Monday, July 15, 2019

વળતો ઘા

વસતંભાઈ પૂજા કરીને બહાર આવ્યા.. એમને આવેલા જોઈને દુર્ગાબહેન ડાઈનિગ ટેબલ પર નાસ્તાની વાનગીઓ ગોઠવવા લાગ્યા.

લેખ આખો વાંચજો
🙏🙏🙏🙏🙏

જોઈ વસંતભાઇ ને જરા હસવું આવી ગયુ.. થોડીવારમા દુર્ગા બહેન તેમને બોલાવવા આવ્યા.. – ”ચાલો સાહેબ, નાસ્તો તૈયાર છે..”

હસીને વસતંભાઈએ કહ્યુ: ‘’અરે દુર્ગા બહેન, તમે ભુલી ગયા.." આજથી તો હું રિટાયર થઈ ગયો છું, હવે મારે નાસ્તો કરીને ઓફીસે ભાગવાનું નથી.. હવે તો બસ આરામ જ આરામ છે. એક કામ કરો, આજે મારો નાસ્તો બાલ્કનીમાં જ મોકલાવી દયો. હું આજે ત્યાં જ નાસ્તો કરીશ.’’ વસતંભાઈ બાલ્કનીમાં આવ્યા.

વાલકેશ્વરના ‘ચંદ્રદર્શન’ ના છઠ્ઠે માળેથી સામે ઘુઘવતો દરિયો દેખાતો હતો.. વસતંભાઈ દરિયાના ઉછળતા મોજાને જોઈ રહ્યા.. ઉછળતા મોજા જાણે કે આખીએ સૃષ્ટીને પોતાનામાં સમાવવા ઉતાવળા થયા હતા.. નીચે રસ્તા પર ગાડીઓ જાણે કે ભાગતી હતી..

ગઈ કાલ સુધી પોતે પણ આ ફાસ્ટ જિદંગીનો જ એક ભાગ હતા..
આજે બસ પરમ શાંતિ છે..
માથા પર કોઇ ભાર નહીં..

વસતંભાઈ પોતાનો ભુતકાળ વાગોળી રહ્યા..પત્ની શાંતિબહેનના મૃત્યુ પછી જાણે તેમની જિદંગીની એક જ વ્યાખ્યા હતી. કામ.. કામ .. અને કામ.. અથાગ મહેનત અને પરિશ્રમ કરીને તેમણે પોતાની કંપનીને એક ઊંચાઈ પર પહોચાડી..

દીકરા દીપકને એકલે હાથે મોટો કર્યો.
તેને ભણાવ્યો અને પછી ધધાંમા પલોટ્યો..

આજે દીપક એક કાબેલ બિઝનેસમેન છે..

હમણાં ઘણા વખતથી વસંતભાઈને થયા કરતું હતું કે, બસ... હવે બહુ કામ કંર્યુ. મોટા ગામતરે જવાનો વખત આવે તે પહેલા જિદંગીને જરા માણવી છે..!!

દીપકને કહ્યું: ‘’બેટા, હવે હું રિટાયર થવા માંગુ છું..! અને સઘળો કારોબાર દીપકના નામ પર કરી તેમણે રિટાયરમેંટ લઈ લીધી..

આજે તેમનો પહેલો દિવસ હતો.

‘’સાહેબ, ચા ઠંડી થઈ ગઈ.. બીજી બનાવીને લાવું ?’’ પાછળથી દુર્ગા બહેનનો અવાજ આવ્યો..

– ‘’ના ના ચાલશે’’ કહી વસંતભાઇએ ચાનો ઘુટંડો ભર્યો.. ‘’ગરમ ગરમ ચા તો બહુ પીધી. હવે જરા ઠંડી ચા નો આનંદ લેવા દયો..’’

ધીરે ધીરે વસંતભાઈ નિવૃતિમય પ્રવૃતિમાં પ્રવૃત થયા. સવારે ગાર્ડનમાં ચાલવા જાય. યોગ કરે. સાંજના તેમને ગમતા પ્રવચનોની શ્રેણિઓમાં જાય. ગમતુ સંગીત સાંભળે. ઘર મોટું હતું એટલે તેમના ઓરડામાં શાંતિથી પોતાનુ ગમતુ કામ કરી શકતા. કંઈ કેટલાય લેખકોની પુસ્તકો વાચવાની તેમની ઇચ્છા હતી.. તે પણ હવે પૂરી થતી હતી.. સહ ઉમ્રના મિત્રોનું એક ગ્રુપ બની ગયું હતું એટલે આનંદમાં દીવસો પસાર થતા હતા.. ક્યારેક દીપક સાથે બેસી ધંધાની ચર્ચા કર્તા.. તો ક્યારેક પૌત્ર સૌમિત્ર સાથે શતરંજની ગોઠડી માંડતા..

