Sunday, December 1, 2019

#દુષ્કર્મ

મિત્ર જે.કે.સાંઈ દ્વારા સમાજને સમજણ પૂરો પાડતો લેખ

ભર્તુહરીએ કહ્યું છે કે,"કૂતરો ત્રણ દિવસથી ભૂખ્યો હોય, શરીરમાં ઘા વાગવાથી તેમાં કીડા પડ્યા હોય, દેહમાં દુર્બળતા આવી ગઈ હોય, ગળામાં કો'કે કાંઠલો ભરાવી દીધો હોય, સર્વત્ર હડેહડે થતો હોય તોય વાસનાથી દોરવાઈને કૂતરીની પાછળ પાછળ ફરે છે.વાસના એટલી પ્રબળ છે."

વરુ એક જંગલી પ્રાણી છે. તે આજીવન એક માદા સાથે સંબંધ રાખે છે. તે પોતાનાં સાવકોને સારી રીતે ઉછેરે છે. ક્યારેક તો તે અન્ય વરૂના અનાથ બચ્ચાઓને ઉછેરે છે. બળાત્કારી પુરૂષોને "ભેડીયા" કહી આ જંગલી પણ સામાજિક પ્રાણીનું અપમાન ન કરશો. કેટલાક નફ્ફટ નરાધામો સ્ત્રીને બે સ્તન અને એક યોનિનું "એન્ટરટેઈંમેન્ટ પેકેજ" સમજે છે. એ પિશાચોને આંખમાં કીકી નથી, એ કીકી રૂપે વાસનાનો કીડો છે. જે સતત સળવળતો રહે છે.

જે સ્ત્રીઓ પર દુષ્કર્મ થયાં છે તેમના રૂંવાડા ખડા કરી દે એવા વર્ણનો સાંભળ્યા છે કે વાંચ્યા છે ? થોડાક સમય પહેલાં બે કિસ્સા એવા આવ્યાં હતા કે, છ-સાત વર્ષની એક છોકરી પર દુષ્કર્મ થયું. તેને ત્યારબાદ મારી નાંખવામાં આવી. જ્યારે પોસ્ટમોર્ટમ થયું ત્યારે તેના પ્રાઈવેટ પાર્ટમાંથી મીણબત્તી નીકળી, એક બાળાના એ ભાગમાંથી મિનરલ વોટરની નાની બોટલ નીકળી હતી. વાસનાભૂખ્યા પુરૂષોની માફ ન કરી શકાય એવી કરતૂતો જોઈને ક્યારેક તો "દુર્યોધન" માયાળું લાગે છે. જે સ્ત્રી પર બળાત્કાર થયો હોય છે તે સ્ત્રી આજીવન તે જગ્યાની ગંધ, તે જગ્યાની ચીજ-વસ્તુઓ, તે ઓરડાની દિવાલોનો રંગ, તે દિવસે ખાધેલી વસ્તુઓનો સ્વાદ ક્યારેય ભૂલી શકતી નથી. આજીવન તે બાબતો તેને પીડા આપતી રહે છે.

વાસના એક આગ છે ને મોબાઈલ તેનું ફ્યૂલ છે. આગના સાધનો વધતાં અને વિકસતા જાય છે જ્યારે ઓલવવાના અને મંદ કરવાના સાધનો ઘટતાં જાય છે. હવે તો એમ થાય છે કે, વૈજ્ઞાનિકોને કહી કે, તેઓ વિયાગ્રાની જેમ એન્ટી-વિયાગ્રા શોધે કે જે લેવાથી પુરૂષોની વાસના બે-ત્રણ દિવસ સુધી સદંતર ઠંડી પડી જાય. દરેક ફેમિલીએ આવી ટેબલેટ ફર્સ્ટ એઈડ સારવારની જેમ ઘરમાં રાખવી. પોતાના ઘરના કોઈપણ જેન્ટ્સ પર શંકા જાય તો ચા-કોફીમાં બિન્દાસ્ત પીવડાવી દેવી. પૂણ્ય પ્રાપ્ત થશે.

