Friday, July 10, 2020

કૂંડા અને બાગમાં રોપાતા ફુલ છોડ માટે કેટલીક ટીપ્સ...

કૂંડા અને બાગમાં રોપાતા ફુલ છોડ માટે કેટલીક ટીપ્સ...


હવે ચોમાસું નજીક આવે છે, કૂંડા અને બાગમાં રોપાતા ફુલ છોડ માટે કેટલીક ટીપ્સ...

■ કુંડું પસંદ કરો તો એની નીચે તળીયામાં વધારાનું પાણી નીકળી જાય એવા ત્રણ ચાર કાણાં છે કે નહીં તે ચેક કરો, ન હોય તો કાંણા પાડો.

■ નવો છોડ રોપવા નવા કુંડામાં જુના સુકાઇ ગયેલા છોડના કૂંડાની માટી ક્યારેય ન વાપરો.

■ નવી માટી બનાવવા... ખેતરની સારી માટીનો ઉપયોગ કરો, 50% માટી, 40 % જુનુ કોહવાયેલું છાણીયું ખાતર અને 10% ચારેલી ઝીણી રેતને બરાબર મીક્ષ કરી ઉપયોગ કરો.

■ કુંડામાં પહેલાં ત્રણ ચાર ઇચ (કૂંડાની ઉંચાઇની સાઇઝ પ્રમાણે) મોટા કાંકરાની રેત અથવા ઇંટોના રોડાં ભરો,

■ છોડ પસંદ કરતી વખતે મોટે ભાગે સીઝનલ છોડ ન લો, એ મોંઘા હશે અને એક સીઝનથી વધારે રહેશે નહી.

■ સારો ફુટેલો તંદુરસ્ત છોડ લો, એ લેવા જતાં સાંથે એકદમ ધારદાર છરી કે ચાકુ લઇને જાવ, જો નર્સરીમાં એ છોડ પ્લાસ્ટીક બેગમાં રોપેલો હોય અને એના મૂળિયાં જમીનમાં ઉતરેલા હોય તો, એને ખેચીને ન કાઢવા દો, પણ છરી ચપ્પાથી કપાવીને લો.

■ લાવ્યા પછી એને તરત બાગ કે કુંડામાં ન વાવો, પણ જ્યાં રોપવાનો હોય ત્યાં અઠવાડિયું એને મુકી રાખો, એ નર્સરીના વાતાવરણમાં હતો, તેથી તેને તમારા ગાર્ડન કે ઘરના વાતાવરણ તાપને અનુકૂળ થવા દો.

■ રોપતી વખતે ઠાંસી ઠાંસીને માટી ન ભરો....
■ રોપીને ત્યાં સુધી પાણી આપો જ્યાં સુધી પાણી  કૂંડાની નીચેના કાણાંમાંથી નીકળે નહીં, આમ કરવાથી માટી બેસી જશે અને વધારાનું પાણી નીકળી જાય છે કે નહી તે ચેક થશે, યાદ રાખો પાણી ભરાઇ રહેવાથી મૂળ કહોવાશે, છોડના મૂળને પાણી નહીં ભેજની જરુર છે.

■ ઉપરોક્ત ક્રિયા બાદની એક અતિ મહત્વની વાત...
સૌથી અગત્યની ટીપ્સ...
કુંડામાં કે બાગમાં છોડની રોપણી થયા બાદ તુરંત અતિ ધારદાર કાતરથી એના 50% પાન દુર કરો, તથા નિર્દય અને કઠોર બની તેની પરની કળીયો, ફૂલ કે ફળ (જો હોય તો) કાતરથી દૂર કરો...

■ યાદ રાખો નર્સરી વાળાએ છોડ વેચવાનો છે, એટલે એણે ફૂલ, કળી, ફળ ગ્રાહકને બતાવવા રાખ્યા હશે ,આપણે તેને ઉછેરવાના છે...

■ આમ કરવાથી છોડ પોતાની શક્તિ પાન, કળીઓ, ફૂલ અને ફળને વિકસાવવામાં નહી પણ મૂળને વિકસાવવા વાપરશે, જો આમ નહીં કરો તો તરત પ્લાન્ટેશન કરેલા અને થોડેઘણે અંશે ક્ષતિ પામેલા મૂળ (રુટ) પર છોડ પર રહેલા વધારે પાન,કળી,ફુલ ,ફળને પોષણ પુરું પાડવાની જવાબદારી વધશે અને તે મુરઝાશે...

■ ચોમાસામાં કેક્ટસના કૂળના છોડને સીધા વરસાદથી દૂર રાખો... અને વાદળ હોય સતત વરસાદ હોય ત્યારે જરુરીયાત મુજબ અઠવાડીયે જ પાણી આપો.

■ જો તમે એની કાયમી સંભાળ ન રાખી શકતા હો તો ન વાવો, અને એ છોડ સાચા માણસના હાથમાં જશે તો જ પર્યાવરણમાં જીવ આવશે .

◆ બાગાયત અને પ્લાન્ટેશન દેખાદેખી કે અતિ ઉત્સાહથી નહીં પણ તમને આનંદ આવતો હોય અને શોખ હોય તો જ કરો, કારણ કે આ ધીરજ માંગી લે તેવો સજીવને ઉછેરવાનો શોખ છે.

■ એને દરરોજ હાથ ફેરવી વહાલ કરો, દરેક પ્લાન્ટનું નામ પાડો, અને એ નામે જ તેને બોલાવો...

◆ તો તૈયાર રહો સીઝન આવી રહી છે...

ઘટાએ ઉંચી ઉંચી કહે રહી હે , 
નયે અંકુર ખીંચવાને કે દીન હે, 
જીગર કે તાર છીડ જાને કે દીન હે,
અચ્છે બાગબાં બન જાને કે દિન હે...

◆ જેમ પ્રાણીઓને પાળીયે છીએ એમ બહુ પ્રેમ અને લાડકોડથી પાળો, છોડ ઝાડ ને...

કેમ કે... દુનિયામાં આ એક જ સજીવ એવું છે જે ઝાડો પેશાબ કરતું નથી...

એટલે એ ગંદી સફાઇ અને પાળનારે કરવાની નથી...
ઉપરથી ફળ,ફુલ પાન સુગંધ ઔષધી મફતમાં...

લુંટાય એટલું લુંટો... દિલ ખોલીને...


Copy paste from
Bharatbhai solanki fb post

https://m.facebook.com/story.php?story_fbid=1789594147849519&id=100003968520142

Tuesday, March 31, 2020

ભગવાનના કામને ચેલેન્જ કરી શકે એવો એકમાત્ર વ્યક્તિ એટલે ડોક્ટર.

અનેકવાર સાંભળવા મળ્યું છે કે, ભગવાન બાદ આ જગતમાં ચાર જણાં એવા છે જે ચમત્કારો સર્જી શકે છે. માતા-પિતા, શિક્ષક, ડોક્ટર અને વૈજ્ઞાનિક. ભૂતકાળમાં પણ મેજિક કર્યા છે, હાલ પણ કરી રહ્યાં છે અને ભવિષ્યમાં પણ કરતાં રહેશે. ભારત એક એવો દેશ છે જ્યાં વર્ષોથી કહેવાતું આવ્યું છે- "Doctors are second to god on this earth." આપણાં શાસ્ત્રોની વિશેષતા તો જુઓ, ભગવાનને પણ ડોક્ટરની જરