Thursday, February 13, 2020

દરેક માણસમાં કૈંક વિશેષતા કૈંક મર્યાદા હોય



મોદીજીના વિરોધીઓને એમનામાં માત્ર મર્યાદાઓ જ દેખાય છે એ ય વળી અઢળક .
મને એમની વિશેષતામાં જે સૌથી વધુ પ્રભાવિત કરે છે એ વિષે હું કહું .

મોદીજીની રાજકીય વિશેષતા વિષે અત્યારે મારે કઈ કહેવું નથી .
મારે એમના વિષે બે ત્રણ એવી વાત કહેવી છે જેના વિષે એમના કટ્ટર માં કટ્ટર વિરોધીએ પણ સંમત થવું જ પડે.

1. પહેલું સુખ તે જાતે નર્યા
ભારતીય સંસ્કૃતિમાં શારીરિક સ્વસ્થતાને પ્રથમ પ્રાધાન્ય અપાયેલ છે .
૧૯૫૦ માં જન્મ
એકાવન વર્ષની ઉંમરે ૨૦૦૧ માં સીધા મુખ્ય મંત્રી તરીકે નિયુક્ત થયા ત્યાર થી અત્યાર સુધી આ માણસને છ કલાક થી વધુ આરામ નો સમય ન જ મળતો હોય
એક જ સ્થળે ભોજન કે આરામ નહીં એમ છતાં ય ચૂંટણી સભાઓમાં ભાષણને કારણે અવાજ બેસી જવાને બાદ કરતાં આ માણસ કોઈ બીમારીને કારણે અઠવાડિયું તો શું ત્રણ ચાર દિવસે ય હોસ્પિટલાઇઝ થયાનું ક્યારેય સાંભળ્યું નથી
#ગઝબની_સ્વસ્થતા

2. એ જે પ્રમાણે દેશ વિદેશમાં પ્રવાસો કરતા રહે છે પ્રવાસ પછી ય આરામને બદલે તરત જ કાર્યક્રમો હોય એમાં ય ક્યારેય આળસ મરડતા કે બગાસા લેતા નજરે ન ચડે
#ગઝબની_સક્ષમતા

3. જેટ લેગ વિષે જે જાણતા હશે એ સમજી શકશે કે પ્લેનમાં દિવસના ટેક ઓફ થયા પછી બાર કલાકે દૂર વિદેશમાં પ્લેન લેન્ડ થાય ત્યારે ત્યાં ય દિવસ જ હોય ત્યારે સમય પત્રક પાલન કરવું કેટલું મુશ્કેલ હોય શકે પણ મેં ટીવીમાં એક ઇન્ટરવ્યૂમાં એમને એવું બોલતા સાંભળેલા કે
સવારે જાગવા માટે મારે એલાર્મની જરૂર નથી પડતી અને રાત્રે પથારીમાં લંબાવ્યા પછી છઠ્ઠી મિનિટે હું ઘસઘસાટ ઊંઘી જાવ છું .
૭૦ માં વરસે ય
#ગઝબની_સમર્થતા

હવે પછી તમે જે વાંચશો એ બધા જ શબ્દો મિત્ર મહેશ પુરોહીતના છે.
👇👇
એક વ્યક્તિ મુખ્યમંત્રી બને ને ત્રણ મહિના બાદ જ આખા રાજ્ય મા દંગા ફાટી નીકળે તેના પહેલાં રાજ્ય વ્યવસ્થા નો બહોળો અનુભવ ના હોય આજૂ બાજુ ના ત્રણેય રાજ્યો મા વિપરીત વિચારધારા ની સરકાર હોવા ના કારણે કોઈ પોલીસ મદદ ન મળે અને છતાં ત્રણ દિવસ ના દંગા કંટ્રોલ કરાય છતાં પણ તે દંગા ને આંતરરાષ્ટ્રીય સ્તર પર પ્રચારિત કરી કરી ને બદનામ કરવામા આવે હા હુ મોદીજી ની વાત કરુ છુ...

