Saturday, April 27, 2019

પ્રેરણાપુષ્પ (પેપર્સ એન્ડ પાર્સલ્સ)

મુંબઈમાં રહેતો અને 8માં ધોરણમાં અભ્યાસ કરતો તિલક મહેતા એકવાર એના મામાના ઘરે ગયેલો. મામાના ઘરેથી પાછો આવ્યો પણ સાથે લઈ ગયો હતો એ અભ્યાસના કેટલાક પુસ્તક મામાના ઘરે જ ભૂલીને આવ્યો.

બીજા દિવસે મામાને ફોન કર્યો કે મારા ભૂલાઈ ગયેલા પુસ્તક મને આજે ને આજે કુરિયર દ્વારા મળી શકે ? મામાએ જવાબ આપ્યો કે બેટા કદાચ આજ ને આજ તો ન મળે આવતીકાલે મળે અને કુરિયરનો ખર્ચ તારા પુસ્તકોની કિંમત કરતા પણ વધી જાય.

આ વાત સાંભળ્યા બાદ તિલકનું મન ચકરાવે ચડ્યું. સામાન્ય માણસને પોસાય એવા દરથી એ જ દિવસે કુરિયર ના પહોંચાડી શકાય ? એ દિશામાં એ વિચારવા લાગ્યો અને એને મુંબઈના ડબ્બાવાલા યાદ આવ્યાં. રોજ 2 લાખથી વધુ લોકોને ડબ્બા પહોંચાડવાનું કામ કરતા ડબ્બાવાલા ભાઈઓની સેવાનો લાભ લેવામાં આવે તો ઓછા ખર્ચે પણ એ જ દિવસે લોકોને કુરિયર પહોંચાડી શકાય.

તિલકએ બધી ગણતરીઓ કરી અને 13 વર્ષની ઉંમરના છોકરાને કુરિયર સેવાનો એક મોટો બિઝનેશ દેખાયો. તિલક મુંબઇ ડબ્બાવાલા એસોશિયેશનના પ્રમુખ શ્રી સુભાષ તાલેકરને મળ્યો અને પોતાની વાત જણાવી. સુભાષ તાલેકરને પણ લાગ્યું કે તિલકની સાથે જોડાવાથી ડબ્બાવાલા ભાઈઓને થોડી વધુ કમાણી થશે.

તિલકે બેંકમાં નોકરી કરતા એના કાકા ઘનશ્યામભાઈને પોતાનો આઈડિયા શેર કર્યો. ઘનશ્યામભાઈ તો નાણા સાથે કામ કરનારા બેંકર હતા એમને પણ તિલકના વિચારમાં મોટો બિઝનેશ દેખાયો. તિલકની કંપની સાથે કામ કરવા એને બેંકની નોકરી છોડી દીધી અને 13 વર્ષના ટાબરીયાએ "પેપર્સ એન્ડ પાર્સલ્સ" નામની કંપની શરૂ કરી.

તિલક સોમથી શનિ સ્કુલ જાય છે અને રવિવાર તથા રજાના દિવસોમાં એની કંપની સંભાળે છે. ડબ્બાવાલા ભાઈઓને તાલીમ આપવી, એમના રૂટ નક્કી કરવા જેવી મહત્વની કામગીરી આ કિશોર સાંભળી રહ્યો છે. અત્યારે 300 ડબ્બાવાલા એમની સાથે જોડાયેલા છે અને રોજ 1200 જેટલી ઓફિસમાં કુરિયર પહોંચાડે છે. 2020ના વર્ષ સુધીમાં 100 કરોડના ટર્નઓવર સુધી પહોંચવાનો એનો ટાર્ગેટ છે.

એની ઉંમરના અને એનાથી પણ મોટા હજુ મોબાઈલ પર પબજી રમવામાંથી નવરા નથી થતા. ભણેલા ગણેલા નોકરી નથી મળતી એવી ફરિયાદો કરે છે ત્યારે આ 13 વર્ષનો કિશોર પોતાના આગવા વિચારોને અમલમાં મૂકીને એક કંપનીનો માલિક બની ગયો છે.

શૈલેષભાઇ સાગપરિયાની ફેસબુક દીવાલ પરથી લીધેલ પ્રેરણાપુષ્પ

Friday, April 26, 2019

રોજ સવારે ઉઠીને એક વાત યાદ રાખો.
રિટર્ન ટિકિટ તો કન્ફર્મ છે.
એટલે મન ભરી ને જીવો,
મન માં ભરી ને નહીં...

Thursday, April 25, 2019

ટાઈમ સારો હોય ત્યારે જ
ડાયી ડાયી વાતો થાય ...
બાકી તો ભીડ પડે ત્યારે
સિદ્ધાંતોના છોતરા ઉડે .........

