Monday, December 30, 2019

ક્ષણિક આનંદ માટે લક્ષ્યથી વિચલીત

એક રાજ્યમાં રાજાનું મૃત્યું થયુ કોઇ વારસદાર ન હોવાથી નગરજનોમાંથી જે રાજ્યનું સંચાલન કરવા માંગતા હોય એવા તમામ યુવાન ભાઇ-બહેનોને આમંત્રણ આપવામાં આવ્યુ. લગભગ 50 જેટલા યુવાનો અને 50 જેટલી યુવતીઓ રાજ્યનું શાશન કરવાની અપેક્ષા સાથે એકઠા થયા.

આ તમામ 100 વ્યક્તિઓને નગરના દરવાજાની બહાર બેસાડીને કહેવામાં આવ્યુ કે રાજ્યનું સંચાલન એ વ્યક્તિને સોંપવામાં આવશે જે આ દરવાજેથી પ્રવેશીને 2 કીલોમીટર દુર આવેલા સામેના દરવાજેથી સૌથી પહેલા બહાર આવી શકે અને આ 2 કીલોમીટરનું અંતર કાપવા માટે વધુમાં વધુ એક કલાકનો સમય આપવામાં આવશે.

સુચના મળતા જ પોતે જ રાજ્યના સંચાલક બનશે એવી આશા સાથે દરેકે પોતાની તમામ તાકાત લગાવીને દોડવાની શરૂઆત કરી. થોડુ આગળ ગયા ત્યાં રસ્તામાં મોટું બોર્ડ મારેલુ હતું , " જરા બાજુંમાં તો જુવો ...." બાજુમાં ડાન્સ ચાલુ હતો એક તરફ અભિનેત્રીઓ અને બીજી તરફ અભિનેતાઓ નાચતા હતા અને એની સાથે નાચવાની આ તમામ સ્પર્ધકોને છુટ હતી. મોટા ભાગના યુવાનો અને યુવતીઓ તો અહીં જ નાચવા માટે આવી ગયા...બાકીના આગળ વધ્યા ત્યાં રસ્તામાં કોઇ જગ્યાએ આઇસ્ક્રિમ , કોઇ જગ્યાએ ડ્રાય ફ્રુટસ , કોઇ જગ્યા એ જ્યુસ અને કોઇ જગ્યાએ ચોકલેટસ અનેક પ્રકારના ખાવા પીવાના આકર્ષણ હતા. જેને જે ફાવ્યુ તે ત્યાં રોકાઇ ગયા.

એક યુવાન સતત દોડતો રહ્યો અને પેલા દરવાજાની બહાર સૌથી પહેલા નીકળ્યો એના ગળામાં હાર પહેરાવીને જાહેર કરવામાં આવ્યું કે તમે આ રાજ્યના સંચાલક. તમને ત્રણ પ્રશ્ન પુછવા છે પેલા એ કહ્યુ કે પુછો...પુછો શું પુછવું છે તમારે ?

1. તમારી સાથે બીજા 99 વ્યક્તિ દોડતી હતી એમણે રસ્તામાં ઘણું જોયુ તમે કંઇ જોયુ ?
પેલા એ જવાબ આપ્યો હા મે પણ બધું જ જોયુ.

2. તમને કોઇ ઇચ્છા ના થઇ ? પેલાએ કહ્યુ કે ઇચ્છા તો મને પણ થઇ નાચવાની , ખાવાની , પીવાની કારણ કે હું પણ માણસ જ છુ.

3. તમે બધુ જોયુ ....તમને ઇચ્છા પણ થઇ તો તમે એમ કર્યુ કેમ નહી ?
નવા નિયુકત થયેલા રાજ્યના સંચાલકે સરસ જવાબ આપ્યો ....," મને જ્યારે નાચવાની , ખાવાની કે પીવાની ઇચ્છા થઇ ત્યારે મારી જાતને થોડી સેકન્ડ રોકીને વિચાર્યુ કે આ બધુ તો આજનો દિવસ જ છે કાલનું શું ? પણ જો આજે આ બધું જતું કરીને એક વાર આ રાજ્યનો સંચાલક બની જાવ તો આ મજા તો જીંદગી ભર કરી શકું. બસ મે જીંદગી ભરના આનંદ માટે એક દિવસનો આનંદ જતો કર્યો"

આપણા જીવનમાં પણ પેલા 99 વ્યક્તિ જેવું જ થતું હોય છે ક્ષણિક આનંદ માટે આપણે આપણા લક્ષ્યથી વિચલીત થઇ જઇએ છીએ. જીવનમાં ધ્યેયથી વિચલીત કરનાર તમામ લાલચોને ઓળખીને તેનાથી દુર રહીએ તો આપણને પણ શ્રેષ્ઠ કારકિર્દી ઘડતા દુનિયાની કઇ તાકાત રોકી શકે નથી.

