ને ઘરે લઈ જવા ની વિધી સમજાવો.. તો ..આપનો આભાર..

મારી પત્ની પણ ખુશ થશે...સાથે..સાથે...અમે તેને ભણાવી....એક તંદુરસ્ત સમાજ નો હિસ્સો બનાવશું....

અમે કોઈ મંદિર કે આશ્રમ માં રૂપિયા કદી આપ્યા નથી....એક સતકાર્ય અમારા હાથે થશે....
કોઈ રસ્તે રખડતા બાળક ની જીંદગી બની
જશે.. તો..એક મંદિર બનાવ્યા જેટલો જ આનંદ અમને થશે..

પોલીસ ઇન્સ્પેક્ટર પણ ખૂશ થતા બોલ્યા... સાહેબ...ધન્ય છે તમારા વિચારો...ને...
તમારી કાયદાકીય... પ્રોસેસ હું પુરી કરી આપીશ..
હું પણ એક સારા કાર્ય કર્યા નો આનંદ લઈશ..
કોઈ લુખ્ખા તત્વો..બાળક નો કબજો લેવા આવે તો
મને ફોન કરી દેજો....

આજે ..આ બાળક...ભણી ગણી..ને સરકાર ની ટોપ કેડેર ની IPS કક્ષા ની પરીક્ષા પાસ કરી...મને પગે લાગી
રહ્યો છે......

દોસ્તો...
કોઈ જન્મજાત ભિખારી ,ચોર..કે ડોન નથી હોતું.... સંજોગો...અન્યાય નો શિકાર બનેલા લોકો કોઈ વખત રસ્તો ભટકી જાય છે...તેને હાથ પકડી ફરી થી સંસ્કારી સમાજ વચ્ચે મુકવા ની જવાબદારી સમાજ અને સરકાર ની છે...

મેં કિદ્યુ..બેટા હું સમજુ છું..તારા માઁ બાપ આજે હાજર હોત તો ખૂબ ખુશ થાત.....પહણ અમે ખુશ છીયે.. તારા અકલ્પનીય પ્રોગ્રેસ થી...

બેટા અહીં મારા "એક પાકીટ નું ઇનામ" પુરૂ થાય છેં તેવું
સમજી લેજે..

એ બાળક નું નામ અમે સંજય રાખેલ અને એ એટલું જ બોલ્યો..

त्वमेव माता च पिता त्वमेव ।
त्वमेव बन्धुश्च सखा त्वमेव ।
त्वमेव विद्या द्रविणम् त्वमेव ।
त्वमेव सर्वम् मम देव देव ॥

તમે મને કોઈ વાત ની કમી રહેવા દીધી...
મેં નથી ભગવાન ને જોયા.કે નથી
મારા માઁ બાપ ને...મારા માટે..આપ જ સર્વ છો...

તમારૂં ઇનામ પુરૂ થાય છે..ત્યાંથી મારી ફરજ ચાલુ થાય છે...પેહલા તમે જયા જતા ત્યાં હું આવતો..
હવે હું જ્યાં જઈશ ત્યાં તમે...હશો..

સંજયે..પગ પછાડી પહેલી સેલ્યુટ અમને કરી
બોલ્યો....પાપા...આ સેલ્યુટ ના ખરા હક્કદાર જ પહેલા
તમે છો...

આને કહેવાય લેણદેણ ના સંબંધ..

##વિપુલભાઈ પ્રજાપતિની ફેસબુક દીવાલ પરથી.

Thursday, February 1, 2018

આજની પોઝિટિવ સ્ટોરી

જેમને બે-બે ક્ષેત્રમાં નોબેલ પારિતોષિક મળી શકે તેમ છે તેવા ડો. એચ.એલ.ત્રિવેદીનું જીવન-કાર્ય માનવતાને ઉજાળે તેવું અદ્દભૂત અને પ્રેરક છે....

