આજે મહિલાદિન નિમિત્તે મહિલાઓ વિશે થનારી મીઠી મીઠી અને રૂડીરૂડી વાતો સાથે થોડી ચોખ્ખી વાતો પણ કરી લઈએ.
પહેલી વાત. સ્ત્રીને દેવી ન ગણવી, કારણ કે સ્ત્રી પણ છેવટે માણસ છે અને જેમ માણસમાં એક છેડે ઉત્કૃષ્ટ અને સામેના છેડે નિકૃષ્ટ માનવીઓની જે બહોળી રેન્જ જોવા મળે છે એવી જ રેન્જ સ્ત્રીઓમાં પણ જોવા મળવાની. વળી એક જ સ્ત્રી અલગઅલગ સમયે આ આખી રેન્જમાં અલગઅલગ સ્પોટ્સ પર જોવા મળી શકે. કોઈ પણ સ્ત્રીને ફ્ક્ત સ્ત્રી હોવાને કારણે નિર્દોષ, ભલી, પ્રેમાળ, ક્ષમાવાન અને પવિત્ર એવી દેવી ગણી લેવી નહીં. સ્ત્રીને એક વ્યક્તિ તરીકે, કેસ-ટુ-કેસ મૂલવવી. કામના સ્થળે માર્કેટિંગ વિભાગમાં કોઈ લેડીના પર્ફોર્મન્સનું મૂલ્યાંકન કરવાનું આવે ત્યારે તેના ફિગરના ફિગર્સ (શરીર માપતા આંકડા)ને બદલે તેનાં સેલ્સ અને કલેક્શનના જ ફિગર્સ જોવા. ટૂંકમાં, સ્ત્રીનું મૂલ્યાંકન કરવાનું આવે ત્યારે નકારાત્મક તો ઠીક, હકારાત્મક પૂર્વગ્રહથી પણ બચવું. સ્ત્રીની જાતિ અને રૂપ જોવાને બદલે તેના અસલી વ્યક્તિત્વ પર જ ધ્યાન આપવું. તો જ તેના વિશે સાચું જજમેન્ટ શક્ય બનશે.
બીજો મુદ્દો. એ નકારાત્મક પૂર્વગ્રહ વિશેનો છે. સ્ત્રીને નરકની ખાણ ગણવાનું, તેને સત્તાકેન્દ્રોથી દૂર રાખવાનું અને તેની પ્રગતિના માર્ગમાં રોડાં-અવરોધો નાખવાનું તાત્કાલિક ધોરણે, ઇમ્મિજિએટ ઇફ્ક્ટથી બંધ કરવા જેવું છે.
અહીં પ્લીઝ એવું તો કોઈ કહેશો જ નહીં કે જમાનો બહુ સુધરી ગયો છે અને હવે મહિલાઓના માર્ગમાં કોઈ અવરોધો છે જ નહીં. અવરોધો છે, ઘણાં છે.
સૌથી પહેલો અવરોધ તો જન્મ લેવામાં જ નડી શકે. ખબર પડી જાય કે પેટમાં બાળકી છે તો ઘણાંને વિચાર આવી જાયઃ 'ગર્ભપાત કરાવી નાખીએ?' જૂના જમાનામાં બાળકીને જન્મવા દેવામાં આવતી અને પછી મારીને દાટી દેવાતી અને હવે નવા જમાનામાં તો તેને જન્મ પહેલાં જ પેટમાંથી કાઢીને નષ્ટ કરી દેવામાં આવે છે.
કમ ઓન. એને જન્મવા તો દો.
અને એ જન્મી જાય અને મોટી થઈ જાય પછી સત્તા-ધન-નેતૃત્વના કોઈ મોટા હોદ્દાની વાત આવે ત્યારે પુરુષોની સામાન્ય (અને મોટે ભાગે ખાનગી) પ્રતિક્રિયા એવી હોય કે બૈરાંનું એ કામ નહીં, સ્ત્રીની બુદ્ધિ પગની પાનીએ વગેરે વગેરે. આ માન્યતા વાહિયાત છે.
સવાલ સ્ત્રીના સશક્તીકરણનો નથી, કારણ કે મહિલા પોતે જ સશક્ત છે. સશક્ત તો એટલી બધી છે કે તેનાં સંતાનોને ભૂખ્યા ન રહેવું પડે એ માટે તે ગમે તે હદે જઈ શકે, કોઈને મારી પણ શકે અને પોતે મરી પણ શકે. નારી જ્યારે વિફરે ત્યારે તે કોઈની રહેતી નથી. માત્ર નારી જ નહીં, તમામ જાતિઓની માદા કેટલીક વાતે નોન-નેગોશિયેબલ (વાટાઘાટ ન કરવાના) મોડમાં આવીને પ્યોર શક્તિ-સ્વરૂપા બનીને ભલભલાને ભારે પડી શકે.
ટૂંકમાં, સ્ત્રીમાં શક્તિ છે જ. તેને સશક્ત બનાવવાની જરૂર નથી. પુરુષો વળી કોણ છે સ્ત્રીને સશક્ત બનાવનારા? સવાલ સ્ત્રીની વાજબી શક્તિની અભિવ્યક્તિમાં નડતા ગેરવાજબી અવરોધો દૂર કરવાનો છે. સવાલ એ છે કે મહિલાની શક્તિઓ બહાર આવી શકે તે માટેનો માર્ગ કઈ રીતે મોકળો કરવો? આ સવાલનો એક જ જવાબ છેઃ ભેદભાવ મિટાવો.
અહીં એક વાત સમજી લઈએ કે સ્ત્રી અને પુરુષ વચ્ચે ભેદ તો છે જ. સ્ત્રીઓમાં લાગણી-ચીવટ-હૂંફ-ચતુરાઈ-પોષણનું પ્રાધાન્ય જોવા મળવાનું. બોસ તરીકે મહિલા હોય તો એ કર્મચારીઓનું પર્ફેર્મન્સ સુધારવા ઉપરાંત તેનું આરોગ્ય સુધારવા વિશે પણ વિચારશે. અંતઃસ્ફૂરણાના જોરે પરિસ્થિતિનો તાગ પામવામાં સ્ત્રી પુરુષ કરતાં ઊંચેરી હોય છે. સ્ત્રી-પુરુષનાં શરીરો જુદાં છે, અંગો જુદાં છે, માનસિક બંધારણ જુદું છે, પરંતુ સ્ત્રી-પુરુષ વચ્ચે આ બધા જે ફરક છે એ વર્ટિકલ (ઊભા, ઊંચનીચના) નથી, હોરિઝોન્ટલ (આડા, અલગ હોવાને લગતા) છે. બંને સપાટ ભૂમિ પર અલગઅલગ જગ્યા પર છે. બેમાંથી એક જૂથ ઊંચે અને બીજું જૂથ નીચે નથી. તો પછી બંનેને સમાન તક કેમ નથી મળતી?
સંસદમાં સ્ત્રીઓનું પ્રમાણ ૫૦ ટકા કેમ નથી? અને ૫૦ને બદલે ૩૩ ટકા સાંસદીય પ્રતિનિધિત્વની લોલીપોપ વરસોથી દેખાડ્યા પછી પણ વાસ્તવમાં એટલું પ્રતિનિધિત્વ અપાતું નથી. શું કામ? કારણ કે પુરુષો અંદરખાને એવું માનતા હોય છે કે બૈરાંઓનું એ કામ નહીં. આ અભિગમ ખોટો છે, અન્યાયકારી છે, મુર્ખામીપૂર્ણ છે.
'મોટાં કામો'ની વાત આવે ત્યારે સ્ત્રીઓનું એ કામ નહીં એવું વિચારવું એ જે રીતે ભેદભાવ-અન્યાય-જુલમ છે એ જ રીતે 'સામાન્ય સ્ત્રીઓ' જે 'સામાન્ય કામો' કરે છે, જેમ કે, બાળઉછેર, રસોઈ, વૃદ્ધોની સંભાળ, વાસણ-કપડાં-સફઈ વગેરે, તેનું સાચું મૂલ્ય ન આંકવું તે પણ ભેદભાવ-અન્યાય-જુલમ જ છે. આ કામોનું મૂલ્ય શા માટે ઓછું છે? બાળઉછેર શું નાનું કામ છે? જે ભોજન આપણને જીવતાં રાખે છે, દોડતાં રાખે છે એ ભોજન તૈયાર કરવું તે શું નાનું કામ છે? કહેવાનો મતલબ એ નથી કે સ્ત્રીઓએ ફ્ક્ત બાળઉછેરમાં અને રસોડામાં જ ખૂંપેલા રહેવું જોઈએ. કહેવાનું તાત્પર્ય એ છે કે સ્ત્રી જે કામ કરે તેને ‘સસ્તું ‘શા માટે ગણવામાં આવે છે?