Saturday, December 28, 2019

જિંદગીના જુદા જુદા રંગ

ફેસબુક ની નિંદા ખુબ થતી જોઈ છે જે સાવ અકારણ પણ નથી જ પણ હળાહળ કાલકૂટ ને કારણે સમુદ્ર મંથનને દોષ દઈશું તો અમૃતની પ્રાપ્તિ પણ એ સમુદ્ર મંથન થકી જ તો થઇ હતી.
પ્રસ્તાવના પુરી હવે સીધો જ મુખ્ય મુદ્દા પર આવી જાઉં .

અમે ફેસબુક મિત્ર બન્યાં ત્યારે એમનું નામ હતું નાથી મોઢવાડીયા.
ઇઝરાયલ રહેતી પણ રગરગ થી ટિપિકલ મેરાણી .
મે એક વાર ગગી કહ્યું તો કયે
અરે આ નામે તો મને કરસન બાપા બોલાવતા .
એ કોણ ?
મારા મોટા બાપા .
જયારે કરસન બાપા જામનગર ખીજડા મંદિરમા દરવાણી તરીકે સેવા આપતા ત્યારે હુ ત્યાં વિદ્યાર્થી હતો એ ઓળખાણ નીકળી.
પછી તો માત્ર સંબોધનો માં જ નહીં હૃદય થી બહેન ભાઈ જેવો ભાવ થયો.
એમનું મૂળ ગામ કોટડા .
મોટી મારડ ગામની માટીમાં બાળપણ વીત્યું ત્યાં જ પ્રાથમિક શિક્ષણ લીધું.

સ્વ જ્ઞાતિમાં થયેલ લગ્ન કમનસીબે નિષ્ફ્ળ ગયું પણ એ દુઃખી જીવનના રૂઝાયેલ ભીંગળા નથી ઉખેળવાં .
નાથીને બે દીકરીઓ ય ખરી એમને માવતર પાસે મુકીને પ્રણામી ધર્મ ના સંસ્કાર લઇને આઈ લીર બાઈના કુળમાં જન્મેલ નાથી ૨૦૦૭ માં ઇઝરાયેલ ગઈ
ત્યાં એક મૂળ ભારતીય એવા આયુર્વેદીક ડો. સ્વરૂપ વર્માને ત્યાં અભ્યાસમાં જોડાઇ જેમણે એમને બહેન માની ત્યાં એક ઇઝરાયેલી મહિલા તગીત નિયમીત આવતાં એ નાથી થી અતિ પ્રભાવિત થયાં એમનો વાત્સલ્ય ભાવ એવું ઝંખતો કે
કાશ તું મારી દીકરી હોત તો ?
એમની વ્યથા હતી કે એકનો એક દિકરો ઇદો સંગીત અને વૈરાગ્યના રંગમાં રંગાયો એટલે સંસાર માંડવા તૈયાર નહોતો થતો.
નાથીને માતા તગીતની વ્યથા હૈયા સોંસરવી ઉતરી ગઇ.
માતા માતા જ હોય છે પછી એ ઇઝરાયેલની હોય કે ભારતની .
ભારતીય નારીની નિષ્ઠા તો કચ્છજી ધરતીના કાળા નાગ સમાન જેસલને ય સીધી લાઇન પર લ્યાવી દે જયારે ઇદો તો સંગીતના સુર અને વૈરાગ્યની વાટનો સાત્વિક પ્રવાસી હતો પણ માતા તગીત ની ભાવનાઓ અને વાત્સલ્ય ભર્યા સ્વપનોનુ શુ ?

કુદરત કમાલ કરવા ધારે ત્યારે અવનવાં પરીણામો મળે.
સ્વપન કથા જેવો એક સુંદર સંયોગ રચાયો.
માતા તગીતની ઝંખના મુજબ એમની કુખે નાથી દિકરી રૂપે અવતરી હોત તો એક દિવસ સાસરે વળાવવી પડેત પણ માતા તગીત ને નાથી પુત્રવધુ સ્વરૂપે પરમેન્ટ મળી.
માતા તગીત ના આશીર્વાદ લઇને ૨૦૧૦માં નાથી અને ઇદો ભારત આવે છે
૨૦૧૧ મા બે ય દિકરીઓને ઇઝરાયલ સાથે લઇ જાય છે.
માતા તગીત ને પુત્ર વધુના રૂપમાં નાથી મળે છે (જેનુ નામ હવે શાંતિ છે) અને બે પૌત્રીઓ પણ.
એક સમયે દેશ માં દુઃખના દહાડા દાંતે વછોડતી મારી વહાલસોયી બેન અત્યારે ઇઝરાયલમાં એ....ય ને સુખ ના સાગરમાં હેલ્લારા લ્યે છે.

