Sunday, October 6, 2019

દેડકો કેમ મર્યો ....??? જીવન અવલોકન

પહેલા સાયન્સમાં પ્રયોગ કરાવવામાં આવતા જે હાલ પ્રતિબંધિત છે... આ પ્રયોગ પરથી જીવનની અમુક બાબતો શીખવા જેવી છે...

ત્યારે 11, 12 સાયન્સમાં પ્રયોગ માટે માનવ શરીર વિશે સમજાવવવા માટે દેડકાનો ઉપયોગ થતો.. એ સમયમાં એક પ્રયોગ થતો.....

કોઈ દેડકાને પાણી ભરેલા વાસણમાં મુકો અને ધીરે ધીરે વસાણના પાણીને ગરમ કરવાનું શરૂ કરો...જેમ જેમ પાણીનું તાપમાન વધતું જશે તેમ તેમ તેમ દેડકો પોતાના શરીરના તાપમાનને પણ બહારના તાપમાન સાથેનું સાનુકૂલન બનાવતો જશે, વાસ્તવમાં જે એની નૈસર્ગીક લાક્ષણિકતા છે ....

જ્યારે પાણી તેના ઉત્કલનબિંદુએ એટલેકે boiling point ઉપર પહોંચશે ત્યારે હવે દેડકા માટે વધુ સાનુકૂલન શક્ય નથી અને પરિણામે દેડકો પાત્ર માંથી બહાર કુદવાનો પ્રયત્ન કરશે પરંતુ તે તાકાતને અભાવે કુદી નહીં કરી શકે કારણકે શરૂઆતમાં તેણે પરિસ્થિતિ સાથે સાનુકૂલન (adjust ) સાધવામાં જ બધી તાકાત ખર્ચી નાખી હતી ...

ઉપરોક્ત પ્રયોગમાં અંતે દેડકો માર્યો જાય છે ....
આ દેડકાનું મોત કયા કારણે થયું ...???
વિચારો ....
ઉકળતા પાણીને કારણે ...???

ના સત્ય એ છે કે દેડકો પોતાની adjust કરી લેવાની પ્રકૃતિને કારણે જ મર્યો અને adjust થવા થવા માં જ જ્યારે જરૂર હતી ત્યારે વાસણમાંથી કૂદકો મારવાનો સમય તેણે ગુમાવી દીધો ....!!

આપણે પણ પરિસ્થિતિ અને આસપાસની વ્યક્તિઓ સાથે સતત adjust થતા રહેવાનો પ્રયત્ન કરતા રહીએ એ છીએ પરંતુ એની સાથે ક્યાં સુધી adjust થવું અને ક્યારે આ adjustment છોડી દેવુ તેની સીમારેખા નથી આંકતા હોતા ... સમયની એક ચોક્કસ ક્ષણે જ આપણે નિર્ણય લેવાનો હોય છે કે હવે આ adjustmwn માં જ રહેવું છે કે બહાર નીકળી જવું છે ....
ઘણી વખત આપણે આપણી આસપાસની પરિસ્થિતિ અને વ્યક્તિઓ કે જે ક્યાં તો આપણુ શારીરિક ,નાણાકીય , આધ્યાત્મિક, માનસિક કે કુત્રિમ લાગણીઓથી શોષણ કરી રહ્યું હોય તેવું સતત અનુભવાય છે અને આપણે પણ સતત એની સાથે જ adjustment કરવામાં આપણી શક્તિઓ વેડફી નાખતા હોઈ એ છીએ અને દેડકાની જેમ બહાર નીકળવાની યોગ્ય તક ગુમાવી દેતા હોઈ એ છીએ ...
નક્કી કરો કે ક્યારે કૂદકો મારવો છે ....!!

જ્યારે પણ આપણામાં ભરપૂર તાકાત હોય ત્યારે જ અવશ્ય કૂદકો મારી લેવો..
નોંધ :-
આ લખાણ લખતી વખતે કોઈ પણ પ્રાણીને ઇજા કે શારીરિક ત્રાસ અપાયો નથી ..

Thursday, October 3, 2019

પોઝિટિવ પર્સન ચિત્રકાર શ્રી સામત બેલા

ચિત્રકાર શ્રી સામત બેલા ,
જામકલ્યાણપુર ,
દેવભૂમિ દ્વારકા

ચાલો તો જાણીએ ચિત્રકાર સામત બેલાના જીવન દર્પણને........

