Sunday, June 12, 2022

સંબધો સાચવવા....ચૂપ રહીને...

સબંધ બોલીને બગાડવા કરતાં ચૂપ રહીને તેને થોડો સમય આપવો વધારે સારો છે....



        આપણે દરેકને  સંબંધોમાં જીવવું ગમતું હોય છે. કારણકે દુનિયામાં ખુશી પણ તેમના દ્વારા જ મળતી હોય છે.પણ દરેક સંબંધને એક સરખું મહત્વ આપવું જરૂરી નથી. દરેક સંબંધને પોતાનું એક અલગ સ્થાન હોય છે. માટે જ જે સંબંધને જેટલું મહત્વ આપવું જરૂરી છે એટલું જ આપીએ તો આપણે ખુશ રહી શકીએ છીએ.પણ ઘણા એવા વિચારો  ધરાવતા હોય છે કે જે પોતે દરેક સંબંધને દરેક લોકોને એક સરખું જ પોતાના દિલમાં સ્થાન આપતા હોય છે.

      અને જ્યારે સંબંધોમાં થોડી ઘણી પણ તિરાડ પડતી હોય છે ત્યારે લાગણીશીલ સ્વભાવવાળા વધારે દુઃખી થાય છે. અને તેમના આ જ સ્વભાવને કારણે તે પોતાની સાથે જે ખરાબ થયું તેને સ્વીકારી નથી શકતા. જે પોતાની વાતને સરળતાથી સમજાવી નથી શકતાને તેમના સંબંધો વધારે સમય સુધી નથી રહી શકતા. માટે જ પોતાની વાત સામેવાળાને કેવી રીતે સમજાવવી તે શીખવું બહુ જરૂરી છે‌. સાથે સાથે દુનિયામાં પ્રેક્ટિકલ બનવું પણ બહુ જરૂરી છે.

     સંબંધો જીવન કરતાં વધારે મહત્વનાં નથી. એકબીજા વચ્ચે વધારે પડતાં મન-ભેદ થઈ જાય અને તેના કારણે જ્યારે મતભેદ ઊભા થાય છે ત્યારે વાતને વધારવા  ચૂપ રહીને થોડા સમય માટે દૂરી લાવવી વધારે સારી છે. મનમાં જે ભરાયું હોય તે બોલીને સંબંધોનો અંત ના લાવવો જોઈએ. જો થોડો સમય મનને શાંત રાખીને સમય ઉપર થોડું છોડી દઈશું તો બગડેલો સબંધ આપોઆપ સારો થઈ જાય છે.

    બસ આવી થોડી નાની- નાની વાતોને સમજી લઈશું તો પોતાની અંદર થોડું પરિવર્તન કરી શકીશું. જેનાં કારણે આપણું ભવિષ્ય પણ વધારે સારું બનશે.


સાભાર :- 

પિંકી પરીખ (અક્ષયવાણી)

No comments:

Post a Comment