Friday, October 13, 2017

cocktailzindagi (આમિર ખાનને ગુજરાતી નાટકમાંથી તગડી મુકાયો હતો!)

LIGHTS, CAMERA, ACTION




એક ગુજરાતી નાટ્યદિગ્દર્શકે આમિર ખાનને બબ્બે વાર જાહેરમાં રડાવ્યો હતો! યસ, આપણે સુપરસ્ટાર આમિર ખાનની જ વાત કરી રહ્યા છીએ. ઉપરના શબ્દોથી અનેક સવાલો તમારા દિમાગમાં ધૂમરાઇ ગયા હશે, પણ એ શબ્દો અક્ષરશ: સાચા છે.

વેલ, આવી થોડીક વધુ આશ્ચર્યજનક વાતો તમને સડસડાટ કહી દઈએ.

આમિર ખાને તેની કરિયરની શરૂઆત ગુજરાતી રંગભૂમિમાં બેકસ્ટેજથી કરી હતી અને એ દરમિયાન તેણે સ્ટેજ પર ઝાડુ મારવાની ‘ડ્યુટી’ પણ બજાવી હતી.

આમિર તેની મોટી બહેન નિખત ખાનને કારણે ગુજરાતી રંગભૂમિમાં આવી ચડ્યો હતો. આમિરની એરહોસ્ટેસ બહેન નિખત મુંબઈના ધુરંધર ગુજરાતી નાટ્યદિગ્દર્શક (1993માં જેમનું મૃત્યુ થયું હતુ એ) મહેન્દ્ર જોશીના પ્રેમમાં પડી હતી અને પછી તેમને પરણી હતી.

આમિરને બે ગુજરાતી નાટકમાં અભિનય કરવાની તક મળી હતી અને એમાંથી એક નાટકમાં તેનો લીડ રોલ નહીં બલકે સાઇડ રોલ હતો અને બીજા નાટકમાં તો તેનો સાઇડ રોલ પણ નહોતો, માત્ર એકસ્ટ્રા આર્ટિસ્ટ જેવો રોલ તેને મળ્યો હતો; પણ પછી એ નાટકમાંથી તેની હકાલપટ્ટી થઈ હતી!

હવે આમિર ખાનના ગુજરાતી સ્ટેજ એટલે કે ગુજરાતી રંગભૂમિ સાથેના કનેક્શનની વાત વિગતે માંડીએ.
આમિર ખાન મુંબઈના જુહુ વિસ્તારમાં ગુજરાતી મેનેજમેન્ટવાળી વિલે પાર્લે કેળવણી મંડળની એન. એમ. કાલેજમાં ભણતો હતો. એ વખતે તેની બહેન નિખતને કારણે તે ગુજરાતી રંગભૂમિના મહારથી મહેન્દ્ર જોશીના સંપર્કમાં આવ્યો હતો. આમિરનો પિતરાઈ મનસૂર ખાન (આમિરની પહેલી અને સુપરહિટ ફિલ્મ ‘કયામત સે ક્યામત તક’નો દિગ્દર્શક) અને મહેન્દ્ર જોશી પણ બહુ સારા દોસ્ત હતા. એ દોસ્તીને કારણે અને પછી સાથે નાટકો કરવાને કારણે આમિરની બહેન નિખતની દિગ્દર્શક મહેન્દ્ર જોશી સાથે દોસ્તી જામી. એ દોસ્તી પ્રણયમાં અને પછી પરિણયમાં પરિણમી હતી. એટલે કે આમિર ખાન મહેન્દ્ર જોશીનો સાળો બન્યો હતો.

એ વખતે આમિર એન. એમ. કોલેજમાં નિખતના ભાઈ તરીકે ઓળખાતો હતો અને નિખતને સૌ મહેન્દ્ર જોશીની પ્રેમિકા તરીકે ઓળખતા હતા. આમિરને નાટકોમાં કામ કરવાનો શોખ જાગ્યો અને તેણે મહેન્દ્ર જોશી પાસે કામ માગ્યું, મહેન્દ્ર જોશીએ તેને બેકસ્ટેજની જવાબદારી સોંપી દીધી. બેકસ્ટેજ એટલે ઝાડુ મારવાથી માંડીને નાનીમોટી વસ્તુઓ લાવી આપવાનું અને કલાકારોનાં કપડાંની કન્ટિન્યુટી ધ્યાન રાખવા સુધીનું કામ. સ્ટેજ પાછળની આ પ્રવૃત્તિ માટે ચણામમરા જેવી રકમ વળતરરૂપે મળે અને એ રકમમાંથી ચણામમરા ન ખરીદવા હોય તો ચાનો અથવા પાણીનો ખર્ચ નીકળે શકે!