Tuesday, April 23, 2019

વૃક્ષ દેવતાને અપનાવજો

તમે સવારે લીમડો, બાવળ , કમ્બોઇ કે કોઈ પણ ઝાડનું દાતણ કરજો
પણ
એ ઝાડની કદી કતલ ના કરજો
અને એ પાદ રાખજો કે
તમે સવારે ચા પીતાં કે છાપું વાંચતાં જેના પર બેસો છે
તે ખુરશી એણે જ પોતાની જાત કાપીને આપી છે
છાપાના કાગળ અને ચાના ધુંટમાં ય એનું જ યોગદાન છે
તમારો વ્હાલસોયો પૌત્ર કે પોત્રી. જેમાં રમે છે તે પલંગ ને ઓશિકું પણ એણે જ બનાવ્યું છે
તમને મનગમતી. વસ્તુ બજારમાંથી ખરીદો છો તે રૂપિયાની નોટ પણ
તેના શરીરમાંથી બનેલી છે
તમારા ઘરનો સાબુ , ટુથપેસ્ટ , શેમ્પુ બનીને તમને રોજ સેવા આપે છે
તમે પથર ફેંકો તોય એ કેરી, જાંબુ , બોર જેવાં ફળો વરસાવે છે
તમારા. ઘર કે કારખાનાના ધુમાડાને તે શંકર બનીને પી જાય છે
ને બદલામાં વગર પૈસે ચોખ્ખી હવા આપે છે
તમારી પ્રેયસી કે પત્ની કે તમારા બોસના જન્મદિવસે
તેના પરથી ફૂલ ચૂંટી ને બનાવેલો ગુચ્છ આપીને તમે કૃપા મેળવો છો
તમારા ઇષ્ટ દેવતાને રીઝવવા પણ તેને જ તમે કામમાં લો છો
તમે બીમાર પડો છો ત્યારે
તમારા કફ સીરપ અને ઉકાળામાં તેજ હાજર હોય છે
તમને ગમતાં ભોજન પણ તેજ આપે છે
ભલે એ વનસ્પતિ માત્ર છે પણ તમારો તો સાચો સાથીદાર છે
ધોડીયાથી માંડીને નનામી સુધી એ તમારો સાથ આપે છે
અને તમારી ચિતા સાથે એ પણ પોતાના જીવનનો અંત લાવે છે
જ્યારે તમારાં સ્વજનો બે-ચાર મહીના
કે થોડાં વર્ષ પછી તમને ભુલી જાય છે
ત્યારે તમને કશાય સ્વાર્થ વિના હરહંમેશ સેવારત રહેતાં
આ વૃક્ષ જ તમારી પડખે રહે છે. તેઓ જ સાચા સંત છે
ને તમે એમને મૂકીને અન્યોની પાછળ દોટ મૂકો છો
જરા પાછા વળો તો ખરા ને
તમે વૃક્ષ દેવતાને અપનાવો તો ખરા
કહે છે કનુ યોગી ઝાઝા હેતથી , ખોટું ના લગાડશો
વૃક્ષ દેવતાને અપનાવજો જરા..

સાભાર કનું યોગી (વન વગડો)

Thursday, April 18, 2019

નાની એવી મદદ કેટલું મોટું પરીણામ

*આ વાર્તા નહી એક વાસ્તવિક ઘટના છે.*

મુંબઇથી બેંગ્લોર તરફ જતી ‘ઉદયન એક્ક્ષપ્રેસ’ ટ્રેઇનમાં ટીકીટ ચેકર ટીકીટ ચેક કરી રહ્યો હતો. એક ડબ્બામાં લગભગ 13-14 વર્ષની છોકરી સીટની નીચેના ભાગે છુપાઇને બેઠેલી હતી. ટીકીટ ચેકરનું ધ્યાન આ છોકરી પર પડ્યુ એટલે છોકરીને સીટ નીચેથી બહાર નીકળવાનું કહ્યુ. છોકરી ગભરાતા ગભરાતા ઉભી થઇ. ભયને કારણે એનું શરીર ધ્રુજી રહ્યુ હતું. ટી.સી.એ પુછ્યુ, “નીચે છુપાઇને કેમ બેઠી હતી ? તારી ટીકીટ બતાવ”. છોકરીએ આંખોમાં આંસુ સાથે કહ્યુ, ”મારી પાસે ટીકીટ નથી”

ટી.સી. ગુસ્સે થયો અને કહ્યુ, ”તને રેલ્વે પોલીસના હવાલે કરી દેવી જોઇએ પણ તું છોકરી છે એટલે જવા દઉં છું. આગળના સ્ટેશન પર આ ટ્રેઇનમાંથી નીચે ઉતરી જજે.” ટ્રેઇનમાં મુસાફરી કરનાર એક અજાણી મહિલા છોકરીની મદદે આવી. એમણે ટી.સી.ને કહ્યુ, “ભાઇ, આટલી નાની છોકરી અજાણ્યા સ્ટેશન પર ઉતરીને ક્યાં જશે ? એક કામ કરો, દંડ સાથેની જે કંઇ રકમ થતી હોય તે મને જણાવો એટલે એ રકમ હું ભરી આપુ અને તમે કાયદેસરની પહોંચ આપી દો”. મહિલાએ છોકરીને પુછ્યુ, “બેટા, ચિંતા ના કર, તારે ક્યાં જવાનું છે એ કહે એટલે હું તને ત્યાંની ટીકીટ અપાવી દઉં”. છોકરીએ કહ્યુ, “મને એ જ ખબર નથી કે મારે ક્યાં જવાનું છે ?”

મહિલાએ ટી.સી.ને કહ્યુ, “ભાઇ, આ છોકરી માટે બેંગ્લોરની ટીકીટ જ આપી દો. હું બેંગલોર જાવ છું એટલે આ છોકરીને પણ મારી સાથે બેંગ્લોર જ લેતી જઇશ”. મહિલા આ છોકરીને લઇને બેંગ્લોર આવી અને બેંગ્લોરની એક સંસ્થામાં મુકી આવી. છોકરીના રહેવા અને જમવાની બધી જ વ્યવસ્થા આ મહિલાએ કરી આપી. આ ઉપરાંત એના અભ્યાસની વ્યવસ્થા પણ આ મહિલાએ કરી આપી અને તમામ ખર્ચ એમણે ઉપાડી લીધો. મહિલા ક્યારેક ક્યારેક આ છોકરીને મળવા માટે પણ જતી પરંતું કામની અતિ વ્યસ્તતાને લીધે આ મુલાકાતો ઘટતી ગઇ. ક્યારેક ફોન પર તો ક્યારેક ઇમેઇલ દ્વારા વાતચિત થતી રહેતી.

અમુક વર્ષો પછી પેલી મહિલાને એક લેકચર આપવા માટે અમેરીકાના સાનફ્રાંસિસકોમાં જવાનું થયું. સાનફ્રાંસીસકોમાં રહેતા કન્નડ લોકોની એક સંસ્થાએ વ્યાખ્યાનનું આયોજન કરેલુ હતું. આ મહિલા જે હોટેલના હોલમાં કાર્યક્રમ હતો એ હોટેલમાં જ રોકાયા હતા. કાર્યક્રમ પુરો થયા બાદ હોટેલથી નીકળતી વખતે જ્યારે આ મહિલા હોટેલના રીસેપ્શન કાઉન્ટર પર એમનું બીલ ભરવા માટે આવ્યા ત્યારે ખબર પડી કે કોઇએ એમનું બીલ ભરી આપ્યુ છે. બીલ ભરી આપનાર દંપતિ ત્યાં જ ઉભુ હતું. મહિલા પ્રોફેસર એમને ઓળખતા પણ નહોતા એટલે પુછ્યુ, “આટલી મોટી રકમનું બીલ તમે કેમ ભરી આપ્યુ ?” સામે જ ઉભેલા દંપતિમાંથી પત્નિ બોલી, “મેડમ, આ બીલની રકમ મુંબઇથી બેંગ્લોરની રેલ્વે ટીકીટની સામે સાવ તુચ્છ છે.”

મહિલાની આંખો આશ્વર્યથી પહોળી થઇ ગઇ. એક અનાથ છોકરીને રેલ્વેના ડબ્બામાંથી અમેરીકા સુધી પહોંચાડનાર સેવાભાવી મહિલા એટલે ઇન્ફોસીસ ફાઉન્ડેશનના ચેરમેન શ્રીમતિ સુધા મૂર્તિ.
મિત્રો, તમારી નાની એવી મદદ કેટલું મોટું પરીણામ આપી શકે એની તમે કલ્પના પણ ન કરી શકો. જીવનમાં બીજાને જેટલી થઇ શકે એટલી મદદ કરવી જોઇએ. સામેવાળા ભલે કદાચ સુધા મૂર્તિ ન બને પણ તમને મદદ કર્યાનો આત્મસંતોષ જરૂર થશે.