વેબસાઈટો પર હાલ 70 % કન્ટેન્ટ પોર્ન વિષયનું છે. આજુબાજુવાળાની બ્રાઉઝર હિસ્ટ્રી તપાસો. બે-પાંચ શેતાનો તો આજુબાજુમાંથી જ મળી રહેશે. આ વિષય દરેક દેશ અને સમાજ માટે આફતરૂપ છે. આ દેશનો ભૂતકાળ તો જુઓ.... હિન્દુ સમ્રાટ છત્રપતિ શિવાજી મહારાજ સામે એક મુસ્લિમ સ્ત્રીને ગીફ્ટ તરીકે પેશ કરવામાં આવી. ત્યારે આ શક્તિશાળી છત્રપતિએ શું કહ્યું,"જો મારી માતા આ સ્ત્રી જેટલી જ સુંદર હોત તો હું આવો કદરૂપો ન હોત !!!" તે સ્ત્રીને માનભેર પોતાના ઘરે મૂકી આવવા હુકમ કર્યો. સ્વામી વિવેકાનંદને અમેરીકામાં એક સ્ત્રીએ પોતાની સાથે માત્ર એક વખત "પથારી સંબંધ" બાંધવા કહ્યું જેથી તે સ્વામીજી જેવા પ્રતિભાશાળી બાળકની માં બની શકે. વિવેકાનંદજી એ જ ક્ષણે તે સ્ત્રીનાં પગમાં પડી ગયાં અને બોલ્યા," માતા ! મારા જેવાં બાળકની માતા બનવા આમ કરવાની કોઈ જ જરૂર નથી. આજથી હું જ તમારો પુત્ર છુ. મારો સ્વીકાર કરો." સ્થાનિક રીતે જોઈએ તો કો'ક જાણકારને જોગીદાસ ખુમાણનું કેરેક્ટર પૂછી જોજો.

કુરાનમાં કહ્યું છે,"જો કોઈ વ્યક્તિ અન્ય કોઈ એક (નિર્દોષ) વ્યક્તિ ની હત્યા કરશે તો તેને સમગ્ર માનવજાતિની હત્યા કરી ગણાશે, અને જો કોઈ વ્યક્તિ અન્યનું જીવન બચાવશે તો તેને સમગ્ર માનવજાતિને બચાવી ગણાશે. આ (કુરાન)તો તમામ દુનિયાવાળા લોકો માટે એક જાહેર શિખામણ છે, જે પોતાના કુટુંબ કબીલાનું કલ્યાણ ઇચ્છતો હોય તેઓએ હંમેશા સ્ત્રીઓનું સન્માન કરવું જોઇએ.” કેટલાક સલાહ આપે છે, "દીકરીઓએ રાત્રે ઘરની બહાર ન નીકળવું જોઈએ, તેમણે ફલાણું-ઢીકણું ન કરવું જોઈએ." અલ્યા ભઈ, આ તો એવું કહેવાય કે ગામમાં બે કૂતરા હડકાયા થયાં હોય તો ગામવાળાઓએ ઘરની બહાર ન નીકળવું !!! એ હાડકાયા કૂતરાનું શું કરવું ? એ કહેવાની જરૂર છે ખરી ?

દુષ્કર્મ મામલે પોલીસે, રાજનેતાઓએ, સરકારે, ન્યાયપાલિકાએ શું કરવું જોઈએ એની સલાહો લોકો આપશે. સ્ત્રીનાં સન્માન અને આદર આપવાની શરૂઆત ઘરથી કરો. સમાજના અંગ તરીકે સ્ત્રીને વિશ્વાસ અપાવો કે તે અમારી વચ્ચે સુરક્ષિત છે. જાહેરમાં સ્ત્રી પ્રત્યે આદર દર્શાવો એ દંભ છે. એકાંતમાં પણ સ્ત્રીને પ્રત્યે શિવાજી મહારાજ કે સ્વામી વિવેકાનંદજી જેવી ઊંચી ખાનદાની બતાવો. એક દિવસ તમારોય ઈતિહાસ લખાશે. દુષ્કર્મની આગ જલ્દીથી બુઝાવો, બાકી આ આગ તમારાં ઘર સુધી આવતાં વાર નથી લાગવાની .....આજે પ્રિયંકા છે, આવતીકાલે કદાચ મેરી હશે, પરમદિવસે કદાચ રુકસાર હશે !!! શેતાનને કોઈ ધર્મ નથી હોતો. તે તો અધર્મનો અનુયાયી છે.

#જેકેસાંઈ

No comments:

Post a Comment