મંદિરમાં જતો યુવાન અને જીમમાં જતો યુવાન મને સરખાં આદરણીય લાગે છે. ગાર્ડનમાં વોકિંગ કરતી યુવતી અને ભાદરવી પૂનમે ચાલતાં અંબાજી જતી યુવતી સરખી લાગે છે. ક્યારેક સંસારની અસારતાની વાતો કરતાં બાળકો કરતાં ફૂટબોલ રમતાં બાળકો વધારે પ્રિય લાગે છે. આ દેશને મેદાનની જરૂર છે એ વાત ક્યારે સમજાશે ?
હું જેલમાં ગયેલા એ બાવાનો અત્યંત આભાર માનું છું કે, એણે સમાજમાં દાખલો બેસાડ્યો કે બધાં સફેદ રંગના પ્રવાહી દૂધ હોતાં નથી. ગંદા ધંધા ખૂબ ચાલે છે ને પ્રામાણિકતા ભૂખે મરે છે. “બદલાપુર”માં એક ડાયલોગ બહુ ગમ્યો. એક પ્રાઈવેટ ડીટેક્ટીવ મહિલા કહે છે,” એક કોલગર્લને એક કલાકના ૨૦૦૦ રૂપિયા મળે છે અને મને ૨૪ કલાકના ૨૦૦૦ રૂપિયા મળે છે !!!”
પુરૂષના પગના તળીયાનો ભાગ ઘર્ષણબળ વગરનો હોય છે. તેથી તે ગમે ત્યારે લપસી જાય છે. ગમે ત્યારે લપસી જાય એનો કોઈ વાંધો નથી, ગમે ત્યાં લપસી જાય છે એનો ખેદ છે. જે ગુના બદલ પત્ની પતિને માફ કરી શકે છે તે જ ગુના બદલ પતિ પત્નીને માફ કરી શકે છે ખરો ? જવાબ- ના.
તમારી પોસ્ટ વાંચવાથી બે-ચાર જણાં સુધરી ન શકતાં હોય.....પણ બે-ચાર જણાં બગડી શકતાં હોય તોય તમારી પોસ્ટ સફળ થઈ ગણાય. આ વાત મને ઓશોના જીવનમાંથી સમજાઈ છે. સમાજની એક ફરીયાદ રહી છે કે, ઓશોએ લોકોને બગાડ્યાં છે. યસ, તમારા શબ્દોથી માણસ સુધરતો હોય કે બગડતો હોય તો ડેફિનેટલી તમારા શબ્દોમાં તાકાત છે એ વાત સાબિત થાય છે.
સાભાર :- જે.કે.સાંઈ