Saturday, January 7, 2012

કચ્છ :: KUTCHH

કચ્છ જિલ્લો વિસ્તારની દ્રષ્ટિએ ગુજરાતનો સૌથી મોટો અને ભારતનો બીજા નંબરનો સૌથી મોટો જિલ્લો છે. (વિસ્તારની દ્રષ્ટિએ દેશનો સૌથી મોટો જિલ્લો લડાખ છે) કચ્છ જિલ્લામાં દરિયો છે, અહીં ચાંદી જેવી રેતીથી પથારાયેલું રણ છે, ઊંચા-નીચા ડુંગરો છે અને તેની તળેટીમાં વસેલા રળિયામણા ગામ છે. કચ્છની પોતાની અસ્મિતા છે, પોતાનું આગવું વ્યક્તિત્વ છે. કચ્છ એટલે?



 
કચ્છડો ખેંલે ખલકમેં જીમ્ મહાસાગરમેં મચ્છ
જિત  હિકડો  કચ્છી  વસે  ઉત ડિયાંડીં  કચ્છ

કચ્છનો સંસ્કૃત ભાષામાં અર્થ બેટ થાય છે. ભગવદ્વોમંડલમાં કચ્છના કુલ 31 અર્થ આપ્યાં છે. તેમાં પહેલો અર્થ છે આકાશનું ઢાંકણ, પાંચમો અર્થ છે કાચબાની ઢાલ, સાતમો અર્થ છે કિનારાનો પ્રદેશ, આઠમો અર્થ છે, કિનારો, કાંઠો, તટ, દસમો અર્થ છે ખાડી, 15મો અર્થ છે દરિયાની ભૂમિ, 30મો અર્થ છે સિંધ અને કાઠિયાવાડ વચ્ચે આવેલો એ નામનો દેશ, 31મો અર્થ છે, પાણીનું ખાબોચિયું. આ બધા અર્થ કચ્છની ભૌગલિકતા વ્યક્ત કરે છે. કચ્છમાં પ્રવેશ કરો ત્યારે માળિયાની ખાડી આવે. કચ્છની એક તરફ કાઠિયાવાડ છે તો બીજી તરફ પાકિસ્તાનનો સિંધ પ્રદેશ છે..
મળી આવેલા અવષેશોને આધારે કચ્છ, પ્રાચીન સિંધુ સંસ્કૃતિનો ભાગ મનાય છે. ઇ.સ. ૧૨૭૦માં સ્થપાયેલ કચ્છ એક સ્વત્રંત્ર પ્રદેશ હતો. ઇ.સ. ૧૮૧૫માં કચ્છ બ્રિટિશ સામ્રાજ્ય હેઠળ આવ્યું અને રજવાડા તરીકે કચ્છના મહારાજાએ બ્રિટિશ સત્તા સ્વીકારી. ઇ.સ. ૧૯૪૭માં ભારતની સ્વતંત્રતા પછી, કચ્છ ભારતના તત્કાલિન 'મહાગુજરાત' રાજ્યનો એક જિલ્લો બન્યું. ૧૯૫૦માં કચ્છ ભારતનું એક રાજ્ય બન્યું. ૧ નવેમ્બર ૧૯૫૬ના રોજ કચ્છ મુંબઇ રાજ્ય હેઠળ આવ્યું. ૧૯૬૦માં ભાષાના આધારે મુંબઇ રાજ્યનું મહારાષ્ટ્ર તથા ગુજરાતમાં વિભાજન થયું અને કચ્છ ગુજરાતનો એક ભાગ બન્યું.
૧૯૪૭માં ભારતનાં ભાગલા પછી, સિંધ અને કરાંચીનું બંદર પાકિસ્તાન હેઠળ ગયું. સ્વતંત્ર ભારત સરકારે કંડલામાં અધ્યતન બંદરનો વિકાસ કરવાનો નિર્ણય કર્યો. કંડલા બંદર પશ્ચિમ ભારતનું એક મહત્વનું બંદર છે.
ઇતિહાસમાં ૧૬ જૂન ૧૮૧૯ના દિવસે કચ્છનો પહેલો ધરતીકંપ નોંધાયો છે. ૨૬ જાન્યુઆરી ૨૦૦૧માં આવેલ પ્રચંડ ધરતીકંપનું કેન્દ્ર કચ્છમાં આવેલું હતું. કચ્છનાં ૧૮૫ વર્ષના નોંધાયેલા ભૂસ્તરશાસ્ત્રીય ઇતિહાસમાં આ સૌથી તીવ્ર ધરતીકંપ હતો.


No comments:

Post a Comment