ઇઝરાયલ માં સાસરીયા માં ભારતીય સંસ્ક્રુતિની સુવાસ પ્રસરાવનાર નાથીના નારાયણીપણાને લાખ લાખ વંદન અને નાથીના પુર્વ સંસારની બે બે દિકરીઓને અંતઃકરણ પુર્વક આંખ્યુના રતનની જેમ રાખનાર માતા તગીત અને ભગત ઇદો દ્રોરીના હ્રદયની વિશાળતાને વંદન વારંવાર
(અહિ જે લખેલ છે એની ઝલક માટે સામેલ ફોટાઓ જુઓ)

Monday, December 9, 2019

સમાજનો પેચીંદો પ્રશ્ન :- સેક્સ, વાસના અને આદર

(લેખ જૂનો છે. એના કેન્દ્રમાં બળાત્કારના પાવર પોલિટિક્સનો મુદ્દો છે. હૈદરાબાદ કે ઉન્નાવના સ્તરની અતિ ક્રૂર હિંસાની ચર્ચા આમાં નથી કરાઈ)

સેક્સ પવિત્ર ચીજ છે. એના બે પાયા છે : વાસના અને આદર. વાસના બૂરી નથી. જેમ દરિયાના પાણી પર તરંગો જન્મે એમ માણસના મનમાં વાસનાઓ (ઇચ્છાઓ) પ્રગટે જ. કુદરતી ગોઠવણ એવી છે કે યુવાન નર ગમે ત્યારે બીજારોપણ માટે તૈયાર થઈ શકે. બીજી તરફ, કુદરતની એવી પણ ગોઠવણ છે કે નારી પોતાની સ્ફૂરણા અને સમજને આધારે અમુક જ નરને નિકટ આવવા દે છે. પાત્રપસંદગી એ સ્ત્રીમાત્રનો માદાસહજ મૂળભૂત અધિકાર છે.

કુદરતની રચના તો એવી જ છે કે પુરુષ ગમે તેટલો કદાવર હોય તોપણ સ્ત્રીની અનુમતિ વિના એ સમાગમ કરી શકતો નથી. પણ કુદરતને આપણે ઘોળીને પી ગયા છીએ. શસ્ત્ર કે સામાજિક દરજ્જા જેવી કૃત્રિમ સત્તાના જોરે પુરુષો દુષ્કર્મ ગુજારી શકે છે. આવું ફક્ત પછાત માનવજાતિમાં જ શક્ય છે, સુધરેલા પ્રાણીઓમાં નહીં.

મૂળ સમસ્યા છે પાવર પોલિટિક્સની.

સેક્સ જેવી સુંદર ચીજમાં પુરુષની કૃત્રિમ સત્તાનું, ખાસ તો સંપત્તિનું રાજકારણ ઘૂસી ગયું છે. સ્ત્રીને પુરુષ પોતાની સંપત્તિ ગણતો આવ્યો છે. સ્ત્રીના મગજમાં એવું ઘુસાડવામાં આવ્યું છે કે તારું કૌમાર્ય, તારું ચારિત્ર્ય એ જ તારી 'અંતિમ મૂડી’ છે, દુષ્કર્મથી તું 'સર્વસ્વ’ ગુમાવે છે, આબરૂ ગુમાવે છે...

બકવાસ, નિર્ભેળ બકવાસ. પીડિતા આબરૂ નથી ગુમાવતી. આબરૂ તો દુષ્કર્મીએ જ ગુમાવી ગણાય. પીડિતા જે ગુમાવે છે એ છે પાત્રપસંદગીનો પોતાનો મૂળભૂત અધિકાર. આ અધિકાર પરની તરાપનું બીજું નામ છે દુષ્કર્મ.

અહીં આવે છે સેક્સના પાયામાં રહેલું બીજું તત્ત્વ. એ છે આદર. જંગલના સિંહે ગમે તેટલી વાસના છતાં સિંહણની અનિચ્છાને આદર આપવો જ પડે છે. પણ આપણામાં ઊંધું છે. આપણામાં 'સ્ત્રી તો ના પાડયા કરે’ એવી વૃત્તિને જાણીબૂઝીને વકરાવવામાં આવે છે.

'શોલે’માં પેલો વીરુ 'કોઈ હસીના જબ રુઠ જાતી હૈ તો ઔર ભી હસીન હો જાતી હૈ’ એવું ગાતાં ગાતાં બસંતીના વિરોધ છતાં નફ્ફટ થઈને બસંતીના માથે પડે છે, એને જકડે છે, એને ચૂમે છે. પછી શું થાય છે? બસંતી પોલીસ ફરિયાદ કરે છે? ના, બસંતી માની જાય છે. એ જોઈને આપણે રાજી થઈએ છીએ.

મીઠાં રિસામણાં-મનામણાંની પ્રણયલીલા જેટલી સુંદર ચીજ છે એટલી જ ગંદી ચીજ છે સ્ત્રીના ગંભીર ઇન્કારને અવગણવાની વૃત્તિ. પુરુષોની આ વૃત્તિ માત્ર કાયદા-કાનૂનથી કે નૈતિકતાના ઉપદેશથી દૂર નથી થવાની. એ માટે નર-માદાએ મળીને બચ્ચાને નાનપણથી કેળવવું પડે.

