Monday, March 9, 2020

હોળી_હુતાસણી_હોળાષ્ટક

થોડાંક વરસો પહેલાં એક ફેસબુક મિત્રના ફોટામાં પાછળની દિવાલ પર લખેલ વંચાતુ હતું.
#હોલી_માતકી_જય .
મે પુછ્યું
"હોલી માતા ?
કઇ રીતે ?
ક્યારથી ?

જવાબ હતો "મને કંઇ જ જાણ નથી."

કેટલાક મિત્રોના મેસેજ હોય છે અંગ્રેજીમાં
Happy Holi

નાનપણ થી જોતો આવ્યો છું કે હોળી ઉન્માદનો તહેવાર છે.
આમ તો માનવ મન અને ચંદ્રની કળાને એવો અનુબંધ છે કે પ્રયેક પૂનમ પર આવતા લગભગ તહેવારો પર વિવીધ પ્રકારના ઉન્માદો છવાયેલ હોય છે.

નાના હતા ત્યારે ગામડે હોળીમાં અત્યંત અભદ્ર વાણી વિલાસ અને વર્તન કરતા.
હોળીનું પર્વ ઝગડાઓ વિના ભાગ્યે જતું.
બે દિવસ સુધી એસ. ટી. ની બસો બંધ રહેતી.
ઘણા ય ગામડાઓમાં હોળી જાણે કે વેર પિપાસાનુ પર્વ બની રહેતું.
શહેર માં જેને ધૂળેટી કહે એને ગ્રામ્ય બોલી માં પડવો કહે.
અમુક ગામોમાં બે બે પડવા થતા.
રા' નીકળતા.
જે રા' બને એમણે ગામને હવાડે નહાવાનું, હોળીની ભસ્મમાં આળોટવાનુ પછી ગધેડા પર ઉંધા મોઢે બેસાડવાનું. એમને ખાસડાં ના હાર પહેરાવાતા અને ગામમાં શેરીએ ગલીએ ઘુમવાનુ. પાછળ તોફાની ટોળી હોય જેને ઘેરૈયાની ટોળી કહેવાતી.
જેટલી તોડ ફોડ અને નુકસાની વધુ કરે એટલી ટોળીની પ્રસંશા વધુ થતી.
ઘણી ય વાર ધૂળેટી પર રંગના બદલે લોહીયાળ હોળી ખેલાતી.

હું હોળીનો આનંદ અન્ય મિત્રોની જેમ નથી ઉઠાવી શકતો જેનુ કારણ કદાચ
મે હોળી આસપાસ બે ત્રણ સ્વજનો ગુમાવેલ છે એનું સ્મરણ થઇ આવે.

ફાગણ સુદ પૂનમ એટલે વસંત ઋતુનો અંતિમ દિવસ.
તામસી સુખની છોળોની ચરમ સીમા.
એ પછી શરૂ થતી હોય છે ગ્રીષ્મ, એટલે કે પાનખર ઋતુ.

ચૈત્ર વૈશાખ માં ગ્રીષ્મના તડકા થી ઘણા અકળાય જતા હોય છે.
પણ ખેતી કરનાર માટે ગ્રીષ્મ એટલે ભૂમિનું ખેડવુ, તપાવવું. ખેડાયેલ ભુમિ ગ્રીષ્મના તડકા માં તપે એટલે વર્ષા ઋતુમાં વધુ ફળદ્રુપ બને.
ગ્રીષ્મના તડકાઓ જે તરબુચ સાકર ટેટી ને પકાવે છે. પાકવા માટે બફારો અનિવાર્ય છે. જાણે કોઇ જોગીની ગુફા સમી ગ્રીષ્મની ધુણી થકી જ ખાટી ખાખડી પાકી કેરીમાં પરીવર્તીત થાય છે.
દઝાડતી દાહકતા દ્વારા જ શીતળતાનું સાચું મુલ્ય સમજાય છે.

અમારા જમાનાની હોળીનો અનુભવ

નાનપણ માં હોળી પર હું ય ઘેરૈયાની ટોળી માં જતો.
કોઇ માતા કયે કે છોકરાઓ આ છાણાની મોટલી લેતા જાવ તો મજા ન આવતી પણ કોઇકના મોઢવા માં થી બે ચાર છાણાં ચોરવા જઇએ અને કોઇ પાછળ દોડે કે ગાળો કાઢે ત્યારે કંઇક વિચિત્ર મજા આવતી.
એક વાર વાલા બાપા દરજીને ત્યાં પડેલી એક્કા ગાડી ઉપાડીને હોળી માં હોમી દીધેલ.
જેરામ કુંભારની કેબીન આગળ કરેલી વાંસ અને નાળીયેરીના તાલાંઓની છાજલી ઉખેડીને હોળીમાં હોમી દીધેલ.
નરસિંહ કુંભારના ગધેડા પર માટલાં રાખવા માટે વાંસ અને કાથીની બનેલ ખોલકી એ હોળી માં હોમી દીધેલ.
મારા પિતાજી ત્યારે સરપંચ હતા.
સવારે બે ય મારા બાપા પાસે આવીને છુટા મોઢે પોક મુકી રડવા લાગ્યા.
કોક અમને પજવે તો તમારી પાંહે આવીએ પણ તમારો જ દિકરો ઉઠીને અમ ગરીબની રોજી રોટી બાળી નાખે 😢

બાપા એ મને બવ જ લમધારેલ અને મને કીધેલ કે તારી હારે જે હતા એ બધાને બોલાવીને વાંસ અને નાળીયેરીનાં તાલાં થી તમારે હાથે જ પાછી હતી એવી બનાવી દયો તાં સુધી ઘર માં પગ નો મુકતો નકર તારા ટાંટીયા ભાંગી નાખીહ રાખ્ખહ (રાક્ષસ)
અમે એ કર્યું.
ત્યારે બાપાની આંખ માં માત્ર ક્રોધ જ નહોતો પુત્રના કુકર્મ બદલ અપરાધ ભાવ અને ભોંઠપ સ્પષ્ટ દેખાતી હતી. એ પછી મે ઘેરૈયામાં જવાનું છોડી દીધેલ
ખીમભાઈ રામ

No comments:

Post a Comment