મોદીજી ફક્ત નેતા પુરતા જ નહી પરંતુ તેમના અંગત જીવન મા પણ પ્રેરણા રુપ છે. ૨૦૦૨ ના દંગા બાદ તેમના વિશે ખબર નહિ કેવા કેવા ગંદા આરોપો અને શબ્દો વાપરવા મા આવ્યા, નીચ, નપુંસક, રાક્ષશ, મોત નો સોદાગર, આ ઉપરાંત દેશ નુ કહેવાતુ સેકુલર મિડીયા કોઈ એક દિવસ આવો નહિ હોય કે ડિબેટ મા મોદીજી વિશે મનફાવે તેમ ના બોલવા મા આવ્યું હોય, આંતરરાષ્ટ્રીય કક્ષા ની સંસ્થાઓ એક્ટિવ રહી ને તેમને કેટલાક દેશ મા પ્રતિબંધ પણ કરાવ્યો, કેન્દ્ર મા કોન્ગ્રેસ ની સરકાર હોવા થી તમામ કાનુની દબાવ આ માણસે સહન કર્યો, તે એક માત્ર એક મુખ્ય મંત્રી જેમણે આઠ આઠ કલાક SIT નો સામનો કર્યો, આવા માહોલ હોવા ના કારણે ભાજપ ના જ કેટલાક નેતા પણ તેમનો વિરોધ કરવા લાગ્યા હતા, વિચાર કરો આવી સ્થિતિ કેટલી વિકટ હશે, છતા આ માણસ ને મે અકળતા નથી જોયો અકળાઈ ને ગમે તેમ બોલતા નથી જોયો, તેમને કામ પર કામ ચાલુ રાખ્યા આજે પ્રધાન મંત્રી છે. અમેરિકા થી લઈ બ્રિટન લાલ ઝાજમ પાથરે છે.

બસ તમે માનો નહિ કોઈ પણ આવા આરોપ ની કપરી સ્થિતિ મા હુ આખો બંધ કરી આ માણસ ( મોદીજી ) ને યાદ કરી લઉ ને સ્વસથ્ય થઈ જાઉં છુ.

નોટ:- પુરાવા વગર ના આરોપો થી કોઈ ફેર પડતો હોતો નથી. અને ગૂનો કર્યો હોય તો પુરાવા વગર પણ ભગવાન શિક્ષા આપી જ દેતો હોય જ છે.

સાભાર
- મહેશ પુરોહિત, નવસારી

Sunday, February 9, 2020

...અને પંખી શિક્ષીત થઈ ગયું



એક પંખી, સાવ ગમાર.
આખો દિવસ ઉડાઉડ,
નવા નવા ફળની શોધ,
ઉંચે ગગનમાં ઉડવું ને ભૂખ લાગે તો ખાવું..
આવો એનો ધંધો!

રાજ્યના રાજાને લાગ્યું,
“અરે! આ તો કઈ પંખી છે? આવું પંખી કંઈ કામનું નહીં, આ તો ખાલી વનનાં ફળ ખાઈને રાજ્યને નુકસાન કરે છે.
એને તો મંત્રીઓને બોલાવ્યા અને પૂછ્યો હલ,
“આ પંખીનું શું કરીએ?”
એક મંત્રી કહે, “મહારાજ ! એને શિક્ષણ આપો તો કઈ કામનું થશે.”

રાજાએ પોતાના વિશ્વાસુ, ભાણેજને પંખીને શિક્ષણ આપવાનું કામ સોપ્યું.

પંડિતોએ એક જગ્યાએ બેસીને ઊંડો (!) વિચાર કર્યો અને
શિક્ષણનીતિ ઘડી કાઢી.

શોધ્યું એના અજ્ઞાનનું મૂળ, “અરે! પંખી મામૂલી ઘાસ તણખલાંનો માળો બાંધે, એવા માળામાં તે વિદ્યા કેટલીક રહે ? એટલે સૌથી પહેલી જરૂર તેને એક પાંજરું બનાવી આપવાની છે.”
અને હલ શોધનારને મોટું ઇનામ પણ અપાયું કે
તેણે શિક્ષણની નવી જ દિશા ખોલી આપી !