મહેન્દ્ર જોશીના ‘ખેલૈયા’ નાટકમાં આમિરે બેકસ્ટેજ કર્યું હતું. એ નાટકમાં આમિરે કૃત્રિમ વરસાદ વરસાવવાનો હતો. આમિરને રંગબેરંગી કાગળો અપાયા હતા. એ કાગળોના નાના-નાના ટુકડા કરીને હીરો-હિરોઇન ગીત ગાતાં હોય ત્યારે તેમનાં પર વરસાવવાના હતા. આમિર એ કામ ઉદય શેટ્ટી નામના વિદ્યાર્થી સાથે કરતો. ‘ખેલૈયા’ ના શોઝ દરમિયાન આમિરે બાકાયદા સ્ટેજ પર ઝાડુ મારવાની જવાબદારી પણ સફળતાપૂર્વક નિભાવી હતી!
આમિર ખાન તેની આત્મકથા લખે તો ‘મારા ગુજરાતી રંગભૂમિના પ્રયોગો’ નામનું ખાસ ચૅપ્ટર લખી શકે એમ છે. મહેન્દ્ર જોશીએ ‘કેસરભીના’ નાટક કર્યું ત્યારે એ નાટકમાં તેમણે આમિરને સાઇડ રોલ આપ્યો હતો. ‘કેસરભીના’ નાટક વિશે અને એ નાટકમાં આમિરના રોલ વિશે વધુ વાતો સાંભળવી હોય તો વર્ષો સુધી ગુજરાતી રંગભૂમિ સાથે સંકળાયેલા નિવૃત્ત પ્રોફેસર ભરત નાયકને મળવું પડે.

ભરત નાયક કહે છે, ‘સુવર્ણમંદિરમાં ઓપરેશન બ્લુસ્ટાર હાથ ધરાયું હતું એના પરથી મહેન્દ્ર જોશીને ‘કેસરભીના’ નાટક કરવાનો વિચાર આવ્યો હતો. જોકે ટોમ સ્ટોપાર્ડના નાટક ‘સોલ્જર્સ સ્ટોરી’ પરથી પ્રેરણા લઈને એ નાટકની સ્ક્રિપ્ટ લખાઈ હતી. એ નાટકનો પહેલો શો પૃથ્વી ફેસ્ટીવલમાં થયો હતો અને એના કુલ દસ શો થયા હતા. ‘કેસરભીના’ની કથા એવી હતી કે આર્મીની પંજાબ રેજિમેન્ટમાં ગરબડ થાય છે અને એક સૈનિકનું ખૂન થઈ જાય છે. એની તપાસ માટે સીબીઆઈનો એક ઑફિસર આવે છે. ઑફિસર સૈનિકના ખૂનનું રહસ્ય શોધી કાઢે છે. એ નાટકમાં મહેન્દ્ર જોશી, મકરંદ દેશપાંડે, આતિશ કાપડિયા અને અમિત ઠાકુરની સાથે આમિર ખાને સરદારજીનો સ્વાંગ સજીને નાનકડો રોલ નિભાવ્યો હતો અને સીબીઆઇના ઓફિસરનો રોલ હોમી વાડિયાએ કર્યો હતો.’

ભરત નાયક પાસેથી આમિર ખાનના ગુજરાતી રંગભૂમિના કનેકશનની વાતો સાંભળવા મળે એ જ રીતે જાણીતા-નાટ્ય- ટીવીસિરિયલ અને ફિલ્મલેખક મિહિર ભુતા અને તેમનાં પત્ની (બીજેપી લીડર) માધવી ભુતાને મળો તો પણ આમિર ખાનના ગુજરાતી રંગભૂમિના કનેકશન વિશે રસપ્રદ અને રોમાંચક વાતો જાણવા મળે.