વેકેશન ગૃહકાર્ય

પૂજ્ય વાલીગણ,
કુશળ હશો.
આપણું બાળક લગભગ દસ જેટલા મહિના અમારી શાળામાં ભણી ને સફળતા પૂર્વક પોતાના ધોરણનો અભ્યાસ પૂર્ણ કરેલ છે. હવે આપની પાસે એક મહિના કરતાં વધુ સમય માટે વેકેશનમાં રહેશે. આપણા બાળક માટે અને તેના વિકાસ માટે અહીં થોડી વિગતો આપી એ છીએ જે આપ વેકેશનમા તેની પાસે કરાવશો તેવી અપેક્ષા સહ......
👉 દિવસમાં ઓછા માં ઓછું બે વખત તેની સાથે જમજો અને તેઓને ખેડૂતની સખત મહેનત વિષે માહિતી આપજો અને અનાજ નો બગાડ ના કરાય તે પ્રેમથી સમજાવજો.
👉 પોતાની થાળી પોતે જ સાફ કરે તેવો આગ્રહ રાખજો જેથી તે શ્રમ નું મહત્ત્વ સમજે.
👉 તેમને રસોઈ કામમાં મદદરૂપ થવા દેજો અને પોતાના માટે સાદું શાકભાજીનું કાચું સલાડ બનાવવા દેજો.
👉 તેમને દરરોજ ગુજરાતી, हिन्दी અને English ના નવા 5 શબ્દો શીખવજો અને તેની નોંધ કરાવજો.
👉 તેને પાડોશીને ઘરે રમવા જવા દેજો અને તેની સાથે સારા સંબંધો વિકસાવવા દેજો.
👉 જો દાદા દાદી દૂર રહેતા હોય તો તેમની સાથે સમય વિતાવવા દેજો તેમની જોડે selfi લેજો.
👉 તેને તમારા વ્યવસાયની જગ્યા એ લઈ જજો અને તેની ખાતરી કરાવજો કે પરિવાર માટે તમો કેટલો પરિશ્રમ કરો છો.
👉 તેઓ ને સ્થાનિક તહેવારો મોજ થી ઉજવવા દેજો અને તેઓ ને તેનું મહત્વ પણ સમજાવજો.
👉 તેને તમો એક વૃક્ષ ફરજિયાત વાવવા કહેજો અને તેનું મહત્વ સમજાવજો.
👉 તમારા બાળપણ ના કિસ્સા ઓ અને કુટુંબ ના થોડા ઇતિહાસ અને સારા ગુણો વિશે વાત કરજો.
👉 તેને ધૂળ માં રમવા દેજો જેથી તેની માતૃભૂમિની ધૂળ નું મહત્વ સમજે.
👉 તેને નવાં નવાં મિત્રો બનાવવાની તક આપજો
બની શકે તો હોસ્પિટલ અને અનાથશ્રમ ની મુલાકાતે લઈ જજો.
👉 તેને કરકસરનું મહત્વ સમજાવજો.
👉 મોબાઈલ અને આધુનિક ટેકનોલોજી ની માહિતી આપજો અને સાથે સાથે તેની દૂષણ થી પણ માહિતગાર કરો...
મોબાઈલ તો આપતા જ નહીં ફરજિયાત
👉 તેને નવી નવી રમતો શીખવો.
👉 ઘર ના દરેક સભ્ય નું મહત્વ કેટલું એ સતત તેને અનુભવ કરવા દો.
👉 મામા કે ફઇના ઘરે જરુર મોકલો.
👉 ટીવીની જગ્યા એ જીવરામ જોશી ની કે અન્ય બાળવાર્તા ની બુક્સ ફરજિયાત વચાંવો.
👉 તમો એ જયા તમારું બાળપણ ગુજાર્યું ત્યાં લઈ જાવ અને તમારા અનુભવો જણાવો.
👉 રોજ સાંજે એક મુલ્યલક્ષી વાર્તા કહો બની શકે તો રામાયણ અને મહાભારત થી વાકેફ કરો.
👉 રોજ એક શ્રેષ્ઠ વ્યક્તિ વિશે વાત કરો.
👉 ખાસ....
મોબાઇલ થી તો દૂર જ રાખો... એમને રમવા દો, પડવા દો, આપો આપ ઊભા થવા દો........

બસ એજ આશા રાખીશું કે આપણા બાળક ને તેનું વેકેશન યાદગાર બનાવવા દેશો....

Friday, April 12, 2019

આપણે ભગવાન દ્વારા અને મફતમાં મળે છે એની કયારેય કિમંત સમજતા જ નથી

એક 80 વર્ષના દાદાને એટેક આવ્યો
દાદાનું જીવન દિની વિચારોથી ભરેલું હતું,
અને ખુબ સુખી સંપન્ન હતા સારામાં સારી હોસ્પીટલમાં દાખલ કરવામાં આવ્યા,
ડોક્ટરે કહ્યુ દાદા ત્રણ કલાક તમારૂં બાયપાસનું ઓપરેશન ચાલશે ત્રણ દિવસ રોકાવવું પડશે....
દાદા કહે જેવી ખુદાની મરજી...