સોનીને હુકમ થયો કે પાંજરું બનાવો.
એને ય વળી એવું તો પાંજરું બનાવ્યું કે દૂર દૂરથી લોકો પાંજરું જોવા આવ્યા!
સોનીના વખાણનો તો કોઈ પાર નહિ.
કોઈક કહેતું કે, ““શિક્ષણ તો જોરદાર ચાલે છે!” તો કોઈ કહે, “શિક્ષણ મળે કે ન મળે પણ પાંજરું તો મળ્યું ને ! પંખીનું નસીબ જોરમાં છે !”
પાંજરાના બહુ વખાણ થયા તો સોનીને પણ ઇનામો મળ્યા !

એક મહાપંડિતને તેને શિક્ષણ આપવા બોલાવાયા. આવતાવેત તેમને કહ્યું કે
“આ એક-બે ચોપડીથી કઈ ના આવડે,
વધુ દળદાર પુસ્તકો જોઈએ”
રાતોરાત બધા મંડી પડ્યા નવા પુસ્તકો બનાવવા.
થોડાક સમયમાં તો પંખી કરતા સો ઘણl પુસ્તકોનો ઢગલો થઇ ગયો!
લોકો તો આ જોઈને આભા જ થઇ ગયા.
“વાહ! વાહ! શું શિક્ષણ છે !”

ધમધોકાર રીતે પંખીનું શિક્ષણ ચાલવા લાગ્યું. તેના પાંજરાની તો જીવથી ય વધુ કાળજી લેવાતી.
તેની સફાઈ, રંગકામ, પોલીસકામ, નવી ડીઝાઈન, નવા સાજ શણગાર, જયારે જુઓ ત્યારે ચાલુ જ હોય!

તેના માટે કેટલાય માણસોને રોકવામાં આવ્યા હતાં, અને એના કરતાંયે વધારે માણસોને એમના પર નજર રાખવા માટે રોકવામાં આવ્યા હતા.

હવે તો સૌ બોલી ઉઠ્યા કે
“હાશ! હવે પંખીનો સર્વાંગી વિકાસ થશે.”

એક દિવસ એક અદેખા માણસે રાજાને કહ્યું કે
પંખીનું શિક્ષણ બરાબર નથી થતું !
રાજાએ તો બોલવ્યો તેમના ભાણેજને
“આ હું શું સાંભળું છું?, કેટલાક લોકો મને કહે છે કે તમે પાંજરાની વધુ દેખરેખ રાખો છો પંખીની નહિ!”

ભાણેજે ઠંડા કલેજે જવાબ આપ્યો
“અરે!,
એ લોકોને પંખીની ઊછળકૂદથી મળતું મનોરંજન બંધ થઇ ગયું છે એટલે વાંધા વચકા કાઢે છે. બાકી પૂછો આ સોની, લુહાર, પંડિતજી, સાફ સફાઈ કરનાર- આ બધા શિક્ષણના જાણકાર છે.”
રાજા તરત સંતોષ પામી ગયો પણ પછી તેણે જાતે જ શિક્ષણ જોવા જવાનું નક્કી કર્યું.
રાજા પહોચ્યો ત્યાં તો બધાએ ભેગા મળીને એવી વ્યવસ્થા કરી દીધી કે
વાત ના પૂછો !
કોઈ ગોખાવતું હોય,
તો કોઈ ગવડાવતું હોય,
તો કોઈ શીખવતું હોય નાચ !, તામ જામ,
– નવા નવા કવર ચઢાવેલા જુના જુના પુસ્તકોનો ખડકલો !
વળી વધારાની દસ બાર પોથીઓ પણ મૂકી.
રાજા તો પ્રસન્ન થઇ ઇનામ આપી પાછો વળતો હતો ત્યાં જ પેલો અદેખો બોલ્યો
“મહારાજ ! પંખીને મળ્યા?”

રાજા પંડિતજીને કહે
“અરે હા! એ તો યાદ જ ન આવ્યું. *પંખીને જોવાનું તો રહી ગયું. *ચાલો તમે કેવી રીતે ભણાવો છો તે જોઈએ.”

રાજાએ જોયું તો શિક્ષણની પદ્ધતિ પંખીના કરતાં એટલી મોટી હતી કે પંખી ક્યાંય દેખાતું નહોતું.
પદ્ધતિ જોઈ મનમાં થાય કે પંખીને ન જોઈએ તોય ચાલે.
રાજાને ખાતરી થઈ ગઈ કે યોજનામાં કંઈ ખામી નથી.

હવે, પાંજરામાં નથી દાણા કે નથી પાણી ! માત્ર ઢગલો પોથીઓમાંથી ઢગલો પાનાં ફાડીને કલમની અણીએ એ પંખીના મોંમાં ઠાંસવાનું કામ ચાલી રહ્યું છે.
ગીત તો બંધ જ થઈ ગયું હતું ને હવે તો પંખીનો અવાજ પણ બહાર નથી આવતો !

બિચારૂ પંખી,
જો કદાચ પોતાના સ્વભાવ પ્રમાણે પાંજરામાં પાંખો ફફડાવે તો કહે,
“આ ગેરશિસ્ત !”
કોઈ વાર પાંજરાને ચાંચ મારીને મુક્ત થવા ઈચ્છે તો કહે
“આને એના ભવિષ્યની પડી જ નથી !”

બસ પંડિતોએ હવે તો એક હાથમાં કલમ અને બીજા હાથમાં સોટી લઈને ચલાવ્યું શિક્ષણ!

અંતે સૂકા પુસ્તકોના પાના ખાઈ ખાઈને....
બિચારા પંખી નું “પંખીપણું" મરી ગયું

...ને ભાણેજે જાહેર કર્યું કે
“પંખી શિક્ષીત થઈ ગયું"

*મૂળ વાર્તા*
🙏 *રવીન્દ્રનાથ ટાગોર* 🙏,

Friday, February 7, 2020

શરત બસ એટલી છે સૌપ્રથમ માણસ બની જઇએ..........



(સત્ય ઘટના)

એક નાની કાર આવીને એમની સામેથી નીકળી ગઇ. પછી ધીમી પડી, ઊભી રહી અને રિવર્સમાં સરકીને એમની પાસે આવીને થંભી ગઇ. બારણું ઊઘડ્યું. એક યુવાન બહાર નીકળ્યો. આ બે વૃદ્ધોનાં ચહેરા-મહોરા અને કપડાં જોઇને એણે સવાલ પૂછ્યો, ‘ગુજરાતથી આવ્યાં છો? કંઇ મુશ્કેલી? હું મદદ કરી શકું?

............. આ તો ટ્રેઇલર હતું... વાત હવે શરૂ થાય છે....

‘ઇ ડિયટ્સ! યુ ડર્ટી પિગ્ઝ! ગેટ આઉટ ફ્રોમ હિઅર! રાઇટ નાઉ એટ ધીસ વેરી મોમેન્ટ...’ અમેરિકાનું ન્યૂયોર્ક શહેર. રાતના દસ વાગ્યાનો સમય. વર્ષોથી સ્થાયી થયેલા એક ગુજરાતી પરિવારમાં ભજવાઇ રહેલું એક શરમજનક ર્દશ્ય.પોતાના ઘરે આશરો લઇને પડેલાં એક આધેડ પતિ-પત્નીને ઘરની સ્ત્રીએ ગાળો ભાંડીને, અપમાનિત કરીને ઘરમાંથી નીકળી જવાનો આદેશ ફરમાવી દીધો. બાવન વર્ષના બચુભાઇ અને પચાસ વર્ષનાં બબીબહેન હજુ માંડ એકાદ મહિના પહેલાં જ અમેરિકા આવ્યાં હતાં.

ખેડા જિલ્લાના નાનકડા શહેરમાં આવેલું મકાન વેચી સાટીને આવ્યાં હતાં. ત્રણ દીકરીઓને મોસાળમાં મૂકીને આવ્યાં હતાં. કોઇ પારકાના ઘરે નહોતાં આવ્યાં, બચુભાઇની મા જણી બહેનના ઘરે આવ્યા હતા. ઉમ્મીદ એટલી જ હતી કે શરૂઆતના છએક મહિના જો બહેન-બનેવી એમના ઘરમાં આશ્રય આપશે તો વિદેશની ધરતી ઉપર સ્થાયી થઇ જવાશે. દેશમાં ધંધો ચોપટ થઇ ગયો હતો અને ત્રણેય દીકરીઓ જુવાનીની ધાર ઉપર આવી ઊભવાની તૈયારીમાં હતી.