આ વાત સૂક્ષ્મ છે, છતાં ખાસ સમજવા જેવી છે. ભેદભાવ માત્ર સ્ત્રીના વ્યક્તિત્વ સાથે નથી થતો, તેનાં કાર્યો સાથે પણ થાય છે. સ્ત્રી જે કંઈ કરે તે નાનું, તે ક્ષુલ્લક, તે ગૌણ…
સ્ત્રીનાં કામનું ઝાઝું મૂલ્ય નથી અંકાતું. માટે સ્ત્રીના પ્રદાનનું મૂલ્ય ઓછું અંકાય છે. માટે તે મૂલ્યવાન નથી ગણાતી. અને માટે મોંઘેરા પુત્ર કરતાં સાપના ભારા જેવી પુત્રી જન્મે તે પહેલાં જ તેને મારી નાખવાના નબળા વિચારો ઘણાં નબળા મનુષ્યોને આવી જાય છે.
મૂળ વાત આ છે. સ્ત્રીની ‘માર્કેટ વેલ્યૂ’ ઓછી છે. અસલમાં સ્ત્રીનું મૂલ્ય એટલું જ છે જેટલું પુરુષોનું છે. છતાં સ્ત્રીઓને, તેમના દ્વારા થતાં કાર્યોને ઝાઝો ભાવ ન આપીને સરવાળે તેનું ઓછું મૂલ્ય આંકવાની જે અંચઈ હજારો વર્ષથી ચાલતી આવી તે હજુ અટકી નથી.
પેલા યત્ર નાર્યસ્તુ પૂજ્યન્તેવાળા શ્લોકનું હાર્દ પણ આ જ છે કે સ્ત્રીને આદર આપો, તેના કામને આદર આપો. બાજોઠ પર બેસાડીને કંકુ-ચોખા વડે તેની પૂજા નહીં કરો તો ચાલશે, પણ તેના પ્રદાનને ઓછું આંકો તે નહીં ચાલે. એવો અન્યાય કરશો તો તમારે ત્યાંથી દેવતાઓ, સુખ, સમૃદ્ધિ અને શાંતિ ભાગી છૂટશે.
ઉપરની બધી વાતો વધતે-ઓછે અંશે અને જુદી જુદી રીતે બાળકો, પછાતો, ગ્રામીણો, ગરીબો, વૃદ્ધો, આદિવાસીઓને પણ લાગુ પડે છે. એમને પણ ન માથે ચડાવવાની જરૂર છે, ન ઠેબે ચડાવવાની.
ખેર, એ અલગ લેખનો વિષય છે.
આ લેખ પૂરતું એટલું જ કહેવાનું કે સ્ત્રીની સાચી વેલ્યૂ સમજીએ, તેની પ્રગતિમાં અવરોધરૂપ બનતી અડચણો દૂર કરીએ અને તેમને હૃદયપૂર્વક કહેતાં રહીએ કે હે મહિલાઓ, તમારી કોઠાસૂઝ બદલ, પીડા વેઠીને જન્મ આપવાની ક્ષમતા બદલ, સંવેદનશીલ મન-શરીર-હૃદય ધરાવવા બદલ, શક્તિ-સ્વરૂપા હોવા બદલ, સંસારરથના સમાન મહત્ત્વ ધરાવતા પૈડા તરીકેની તમારી મજબૂત ભૂમિકા બદલ, આભાર.
ખૂબ ખૂબ આભાર.
- દીપક સોલિયા, સંસ્કાર પૂર્તિ, સંદેશ

No comments:
Post a Comment