દીકરો ભવિષ્યમાં બળાત્કારી ન બને એ માટે પપ્પાઓએ સમજવું રહ્યું કે પત્નીઓ એ કંઈ કાર કે મકાન જેવી પ્રોપર્ટી નથી. પત્નીને વાતે વાતે હૈડ હૈડ કરનારા અને એના વિરોધનો વીટો-પાવર દ્વારા વીંટો વાળનારા પપ્પાઓ એમના દીકરાને અજાણતાં એવું શીખવે છે કે નારી તો ના પાડે, પણ પછી એ ઝૂકે જ.

બીજી તરફ, ખુદ પોતે જે નારી છે એવી મમ્મીઓ પણ બહેન પર દાદાગીરી કરનાર ભાઈને (વહાલા પુત્રરત્નને) સીધો કરવામાં ચૂકી જાય છે. બાળક બાળક છે. ટિપિકલ ભાષામાં કહીએ તો, કૂમળો છોડ. એ સીધો ઊગે એ જોવાની ઠીક ઠીક જવાબદારી માળીની (મા-બાપ)ની છે.

આ ઉપરાંત સમગ્ર સમાજની પણ ઘણી જવાબદારી છે. માધ્યમોમાં ચારે તરફ સ્ત્રી-દેહની ઉત્તેજક નુમાઈશ જોઈને પુરુષો વકરી રહ્યા છે અને સ્ત્રીઓ વધુ બોલ્ડ થઈ રહી છે. સ્ત્રીના અધખુલ્લા શરીરથી, રમતિયાળ દિલ્લગીથી કે ઢીલા ઇન્કારથી પુરુષો કન્ફ્યુઝ થઈ રહ્યા છે. આ બધી બાબતોને એ 'ગળાના સમ’ જેવું આમંત્રણ સમજી બેસે છે. આવામાં અબળા નારીએ પણ પુરુષની લાચારી (વાતે વાતે પાણી-પાણી થઈ જવાની ર્હોમોનલ પ્રકૃતિ) સમજવી રહી.

સ્ત્રી અને સેક્સના મામલે સૌથી સફળ પુરુષો સૌથી વધુ કન્ફ્યુઝ થતા હોય છે. એમની ગાડી બહુ જોરમાં દોડતી હોય છે. સાઇકલમાં સાદી બ્રેક ચાલે, પણ વિમાનમાં હાઇડ્રોલિક-ન્યુમેટિક બ્રેક જોઈએ. થાય છે ઊંધું. સફળતાના માર્ગે પુરુષ જેમ જેમ ઝડપ પકડે છે એમ એમ એની બ્રેક નબળી પડતી જાય છે.

એમાં વળી કેટલીક સ્ત્રીઓ પુરુષની કામુકતાનો લાભ લઈને આગળ વધવા તત્પર હોય છે એ જોઈને પુરુષો વધુ ભુરાંટા થાય છે. એક સ્ત્રી જ્યારે સત્તાધારી પુરુષની વાસનાનો લાભ લે છે ત્યારે બીજી ભળતી જ નિર્દોષ સ્ત્રી પર ખતરો વધે છે. પેલો પુરુષ એવું માનવા લાગે છે કે અગાઉની સ્ત્રીની જેમ પછીની સ્ત્રી પણ લાભ ખાટવા તત્પર હશે. પછી લોચા પડે છે. ટૂંકમાં, સેક્સના રાજકારણમાં સ્ત્રી પણ કુશળ ખેલાડી હોઈ શકે એનો ઇન્કાર થઈ શકે તેમ નથી.

એટલું વળી સારું છે કે જઘન્ય દુષ્કર્મ નિયમ નથી, અપવાદ છે. મોટા ભાગના પુરુષો પિતા-પુત્ર-ભાઈ-પતિ-મિત્ર-પ્રેમી તરીકે ઠીક ઠીક ભરોસાપાત્ર હોય છે. પણ સ્થિતિ સુધારાને બદલે બગાડા તરફ આગળ વધી રહી છે.

એશ-ટેસ-સફળતા-ઐયાશી તેજીમાં છે. નૈતિકતા, ચારિત્ર્ય, સંયમ, વિવેકના લેવાલ ઘટી રહ્યા છે. જાતીયતાને 'અલ્ટિમેટ જલસાની ચીજ’ તરીકે બહુ વધારે પડતું મહત્ત્વ અપાઈ રહ્યું છે. કામના સ્થળે સહમતી-બળજબરી-લાચારીથી બંધાતા કામ-સંબંધો વધી રહ્યા છે.

સ્ત્રીની બોલ્ડનેસ જેટલી વધી છે એટલી એને પચાવવાની પુરુષોની પાચનશક્તિ વધી નથી.

'સુધરેલા સમાજ’માં પુરુષોની સરખામણીમાં સ્ત્રીની વસતિ જોખમી હદે ઘટી છે.