જો બધું બરાબર ચાલ્યું હોત તો આવું જ થઇ શક્યું હોત, પણ બચુભાઇની બહેનને બબીભાભી સાથે ફાવ્યું નહીં. નણંદ-ભાભીના યુગો જૂનાં વેર-ઝેર અહીં પણ નડી ગયાં. નણંદબા પંદર વર્ષથી અમેરિકાવાસી બનેલાં હોવાથી પૂરેપૂરાં પાશ્વાત્ય રંગમાં રંગાઇ ચૂક્યાં હતાં. ભાઇની મુશ્કેલીઓ, ભાભીના ગામઠી સંસ્કાર અને જુનવાણી રીતભાત એને હજમ ન થઇ શક્યાં. ન સ્થિતિ જોઇ, ન સમય અને કહી દીધું, ‘ગેટ આઉટ ફ્રોમ ધીસ હાઉસ!’બચુભાઇ અને બબીબહેન ચાર ચોપડી જેટલું ભણ્યાં હતાં.

બહેનના શ્રીમુખમાંથી સરી પડેલી ગાળો તો એમને ક્યાંથી સમજાય! પણ જે શૈલીમાં એ અંગ્રેજી વાક્યો ફેંકાયાં હતાં એ પ્રેમભર્યા કે નિર્દોષ તો નહોતાં જ એટલું એમને સમજાઇ ગયું અને બારણા તરફ ચિંધાયેલી આંગળી! બહેનને સમજાવવાનો કે કરગરવાનો કોઇ મતલબ ન હતો. છેલ્લા થોડાક દિવસોથી એનું વર્તન બગડતું જતું હતું. બચુભાઇ અને બબીબહેન પોતાનાં કપડાંની બેગો ઊંચકીને તે જ ક્ષણે ઘરમાંથી નીકળી ગયાં.

હાડ ઠારી દેતી ઠંડી, ગરમ વસ્ત્રોનો અભાવ, અંગ્રેજી બોલવા-સમજવાની અસમર્થતા અને તાજા કરપીણ ઘા જેવો આઘાત. બંને જણાં રસ્તાની ફૂટપાથ પર બેસી પડ્યાં. જાણે અધરાતે-મધરાતે કાતિલ ઠંડીમાં થીજી જઇને મોતના શરણમાં પહોંચી જવાની માનસિક તૈયારી ન કરી ચૂક્યાં હોય! એકાદ કલાક આમ જ પસાર થઇ ગયો. ત્યાં એક નાની કાર આવીને એમની સામેથી નીકળી ગઇ. પછી ધીમી પડી, ઊભી રહી અને રિવર્સમાં સરકીને એમની પાસે આવીને થંભી ગઇ. બારણું ઊઘડ્યું. એક યુવાન બહાર નીકળ્યો.આ બે થરથરતાં વૃદ્ધોનાં ચહેરા-મહોરા અને કપડાં જોઇને એણે શુદ્ધ ગુજરાતીમાં સવાલ પૂછ્યો, ‘ગુજરાતથી આવ્યાં છો? કંઇ મુશ્કેલી? હું મદદ કરી શકું?’સાવ સીધા-સાદા ત્રણ જ નાના સવાલો! પણ જે સંજોગોમાં એ સાંભળવા મળ્યા, એનો જ પ્રતાપ હશે કે જવાબમાં બે આધેડોની ચાર આંખોમાંથી મહી નદીનાં પાણી વહેવા લાગ્યાં. બચુભાઇએ જવાબ આપતાં પહેલાં આસમાન તરફ જોઇ લીધું, ‘વાહ રે, મારા રણછોડરાય! ડાકોરના ઠાકોર! તેં ખાતરી કરાવી દીધી કે તું ખરેખર છે!