કોઈ મને પૂછે કે ગુજરાતની કોઈ એવી વ્યક્તિનું નામ આપો જેમણે નોબેલ પારિતોષિક પામી શકાય તેવું કામ કર્યું હોય. તો હું તરત જ તેમને ડો. એચ.એલ.ત્રિવેદીનું નામ આપું. મેડિકલ સાયન્સ અને માનવ-સેવા એમ બન્ને ક્ષેત્રમાં તેમણે એવી અદભૂત કામગીરી કરી છે આ બે-બે ક્ષેત્રમાં તેમને નોબેલ મળી શકે.
આધુનિક ઋષિ કેવા હોય તે જોવું હોય તો ડો. એચ.એલ. ત્રિવેદીને મળવું પડે.
આજે તેમનો 86મો જન્મદિવસ છે.
સાૈરાષ્ટ્રના ચરાવડા નામના ગામે જન્મેલા હરગોવિંદભાઈના પિતા લક્ષ્મીશંકર ત્રિવેદી શિક્ષક હતા. તેમનાં માતાનું નામ શારદાબહેન. હરગોવિંદભાઈ ભણવામાં ખૂબ તેજસ્વી. બધા વિષયોમાં મોટાભાગે 100માંથી 100 ગુણ આવે. અમદાવાદની બી.જે. મેડિકલમાં ભણ્યા. વિદેશ ભણવા જવાનું હતું તો તેમણે પ્રવેશ માટે જે જે યુનિવર્સિટીઓમાં પ્રવેશફોર્મ ભર્યાં હતાં તે દરેકને એચ એલ ત્રિવેદીએ એક પત્ર લખ્યો હતો કે જો તમે મને પ્રવેશ આપો તો તમારે મને એરફેર પણ આપવું પડશે, કારણ કે મારી પાસે અમેરિકા આવવાના પૈસા નથી. તેમની તેજસ્વી કારકિર્દી જોઈને એક યુનિવર્સિટીએ તેમને પ્રવેશ આપ્યો અને ટિકિટ પણ મોકલાવી. એચ એલ ત્રિવેદીએ અમેરિકામાં Cleveland Clinic, અભ્યાસ કર્યો. તેમણે નેફ્રોલોજીમાં અભ્યાસ કર્યો. એ પછી તેમણે કેનેડાના ઓરિઅન્ટોમાં આઠ વર્ષ પ્રેક્ટિસ કરી. નેફ્રેલોજિસ્ટ તરીકે તેમનું નામ સમગ્ર વિશ્વમાં જાણીતું થયું હતું. તેમની પ્રેક્ટિસ એટલી ધીખતી ચાલતી હતી કે કેનેડાના સૌથી વધુ ટેક્ષ ભરનારી વ્યક્તિઓમાં ડો. એચ એલ ત્રિવેદીનું નામ આવતું હતું. તેમની આવક જાણીને રોલ્સ રોયસ કંપનીના માણસો તેમના ઘરે ગયા અને કહ્યું કે તમે આટલું સરસ કમાઓ છો તો અમારી ગાડી ખરીદો. જો કે ત્રિવેદી સાહેબે ના પાડી.
માનવતા અને વતન પ્રેમથી દોરવાઈને ત્રિવેદી સાહેબે પ્રતિષ્ઠા, પૈસો, વિશાળ ઘર, ધીખતી પ્રેક્ટિસ છોડી અને આવ્યા અમદાવાદ. તેઓ પોતાના વતનના ગરીબ અને જરૃરિયાતમંદ દરદીઓ માટે પોતાની સજ્જતા વાપરવા માગતા હતા.
તેઓ અમદાવાદ આવ્યા. ગુજરાત સરકારમાં સંપર્ક કર્યો. કોઈ નવું અને મહાન કામ કરવું હોય તો મોટો ભોગ આપવો પડે છે. શરુઆતમાં તેમને ખાસ પ્રતિસાદ ન મળ્યો. અમદાવાદની સિવિલ હોસ્પિટલમાં કોઈ એક ખૂણામાં ઓછો વપરાતો રુમ અને વિભાગ તેમને ઓફિસ તરીકે આપવામાં આવ્યો. વિચાર તો કરો, વિશ્વખ્યાત નેફ્રોલોજિસ્ટ કે જે કેનેડા જેવા શહેરમાં મહેલ જેવું ઘર ધરાવતાે હતો, વર્ષે અબજો રુપિયા કમાતો હતો. તેને એક ખૂણો પકડાવી દેવામાં આવ્યો. જો કે ત્રિવેદી સાહેબ સમાજ સેવાનું વ્રત લઈને આવ્યા હતા. રવિન્દ્રનાથ ટાગોરના એક કાવ્યમાં પક્ષીની વાત આવે છે. એ પક્ષી કહે છે કે હું તો ગાઈશ જ. ત્રિવેદી સાહેબનો સંકલ્પ મજબૂત હતો.