1982માં ઇન્ટર-કૉલેજ ડ્રામા કોમ્પિટિશનમાં મહેન્દ્ર જોશીનું એક નાટક હતું, ‘પસિયો રંગારો’. એન. એમ. કોલેજ વતી એ નાટક બનાવાયું હતું. એના લેખક હતા ચંદ્ર શાહ. વિખ્યાત હાસ્યલેખક તારક મહેતાના જમાઈ અને ‘જીન્સ’ કાવ્યોના સર્જક. એ નાટકમાં પસિયા રંગારાનો લીડ રોલ અમોલ ગુપ્તેએ કર્યો હતો (આ અમોલ ગુપ્તે એટલે જેમણે આમિરની ‘તારે ઝમીં પર’ ફિલ્મ લખી હતી અને તેમની તથા આમિરની વચ્ચે ક્રિએટિવ મતભેદ થયા એ પછી આમિરે ડિરેકશન જાતે સંભાળ્યું હતુ). ‘પસિયો રંગારો’માં અમોલ ગુપ્તેની હિરોઇન પ્રીતિ નામની ગુજરાતી સ્ટુડન્ટ હતી. જોકે મુંબઈના પુથ્વી થિયેટરમાં ‘પસિયો રંગારો’ના કમર્શિયલ શો થયા ત્યારે અમોલ ગુપ્તેની સાથે શંકર નાગની સાળી અને અરુંધતી નાગની બહેન પદ્માવતી રાવ હિરોઇન બની હતી. એ નાટકમાં માધવી ભુતાએ પસિયા રંગારાની માનો રોલ કર્યો હતો અને જનક જાનીએ પસિયા રંગારાના પિતાનો રોલ કર્યો હતો.

રંગારો એટલે કે કલર કરવાવાળો દર વર્ષે નગરના પુલને રંગ કરે છે. સમય જતાં રંગારાને નગરના પુલ સાથે પ્રેમ થઈ જાય છે. વર્ષો પછી નગરના શાસકો બદલાઈ જાય છે અને નવા શાસકો પસિયા રંગારાનો ‘પ્રેમ’ છીનવી લે છે એવી કથા એ નાટકની હતી.

એ નાટકમાં આમિર ખાનને શું રોલ અપાયો હતો? એ નાટકમાં પંદર-સત્તર રંગારાનું ટોળું બતાવવાનું હતું. એમાંથી એક આમિર ખાન હતો! (જોકે એ વખતે તેણે પોતાનું નામ આમિર હુસેન રાખ્યુ હતું. કેતન મહેતાની ‘હોલી’ ફિલ્મમાં પણ તેણે ક્રેડિટમાં આમિર હુસેન નામ રાખ્યું હતું. આમિર ઉપરાંત જમનાદાસ મજીઠિયા (જે હવે જે.ડી. તરીકે જાણીતા પ્રોડ્યુસર-એક્ટર બની ગયા છે) અને હવે જાણીતા અભિનેતા પરેશ ગણાત્રા પણ એ ટોળામાં રંગારો બનીને પીંછી ફેરવવાનો અભિનય કરતા હતા.