એકવાર બધા મિત્રોએ નક્કી કર્યુ કે,
સિંગાપુર ફરવા જઈએ..

વસંતભાઈએ તરત હા ભણી..

બીજે દિવસે દીપકને કહ્યુ: –‘’બેટા... આજે જરા એંસી હજારનો ચેક આપજે.. અમે સિંગાપુર જવાનુ નક્કી કર્યુ છે..’’

– ‘’પણ પપ્પા... દીપક જરા અચકાયો, હમણા હાથમા એટલી રોકડ રકમ નથી..’’

‘’રોકડ રકમ નથી?’’

વસંતભાઈને જરા નવાઈ લાગી..
પહેલા થયું દીપકને પૂંછું..
પછી માંડી વાળ્યુ..
હશે, ધંધો છે...
હમણા મેળ નહી હોય..

એમણે મિત્રોને પોતાની આવવા બાબત અસમર્થતા જણાવી..

મિત્રો તેમની વગર જવા નહોતા માંગતા એટલે બધાય એ નક્કી કર્યું કે,
આવતા વરસે સાથે જશું..

હમણા વસંતભાઈ આશ્રમમાં ભાગવત સાંભળવા જતા હતા..
ઘરે આવતા મોડું થઈ જતું હતું..
પછી થાક્યા હોય એટલે જમીને પોતાના રૂમમાં આરામ કરવા જતા રહે..

દીપક સાથે ધણા વખતથી વાત થઈ નહોતી..

એક રવીવારે તે ઘરે હતા ત્યારે
તેમને એમ લાગ્યું કે, ઘરમાં કઈંક તૈયારીઓ ચાલી રહી છે. વહુ, દિકરો, પૌત્ર કશાકમાં વ્યસ્ત છે. બપોરે જમવા બેઠાતો લાગ્યું કે, વહુ મંજરી દુર્ગા બહેનને કઈંક સૂચનાઓ આપી રહી છે..

દુર્ગા બહેન રોટલી આપવા આવ્યા
એટલે તેમને પૂછ્યુ: ‘’શું વાત છે?’’

– કંઇ નહીં.. ભાઈ-ભાભી બહારગામ જવાના છે. એટલે જરૂરી સૂચનાઓ આપતા હતા..’’

‘’બહારગામ જવાના છે? ક્યારે? ક્યાં?

ત્યાં તો મંજરી રસોડામાથી બહાર આવી.. – ‘’કેમ વહુ બેટા, ક્યાં જવાના છો?

– ‘’પપ્પા અમે યુરોપ ની ટૂર પર જઇ રહ્યા છીયે.."

"હેં.. ક્યારે?’’

‘’પરમ દિવસે.."

વસંતભાઈનો કોળિયો હાથમાં જ રહી ગયો.. એમણે જેમતેમ સ્વસ્થતા કેળવી..

– ‘’દીપક આવે એટલે મારા રૂમમાં મોકલજો..’’ કહી તે ઉભા થઇ ગયા..

દુર્ગા બહેન તેમને જતા જોઈ રહ્યા..

રાતના જમીને મોડેથી દીપક તેમના રૂમમા આવ્યો..

– ’’તમે મને બોલાવ્યો પપ્પા?’’

– ‘’હા.. મેં સાંભળ્યુ છે કે, તમે યુરોપ જવાના છો?

– હા પપ્પા.. સૌમિત્રનું છેલ્લું વરસ છે. આવતા વરસથી તે ભણવામા વ્યસ્ત થઈ જશે. અને અમારા મિત્રો પણ જાયછે.. એટલે અમે પણ જઈએ છીયે..’’

– ‘’અને તમે મને પૂછવાની દરકાર પણ ન કરી??

– ‘’એમાં પૂછવાનુ શું..??

– ‘’કેમ હજુ ગયા મહીને તો તમારા હાથમાં રોકડ રકમ નહોતી.. અને હવે ત્રણ જણનો ખર્ચો નીકળશે??

– ‘’હા.. થોડી ઘણી થઈ છે..

– "તે ગયા મહીને થઇ શકે તેમ નહોતી?’’

– ‘’તે પપ્પા તમને હવે આ ઊમરે સિંગાપૂર જઈને શુ કરવુ?' બાકીનું વાક્ય દીપક ગળી ગયો..

આ ઊમરે એટલે? વસંતભાઇને ઝાળ લાગી ગઈ...