ઓપરેશન પતી ગયું ત્રણ દિવસ વિતી ગયાં દાદાને રજા આપતી વખતે ડોક્ટરે દાદાને બીલ આપ્યું આઠ લાખ રૂપિયા...

એ બીલ જોઈને દાદા ખૂબ રડવા લાગ્યાં ડોક્ટર દયાળું હતા કહયું દાદા કેમ રડો છો,
તમને બીલ વધારે લાગતું હોય તો મને લાખ બે લાખ ઓછા આપો પણ તમે મારી હોસ્પિટલમાં મારા દાદાની ઉંમરના થઇને રડો છો મને દુ:ખ થાય છે...

દાદાએ કહ્યું ના ડોક્ટર ખુદાએ મને ઘણું આપ્યું છે તમે આઠ લાખ નહીં બાર લાખ બીલ આપ્યું હોત તો પણ હું આપી શકું તેમ છું ...
પણ હું કેમ રડું છું એ તમે નહીં સમજી શકો એ બોલતા દાદા ધ્રૂસકે ધ્રૂસકે રડવા લાગ્યાં...

ડોક્ટરે કહ્યું દાદા મારાથી કોઈ ઓપરેશનમાં ભૂલ થઈ છે તમને કોઈ દુ:ખાવો કે બીજી કોઈ શારીરીક તકલીફ થાય છે...
દાદાએ કહ્યું ના ડોક્ટર તમે ખુબ સરસ ઓપરેશન કર્યુ છે,
ડોક્ટરે કહ્યું તો પછી દાદા કેમ રડો છો તમે?
દાદા કહે ડોક્ટર તમે નહીં સમજી શકો,

ડોક્ટરે કહ્યું જે હોય તે તમે મને પ્લીઝ કહો,
દાદાએ કહયું તો સાંભળો ડોક્ટર તમે મારૂં ઓપરેશન કર્યુ મારૂં હ્રદય ત્રણ કલાક સાચવયું ત્રણ કલાક ના આઠ લાખ રૂપિયા..

હું એ પરમ ખુદાને યાદ કરીને રડી રહયોં છું કે જેમણે મારૂં હ્રદય 80 વર્ષ સુધી એક પણ રૂપિયાના ચાર્જ વગર સાચવ્યું...

ત્રણ કલાકના આઠ લાખ રૂપિયા તો 80 વર્ષના કેટલા?
એ દયાના મહાસાગરને યાદ કરીને ડોક્ટર હું રડી રહયોં છું...

આ સાંભળતા જ ડોક્ટર દાદાના પગમાં પડી ગયાં...
તેમ છતાં આપણે એક ભિખારીની જેમ ખુદા પાસે માંગીએ છીએ...

શું નથી આપ્યું આજ સુધીનું જે પણ જીવન જીવાયુ એ એની જ મહેરબાની છે ને...

શીખ :- આપણને જે મફતમાં મળે છે એની કયારેય કિમંત સમજતા જ નથી જે ઉપરવાળા એ આપયુ છે કયારેય એની કદર કરતાં નથી.*

Thursday, April 11, 2019

સુખનો પાસવર્ડ (સક્સેસ સ્ટોરી)

આંધ્ર પ્રદેશનો એક ગરીબ કાર વોશર કરોડપતિ એન્ત્રપ્રેન્યર બન્યો!
મહત્ત્વાકાંક્ષા અને મહેનત થકી માણસ અણધારી સફળતા મેળવી શકે

આશુ પટેલ
સુખનો પાસવર્ડ

આંધ્ર પ્રદેશના ચિત્તુર જિલ્લાના સંકારાયાલાપેટા ગામનું એક અત્યંત ગરીબ કુટુંબ એની માલિકીના કેટલાંક ઢોરનું દૂધ વેચીને ગુજરાન ચલાવતું હતું. એ કુટુંબમાં જન્મેલા બટ્ટાલા મુનુસ્વામી બાલકૃષ્ણને માતાપિતાએ ભણાવ્યો. મોટા થઈને બાલકૃષ્ણએ તેના ગામની નજીકના શહેર પેલામનેરુની ગવર્નમેન્ટ કૉલેજમાંથી ઓટોમોબાઈલ એન્જિનિયરીંગનો વોકેશનલ કોર્સ કર્યો.