ગુજરાત સરકારે કહ્યું કે અમે આપને જગ્યા આપીએ, હોસ્પિટલ તમે ઊભી કરો. ત્રિવેદી સાહેબે એ કરી બતાવ્યું. સમગ્ર ભારતમાં ન હોય તેવી 400 બેડની કિડની હોસ્પિટલ આજે અમદાવાદમાં છે. 125 ડોક્ટરો સાથે 600નો સ્ટાફ છે. આખા ભારતમાં નહીં, સમગ્ર વિશ્વમાં ન થતી હોય તેવી કિડનીની સારવાર અહીં થાય છે. દર વર્ષે કિડનીના 400 ટ્રાન્સપ્લાન્ટ થાય છે. કિડની ટ્રાન્સપ્લાન્ટમાં ત્રિવેદી સાહેબના આ ઈન્સ્ટિટ્યૂટનો સમગ્ર વિશ્વમાં પ્રથમ નંબર છે. 25-30 વર્ષમાં ડો. ત્રિવેદીના નેતૃત્વમાં 5000થી વધુ કિડની ટ્રાન્સપ્લાન્ટ (પ્રત્યારોપણ) થયાં છે જે પોતે એક વિશ્વ વિક્રમ છે. હવે તો અહીં લીવર ટ્રાન્સપ્લાન્ટ પણ થાય છે. બહાર લીવર ટ્રાન્સપ્લાન્ટનો ખર્ચ 45-50 લાખ રુપિયા થાય તે અહીં 12 લાખમાં થઈ જાય છે. જરુર પડે તો તેમાંય રાહત અપાય છે.
એચ એલ ત્રિવેદી સાહેબે પોતાના જીવનની પ્રત્યેક ક્ષણ દરદીઓના જીવનને સમર્પિત કરી છે. હજારો દરદીઓને તેમણે નવજીવન આપ્યું છે. જેમનું ગજવું ખાલી હોય અને હૃદય શ્રધ્ધાથી ભરેલું હોય તેવા ગરીબો અહીં આવે છે અને સાજા થઈને જાય છે. કેનેડા છોડીને અમદાવાદમાં આવ્યા ત્યારે ત્રિવેદી સાહેબ 56 વર્ષના હતા. આજે 86 પૂરાં કરી રહ્યા છે. ત્રણ દાયકાની એક એક મિનિટ તેમણે દરદી નારાયણને સમર્પિત કરી છે.
*
કિડનીના રોગમાં ડાયાલિસીસ અને ટ્રાન્સપ્લાન્ટ એ બે મહત્વની બાબતો છે. કોઈ બીજી વ્યક્તિની કિડની એક વ્યક્તિના શરીરમાં ટ્રાન્સપ્લાન્ટ કરાય એ પછી નવી પરિસ્થિતિ ઊભી થતી હોય છે. કિડનીને સાચવવા માટે શરીરની રોગપ્રતિકારક શક્તિ ઘટાડવી પડે છે. સાદી ભાષામાં કહીએ તો કિડનીને સાચવવા શરીરને ઢીલું અને નબળું પાડવું પડે. ડો. એચ એલ ત્રિવેદીએ આ સંદર્ભમાં જે ક્રાંતિકારી શોધ કરી છે તે તેમને મેડિસીન વિષયના નોબેલ પારિતોષિકના દાવેદાર બનાવે છે. તેમણે સ્ટેમ સેલ થિયરીની શોધ કરી છે. આ શોધ પ્રમાણે દાતાની કિડનીને લેબોરેટરીમાં મૂકવામાં આવે છે અને દરદીના શરીરને અનુરુપ તૈયાર કરીને પછી તેનું પ્રત્યારોપણ કરવામાં આવે છે. આ શોધને કારણે લાખો લોકોના જીવન બચ્યાં છે અને દવાઓનો અબજો રુપિયાનો બચાવ થઈ રહ્યો છે. (એવું કહેવાય છે કે અબજો ડોલરનું ટર્નઓવર ધરાવતી દવાઓની કંપનીઓને કારણે તેમને આ પારિતોષિક અપાતું નથી. બીજાં પણ કારણો હશે, પરંતુ આ પણ એક મહત્વનું કારણ ગણાય છે.)
નોબેલ મળે કે ના મળે તેનાથી ત્રિવેદી સાહેબની કામગીરીનું મૂલ્ય ઓછું થતું નથી. ત્રિવેદી સાહેબે માનવ પ્રત્યારોપણને લગતી એક યુનિવર્સિટી પણ ગુજરાત સરકાર પાસે શરુ કરાવી છે. આ એક વૈશ્વિક મહત્વની ઘટના છે. માનવ પ્રત્યારોપણને લગતી મેડિકલ સારવારના તજજ્ઞો તૈયાર થાય તે અત્યંત જરુરી છે. 2 વર્ષથી આ યુનિવર્સિટી કામ કરી રહી છે. નેફ્રો વિષયમાં નર્સીંગ સ્ટાફ મળતો નથી. અહીં એ કોર્સ પણ ચાલે છે. અત્યારે અમદાવાદના સિવિલ હોસ્પિટલના પરિસરમાં જ્યાં કિડની ઈન્સ્ટિટ્યૂટ આવેલી છે ત્યાં હવે યુનિવર્સિટી ચાલશે. ગુજરાત સરકારે કિડની હોસ્પિટલ માટે સિવિલ હોસ્પિટલની બાજુમાં જ 11 માળની ઈમારત તૈયાર કરી છે. કિડની ઈન્સ્ટિટ્યૂટ થોડા સમય પછી ત્યાં શિફ્ટ થશે.