દીપક રૂમની બહાર જતો રહ્યો..

વસંતભાઈ ઘા ખાઇ ગયા..
એમનો દીકરો આવુ કરી શકે તે એમના માન્યમા નહોંતુ આવતું.. પોતાનો બધો ધંધો તેમણે દીપક પર વિશ્વાસ કરી તેને સોપી દીધો હતો.. ભરોસો હતો કે, દીપક એમને સાચવશે.. એટલે પોતાની માટે તેમણે અલગ ખાસ વ્યવસ્થા કરવાની જરુર નહોતી લાગી.. આવું તો તેમણે સપનામાંએ નહોતું વિચાર્યુ..

મોડી રાત સુધી વસંતભાઈ રૂમમાં આંટા મારતા રહ્યા..

હવે શું? આખી જિંદગી આમજ કાઢવી પડશે?ભવિષ્યમાં પૈસા માટે દીકરા પાસે હાથ લાંબો કરવો પડશે?

આખી જિંદગી ખુમારીથી જીવ્યા હતા.. હવે જાતી જિંદગીએ લાચારી ભોગવવી પડશે..?

ના..ના..

બીજો આખો દિવસ તે રૂમમાં જ રહ્યા..

દુર્ગા બહેન શેઠનો મુડ પારખી નાસ્તો..જમવાનુ બધુ રૂમમાં જ આપી ગયા..

વસંતભાઇએ થોડું ઘણુ ખાધુ..

–‘’સાહેબ, તબીયત બરાબર નથી?’’

–‘’બરાબર છે.."

વર્ષોથી શેઠ સાથે રહેતા દુર્ગા બહેનને અણસાર આવી ગયો કે, કઇક ગરબડ છે..

ત્રીજે દિવસે વહેલી સવારે દીપક, મંજરી અને સૌમિત્ર જ્યારે નિક્ળ્યા ત્યારે વસંતભાઈ સુતા હતા..

મંજરીએ હળવા સાદે બૂમ પાડી:
’’પપ્પા - પપ્પા.. અમે નીકળીયે છિયે..’

વસંતભાઈ ઝબકીને જાગી ગયા..

– ‘’હા બેટા.. ખુશી થી જાવ..’’

–‘’પપ્પા તમારુ ધ્યાન રાખજો.. દુર્ગા બહેનને મેં બધુ સમજાવી દીધુ છે.."

–‘ભલે..'

મંજરી અને સૌમિત્ર તેમને પગે લાગી ને નિકળ્યા.. દીપક રૂમની બહાર જ ઉભો રહ્યો.. વસંતભાઈ પાછા સૂઈ ગયા..

ગઇ કાલે રાતના એમણે એક નિર્ણય લીધો હતો..

દીપકના આજના વ્યવહારે એ નિર્ણય પર મોહર મારી..

મોડેથી ઉઠી વસંતભાઈ બહાર આવ્યા..

–સાહેબ, ચા મૂકું??

– ‘હા બે કપ મુકજો.. મહેમાન આવવાના છે..' કહી વસંતભાઈએ ફોન લગાડ્યો.. થોડી વાર પછી નાસ્તાના ટેબલ પર તેમની સાથે તેમના મિત્રનો દીકરો પંકજ હતો..

થોડી વાર સામાન્ય વાતો કર્યા પછી વસંતભાઇએ સીધું જ પુછ્યુ: બેટા, મારા આ ફ્લેટની કિમંત કેટલી આવે?

– ‘’આવે લગભગ સાડા પાંચ .છ કરોડ..‘’

– અને મને આજ સાંજ સુધીમા રોકડા રૂપિયા હાથમા જોતા હોય તો??

પંકજ સ્થિર નજરે વસંતભાઇની સામે જોઇ રહ્યો..

– ‘’અરે જુવે છે શુ?
–હું મશ્કરી નથી કરતો.. આ ફ્લેટ હજુ મારા નામ પર જ છે.. મારે કાલ સવાર સુધીમા બધા રાચરચીલા સાથે આ ફ્લેટ વેચવો છે.. થોડું આમ-તેમ પણ મને ટોટલ રોકડ રકમ હાથમા જોઈએ..‘’

પંકજે ત્યા બેઠાબેઠા બે ત્રણ પાર્ટી ને ફોન લગાડ્યા અને કાલ સવાર સુધી ટોટલ રોકડી રકમ મળે એવી રીતે ફ્લેટનો સોદો કરી નાખ્યો..

– "હવે બેટા.. એક કામ બીજું કર.. "
અત્યારે જ બરોડામાં સારા એરિયામા ફુલ રાચરચીલા સાથેનો તૈયાર ફ્લેટ ખરીદી લે.."