નહીંતર મારી સગી બહેન અંગ્રેજીમાં ગાળો ભાંડતી હોય ત્યારે આ અજાણ્યો જુવાન મારી માતૃભાષામાં કાં વાત કરે...?’ બબીબહેને રડતાં-રડતાં પૂરી આપવીતી વર્ણવી દીધી. જુવાને કહ્યું, ‘યુ ડોન્ટ વરી! માફ કરજો, હું ગુજરાતીમાં બોલું છું. તમે ચિંતા ન કરશો. અત્યારે આવા સમયે તો હું બીજું શું કરી શકું? પણ તમે બેસી જાવ મારી કારમાં. હું એક રૂમ રાખીને રહું છું. આજની રાત તમે મારી સાથે રહેજો. પછી શાંતિથી વિચારીએ કે શું થઇ શકે તેમ છે.’

ગાડીમાં બેસીને બંને જણાં રૂમ પર ગયાં. યુવાન સૌરાષ્ટ્રના ગામડાનો હતો. અહીં ભણવા માટે આવ્યો હતો. સાથે નોકરી પણ કરતો હતો. પરસેવો પાડીને પૈસા કમાવા અને કરકસર કરીને ખર્ચ કાઢવો એ એનાં બે જીવનમંત્રો હતાં. એમાં આ બે જણાંનો બોજ આવી પડ્યો.ફ્રજિમાં ઠંડી પડી ગયેલી સેન્ડવિચ કાઢીને માઇક્રોવેવમાં ગરમ કરીને યુવાને મહેમાનોને ખવડાવી, પોતે પણ ખાધી. દૂધ પીવડાવ્યું. પછી જમીન ઉપર ત્રણ પથારી પાથરી દીધી.

બબીબહેન બોલી ગયાં, ‘બેટા, તારું નામ તો કહે!’‘ઋગ્વેદ! પણ અહીંના લોકો તો સાત પેઢી સુધી શીખે તો પણ આ નામ બોલી ન શકે. માટે મેં જ ટૂંકું કરી નાખ્યું. અહીં બધા મને રોકી કહીને બોલાવે છે, પણ તમે મને ઋગ્વેદ જ કહેજો.’બચુભાઇ હસી પડ્યા, ‘બેટા, મને તો કદાચેય ફાવશે, પણ આ તારી માસીને એવું અઘરું નામ નહીં ફાવે. એના માટે રોકી જ રહેવા દે!’ પછી ગંભીર થઇને ઉમેર્યું, ‘આજ રાત પૂરતી તો વાત છે. કાલે સવારે તો અહીંથી...’‘એવી ઉતાવળ કરવાની જરૂર નથી, અંકલ! હું આ ભાડાની રૂમમાં એકલો જ રહું છું. મારો અડધો દિવસ કોલેજમાં અને બાકીનો દિવસ ‘જોબ’માં પસાર થઇ જાય છે.

સવારે વહેલો નીકળી જાઉં છું, રાત્રે અગિયાર વાગે આવું છું. તમે જો અહીં હશો, તો મને બે વાતની નિરાંત રહેશે.’ મહેમાનોને પહાડ જેવા પાડનો ભાર ન લાગે એ માટે રોકીએ હસીને કહી દીધું, ‘સવારે જતી વખતે મારે બારણું ‘લોક’ નહીં કરવું પડે અને માસી જો ચા બનાવી આપશે તો મારે ભૂખ્યા પેટે નહીં જવું પડે.’‘આ શું બોલ્યો, રોકી બેટા? તારી આ માસી તારા માટે એકલી ચા જ નહીં, તાજો ગરમ નાસ્તો પણ બનાવી આપશે. અમારા ખેડા જિલ્લાની બાઇઓના હાથમાં ભગવાને આ એક તો જાદુ મૂક્યો છે.’

બીજા દિવસની સવારે બબીબહેને ચાની સાથે સ્વાદિષ્ટ ખમણ બનાવી આપ્યાં. પછી તો એક પ્રકારનો સ્વાદિષ્ટ સિલસિલો સ્થપાઇ ગયો. ઇડલી, ખીચું, મુઠિયાં, બટાકાપૌંવા, ઢોકળા, ઉપમા...! રોકીની મુશ્કેલી દૂર થઇ ગઇ. એ ક્યારેક આભાર માનવા માટે હોઠ ઊઘાડવા જતો, ત્યારે બબીબહેન રડી પડતાં, ‘અમે શું કરીએ છીએ, બેટા? ખરો ઉપકાર તો તું કરે છે. પારકા દેશમાં બે અજાણ્યા માણસોને આશરો આપીને! બેટા, મને એ તો કહે કે પૂર્વજન્મના ક્યા સંબંધે તું આ બધું કરી રહ્યો છે?’આ જગતમાં બધા સવાલોના કંઇ જવાબો નથી હોતા અને લાગણીની દુનિયામાં તો નથી જ હોતા.