ચિત્રકલા જગતની દુનિયામાં જેને ખૂબ જ ઓછા સમયમાં પોતાની એક આગવી છાપ ઉભી કરી એવા શ્રી સામતભાઇ લક્ષ્મણભાઈ બેલા નો જન્મ 26 ફેબ્રુઆરી 1981ના રોજ દ્વારિકા વિસ્તારના એક અંતરિયાળ ગામ કલ્યાણપુરમાં થયો હતો. ખેતી પર આધારિત પરિવારમાં જન્મેલ સામતભાઈ પિતા લખમણભાઇ અને માતા રામીબેન ના સંસ્કારની છત્રછાયામાં તેમનો ઉછેર થયો હતો પિતા લખમણભાઇ ના મુખે સદા કૃષ્ણ પ્રેમની વાતો સાંભળતાં તે છાપ તેમના હૃદયમાં બાળપણથી જ ગહન બની હતી.
સામતભાઈએ પ્રાથમિક શિક્ષણ જામકલ્યાણપુર માં જ પૂર્ણ કર્યું. તેમનું બાળપણ એક અસાધારણ બાળક જેવું રહ્યું. પાંચ વર્ષની ઉંમરે ભૂલથી ભાંગનાં બીજ ખાઈ જવાથી તે ત્રણ દિવસ પાગલપનની સ્થિતિમાં રહ્યા હતા. મને લાગે છે એ બાળપણનું પાગલ પણ આજે પણ એની ચિત્રકલામાં જોવા મળે છે. બાળપણમાં તે અભ્યાસમાં ખૂબ જ નબળા હતા ધોરણ ૧ થી ૭ માં તે નાપાસ રહ્યા અભ્યાસના સમયમાં પણ તે ચિત્ર બનાવ્યા કરતા બીજા વિદ્યાર્થીઓ જ્યારે ફટાફટ વાંચન કરતાં ત્યારે તેમને અચરજ જેવું લાગતું, જ્યારે સામતભાઈ એક અક્ષર વાંચવામાં કલાકો લગાડતા. આવી નબળી પરિસ્થિતિમાં પણ તેણે અભ્યાસ છોડ્યો નહીં. સામતભાઈ પોતાના કાર્યમાં ખુબ જ એકાગ્રતા ધરાવે છે. કક્ષા સાતમા ઓચિંતો તેમના જીવનમાં એક મોટો વળાંક આવ્યો. જે બાળક કક્ષા સાતમા વાંચન શીખ્યો હોય અને કક્ષા 8 માં પ્રથમ ક્રમાંકે આવ્યો એ વાત એમના શિક્ષકોની સમજની બહાર હતી. બાળપણમાં શિક્ષકની ભાષા સમજવામાં ખૂબ તકલીફ પડતી હતી, તે આજે પોતે શિક્ષક બની બાળકોને અભ્યાસ કરાવે છે. તેમણે માધ્યમિક શિક્ષણ જામકલ્યાણપુર ખાતે શ્રી કે કે દાવડા હાઇસ્કુલમાં પૂર્ણ કર્યું. આગળ જતાં તેણે ઉચ્ચ માધ્યમિક શિક્ષણ રાવલ જેવા નાના ગામમાં પૂર્ણ કરી સી.પી.ઍડ નો અભ્યાસ વલસાડ ખાતે પૂર્ણ કર્યો. ત્યારબાદ જામકલ્યાણપુર નજીકના એક નાના ગામ હરીપર ખાતે એક સરકારી શાળામાં શિક્ષક તરીકેની ફરજ બજાવી રહ્યા છે. આજે પણ એ સ્વભાવે એક નાના બાળક જેવા સહજ અને રમૂજી છે.
સામત ભાઈ ને ચિત્રની કલા એમને વારસામાં નહોતી મળી અને જે વિસ્તારમાં એમનો જન્મ થયો એ વિસ્તાર માં કોઈ એવા મોટા ચિત્રકાર નો સંપર્ક પણ ન હતો. એમ છતાં પણ એમની ચિત્ર શીખવાની તૃષ્ણા એક સિદ્ધહસ્ત કલાકાર તરફ લઇ ગઈ. સહજ ભાવથી બનાવતા ચિત્રો આજે દેશના સીમાડાઓ વટાવી ગયા છે.
સામતભાઈ પોતાના ચિત્ર ઓઇલ માધ્યમથી કેનવાસ પર બનાવે છે. પહેલી જ નજરે ગમી જતાં ચિત્રો એવા લાગે જાણે હમણાં જ બોલી ઊઠશે જેને એક જીવંત ચિત્ર શૈલી પણ કહે છે. હાલ તે બે ચિત્ર સિરીઝ પર કામ કરી રહ્યા છે. જેમાં એક "સૌરાષ્ટ્રની રંગધારા" અને બીજી "કૃષ્ણમય". તેમની બંને સિરીઝ ખૂબ મોટા પ્રમાણમાં પ્રચલિત છે.
સૌરાષ્ટ્રની રંગધારા એ ગુજરાતના સૌરાષ્ટ્ર પ્રદેશના ગ્રામીણ જીવન પર આધારિત સિરીઝ છે .જેમાં સામતભાઈ ગ્રામીણ જીવનનો વારસો, સંસ્કૃતિ, સંઘર્ષ, પ્રેમ વગેરે ભાવોને લોકો સમક્ષ મૂકી વિશ્વના ફલક સુધી ભારતીય ગ્રામીણ જીવન નું મહત્વ વધારવા એક ઉમદા કાર્ય કર્યું છે. એક ચિત્રકલા ના માધ્યમથી ગુજરાતના ગામડાના લોકજીવનને વિશ્વભરમાં આકર્ષણનું કેન્દ્ર બનાવ્યું. તેમના ચિત્રોમાં જોવા મળતા વૃદ્ધો, બાળકો, સ્ત્રીઓ, તેમજ પશુઓના ચિત્ર ભાવથી તરબોળ હોય છે.
સૌરાષ્ટ્રની રંગધારા સિરીઝની રચના માટે સામતભાઇ સૌરાષ્ટ્રના અનેક અંતરિયાળ ગામડાઓમાં ફરે છે. તે ગીરના જંગલો, બરડા ડુંગર, ઓખા ના સૂકા વિસ્તારો જેવા અનેક વિવિધતાસભર વિસ્તારોમાં વસતા લોકોની જીવનશૈલી વિષે અભ્યાસ કરી તેમના ચિત્ર કંડારવાનું એક ઉમદા કાર્ય કર્યું છે. ગુજરાતનું એક લોકજીવન જે ભૌગોલિક પરિસ્થિતિઓ સામે ઝઝૂમી રહ્યું હોય ત્યારે તેમના વિશિષ્ટતા સભર લોકજીવનને વિશ્વના ફલક સુધી મૂકવું તે સામતભાઈ પોતાની કલા ફરજ માને છે.
કૃષ્ણમય સિરીઝમાં સામતભાઈ એ લોકો કૃષ્ણમય કેવી રીતે રહે છે તેના ભાવો પ્રગટ કરતાં ચિત્રો બનાવ્યા છે. સામતભાઈ ના ચિત્રો સ્પષ્ટપણે જણાવે છે કે તે એક ગહન કૃષ્ણપ્રેમી છે. કૃષ્ણ પ્રત્યેનો ભાવ એમના ચિત્રોમાં જણાઈ આવે છે. અને દરેક ચિત્ર માત્ર સુંદરતા સભર જ નહીં પરંતુ ચિંતન કરી શકાય તેવા ભાવપૂર્ણ હોય છે. આજે કૃષ્ણમય ના ચિત્રો વિદેશ માં વસતા ભારતીય લોકોમાં ખૂબ લોકપ્રિય બન્યા છે. આજે પણ સામતભાઈ ગામડામાં રહી એક શિક્ષક તરીકે સામાન્ય જીવન જીવે છે. પરંતુ તેમની કળાથી પ્રભાવિત થઈ દેશ-વિદેશથી લોકો તેમને મળવા માટે આવતા હોય છે. સ્વીઝરલેન્ડ, નોર્વે, અમેરિકા જેવા દેશોના વિદેશી લોકો એક નાના ગામમાં આવી તેમની મુલાકાત લઇ ચૂક્યા છે.
કલાનો ઉપયોગ સમાજના ઉત્થાન માટે હોય છે નહીકે પેટિયું રડવા. જે કલા નો ઉપયોગ માત્ર ગુજરાન ચલાવવા જ કરે છે તે "કારીગર" ને સમાજના હીતમાં કરે તે "કલાકાર" .સામતભાઈ પોતાની કલાની મદદથી કેટલાય વિદ્યાર્થીઓને ઉચ્ચ શિક્ષણમાં આર્થિક મદદરૂપ બન્યા છે. તેમજ આર્થિક સમસ્યાથી ભાંગી ગયેલા લોકોને નિઃસ્વાર્થ આર્થિક મદદ કરી ચિત્રકલા ને સાચા અર્થમાં ચરિતાર્થ કરી છે. સમાજના હિતમાં તે એક શિક્ષક તરીકેની ભૂમિકા પણ સારી રીતે નિભાવી રહ્યા છે.