*
ડો. એચ એલ ત્રિવેદી એટલે કરુણા. સંવેદના. માનવતા. પ્રેમ. તેમણે જે સેવા કાર્ય કર્યું છે તે અપૂર્વ અને ઐતિહાસિક છે. તેમના ધર્મપત્ની સુનિતાબહેન ખભેખભો મિલાવીને સતત તેમની સાથે રહ્યાં છે. એચ એલ ત્રિવેદીનાં માતાનું નામ શારદાબહેન હતું. સુનિતાબહેને પોતાના નામનું દાન કર્યુ અને શારદાને બદલે સુનિતા નામ રાખ્યું. ત્રિવેદી દંપતિને કોઈ સંતાન નથી અેમ તો કેમ કહેવાય ? દરદીરુપી કેટલાં બધાં સંતાનોને તેમણે સાચવ્યાં, ઉછેર્યાં, મોટા કર્યાં, નવું જીવન આપ્યું.
*
જાણીતા કવિ અને સર્જક માધવ રામાનુજ નિવૃત્ત થઈને ત્રિવેદી સાહેબ સાથે જોડાયા. જે સંવેદના કૃતિઓમાં હતી તે સંવેદના અમલમાં લઈ આવ્યા. તેમના વિશે એક અલાયદો લેખ કરવો પડે. માધવ રામાનુજ પણ કિડની ઈન્સ્ટિટ્યૂટનું એક મહત્વનું અંગ કહી શકાય. તેમણે ડો. ત્રિવેદીના જીવન ઉપર રાગ-વૈરાગ્ય નામનું નાટક લખ્યું. આ નાટક કિડનીઓના દરદીઓ દ્વારા પણ ભજવાયું છે.
*
ડો. ત્રિવેદીનો જન્મદિવસ કિડની દરદી કલ્યાણ દિવસ તરીકે ઉજવાય છે. ગુજરાતના ખ્યાતનામ કળાકારો જેવા કે શહાબુદ્દીન રાઠોડ, દયમંતિ બરડાઈ, ભીખુદાન ગઢવી, અભયસિંહ રાઠોડ, વિષ્ણુ પનારા, પ્રફુલ્લ દવે જેવા કળાકારો નિયમિત આ દિવસે ડાયરો યોજે છે. દરદીઓના કલ્યાણ માટે થતા આ ડાયરા માટે એક પણ કલાકાર એક પણ પૈસો લેતો નથી. ઓટો રીક્ષાના 20-25 રુપિયા પણ આ કળાકારો લેતા નથી. કળાકારોની આ સૌજન્યશીલતા અને સંવેદનાને પણ વંદન કરવા જોઈએ. મોરારી બાપુએ પણ કિડની હોસ્પિટલ માટે અમદાવાદમાં એક કથા કરી હતી. સારું કામ થતું હોય એટલે સૌને થાય કે અમે પણ યથાશક્તિ જોડે રહીએ. કશુંક કરીએ.
***
પોતાની 56 વર્ષની ઉંમરે કેનેડા છોડીને ભારત આવ્યા ત્યારે ત્રિવેદી સાહેબની છાતી 56ની હતી કે નહીં તેની ખબર નથી, પરંતુ હૃદય કરુણા અને માનવતાથી જરુર છલકાતું હશે. તેમની આંખમાં જે સ્વપ્ન હતું, હૃદયમાં જે સંકલ્પ હતો તે તેમણે સિદ્ધ કરી બતાવ્યો છે. ત્રિવેદી સાહેબે ગુજરાત કે ભારતનું ગૌરવ નથી, સમગ્ર માનવતાનું ગૌરવ છે. આપણને આખો ઈશ્વર જોવા મળતો નથી, પરંતુ તેના અંશો ત્રિવેદી સાહેબ જેવા ઋષિ પુરુષોમાં જોવા મળે છે.
જન્મદિવસે ડો. ત્રિવેદીને ખૂબ ખૂબ વંદન. ઈશ્વર તેમને નિરામય દીર્ઘાયુ આપે.

- *રમેશ તન્ના*
જિંદગી આખી જીવ્યા પણ કોઈ આવીને પૂછતું નથી કે

કઈ રીતે જીવો છો...

પણ મૃત્યુના દિવસે જરૂર આવીને પૂછસે કે

કઈ રીતે મર્યા....