Friday, October 13, 2017

*બેસણું*

સવારના આઠ થયા પણ બેસણાંના હોલનો દરવાજો બંધ હતો.
કેટલાક લોકો સમયસર આવીને વારંવાર ઘડીયાળ જોઇ રહ્યાં હતા. જો કે તેમના ચહેરા પર બેસણાં પછીના બીજા શિડ્યુલ વિશે વધુ ચિંતાની રેખાઓ હતી. જલ્દી શરુ થાય તો થોડીવાર બેસીને નીકળી જઇશું તેવી ઉતાવળ લઇને ઘણાં આવ્યાં હતા.

તેમના કેટલાક લોકોના એક હાથમાં ‘શોક સંદેશા’નું કવર અને બીજા હાથની આંગળીઓ મોબાઇલ સ્ક્રિન પર ફરી રહી હતી.

‘કેટલીવાર...?!’ બહાર ઉભેલા પચ્ચીસેકના ટોળાંમાંથી જેને ઉતાવળ હતી તેને બાજુવાળાને ધીરેથી કહ્યું.

‘લાગે છે અંદર હજુ તૈયારી ચાલે છે...!’ બાજુવાળાએ પણ હળવેથી તેના કાનમાં કહ્યું.

‘અમારા સમાજમાં તો જો કોઇનું બેસણું હોય તો અત્યાર સુધીમાં તો અડધા લોકો આવીને પાછા ઘરે પણ પહોંચી ગયા હોય....!’ પેલાએ ફરી પોતાની વાત કરી.

ધીરે ધીરે બહાર લોકોનું ટોળું જમા થઇ બેસણા માટે રાખેલા હોલનો દરવાજો ખુલે તેની રાહ જોઇ રહ્યા હતા.

થોડીવારમાં દરવાજો ખુલ્યો અને તે ઘરના એક વડીલ બહાર આવ્યાં અને તેને સૌની સામે હાથ જોડી ક્ષમાયાચના કરતાં હોય તે મુદ્રામાં ઉભા રહીને ધીરેથી બોલ્યા, ‘તમને સૌને તકલીફ પડી રહી છે તે બદલ માફ કરશો.... અમારે તૈયારી કરવામાં મોડું થયું છે...’ તેમના શબ્દોમાં સરળતા હતી.

‘અરે, વડીલ.. કોઇ વાંધો નહી... કોઇ કામમાં અમારી જરુર હોય તો પણ કહેજો…!’ જેને ખૂબ ઉતાવળ હતી તેને જ અચાનક પોતાનો શબ્દ વ્યવહાર ફેરવીને લાગણી પ્રદર્શીત કરી.

‘અરે... ના.. ના.. આ તો જ્વલંતની દિકરી જીદે ચડી છે... મારે પપ્પા જોઇએ જોઇએ ને જોઇએ જ...! તમે બધા જ બે દિવસ પહેલા મારા પપ્પાને બાંધીને ઉપાડીને લઇ ગયા હતા.. બસ હવે તમે બધા જ મારા પપ્પાને પાછા લઇ આવો....! જો કે તે છ વર્ષની.. તેને શું ખબર કે મોતના દરવાજે ગયા પછી ક્યાં કોઇ પાછું આવે છે...! તેને કેવી રીતે સમજાવવી.. અમારે તેને અહીંથી દુર લઇ જવી છે.. પણ તે તેના પપ્પાના ફોટા પાસે જ જીદ કરીને બેઠી છે.. હું અહીં જ બેસીસ અને બધાને કહીશ કે મારા પપ્પાને પાછા લઇ આવો....! આજે મારા પપ્પાનો જન્મ દિવસ છે…. મારે કેક કાપવી છે.. તેમને ખવડાવવી છે...!’ અને પેલા વડીલ પોક મુકીને રડી પડ્યાં.

એક બીજા વડીલ તેમની પાસે પહોંચી ગયા અને તેમની પીઠ પર હાથ ફેરવીને દિલાસો આપ્યો.

‘જ્વલંત તો લાખોમાં એક હતો... પણ આ તો અણધારી આફત.. કુદરતની પણ કેવી ક્રુરતા કે ભરજુવાનીમાં બોલાવી લીધો... અરે.. દરેક લોકોના હૃદયમાં તે પોતાની છાપ મુકીને ચાલ્યો ગયો.. દુ:ખ તો અમને સૌને છે... તમે પણ હિંમત રાખો સૌ સારા વાનાં થશે...!’ પેલા વ્યક્તિના દિલાસાથી વડીલને હૈયાધારણાં મળી.

