Wednesday, February 7, 2018

'રણ સરોવર'

'રણ સરોવર' પુસ્તક તેની ઝિણવટ ભરી રૂપરેખાનો જ દસ્તાવેજ છે !

ચાર હજાર નવસો સ્કવેર કિલોમીટર !

આ મહાકાય આંકડાંથી હજુ વધુ અંજાવું હોય તો જાણી લો કે આ એરિયા રાજકોટથી વેરાવળ અને રાજકોટથી વિરમગામ જેટલો થાય અને આવી કદાવર જગ્યામાં સરોવર બનાવીએ તો એ એશિયાનું સોથી મોટું મીઠાં પાણીનું સરોવર બને...


4900 સ્કવેર કિલોમીટરનું આ (કલ્પ સરોવરથી ય મોટું) સરોવર બનાવવા માટે કેટલો ખર્ચ થાય, એ માટે તો સરકારી અનુમાનો પાસે કેલક્યૂલેટર હાંફી જાય પણ 'અજન્તા-ઓરેવા'ગૃપના વિઝનરી ચેરમેન જયસુખભાઇ પટેલના મતે, વધીને સો કરોડનો ખર્ચ કરીએ તો એક વરસની અંદર આ સરોવરની યશકલગી ગુજરાતના મુગટમાં ઉમેરાય જાય...

બહુ અઘરું કે અટપટું ન થઇ જાય એમ સમજાવું તો - 4900 સ્કવેર કિલોમીટર એરિયા માટે જમીન સંપાદનની કડાકૂટ પણ કથવાની જરૂર નથી કારણકે, આટલો વિસ્તાર કચ્છના 'નાના રણ'નો જ છે અને તેમાં જ બારમાસી રહે એવું મીઠા પાણીનું 'રણ સરોવર' બની શકે તેમ છે ! કચ્છના આ નાનું રણ ચોમાસાંમાં વરસાદી (અને 110 નદીઓના) પાણીથી છલકાઇ જાય છે પણ... અત્યારે એનો ક્ષય(ટી.બી.) દરિયામાં વહી જઇને યા દરિયાઇ પાણીની ખારાશના મેળવણ થવાથી થઇ જાય છે. કુદરતની મહેરને આપણે સાવ વેડફી જવા દઇએ છીએ. જો આ મીઠા પાણીને આપણે રોકી લઇએ તો...

- પણ આવું થાય કેવી રીતે?

જયસુખભાઇ પટેલે આકરી મહેનત/સ્ટડી/રિસર્ચ પછી શોધી કાઢયું કે - સૂરજબારી પરના સૌથી પહેલા બનેલા (અને હવે નૉનયૂઝ ખંડેરની જેમ પડી રહેલા) પૂલના પિલ્લર વચ્ચેના પોલાણને પેક કરી દેવામાં આવે તો...
... તો નંદ ઘેર આનંદ ભયો થઇ જાય !

નર્મદા ડેમ જેટલું જ પાણીનું સ્ટોરેજ આપણને મળી જાય એ પણ સો કરોડના મામૂલી ખર્ચ અને છ/આઠ મહિનાના અંતરાલ બાદ જ. અહીં તો મોટે તૌર પર આ વાત સમજાવી છે પણ એ થાય તો અઢળક ફાયદાઓ(વૉટર સ્પોર્ટસથી માંડીને ખેતઉપજ/એગ્રીકલ્ચર ઇન્ડસ્ટ્રીઝ ડેવલપ થવા સુધીના) ગુજરાતને મળવા લાગે. બેશક, થોડા વિકરાળ ભાસતા (ઘૂડખર/અભ્યારણ્ય/મીઠા ઉદ્યોગ / માછીમારી) નુકશાન કે થનારી ક્ષતિ વિષે
'રણ સરોવર'પુસ્તકમાં ડિટેઇલમાં સોલ્યૂશન અને સુઝાવ પણ અપાયા છે.
રણ સરોવર પર પાક્કું હોમવર્ક કર્યા પછી જયસુખભાઇ પટેલ તત્કાલિન મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીને તેમની ટીમ સાથે મળેલાં ત્યારે મોદીજીની કૉમેન્ટ આ મતલબની હતી : 'આપણામાંથી કેમ કોઇને આ સૂઝયું નહોતું !'

ખેર, જયસુખભાઇ તો 2017માં વડાપ્રધાનને પણ મળી આવીને રિ-માઇન્ડર(!) આપી આવ્યા છે.
આનંદીબહેન પટેલ, એ પછી વિજય રૂપાણી અને અન્ય હોદ્દેદારો પણ 'રણ સરોવર'થી વાકેફ છે જ , ક્ચ્છના નાના રણમાં ઘૂડખર અભ્યારણ્ય (જેની વરસે હજારેક લોકો જ મુલાકાત લે છે!) હોવાથી અનેક મંજૂરી/ રિપોર્ટ / સ્ટડી વગેરેને કારણે હોઠેં રહેલો પ્યાલો ગુજરાત ગટગટાવી શકે તેમ નથી અત્યારે તો. પણ 'રણ સરોવર' પુસ્તકમાં આ વિષયના તમામ પાસાંની વિગતવાર છણાવટ કરવામાં આવી છે...

'રણ સરોવર' બને તો/ત્યારે ગુજરાતના ચારેય હાથમાં લાડુ જ હશે, એમાં શંકા નથી !!!

▪ નરેશ શાહ

No comments:

Post a Comment