ત્યાં જ બેઠા બેઠા પંકજે એ સોદો પણ કરી નાખ્યો.. ફ્લેટ લીધા પછી પણ ધણી મોટી રકમ હાથમા બચતી હતી... તે રકમમાં તેમનો જીવન નિર્વાહ આરામથી થઇ શકે તેમ હતો..

આખો દિવસ તે બાલ્કનીમાં બેઠા રહ્યા..
બસ.. દરિયાને જોતા રહ્યા.. આ જિંદગી પણ દરિયાની જેમ કેટલી અમાપ છે?? આ ગહન દરિયાની જેમ માણસના મન પણ ક્યાં કળી શકાય છે??

સાંજના તેમણે દુર્ગા બહેનને બોલાવ્યા. – જુઓ બહેન, આ ફ્લેટ મેં વેચી નાખ્યો છે, તમે કાલથી છુટ્ટા.. તમે આ ઘરની અને મારી બહુ સેવા કરી છે.. તેનો બદલો તો હું વાળી શકવાનો નથી. આ પાંચ લાખ રૂપિયાનો ચેક છે..
તમે ગામ માં તમારા પરિવાર સાથે જ ને આનંદથી રહો..

દુર્ગા બહેન રડી પડ્યા..
– ‘’સાહેબ, તમે એકલા ક્યાં જશો?"

—‘એક્લો ક્યાં..?? મારો પ્રભુ તો મારી સાથે છે.. અને ક્યારેક તો એકલા જવાનું જ છે ને..'

બીજે દિવસે સવારે તેમણે ફ્લેટ છોડી દીધો.. સાથે પોતાની થોડીક વસ્તુઓ
અને પત્ની શાંતિ બહેનનો ફોટો લિધો..
બસ, ફ્લાઇટમાં બરોડા પહોચ્યા.
ફ્લેટ સરસ હતો. Vધીમે ધીમે બધું ગોઠવાતું ગયુ.. જીવનની નવી શરુઆત કરી. પાછી પોતાની મનગમતી પ્રવ્રત્તિયો ચાલુ કરી.. બધા જૂના સબંધો તે પાછળ છોડીને આવ્યા હતા!!

વીસ દિવસે દીપક પોતાના પરિવાર સાથે પાછો ફર્યો..

મંજરીએ ઘરની બેલ વગાડી..

એક પ્રૌઢ બહેને દરવાજો ખોલ્યો..
–‘કોનુ કામ છે?'
મંજરી તેમને આશ્ચર્યથી જોઈ રહી..
ત્યાં તો દીપક લિફ્ટમાંથી બહાર આવ્યો.. તે બેગ લઈને ઘરમાં ઘૂસવા જતો હતો ત્યાં પેલા બહેને તેમને રોક્યા..

– ‘અરે ભાઇ, ક્યાં જાવ છો?‘

– અરે મારા ઘરમાં..
–પપ્પા પપ્પા... દુર્ગા બહેન..’
-તેણે બુમપાડી..

બૂમ સાંભળી એક ભાઈ બહાર આવ્યા..

– ’અરે તમે બધા કોણ છો?

–'આ મારું ઘર છે’

–‘તમારુ ઘર?'

ભાઇ, તમને કઇંક ભૂલ થતી લાગે છે..
હજુ પંદર દિવસ પહેલા જ અમે અહી રહેવા આવ્યા છીયે.. આ ફ્લેટ મારા દીકરાએ ખરીદીયો છે..’

–દીપકનું માંથુ ચક્કર ખાઇ ગયુ..
તે નીચે ઉતર્યો.
તેણે વોચમેનને પુછ્યુ:
વોચમેનને કઈં ખબર નહોતી..
આજુબાજુ વાળાને પણ કઈં ખબર નહોતી..
દીપકે બોરીવલીમા રહેતા તેના ફઇને ફોન કર્યો..
ફઇ પણ આ બાબત એકદમ અજાણ હતા..

બિલ્ડીંગના સેક્રેટરીથી ખબર પડી કે,
આ ફ્લેટ વસંતભાઈએ વેચી નાખ્યો છે..!!

દીપક ઘા ખાઈ ગયો..
પપ્પાએ તેને બરોબરનો વળતો ઘા આપ્યો હતો...

બહુ જ સરસ નિર્ણય..👌🏼👌🏼👌🏼
વસંત ભાઇ...🙏🏼

ફેસબુકમિત્ર રિતેશ દાવડાની દીવાલ પરથી... સાભાર ઉઠાંતરી

1 comment: