Thursday, April 11, 2019

સુખનો પાસવર્ડ આશુ પટેલ

ન્યુ યોર્કની એક ગરીબ વૃદ્ધા સામે એક દુકાનમાંથી બ્રેડની ચોરીની ફરિયાદ થઈ ત્યારે...
સત્તાધીશમાં સંવેદનશીલતા હોય તો તે લોકોને સુખી કરી શકે

સુખનો પાસવર્ડ
આશુ પટેલ

ફિઓરેલો લ ગાર્દિયા 1 જાન્યુઆરી, 1934થી 31 ડિસેમ્બર, 1945 દરમિયાન ત્રણ ટર્મ સુધી ન્યુ યોર્કના મૅયર રહ્યા હતા. તેઓ સંસદ સભ્ય પણ બન્યા હતા. તેમના જીવનના અનેક પ્રેરણાદાયી કિસ્સાઓ છે. એ પૈકી એક કિસ્સો વાચકો સાથે શેર કરવો છે.

ફિઓરેલો ઘણી વાર ન્યુ યોર્કના જુદા-જુદા વિસ્તારોમાં અચાનક પહોંચી જતા હતા અને વાસ્તવિક સ્થિતિ જાણતા હતા. તેઓ ક્યારેક કોઈ કોર્ટમાં પણ જઈ ચડતા હતા અને જજને કહેતા હતા કે તમે જાઓ. આજે હું સુનાવણી કરીશ. ન્યુ યોર્કના મૅયર તરીકે તેઓ હોદ્દાની રુએ શહેરના મુખ્ય ન્યાયાધીશ હતા. એ સમયમાં અમેરિકામાં મૅયરની ઓફિસ ચીફ મેજિસ્ટ્રેટ્સ ઓફિસ ગણાતી.

આ રીતે તેઓ 1935ના જાન્યુઆરી મહિનાની એક રાતે ફિઓરેલો ન્યુ યોર્કની એક નાઈટ કોર્ટમાં પહોંચી ગયા. તે કોર્ટ ન્યુ યોર્કના સૌથી ગરીબ વિસ્તારમાં હતી. ફિઓરેલાએ નાઈટ જજને કહ્યું કે તમે ઘરે જાઓ. આજે હું સુનાવણી કરીશ.

ફિઓરેલા જજની ખુરશી પર બેઠા એ પછી તેમની સામે પહેલો કેસ એક વૃદ્ધાનો આવ્યો. એક દુકાનદારે ફરિયાદ કરી હતી કે તે વૃદ્ધાએ તેની દુકાનમાંથી બ્રેડની ચોરી કરી હતી.

એ સમય એવો હતો કે અમેરિકા આર્થિક મહામંદીમાંથી પસાર થઈ રહ્યું હતું અને લોકો આર્થિક સમસ્યાનો સામનો કરી રહ્યા હતા.

આરોપી વૃદ્ધાએ રડતા-રડતાં પોતાનો ગુનો કબૂલ કર્યો. તેણે કહ્યું કે મારી ઉંમર થઈ છે એટલે મને કશું કામ મળતું નથી. અધૂરામાં પૂરું મારી દીકરી પણ મારા આશરે આવી છે. મારી દીકરીનો પતિ તેને અને તેનાં સંતાનોને પડતા મૂકીને જતો રહ્યો છે, મારી પુત્રી બહુ બીમાર છે અને તેના બે નાનકડાં સંતાનો ભૂખથી તરફડિયાં મારી રહ્યાં છે એટલે મારે બ્રેડની ચોરી કરવી પડી.

ફિઓરેલાએ દુકાનદારને કહ્યું કે આ વૃદ્ધાની સ્થિતિ જોતા તું તારી ફરિયાદ પાછી ખેંચવા તૈયાર છે?

જો કે દુકાનદારે ફરિયાદ પાછી ખેંચવાની ના પાડી દીધી. તેણે કહ્યું કે હું આ વૃદ્ધા સામેનો કેસ પાછો ખેંચી લઉં તો બીજા માણસો પણ મારી દુકાનમાં ચોરી કરવાની હિંમત કરશે એટલે હું કેસ પાછો નહીં ખેંચું.

દુકાનદારે કેસ પાછો ખેંચવાની ના પાડી દીધી એટલે જજની ખુરશી પર બેઠેલા મેયર ફિઓરેલા લ ગાર્દિયાએ એ વૃદ્ધા સામે જોઈને કહ્યું કે દુકાનદાર તમારી સામેનો કેસ પાછો ખેંચવા તૈયાર નથી એટલે મારે તમને સજા આપવી જ પડશે. તમે ગુનો કર્યો છે અને તમે કબૂલ પણ કર્યું છે કે તમે બ્રેડ ચોરી છે એટલે તમારે દસ ડૉલરનો દંડ ભરવો પડશે અને જો તમે એ દંડ ન ભરો તો તમારે દસ દિવસ જેલમાં જવું પડશે.

વૃદ્ધા રડી પડી. તેણે કહ્યું કે મારી પાસે દંડ ભરવાના પૈસા નથી. પૈસા હોત તો મારે ચોરી કરવાની જરૂર જ ન પડત. અને હું જેલમાં જઈશ તો મારા કુટુંબનું શું થશે?

જોકે આ દરમિયાન ફિઓરેલાએ પોતાની હેટ કાઢીને એમાં દસ ડૉલર મૂક્યા હતા. એ પછી રડી રહેલી વૃદ્ધા સામે જોઈને તેમણે કહ્યું કે તમારો દંડ ચૂકવવા માટે હું તમને દસ ડૉલર આપું છું.

એ પછી તેમણે કોર્ટમાં ઉપસ્થિત લોકો સામે જોઈને કહ્યું કે હું અહીં હાજર બધી વ્યક્તિઓને એવા શહેરમાં રહેવા માટે પચાસ-પચાસ સેન્ટનો દંડ ફટકારું છું જ્યાં એક વૃદ્ધાએ પોતાના દોહિત્ર-દોહિત્રીનું પેટ ભરવા માટે બ્રેડની ચોરી કરવી પડી!

તેમણે દસ ડૉલર મૂકીને પોતાની હેટ બેલિફને આપી અને કોર્ટમાં ઉપસ્થિત દરેક વ્યક્તિ પાસેથી પચાસ-પચાસ સેન્ટનો દંડ ઊઘરાવવાનો આદેશ આપ્યો. કોર્ટમાં ઉપસ્થિત લોકોએ ચૂપચાપ દંડની રકમ ભરી દીધી. દંડ ભરનારાઓમાં પોલીસ કર્મચારીઓ અને ફરિયાદી દુકાનદાર પણ સામેલ હતા. એ દંડ થકી 47.50 ડૉલરની રકમ જમા થઈ ગઈ! 1935માં એ રકમ બહુ મોટી ગણાતી હતી. એ રકમ ફિઓરેલાએ પેલી વૃદ્ધાને આપી.

બીજા દિવસે ન્યુ યોર્કનાં અખબારોમાં મૅયર ફિઓરેલાના એ અનોખા ન્યાય વિશે સમાચારો ચમક્યા હતા.

સત્તા ભોગવતા માણસોમાં ગરીબ લોકો પ્રત્યે મૅયર ફિઓરેલા લ ગાર્દિયા જેવી સંવેદનશીલતા હોય તો તેઓ લોકોને સુખી કરી શકે.

Aashu Patel

An article from my daily column of Mumbai Samachar.

No comments:

Post a Comment