અત્યાર સુધીમાં રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય કક્ષાએ કુલ મળીને ૨૦ જેટલા ચિત્ર પ્રદર્શનો કરી ચૂક્યા છે. ભારતના મોટા ભાગના શહેરોમાં તેમનું ચિત્ર પ્રદર્શન નું આયોજન થઈ ચૂક્યું છે. જેમાં મુંબઈ, દિલ્હી, અમદાવાદ, સુરત, ઇન્દોર (મધ્ય પ્રદેશ ) કલકત્તા, વડોદરા, જોધપુર (રાજસ્થાન) રાજકોટ, જામનગર, જેવા ભારતના શહેરોનો સમાવેશ થાય છે. તેમજ સિંગાપુર ન્યૂયોર્ક જેવા આંતરરાષ્ટ્રીય શહેરોનો પણ સમાવેશ થાય છે. સામતભાઈ ના ચિત્રો નું કલેક્શન અમેરિકા અને લન્ડન જેવા શહેરોમાં પણ છે.
કલાના કસબી એવા સામતભાઈ ને અનેક સંસ્થાઓ દ્વારા સન્માન પત્ર થી સન્માનિત કરવામાં આવ્યા છે. ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રીશ્રી આનંદીબહેન પટેલ દ્વારા પણ તેમની ચિત્રકલાને સન્માનિત કરવામાં આવી હતી. અત્યાર સુધીમાં સામતભાઇ ચિત્રકલાના ક્ષેત્રમાં અનેક રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય એવોર્ડ થી સન્માનિત થઈ ચૂક્યા છે .2017માં જોધપુર રાજસ્થાન અને ઇન્દોર મધ્ય પ્રદેશ ખાતે તેમને નેશનલ એવોર્ડ થી સન્માનિત કરવામાં આવ્યા હતા તેમજ 2019માં વડોદરા ખાતે ઈન્ટરનેશનલ આર્ટ ફેરમાં પણ બેસ્ટ આર્ટિસ્ટના એવોર્ડ થી સન્માનિત કરવામાં આવ્યા હતા . આહીર સમાજ દ્વારા "આહીર રતન "જેવું વિશિષ્ટ સન્માનના પણ તે હકદાર બની ચૂક્યા છે. વિધાનસભા 2019 ના ઇલેક્શન માં તેમને ઇલેક્શન કમિશન દ્વારા દેવભૂમિ દ્વારકાના "આઇકોન" તરીકે ની તેમની જાહેરાત પણ કરવામાં આવી હતી.
માનવમેદનીથી દૂર રહેનારા અને એકાંતપ્રિય સામતભાઈ પોતાની નવરાશની પળોમાં કુદરતના ખોળે રમતા ગ્રામીણ લોકજીવનને માણતા અને એ જ લોક જીવનને ઉજાગર કરવા તેમની ચિત્ર કલા દ્વારા સમાજની સમક્ષ મુકવાનો પ્રયત્ન કરે છે. સામતભાઈએ પોતાની ચિત્રકલા દ્વારા ગ્રામીણ સંસ્કૃતિ નું સંવર્ધન કરવાનું ઉમદા કાર્ય કર્યું છે. પોતાની ચિત્રકળા દેશ અને વિદેશમાં વસતા દરેક વ્યક્તિ ભારતીય ગ્રામીણ જીવનના વારસાને ભારોભાર સન્માન આપે એવો તેમનો ઉદ્દેશ છે .કારણ કે તેમનું માનવું છે, કે એક દિવસ પારંપરિક પહેરવેશ વાળું ગામડું માત્ર એમના ચિત્રોમાં જ રહી જશે.