શ્રમનું પ્રમાણ ઘટવાથી અને સુખ-સગવડ વધવાથી પુરુષોની વાસનામાં અકુદરતી વધારો થઈ રહ્યો છે.

આવી અનેક વધઘટોના સરવાળે સેક્સ-ક્રાઈમ્સ વધી રહ્યા છે. આ સ્થિતિનો મુકાબલો એકલો પુરુષ કે એકલી સ્ત્રી કરી શકે તેમ નથી. સેક્સની પવિત્રતા જાળવી રાખવા માટે નર-નારીએ આમને-સામને નહીં, અડખે-પડખે ઊભાં રહેવું પડશે. સંસારના બે મૂળભૂત પક્ષ નર અને નારી સામસામે આવી જાય એ સ્થિતિ કોઈ રીતે ઇચ્છનીય નથી.

આમ પણ જગતમાં અમીર-ગરીબ, દલિત-સવર્ણ, હિ‌ન્દુ-મુસ્લિમ, પૂરબ-પ‌શ્ચિ‌મ... આવાં અનેક સંઘર્ષોથી આપણે હાંફી જ રહ્યા છીએ. આ બધી બબાલો ઓછી છે કે એમાં સ્ત્રી-પુરુષ સંઘર્ષ ઉમેરીએ? ના, આ ભૂલ કરવા જેવી નથી.

સાભાર :-
આ લેખ fb મિત્ર દીપકભાઈ સોલિયા દ્વારા આપવામાં આવેલ છે.

Saturday, December 7, 2019

જિંદગીના અનેક રંગો :- લક્ષ્મીના પગલાં

નાનકડી એવી વાર્તા છે. સાંજના સમયે, એક છોકરો ચપ્પલ ની દુકાનમાં જાય છે. ટિપિકલ ગામડામાંનો. આ નક્કી માર્કેટિંગવાળો હશે,એવોજ હતો પણ બોલવામાં સહેજ ગામડાની બોલી હતી પણ એકદમ કોન્ફિડન્ટ.
૨૨-૨૩ વર્ષ નો હશે.
દુકાણદારનું પેહલા તો ધ્યાન પગ આગળજ જાય. એના પગમાં લેદર ના બુટ હતા એપન એકદમ ચકાચક પોલિશ કરેલા...

દુકાનદાર - શુ મદદ કરું આપણી...?

છોકરો - મારી માં માટે ચપ્પલ જોઈએ છે સારી અને ટકાઉ આપજો..

દુકાનદાર - એ આવ્યા છે ? એમના પગનું માપ..?

છોકરાએ વોલેટ બહેર કાઢી એમાં થી ચાર ઘડી કરેલ એક કાગળ્યો કાઢ્યો. એ કાગળ્યાપર પેન થી બે પગલાં દોરયા હતા.

દુકાનદાર- અરે મને પગનો માપ નો નંબર આપત તોય ચાલત...!

એમજ એ છોકરો એકદમ બાંધ ફૂટે એમ બોલવા લાગ્યો

'શેનું માપ આપું સાહેબ ..?
મારી માં એ આખી જિંદગી મા ક્યારેય ચપ્પલ પહેર્યા નથી. મારી માં શેરડી તોડવાવાળી મજૂર હતી.
કાંટા મા ક્યાયપણ જાતી. વગર ચપ્પલની ઢોર હમાલી અને મહેનત કરી અમને શિખાવ્યું. હું ભણ્યો અને નોકરીએ લાગ્યો. આજે પહેલો પગાર મળ્યો. દિવાળીમાં ગામળે જાઉં છું. મા માટે શુ લઈ જાઉં..? આ પ્રશ્નજ નથી આવતો.મારા કેટલા વર્ષોનું સપનું હતું કે મારા પહેલા પગારમાંથી માં માટે હું ચપ્પલ લઈશ.

દુકાનદારે સારી અને ટકવાવાળી ચપ્પલ દેખાડી અને કીધું આઠશો રૂ ની છે. છોકરાએ કીધું ચાલશે. એવી તૈયારી એ કારીનેજ આવ્યો હતો.

દુકાનદાર - એમજ પૂછું છું કેટલો પગાર છે તને.

છોકરો - હમણાં તો બાર હજાર છે રહેવાનું, ખાવાનું પકડીને સાત-આઠ હજાર ખર્ચો થાય. બે-ત્રણ હજાર માં ને મોકલાવું છુ

દુકાનદાર - અરે તો આ આઠશો રૂ થોડાક વધારે થાશે

છોકરાએ દુકાનદારને અધવચ્ચેજ રોકયું અને બોલ્યો રહેવા દ્યો ચાલશે. દુકાનદારે બોક્સ પેક કર્યું છોકરાએ પૈસા આપ્યા અને બહુજ ખુશ થઈને બાર નીકળ્યો.
મોંઘું શુ એ ચપ્પલ ની કોઈ કિંમત થાય એમજ નોહતી...

પણ દુકાનદારના મનમાં શુ આવ્યું કોને ખબર. છોકરાને અવાજ આપ્યો અને થંબવાનું કીધું. દુકાનદારે અજી એક બોક્સ છોકરાના હાથમાં આપ્યો.

અને દુકાનદાર બોલ્યો 'આ ચપ્પલ માં ને કહેજે કે તારા ભાઈ તરફથી ભેટ છે'. પેહલી ચપ્પલ ખરાબ થઈ જાય તો બીજી વાપરવાની. તારી મા ને કહેજે કે હવે વગર ચપ્પલનું નહીં ફરવાનું અને આ ભેટ માટે ના પણ નથી કહેવાનું.

દુકાનદાર અને એ છોકરાના એમ બેવની આંખોમાં પાણી ભરાય ગયા. શુ નામ છે તારા માં નું.? દુકાનદારે પૂછ્યું. લક્ષ્મી એટલુંજ બોલ્યો.

દુકાનદાર તરતજ બોલ્યો મારા જય શ્રીકૃષ્ણ કહેજે એમને અને એક વસ્તુ આપીશ મને..? પગલાં દોરેલો પહેલો કાગળ જોહીયે છે મને...!

એ છોકરો પહેલો કાગળ દુકાનદાર ના હાથમાં દઈને ખુશ થઈ નીકળી ગયો. પહેલો ઘડીદાર કાગળ દુકાનદારે દુકાનના મંદિરમાં રાખી દીધો. દુકાનના મંદિરમાં રાખેલ એ કાગળ દુકાણદારના દીકરીએ જોયો અને પૂછ્યું, બાપુજી આ શું છે...?

દુકાનદારે એક લાંબો સ્વાસ લિધો અને દીકરી ને બોલ્યો લક્ષ્મી ના પગલાં છે બેટા. એક સચ્ચા ભક્તે દોરેલા છે. આનાથી બરકત મળે ધંધામાં.

દીકરીએ દુકાનદારે અને બધાયેજ એ પગલાને ભાવભક્તિ સાથે નમન કર્યું...!

સાભાર :: વિપુલભાઈ તરફથી મળેલ વાર્તા

ટપાલ પેટી

આ ટપાલ પેટી સાથે અજબ પ્રેમ હતો,વર્ષો સુધી કોઈ એવું હતું નહીં જેને પત્ર લખી શકાય,સીએજી સ્કૂલ જતાં અમે રસ્તામાં ટપાલ પેટી જોતાં તો પત્ર લખી પોસ્ટ કરવાનું મન થઇ જતું,પણ દ્વિધા એ હતી કે પત્ર લખવો કોને ?
પહેલી વાર પત્ર એક મિત્ર માટે લખ્યો,વજુભાઈ સાહેબને લખ્યું કે, "આજે ચી.ગીરીશની તબિયત સારી નથી,પેટ દુઃખે છે તો રિસેસમાં રજા આપશો" રજા મળી ગઈ,અમે રીસેસ પછી બપોરના શોમાં નાઝમાં દારસિંગ,મુમતાઝ,રંધવાની મારધાડવાળી સ્ટંટ ફિલ્મ ઉસ્તાદ જોવા ગયા,મજા પડી ગઈ,બીજે દિવસે ક્લાસમાં બધાંને અડધી-પડધી સ્ટોરી સંભળાવી,જોકે તેમાં દારસિંગના પંજાબી ઢબે બોલાયેલાં ડાયલોગ સમજાયા જ નહીં,ખાલી ફાઈટ જોઈ હતી.
પત્ર લખવા માટે કોઈ જોઈએ એ જરૂરી નથી તે પહેલીવાર સમજાયું પછી છાપ પડી ગઈ,એટલાં પ્રેમપત્રો લખ્યાં કે ગણતરીમાં નથી,દોસ્તો ખુશ થઈ જતાં,કોને આપતાં તે પણ ખબર પડતી નહીં,પ્રેમ બધાં કરી શકે પણ કેટલાં નિભાવી જાણે તે જવાબ આજ સુધી મળ્યો નથી!
કેટલાંક મિત્રો ખાસ યુક્તિથી પત્ર વ્યવહાર કરતાં,જેમાં ટપાલ પેટીની જરૂર પડતી નહીં,કદાચ કુરિયર સર્વિસનો આઈડિયા ત્યાંથી મળ્યો હશે!
જ્યાં ટપાલ પેટી દેખાતી અચૂક બાજુવાળાને પૂછતાં ટપાલી કોઈવાર પેટીમાંથી ટપાલ લેવાં આવે છે ? ત્યારે ટપાલ મોડી મળતી એવી ફરિયાદ સાંભળી હતી.મોટાં મકાનોના ગ્રાઉન્ડ ફ્લોરમાં ટપાલી ટપાલોનાં થોકડા ફેંકીને રવાના થઈ જતાં!
રાજેશ ખન્નાનો યુગ આવ્યો ત્યારે ફિલ્મી દુનિયા નામના સામયિકમાં તેનાં આશીર્વાદ બંગલાનું સરનામું છપાયું,પછી તેને પત્ર લખ્યો,ત્યારે ફિલ્મ તારકો પોતાનાં પિક્ચર-કાર્ડ સાથે એક જેવો બધાંને જવાબ લખતાં!
ખરેખર પત્ર લખતાં આવડ્યું તો એવાં પત્રો લખ્યાં જેનાં કોઈ દિવસ જવાબ જ ન મળ્યાં!
મિત્રો બહુ ઉસ્તાદ નીકળ્યાં અમારૂ હૃદય ફંફોળી લીધું,પોતાનું દિલ પેક કવરની જેમ સાંચવી રાખ્યું!
હજી પોલોક સ્ટ્રીટમાંથી પસાર થતા તે પત્રો યાદ આવે,કેટલાંક તો ટપાલ પેટીમાં મૂક્યા જ નહીં,જવાબ નહીં મળે તે કાલ્પનિક ભયને કારણે શબ્દો સાંચવી જ રાખ્યાં...
આ ટપાલ પેટી જેવું જ જીવન વિત્યું,લોકો આવે લાગણી દર્શાવે અને પત્ર પધરાવી પોતાનાં રસ્તે આગળ વધી જાય!