પેલા વડિલ અંદર ગયા અને બધા ફરી પોતપોતાના પરિચિત ચહેરા પાસે ટોળે વળ્યાં.

ધીરે ધીરે બહાર લોકોનું ટોળું વધવા લાગ્યું... સૌ કોઇ દરવાજો ખુલે તેની રાહ જોઇને મીટ માંડી રહ્યા હતા... અને ઘણાંને બેસણાંનો રિવાજ પતાવી નીકળવાની પણ ઉતાવળ હતી.

જ્વલંત, જેનો બે દિવસ પહેલા જ સ્વર્ગવાસ થયો... એક સરળ વ્યક્તિત્વ.. સદાય હસતો ચહેરો અને મદદ માટે તેના હાથ હંમેશા લંબાયેલા જ રહેતા.. સમાજ, સોસાયટી અને સૌ કોઇમાં તે આદર્શ વ્યક્તિ તરીકેની ઓળખ બનાવી ચુક્યો હતો. તેનું અકાળ મૃત્યુ સૌને આંચકો આપી દે તેવું હતું.... જ્વલંત જિંદગીના ઘણા કપરા સંજોગોમાંથી સંઘર્ષ કરીને આગળ વધ્યો હતો.. જો કે તેને પોતાની લીલી વાડી બનાવી પણ નહોતી.. ઘરની કોઇ આર્થિક સધ્ધરતા પણ નહોતી આવી....! હવે બધુ એકાએક છોડીને ચાલ્યા જવું... ઘર- પરિવાર જાણે હવે થોડા દિવસોમાં જ પડી ભાંગશે તેવી સ્થિતિએ પણ પહોંચી જાય...! જ્વલંત પાસે કોઇ સરકારી નોકરી નહોતી કે કોઇ બેઠી આવક પણ નહી.. એક સામાન્ય કંપનીમાં નોકરી કરતો.. અને અચાનક જ વિદાય લઇ લીધી... ઘરનો મોભી કે કમાઉ દિકરો બધુ એક જ હતો જ્વલંત...!

જ્વલંતના બેસણાં માટે હોલની બહાર લોકોની ભીડ વધી રહી હતી.

પેલા દિલાસો આપનાર માણસને કંઇક સુઝ્યું હોય તેમ તેને સૌની સામે જોઈને કહ્યું, ‘ આમ તો હું પણ તમારી જેમ એક રિવાજ નિભાવવા જ આવેલો વ્યક્તિ છું.. આપણે સૌ એ આમ જ અનેક બેસણાંમાં હાજરી આપી છે, સફેદ કપડાં.. સહેજ દયામણું મહોરું.. હાર ચઢાવેલા ફોટાના દર્શન... શોકના શબ્દો... બે ઘડીનો દિલાસો.... થોડીવારની હાજરી.... અને પછી પોત પોતાના ઘરે...! જો કે હું તમને કોઇને સલાહ કે સુફિયાણી વાતો કરવા નથી આવ્યો.. પણ આજે મને એમ લાગે છે કે આ બેસણું એટલે શું ? તે આપણે વિચારવું પડશે.. જ્વલંત તો ગયો પણ આવતીકાલથી તેના પર નભી રહેલા પરિવારનું શું ?.. બેસણું આપણે એક રિવાજ ન બનાવતા તે પરિવાર માટેનો સાચા અર્થમાં આધાર બનાવી દેવો જોઇએ.. આપણો બે મિનિટનો દિલાસો એ માત્ર બેસણું નથી... અને તેનાથી જ્વલંતના પરિવારને આવનારા સમયમાં કોઇ ફર્ક નહી પડે. આ દરવાજો ખુલશે એટલે એ જ કાયમી જુની પ્રથા શરુ થશે.. સામે જ્વલંતની દિકરી તેના પપ્પાની રાહ જોઇને બેઠી છે.... તેને તેના પપ્પાનો જન્મદિવસ મનાવવો છે.. આજ દિન સુધી તેના પપ્પાએ તેમાં હાજરી આપી છે.. જ્યારે આજે નથી, તો આ બેસણાંમાં તેના પપ્પાનો જન્મદિવસ ઉજવીએ... મારો મતલબ કોઇ પાર્ટી કરવાનો નથી.. પણ જ્વલંતની તસ્વીર પર ફુલ ચઢાવવાની સાથે તેના પરિવારને આવતીકાલના ભવિષ્ય માટે થોડી મદદ કરીએ..’ પેલા ભાઇ થોડીવાર ચુપ થઇ ગયા..

‘તો શું કરવું જોઇએ..?’ એક વ્યક્તિએ પુછ્યું.

‘મદદ.. મારો આ એક શબ્દ જ તમે સમજી ગયા હશો.. આપણે દરેક લોકો જો જ્વલંતના પરિવારને થોડીઘણી મદદ કરતા જઇશું તો તેના પરિવારને આવનારા કપરાં સમયનો ટેકો મળી જશે.. પોતાનાથી બનતી મદદ... સમાજ એટલે એકમેકનો સહયોગ.. જો જ્વલંત આજે હાજર હોત તો તેની દિકરીને કોઇક ગિફ્ટ લાવીને આપી હોત.. પણ આજે તે નથી તો આપણે સૌ તેનો ટેકો બનીને ઉભા રહીએ તે જ હકીકતમાં સાચું બેસણું છે.’ અને પેલા ભાઇએ પોતાની વાત પુરી કરી.

થોડીવાર સૌ એકમેકની સાથે ગુસપુસ કરવા લાગ્યા અને સૌએ તેમની વાતને ગંભીરતાથી લીધી. બધાએ પોતાની બનતી મદદ કરવા તૈયારી દર્શાવી અને ઘડીભરમાં તો પચાસેક હજાર જેટલી મોટી રકમ જમા થઇ ગઇ..

અને થોડીવાર પછી દરવાજો ખુલ્યો.

પેલા વ્યક્તિએ મંગાવેલી કેક જ્વલંતની હાર પહેરાવેલી તસ્વીર સામે મુકી અને તેની દિકરીને બોલાવી અને કહ્યું, ‘ બેટા, તારા પપ્પા લાંબી સફરે ગયા છે, તેમને આવતાં વર્ષો લાગશે, તેમને આ કેક મોકલાવી છે. લે તુ આજે કાપીને બધાને ખવડાવી દે.’
તે અણસમજુ દિકરીએ કેક કાપીને તેના ટુકડા બધાની સામે ધર્યા.. બધાએ વ્હાલથી તે ટુકડો લીધો પણ બધાની આંખોમાં આંસુ હતા..

છેલ્લે તે દિકરી પેલા વ્યક્તિ પાસે આવી અને બોલી, ‘ અંકલ, બધા કહે છે મારા પપ્પા મરી ગયા છે, હવે તે પાછા નહી આવે. પણ મને ખબર છે કે તે મને મુકીને ક્યાંય જાય નહી. તે એકવાર જરુર આવશે અને જ્યારે આવશે ત્યારે ખૂબ મોટી કેક લાવીશું અને હું તમને બધાને બોલાવીશ.. પણ કોઇને સફેદ કપડાં પહેરીને નહી બોલાવું, મારી મમ્મી બહુ રડે છે.. તેને કહી દો કે ભલે તે ભગવાનની પાસે હોય તેમના ધબકારા તો મારા હૃદયમાં મને સંભળાય છે.’ અને તે પેલા વ્યક્તિને વળગી પડી.

પેલા વ્યક્તિએ તેના માથે હાથ ફેરવતા કહ્યું, ‘ હા દિકરી..! પિતાનું હૃદય તો કાયમ દિકરીના હૃદયમાં જ ધબકતું હોય છે.’ અને એકઠી કરેલી રકમ દિકરીના હાથમાં આપી કહ્યું લે આ તારા પપ્પાએ મોકલ્યા છે મમ્મીને આપજે.

પેલા વડીલે આ દ્રશ્ય જોઇને તેમની નજીક આવ્યાં અને પૈસા ભરેલું કવર જોઇને પરિસ્થિતિને પામી ગયા અને પુછ્યું, ‘તમારો પરિચય..?’

પેલા વ્યક્તિએ પોતાનો પરિચય આપતાં કહ્યું, ‘હું જ્વલંતની સાથે કામ કરું છું.. મારી દિકરીના લગ્ન સમયે મારી પાસે પૈસા પણ નહોતા… ત્યારે જ્વલંતે ફેક્ટરીની બહાર ઉભા રહીને મને મદદ કરવા સૌને વિનંતી કરી હતી અને ટીંપે ટીંપે સરોવર ભરાય તેમ મારી દિકરીનો પ્રસંગ સચવાઇ ગયો હતો.. જ્વલંતે મારી દિકરીને ખુશ કરી હતી તો તેની દિકરીન દુ:ખી થતા હું કેમ જોઇ શકું ?’
અને જ્વલંતની વ્હાલસોયી દીકરીને વળગી પડ્યાં.

*સ્ટેટસ*
*હું પણ ક્યારેક તો નથી જ રહેવાનો,*
*લાવને આજે જ જાણી લઉં મતલબ જીવવાનો...!*

No comments:

Post a Comment