ગાંધીનગર મેટ્રો દૈનિક નું તોરણ સાપ્તાહિક "રંગો ના તરંગો " ૧૦૩ આર્ટિકલ .

- ગાંધીનગર મેટ્રો દૈનિક "તોરણ"

Wednesday, October 2, 2019

બહુરૂપી ગાંધી...રાજકારણ થી રંગમંચ સુધી...

ગાંધી,એક એવું નામ જે ચેક કે ડ્રાફ્ટ ની જેમ વટાવી શકો, એક એવું પગલુંછણીયું કે જેના પર તમે તમારી ભડાશ કે ગંદકી કાઢી શકો, વોટ થી લઇ નોટ સુધી ગાંધી...ગાંધી...ને ગાંધી જ...
હરી તારા નામ છે હજાર એમ ગાંધી ને દરેકે પોતાના દરેક સ્વાર્થ માટે વાપર્યો...ખુબ જ... નેતા થી લઇ અભિનેતા સુધી દરેક ની સીડી ના એકાદ પગથીયે ગાંધી મળશે જ.પોતાની નેગેટીવ પબ્લીસીટી માટે પણ અખબારો-પત્તરકારોએ ગાંધી ને ઘોંચપરોણા કરવામાં કાઈ બાકી ના રાખ્યું...
પણ ઘેલકાંકરીનાવ તમારો જયારે પ્રેગ્નાન્યુઝ જેવી સ્ટ્રીપ માં પણ નતો જન્મ થયો એ પેલ્લા નો ગાંધી આંધી ની જેમ ફરી વળેલો છે ને તારા આખા ખાનદાન ના લોટા ચાણોદ માં ઠલવાઈ જશે ત્યાં સુધી ગાંધીયન વિચારધારા ચમકતી જ રેવા ની છે.સરદાર જેવો ચરોતરી પટેલ “ઘઉં માં કાંકરા વીણવાનું ગાંધી શીખવાડશે” એવી ગાંધી ની ઠેકડી ઉડાડતો માણસ જ્યારે એના પગે બેસે ત્યારે એ હડ્ડીપસલી માં કઈક તો હોવું જોઈએ ને? ગાંધી બન્યો જ પરદેશ ની ધરતી પર...અહી તો સમજ્યા, બીજી ગલીએ જેને કોઈના ઓળખતું હોય એવા ભાદરવા ના કુતરાવ આજે ગાંધી ને ગાળો આપે છે.પેશાબ પગ પર ના પડે એટલા હાટુ વિયાગ્રા ખાતી ખારેકો ,સુનલો ...એ ડોસો છોત્તેર વરસે જાજરૂ જાતે ધોઈ હડી કાઢતો ને તું તારી ફૂટપટ્ટીએ ગાંધી માપવા નીકળ્યો??? હે ગળફેશ, ગાંધી ની સ્મશાન યાત્રા જેટલા લોકો ને કદીયે તું જીવન માં મળ્યો પણ હોઈશ?
આખીય દુનિયા માં ગાંધી ના નામ પર મરી ફીટનાર કેટલાં... ને બા પોતેય દરેક કાર્ય માં મૂક સાથ આપતા. ને તું કોડા નાગિન જોતી બૈરી ને “તું આવી જ સીરીયલો જોજે” એવી કોમેન્ટ પણ કરી શકતો નથી...હે માનવ ગાંધી પેદા થતા નથી, ગાંધીને સમય-સંજોગો ઘડે છે એના માટે બહુરૂપી બનવું પડે.રંગ બદલી ખો આપતો બહુરૂપી નહિ પણ આ સમાજ નો કર્મમાનવ સાચો કર્મયોગી એવો બહુરૂપી..
ગાંધી વકાલત,દરજીકામ,ધોબીકામ,વાળ કાપવાનું-વગર અરીસે,હરીજન નું કામ, મોચીકામ, રસોઈ, વૈદ્યક, નર્સિંગ, શિક્ષક, કાપડ વણાટકામ, રંગકામ, ખેતી, હરાજી, નામું લખવું, ભીખ માંગવી, લુંટ કરવી-કરાવવી,કેદી સાથે જ સેનાપતિ,લેખન,પત્રકાર,પ્રકાશક,છાપકામ,બાઈડિંગ,મદારી,ફેશન ડીઝાઈનર વગેરે અનેક કામ બખૂબી થી નિભાવતા અને દરેક માં નિપુણ હતા.ગાંધી નો આ એક વિચાર જો સમાજ અપનાવી લે તો અમેરિકા થી ભારત પાછળ ન હોય.વર્ષો થી વિકસિત દેશો માં મૃત્યુ સુધી પોતાનું કામ પોતે કરવાની સીસ્ટમ છે અને એટલે જ એ આગળ છે અહી સાહેબો ખાલી પેન્ટ ની ચેઈન એકલી નોકરો પાસે ખોલાવવાની બાકી રાખે છે.ગાંધી આ ડીપેંડન્ટ રહેવાથી થતા નુકસાન ને પહેલા જાણી ગયો..