Sunday, December 1, 2019

#દુષ્કર્મ

મિત્ર જે.કે.સાંઈ દ્વારા સમાજને સમજણ પૂરો પાડતો લેખ

ભર્તુહરીએ કહ્યું છે કે,"કૂતરો ત્રણ દિવસથી ભૂખ્યો હોય, શરીરમાં ઘા વાગવાથી તેમાં કીડા પડ્યા હોય, દેહમાં દુર્બળતા આવી ગઈ હોય, ગળામાં કો'કે કાંઠલો ભરાવી દીધો હોય, સર્વત્ર હડેહડે થતો હોય તોય વાસનાથી દોરવાઈને કૂતરીની પાછળ પાછળ ફરે છે.વાસના એટલી પ્રબળ છે."

વરુ એક જંગલી પ્રાણી છે. તે આજીવન એક માદા સાથે સંબંધ રાખે છે. તે પોતાનાં સાવકોને સારી રીતે ઉછેરે છે. ક્યારેક તો તે અન્ય વરૂના અનાથ બચ્ચાઓને ઉછેરે છે. બળાત્કારી પુરૂષોને "ભેડીયા" કહી આ જંગલી પણ સામાજિક પ્રાણીનું અપમાન ન કરશો. કેટલાક નફ્ફટ નરાધામો સ્ત્રીને બે સ્તન અને એક યોનિનું "એન્ટરટેઈંમેન્ટ પેકેજ" સમજે છે. એ પિશાચોને આંખમાં કીકી નથી, એ કીકી રૂપે વાસનાનો કીડો છે. જે સતત સળવળતો રહે છે.

જે સ્ત્રીઓ પર દુષ્કર્મ થયાં છે તેમના રૂંવાડા ખડા કરી દે એવા વર્ણનો સાંભળ્યા છે કે વાંચ્યા છે ? થોડાક સમય પહેલાં બે કિસ્સા એવા આવ્યાં હતા કે, છ-સાત વર્ષની એક છોકરી પર દુષ્કર્મ થયું. તેને ત્યારબાદ મારી નાંખવામાં આવી. જ્યારે પોસ્ટમોર્ટમ થયું ત્યારે તેના પ્રાઈવેટ પાર્ટમાંથી મીણબત્તી નીકળી, એક બાળાના એ ભાગમાંથી મિનરલ વોટરની નાની બોટલ નીકળી હતી. વાસનાભૂખ્યા પુરૂષોની માફ ન કરી શકાય એવી કરતૂતો જોઈને ક્યારેક તો "દુર્યોધન" માયાળું લાગે છે. જે સ્ત્રી પર બળાત્કાર થયો હોય છે તે સ્ત્રી આજીવન તે જગ્યાની ગંધ, તે જગ્યાની ચીજ-વસ્તુઓ, તે ઓરડાની દિવાલોનો રંગ, તે દિવસે ખાધેલી વસ્તુઓનો સ્વાદ ક્યારેય ભૂલી શકતી નથી. આજીવન તે બાબતો તેને પીડા આપતી રહે છે.

વાસના એક આગ છે ને મોબાઈલ તેનું ફ્યૂલ છે. આગના સાધનો વધતાં અને વિકસતા જાય છે જ્યારે ઓલવવાના અને મંદ કરવાના સાધનો ઘટતાં જાય છે. હવે તો એમ થાય છે કે, વૈજ્ઞાનિકોને કહી કે, તેઓ વિયાગ્રાની જેમ એન્ટી-વિયાગ્રા શોધે કે જે લેવાથી પુરૂષોની વાસના બે-ત્રણ દિવસ સુધી સદંતર ઠંડી પડી જાય. દરેક ફેમિલીએ આવી ટેબલેટ ફર્સ્ટ એઈડ સારવારની જેમ ઘરમાં રાખવી. પોતાના ઘરના કોઈપણ જેન્ટ્સ પર શંકા જાય તો ચા-કોફીમાં બિન્દાસ્ત પીવડાવી દેવી. પૂણ્ય પ્રાપ્ત થશે.