એ પછી 1999માં બાલકૃષ્ણએ બેંગલોર જઈને નોકરી શોધવા માંડી. જો કે ઘણી રઝળપાટ પછી પણ બાલકૃષ્ણને નોકરી ન મળી. છેવટે તેણે બેંગલોરમાં મારુતિના ઓથોરાઈઝ્ડ શોરૂમ મારગાદાર્સી મોટર્સમાં કાર વોશર તરીકે નોકરી લઈ લીધી. કાર ધોવા માટે તેને બહુ ટૂંકો પગાર મળતો હતો.

બાલકૃષ્ણએ છ મહિના એ નોકરી કરી, પરંતુ તેને પોતાની એ જિંદગીથી સંતોષ નહોતો. છ મહિના પછી તે પોતાને ગામ ગયો ત્યારે તેને ખબર પડી કે સીઆરઆઈ પંપ કંપનીમાં માર્કેટિંગ એક્ઝિક્યુટિવની જગ્યા ખાલી પડી છે. તેણે એ જગ્યા માટે અરજી કરી. તેને એ નોકરી મળી ગઈ. તેણે ત્રણ વર્ષ માટે એ નોકરી કરી. તે સહકર્મચારીઓ સાથે ખુલ્લી જીપમાં આંધ્ર પ્રદેશના નેલ્લોર, ચિત્તૂર, અનંતપુર અને કુડ્ડાપાહ જિલ્લાઓમાં હાડમારીભરી મુસાફરી કરીને એ કંપનીની પંપ્સ વેચતો. એ દરમિયાન તેણે એ કંપનીના પબ્લિસિટી મૅનેજરની ભૂમિકા પણ ભજવી. કહેવા માટે એ માર્કેટિંગ એક્ઝિક્યુટિવ હતો પણ તેનો પગાર હતો બે હજાર રૂપિયા! તેણે 2004માં એ નોકરી છોડી ત્યારે તેનો પગાર 4800 રૂપિયા સુધી પહોંચ્યો હતો.

એ પછી બાલકૃષ્ણએ કોઈમ્બતુરની, મુંબઈની અને હૈદરાબાદની જુદી-જુદી કંપનીઝમાં માર્કેટિંગ એક્ઝિક્યુટિવ તરીકે નોકરી કરી. આ રીતે 2010 સુધી તેણે નોકરી કરી. 2010માં તેણે લગ્ન કર્યા. એ સમયમાં તેને વિચાર આવ્યો કે હું વસ્તુઓ વેચવામાં કુશળ થઈ ગયો છું તો શા માટે મારો પોતાનો કોઈ ધંધો શરૂ ન કરું? 2011માં તેણે પોતાની એક લાખ, ત્રીસ હજાર રૂપિયાની મૂડી સાથે ધંધો શરૂ કરવાનો નિશ્ર્ચય કર્યો. તેણે 14,000 રૂપિયાના માસિક ભાડાથી સિકંદરાબાદમાં એક ઓફિસ લીધી.

બાલકૃષ્ણનો એક જૂનો સહકર્મચારી વોટરપ્યુરિફાયર બનાવતો થઈ ગયો હતો. તેની પાસેથી 20 વોટર પ્યુરિફાયર લાવીને બાલકૃષ્ણે એનું વેચાણ શરૂ કર્યું. એક મહિનામાં તેમણે ઘણા વોટર પ્યુરિફાયર વેચ્યા એ પછી તેને લાગ્યું કે આ ધંધામાં સારી કમાણી થાય એમ છે. તેણે એકવાપોટ આરઓ ટૅક્નોલોજીસ કંપની ચાલુ કરી અને વોટર પ્યુરિફાયરના પાર્ટસ ખરીદીને એનું એસેમ્બલિંગ શરૂ કર્યું. એ પછી મોટરસાઈકલ પર ફરીને તે પોતાના વોટર પ્યુરિફાયર વેચવા નીકળી પડતો. તે વોટર પ્યુરિફાયર રિપેર પણ કરી આપતો હતો.

બાલકૃષ્ણની આ રીતે શરૂ થયેલી કંપની જામવા માંડી અને તેમના વોટર પ્યુરિફાયર આંધ્ર પ્રદેશ ઉપરાંત તમિલનાડુ, મહારાષ્ટ્ર અને કર્ણાટક જેવાં રાજયોમાં પણ વેચાતા થઈ ગયા. અત્યારે બાલકૃષ્ણની કંપનીનું કરોડો રૂપિયાનું ટર્નઓવર થઈ ગયું છે. ભારતમાં પંદરસો જેટલી કંપનીઝ વોટર પ્યુરિફાયર બનાવે છે એમાં બાલકૃષ્ણની કંપનીનું સ્થાન ટોચની વીસ કંપનીઝમાં આવી ગયું છે.