ધોબી ના પૈસા પોસાતા નથી એમ નથી પણ ધોબી ની ગુલામી ના કરવી પડે એટલે હું આ કરું છું.આપણે ત્યાં કામદાર વર્ગ ને ભાઈબાપા કરીએ ત્યારે તોછડાઈ પૂર્વક ઉપકાર કરતા હોય એમ કામદાર આવતા હોય છે કમસે કમ નાની નાની બાબત માં ઈન્ડીપેન્ડન્ટ બનીએ...આ એક વિચાર અપનાવી લઈએ - બહુરૂપી ગાંધી...
રહી વાત બ્રહ્મચર્ય ની...તો ગાંધી જેવો ખુલ્લાદિલ સાફ ઇન્સાન કોઈ નથી.ક્યારે સેક્સ ના વિચારો આવતા ને ક્યારે વેશ્યા ની ગલીએ ગયો એ ચોખ્ખું લખ્યું.હાળા જલોટાવ તમે સોશિયલસાઈટો પર કૈક ના રેપ કરી નાંખ્યા , દાણા નાંખવા ભરતી નવરી બજારો ગાંધી માટે તમારા જેવા કૈક તારાઓ રોજ ખરીજાય છે.બ્રહ્મચર્ય માં હજી હું દરેક પ્રયોગો જાહેર કરી શકું એ સ્ટેજ પર પહોચ્યો નથી પહોંચીસ ત્યારે ચોક્કસ સમાજ ને જાહેર કરીશ.આજે આશ્રમ ની કોઈ મહિલા જિંદા નથી અને કોઈનું કોઈ નિવેદન આવેલ નથી ને કદાચ કોઈ પ્રયોગ માં કસોટી ખાતર ખાંડા ની ધાર પર વિચલિત થયા વગર ચાલે તો જલોટા તને ના મળ્યું એની ખંજવાળ છે કે શું? કોઈ પુખ્ત વય થી નીચેનું તો નતું ને...આગ ની જ્વાળાઓ આગળ પીગળ્યા વગર ઘી પડી રહે અને ઘી એ વાત નો દમ મારતું હોય તો આપણે મિયાં ખલીફા ના આશીકો એ કમ સે કમ આવી બાબતો માં ચંચુપાત ન કરવો જોઈએ...
ગાંધી વિચાર રૂપે જીવવાનો, વાણીયો હતો લાંબુ વિચારનારો એના સિદ્ધાંતો,વિચારો એક એક પકડીએ તો દુનિયા પાણી ભરશે.અનાદિકાળ સુધી એના વિચારો જીવવાના જ...સત્ય ના પ્રયોગો મારી ફેવરીટ ચોપડી છે એવી શેખી મારવા કરતા મંગળ પ્રભાત,હિંદ સ્વરાજ,રચનાત્મક કાર્યક્રમ જેવી બુક્સ વાંચો.ગાંધીયન બનો જાતે પાણી પીવા જાવ ને કચ્છા બનિયાન એક વાર જાતે ધોઈ જોવો...
છેલ્લે બાપુ પાછલા વર્ષો માં આપ જડ બનતા ગયા, ઉપવાસે ઉતરેલા આપ પર લોકો છાતીએ રોટલીઓ ફેંકી જાય એટલા લોકો આપના ઉપવાસો થી બેબસ બન્યા, છેલ્લે આપનું વાણીયાત્વ થોડું કમ લાગ્યું, આપમાંનો વાણીયો ૫૫ કરોડ માં થાપ ખાઈ ગયો... ને આખી જિંદગી આ પાકલાવ ની સુવાવડ હિંદે કરવાની આવી...વડાપ્રધાન થી લઇ ભાગલા સુધી થોડુ મોટું મન રાખી ક્યાંક જડતા મુકવી હતી
પણ ખેર ટેઢા હૈ પર મેરા હૈ જૈસા હૈ અપના બાપુ હૈ... કાયદે આઝમ કોની જોડે સુતો હતો એ પણ ખોંચરવું જોઈએ... બાકી બાપ બાપ હોતા હૈ....
હેપ્પી વાલા બ’ડે બાપુ...

Gaurang Darji
ગૌરાંગ દ ૨જી ઓક્ટોબર 2019