વેબસાઈટો પર હાલ 70 % કન્ટેન્ટ પોર્ન વિષયનું છે. આજુબાજુવાળાની બ્રાઉઝર હિસ્ટ્રી તપાસો. બે-પાંચ શેતાનો તો આજુબાજુમાંથી જ મળી રહેશે. આ વિષય દરેક દેશ અને સમાજ માટે આફતરૂપ છે. આ દેશનો ભૂતકાળ તો જુઓ.... હિન્દુ સમ્રાટ છત્રપતિ શિવાજી મહારાજ સામે એક મુસ્લિમ સ્ત્રીને ગીફ્ટ તરીકે પેશ કરવામાં આવી. ત્યારે આ શક્તિશાળી છત્રપતિએ શું કહ્યું,"જો મારી માતા આ સ્ત્રી જેટલી જ સુંદર હોત તો હું આવો કદરૂપો ન હોત !!!" તે સ્ત્રીને માનભેર પોતાના ઘરે મૂકી આવવા હુકમ કર્યો. સ્વામી વિવેકાનંદને અમેરીકામાં એક સ્ત્રીએ પોતાની સાથે માત્ર એક વખત "પથારી સંબંધ" બાંધવા કહ્યું જેથી તે સ્વામીજી જેવા પ્રતિભાશાળી બાળકની માં બની શકે. વિવેકાનંદજી એ જ ક્ષણે તે સ્ત્રીનાં પગમાં પડી ગયાં અને બોલ્યા," માતા ! મારા જેવાં બાળકની માતા બનવા આમ કરવાની કોઈ જ જરૂર નથી. આજથી હું જ તમારો પુત્ર છુ. મારો સ્વીકાર કરો." સ્થાનિક રીતે જોઈએ તો કો'ક જાણકારને જોગીદાસ ખુમાણનું કેરેક્ટર પૂછી જોજો.

કુરાનમાં કહ્યું છે,"જો કોઈ વ્યક્તિ અન્ય કોઈ એક (નિર્દોષ) વ્યક્તિ ની હત્યા કરશે તો તેને સમગ્ર માનવજાતિની હત્યા કરી ગણાશે, અને જો કોઈ વ્યક્તિ અન્યનું જીવન બચાવશે તો તેને સમગ્ર માનવજાતિને બચાવી ગણાશે. આ (કુરાન)તો તમામ દુનિયાવાળા લોકો માટે એક જાહેર શિખામણ છે, જે પોતાના કુટુંબ કબીલાનું કલ્યાણ ઇચ્છતો હોય તેઓએ હંમેશા સ્ત્રીઓનું સન્માન કરવું જોઇએ.” કેટલાક સલાહ આપે છે, "દીકરીઓએ રાત્રે ઘરની બહાર ન નીકળવું જોઈએ, તેમણે ફલાણું-ઢીકણું ન કરવું જોઈએ." અલ્યા ભઈ, આ તો એવું કહેવાય કે ગામમાં બે કૂતરા હડકાયા થયાં હોય તો ગામવાળાઓએ ઘરની બહાર ન નીકળવું !!! એ હાડકાયા કૂતરાનું શું કરવું ? એ કહેવાની જરૂર છે ખરી ?

દુષ્કર્મ મામલે પોલીસે, રાજનેતાઓએ, સરકારે, ન્યાયપાલિકાએ શું કરવું જોઈએ એની સલાહો લોકો આપશે. સ્ત્રીનાં સન્માન અને આદર આપવાની શરૂઆત ઘરથી કરો. સમાજના અંગ તરીકે સ્ત્રીને વિશ્વાસ અપાવો કે તે અમારી વચ્ચે સુરક્ષિત છે. જાહેરમાં સ્ત્રી પ્રત્યે આદર દર્શાવો એ દંભ છે. એકાંતમાં પણ સ્ત્રીને પ્રત્યે શિવાજી મહારાજ કે સ્વામી વિવેકાનંદજી જેવી ઊંચી ખાનદાની બતાવો. એક દિવસ તમારોય ઈતિહાસ લખાશે. દુષ્કર્મની આગ જલ્દીથી બુઝાવો, બાકી આ આગ તમારાં ઘર સુધી આવતાં વાર નથી લાગવાની .....આજે પ્રિયંકા છે, આવતીકાલે કદાચ મેરી હશે, પરમદિવસે કદાચ રુકસાર હશે !!! શેતાનને કોઈ ધર્મ નથી હોતો. તે તો અધર્મનો અનુયાયી છે.

#જેકેસાંઈ