મહત્ત્વાકાંક્ષા અને લગન થકી માણસ અણધારી સફળતા મેળવી શકે છે એનો પુરાવો બી. એમ બાલકૃષ્ણ તરીકે જાણીતા થયેલા બટ્ટાલા મુનુસ્વામી બાલકૃષ્ણ છે.
Aashu Patel Ranjan Shah Bhumika Patel Devarsh Milan Trivedi Kc Patel Sanjay Trivedi Geeta Manek

સુખનો પાસવર્ડ આશુ પટેલ

ન્યુ યોર્કની એક ગરીબ વૃદ્ધા સામે એક દુકાનમાંથી બ્રેડની ચોરીની ફરિયાદ થઈ ત્યારે...
સત્તાધીશમાં સંવેદનશીલતા હોય તો તે લોકોને સુખી કરી શકે

સુખનો પાસવર્ડ
આશુ પટેલ

ફિઓરેલો લ ગાર્દિયા 1 જાન્યુઆરી, 1934થી 31 ડિસેમ્બર, 1945 દરમિયાન ત્રણ ટર્મ સુધી ન્યુ યોર્કના મૅયર રહ્યા હતા. તેઓ સંસદ સભ્ય પણ બન્યા હતા. તેમના જીવનના અનેક પ્રેરણાદાયી કિસ્સાઓ છે. એ પૈકી એક કિસ્સો વાચકો સાથે શેર કરવો છે.

ફિઓરેલો ઘણી વાર ન્યુ યોર્કના જુદા-જુદા વિસ્તારોમાં અચાનક પહોંચી જતા હતા અને વાસ્તવિક સ્થિતિ જાણતા હતા. તેઓ ક્યારેક કોઈ કોર્ટમાં પણ જઈ ચડતા હતા અને જજને કહેતા હતા કે તમે જાઓ. આજે હું સુનાવણી કરીશ. ન્યુ યોર્કના મૅયર તરીકે તેઓ હોદ્દાની રુએ શહેરના મુખ્ય ન્યાયાધીશ હતા. એ સમયમાં અમેરિકામાં મૅયરની ઓફિસ ચીફ મેજિસ્ટ્રેટ્સ ઓફિસ ગણાતી.

આ રીતે તેઓ 1935ના જાન્યુઆરી મહિનાની એક રાતે ફિઓરેલો ન્યુ યોર્કની એક નાઈટ કોર્ટમાં પહોંચી ગયા. તે કોર્ટ ન્યુ યોર્કના સૌથી ગરીબ વિસ્તારમાં હતી. ફિઓરેલાએ નાઈટ જજને કહ્યું કે તમે ઘરે જાઓ. આજે હું સુનાવણી કરીશ.

ફિઓરેલા જજની ખુરશી પર બેઠા એ પછી તેમની સામે પહેલો કેસ એક વૃદ્ધાનો આવ્યો. એક દુકાનદારે ફરિયાદ કરી હતી કે તે વૃદ્ધાએ તેની દુકાનમાંથી બ્રેડની ચોરી કરી હતી.

એ સમય એવો હતો કે અમેરિકા આર્થિક મહામંદીમાંથી પસાર થઈ રહ્યું હતું અને લોકો આર્થિક સમસ્યાનો સામનો કરી રહ્યા હતા.

આરોપી વૃદ્ધાએ રડતા-રડતાં પોતાનો ગુનો કબૂલ કર્યો. તેણે કહ્યું કે મારી ઉંમર થઈ છે એટલે મને કશું કામ મળતું નથી. અધૂરામાં પૂરું મારી દીકરી પણ મારા આશરે આવી છે. મારી દીકરીનો પતિ તેને અને તેનાં સંતાનોને પડતા મૂકીને જતો રહ્યો છે, મારી પુત્રી બહુ બીમાર છે અને તેના બે નાનકડાં સંતાનો ભૂખથી તરફડિયાં મારી રહ્યાં છે એટલે મારે બ્રેડની ચોરી કરવી પડી.

ફિઓરેલાએ દુકાનદારને કહ્યું કે આ વૃદ્ધાની સ્થિતિ જોતા તું તારી ફરિયાદ પાછી ખેંચવા તૈયાર છે?

જો કે દુકાનદારે ફરિયાદ પાછી ખેંચવાની ના પાડી દીધી. તેણે કહ્યું કે હું આ વૃદ્ધા સામેનો કેસ પાછો ખેંચી લઉં તો બીજા માણસો પણ મારી દુકાનમાં ચોરી કરવાની હિંમત કરશે એટલે હું કેસ પાછો નહીં ખેંચું.

