Saturday, December 7, 2019

ટપાલ પેટી

આ ટપાલ પેટી સાથે અજબ પ્રેમ હતો,વર્ષો સુધી કોઈ એવું હતું નહીં જેને પત્ર લખી શકાય,સીએજી સ્કૂલ જતાં અમે રસ્તામાં ટપાલ પેટી જોતાં તો પત્ર લખી પોસ્ટ કરવાનું મન થઇ જતું,પણ દ્વિધા એ હતી કે પત્ર લખવો કોને ?
પહેલી વાર પત્ર એક મિત્ર માટે લખ્યો,વજુભાઈ સાહેબને લખ્યું કે, "આજે ચી.ગીરીશની તબિયત સારી નથી,પેટ દુઃખે છે તો રિસેસમાં રજા આપશો" રજા મળી ગઈ,અમે રીસેસ પછી બપોરના શોમાં નાઝમાં દારસિંગ,મુમતાઝ,રંધવાની મારધાડવાળી સ્ટંટ ફિલ્મ ઉસ્તાદ જોવા ગયા,મજા પડી ગઈ,બીજે દિવસે ક્લાસમાં બધાંને અડધી-પડધી સ્ટોરી સંભળાવી,જોકે તેમાં દારસિંગના પંજાબી ઢબે બોલાયેલાં ડાયલોગ સમજાયા જ નહીં,ખાલી ફાઈટ જોઈ હતી.
પત્ર લખવા માટે કોઈ જોઈએ એ જરૂરી નથી તે પહેલીવાર સમજાયું પછી છાપ પડી ગઈ,એટલાં પ્રેમપત્રો લખ્યાં કે ગણતરીમાં નથી,દોસ્તો ખુશ થઈ જતાં,કોને આપતાં તે પણ ખબર પડતી નહીં,પ્રેમ બધાં કરી શકે પણ કેટલાં નિભાવી જાણે તે જવાબ આજ સુધી મળ્યો નથી!
કેટલાંક મિત્રો ખાસ યુક્તિથી પત્ર વ્યવહાર કરતાં,જેમાં ટપાલ પેટીની જરૂર પડતી નહીં,કદાચ કુરિયર સર્વિસનો આઈડિયા ત્યાંથી મળ્યો હશે!
જ્યાં ટપાલ પેટી દેખાતી અચૂક બાજુવાળાને પૂછતાં ટપાલી કોઈવાર પેટીમાંથી ટપાલ લેવાં આવે છે ? ત્યારે ટપાલ મોડી મળતી એવી ફરિયાદ સાંભળી હતી.મોટાં મકાનોના ગ્રાઉન્ડ ફ્લોરમાં ટપાલી ટપાલોનાં થોકડા ફેંકીને રવાના થઈ જતાં!
રાજેશ ખન્નાનો યુગ આવ્યો ત્યારે ફિલ્મી દુનિયા નામના સામયિકમાં તેનાં આશીર્વાદ બંગલાનું સરનામું છપાયું,પછી તેને પત્ર લખ્યો,ત્યારે ફિલ્મ તારકો પોતાનાં પિક્ચર-કાર્ડ સાથે એક જેવો બધાંને જવાબ લખતાં!
ખરેખર પત્ર લખતાં આવડ્યું તો એવાં પત્રો લખ્યાં જેનાં કોઈ દિવસ જવાબ જ ન મળ્યાં!
મિત્રો બહુ ઉસ્તાદ નીકળ્યાં અમારૂ હૃદય ફંફોળી લીધું,પોતાનું દિલ પેક કવરની જેમ સાંચવી રાખ્યું!
હજી પોલોક સ્ટ્રીટમાંથી પસાર થતા તે પત્રો યાદ આવે,કેટલાંક તો ટપાલ પેટીમાં મૂક્યા જ નહીં,જવાબ નહીં મળે તે કાલ્પનિક ભયને કારણે શબ્દો સાંચવી જ રાખ્યાં...
આ ટપાલ પેટી જેવું જ જીવન વિત્યું,લોકો આવે લાગણી દર્શાવે અને પત્ર પધરાવી પોતાનાં રસ્તે આગળ વધી જાય!

No comments:

Post a Comment