‘પસિયો રંગારો’નાં રિહર્સલ્સ દરમિયાન આમિર સહકલાકારોના ટિફિનમાંથી લંચ શેર કરતો હતો. માઘવી ભુતાને આટલાં વર્ષો પછી પણ યાદ રહી ગયું છે કે આમિરને ટીંડોળા અને ભીંડા સહિતનાં કેટલાંક ગુજરાતી શાક બહુ ભાવતા હતા. માધવી કે બીજા કોઈ સ્ટુડન્ટના લંચ બોક્સમાં તે ગુજરાતી જુએ તો સફાચટ કરી દેતો હતો. આમિર સહકલાકારો સાથે કયારેક ફિલ્મો જોવા પણ ઉપડી જતો હતો. પોતે હિન્દી ફિલ્મોના જાણીતા પ્રોડ્યુસર તાહિર હુસેનનો દીકરો છે એવો ફાંકો તેને નહોતો. તે મોટે ભાગે શાર્ટ્‌સ પહેરીને ફરતો રહેતો હતો. માધવીને કે બીજી કોઈ સહકલાકારોને રિહર્સલ વખતે મોડું થઈ જાય તો તે તેમને મૂકવા માટે તેમના ઘર સુધી રિક્ષામાં જતો હતો. એક વાર ગૌરી વિસર્જનના દિવસે આમિર અને બીજા સહકલાકારો માધવી ભુતાના ઘરે ગયાં હતાં અને ગ્રાઉન્ડ ફ્લોરમાં ગપ્પાં મારતા હતા ત્યારે માધવી ભુતાના ઘરમાં પહેલા માળેથી ત્રણ મહેમાન હિન્દી નાટક જોવા માટે નીકળવાની તૈયારી કરી રહ્યા હતા. બાળાસાહેબ દેવરસ (આર. એસ.એસ.ના નેતા), અટલ બિહારી બાજપેયી અને લાલકૃષ્ણ અડવાણી! (માધવીના પિતા રમેશ મહેતા વિશ્વ હિન્દુ પરિષદના સિનિયર નેતા છે.) તેમના વિશે અછડતો ઉલ્લેખ પણ આમિર અને માધવી તથા અન્ય મિત્રો વચ્ચે થયો અને ઓ.કે. ‘રાજકારણીઓ કયારેક નાટકો જોતા પણ હોય છે!’ એવી કંઈક ટિપ્પણી કરીને આમિર-માધવી મંડળી પાછી અલકમલકની વાતે ચડી ગઈ.

મુંબઈના જુહુ વિસ્તારમાં એન. એમ. કોલેજની અડોઅડ જશોદા રંગમંદિરમાં દોઢ મહિના સુધી ‘પસિયો રંગારો’ નાટકના રિહર્સલ્સ દરમિયાન આમિર ખાને નિયમિત રીતે હાજરી આપી હતી. આવી બધી મજાકમસ્તી અને ધમાલ સાથે પણ રિહર્સલના થેલ્લા દિવસે કોઈ કારણે આમિરે જુહુ સુધી લાંબા થવાનું માંડી વાળ્યું એટલે મહેન્દ્ર જોશી ભડકી ગયા અને તેમણે આમિરને ‘પસિયો રંગારો’ નાટકમાંથી કાઢી મૂક્યો! મહેન્દ્ર જોશીએ સાળા આમિરને શાબ્દિક રીતે ઠમઠોરીને નાટકમાંથી રવાના કરી દીધો ત્યારે આમિર નાના બાળકની જેમ રડી પડ્યો હતો!

વર્ષો પછી આમિર જ્યારે મોટા ગજાનો ફિલ્મસ્ટાર બની ગયો ત્યારે પણ મહેન્દ્ર જોશીએ તેને ડઝનબંધ ફિલ્મસ્ટાર્સ અને રંગભૂમિના અનેક ખેરખાંઓ સહિત સેંકડો માણસોની વચ્ચે ધ્રુસકે-ધ્રુસકે રડાવ્યો હતો અને એ પણ જશોદા રંગમંદિરની બાજુમાં બનેલા સંતોકબા હોલમાં. ઓક્ટોબર 1993માં મહેન્દ્ર જોશી મૃત્યુ પામ્યા પછી તેમની શોકસભા જુહુના સંતોકબા હોલમાં યોજાઈ હતી. ઓ શોકસભામાં ઘણા કલાકારોએ મહેન્દ્ર જોશીને શબ્દાંજલિ આપી. એ પછી આમિર ખાન બનેવી મહેન્દ્ર જોશી વિશે બોલવા ઊભો થયો. તે થોડાક શબ્દો બોલ્યો અને તેનું ગળું ભરાઈ આવ્યું અને તે ધ્રુસકે-ધ્રુસકે રડી પડ્યો હતો. એ વખતે ત્યાં ઉપસ્થિત અન્ય સેલિબ્રિટીઝની આંખો પણ ભીની થઈ ગઈ હતી.

મારી નવી કોલમ cocktailzindagi.com પર દર શુક્રવારે.

by AASHU PATEL



શ્રીમાન આશુતોષની દીવાલ પરથી સાભાર

No comments:

Post a Comment