દુકાનદારે કેસ પાછો ખેંચવાની ના પાડી દીધી એટલે જજની ખુરશી પર બેઠેલા મેયર ફિઓરેલા લ ગાર્દિયાએ એ વૃદ્ધા સામે જોઈને કહ્યું કે દુકાનદાર તમારી સામેનો કેસ પાછો ખેંચવા તૈયાર નથી એટલે મારે તમને સજા આપવી જ પડશે. તમે ગુનો કર્યો છે અને તમે કબૂલ પણ કર્યું છે કે તમે બ્રેડ ચોરી છે એટલે તમારે દસ ડૉલરનો દંડ ભરવો પડશે અને જો તમે એ દંડ ન ભરો તો તમારે દસ દિવસ જેલમાં જવું પડશે.

વૃદ્ધા રડી પડી. તેણે કહ્યું કે મારી પાસે દંડ ભરવાના પૈસા નથી. પૈસા હોત તો મારે ચોરી કરવાની જરૂર જ ન પડત. અને હું જેલમાં જઈશ તો મારા કુટુંબનું શું થશે?

જોકે આ દરમિયાન ફિઓરેલાએ પોતાની હેટ કાઢીને એમાં દસ ડૉલર મૂક્યા હતા. એ પછી રડી રહેલી વૃદ્ધા સામે જોઈને તેમણે કહ્યું કે તમારો દંડ ચૂકવવા માટે હું તમને દસ ડૉલર આપું છું.

એ પછી તેમણે કોર્ટમાં ઉપસ્થિત લોકો સામે જોઈને કહ્યું કે હું અહીં હાજર બધી વ્યક્તિઓને એવા શહેરમાં રહેવા માટે પચાસ-પચાસ સેન્ટનો દંડ ફટકારું છું જ્યાં એક વૃદ્ધાએ પોતાના દોહિત્ર-દોહિત્રીનું પેટ ભરવા માટે બ્રેડની ચોરી કરવી પડી!

તેમણે દસ ડૉલર મૂકીને પોતાની હેટ બેલિફને આપી અને કોર્ટમાં ઉપસ્થિત દરેક વ્યક્તિ પાસેથી પચાસ-પચાસ સેન્ટનો દંડ ઊઘરાવવાનો આદેશ આપ્યો. કોર્ટમાં ઉપસ્થિત લોકોએ ચૂપચાપ દંડની રકમ ભરી દીધી. દંડ ભરનારાઓમાં પોલીસ કર્મચારીઓ અને ફરિયાદી દુકાનદાર પણ સામેલ હતા. એ દંડ થકી 47.50 ડૉલરની રકમ જમા થઈ ગઈ! 1935માં એ રકમ બહુ મોટી ગણાતી હતી. એ રકમ ફિઓરેલાએ પેલી વૃદ્ધાને આપી.

બીજા દિવસે ન્યુ યોર્કનાં અખબારોમાં મૅયર ફિઓરેલાના એ અનોખા ન્યાય વિશે સમાચારો ચમક્યા હતા.

સત્તા ભોગવતા માણસોમાં ગરીબ લોકો પ્રત્યે મૅયર ફિઓરેલા લ ગાર્દિયા જેવી સંવેદનશીલતા હોય તો તેઓ લોકોને સુખી કરી શકે.

Aashu Patel

An article from my daily column of Mumbai Samachar.

Monday, April 1, 2019

એપ્રિલ ફૂલ

ખુદને એપ્રિલ ફુલ બનવુ છુ રોજે રોજ,
જુઠી વાતે મન બહેલાવું છુ રોજે રોજ!

ચહેરા પર મહોરા સજાવું છુ રોજે રોજ,
સ્મીત પાછળ આંસુ છુપાવુ છુ રોજે રોજ!

નિત નવા સપના સજાવુ છુ રોજે રોજ,
પછી અમથુ મન મનાવું છુ રોજે રોજ!

સુખની પાછળ જાત દોડાવું છુ રોજે રોજ,
અને દુખો ગૂંજે ભરીને લાવું છુ રોજે રોજ!

સુજે શબ્દો તો કવિતા સજાવું છુ રોજે રોજ,
મળવાને હું શાયરી થઇ આવું છુ રોજે રોજ!

જીવું છુ માની શ્વાસ લંબાવુ છુ રોજે રોજ,
પીડાઓની પણ મૌજ મનાવું છુ રોજે રોજ!

જીવું છુ એવુ મનને સમજાવું છુ રોજે રોજ,
ખુદ ખુદને એપ્રિલ ફુલ બનાવું છુ રોજે રોજ!