બધું સરસ રીતે ગોઠવાતું ગયું. એકાદ મહિના પછી રોકીને વિચાર સૂÍયો, ‘અંકલ, એવું ન થઇ શકે કે માસીના હાથનો જાદુ આપણે બીજાની જીભ સુધી પણ પહોંચાડીએ? આ શહેરમાં મારા જેવા સેંકડો ભારતીય યુવાનો એવા છે કે જેઓ ભૂખ્યા પેટે ‘જોબ’ કરવા જાય છે અને ઠંડી સેન્ડવિચ ખાઇને ઊંઘી જાય છે. આપણે વેપારી દ્રષ્ટિએ એમને સગવડ પૂરી પાડી શકીએ?’થોડાક દિવસમાં એ પણ ગોઠવાઇ ગયું. રોકીએ પોતાની બચતમાંથી સરંજામ ખરીધ્યો.

એક ભાડૂતી વેન અને માણસ રાખી લીધો. બબીબે’ન રોજ પાંચ વાગ્યે ઊઠીને નાસ્તાઓ બનાવે અને બચુભાઇ ગ્રાહકોના ઘરે પહોંચાડી આપે. મહેનતનો પરસેવો મહેંકી ઊઠ્યો. ભારતના છોકરાઓ વતનમાં રહી ગયેલી મમ્મીઓને ભૂલી જવા માંડ્યા. ત્રીજા મહિને રોકીએ સાવ બાજુમાં એક બંધ પડેલી રેસ્ટોરન્ટ ભાડેથી લઇ લીધી. હિન્દીમાં બોર્ડ મારી દીધું: ભારતીય ઉપહાર કેન્દ્ર. સફિe ઇન્ડિયન્સ કે લિયે. દિવસભર નવરાં ન પડાય એટલા ઘરાકોની કતાર જામવા લાગી. ડોલર્સનો વરસાદ વરસવા માંડ્યો.દસ જ મહિનામાં ત્રણેય જણાં તરી ગયાં. એક સાંજે બચુભાઇએ વાત કાઢી, ‘રોકી! બેટા, અમારા માટે હવે એક અલગ મકાન શોધી કાઢ. તારા માથે બહુ દિવસો પડી લીધું. ના, બેટા, તારી કશી ભૂલચૂક નથી થઇ, પણ અમારો વિચાર એવો છે કે અમારી ત્રણેય દીકરીઓને અહીં બોલાવી લઇએ અને તારી સાથે કયો સંબંધ છે જેના કારણે અમે તારા માથે બોજ...?’‘બસ, અંકલ, હવે વધુ ન બોલશો. મકાન તો આપણે મોટું લેવું જ પડશે. ત્રણેય દીકરીઓને પણ તમે તેડાવી લો. પણ આપણે રહીશું તો સાથે જ.

એક બીજી વાત! તમે બંને વારંવાર પૂછ્યાં કરો છો ને આપણી વચ્ચે કોઇ સગાઇ કે સંબંધ નથી! હું તમને પૂછું છું-તમારી મોટી દીકરીનો હાથ મારા હાથમાં સોંપશો? પછી મારે તમને અંકલ અને માસી કહેવાની જરૂર નહીં રહે. અરે, પણ તમે બંને જવાબ આપવાને બદલે રડી શા માટે પડ્યાં? બોલો! કંઇક તો બોલો! બોલી ન શકો તો માથાં હલાવીને તો હા પાડો...’આવા સુખની તો બંનેએ સપનામાંયે કલ્પના નહોતી કરી. બચુભાઇએ અને બબીબહેને માથાં હલાવીને નહીં, પણ ઋગ્વેદના માથા ઉપર હાથ મૂકીને હા પાડી.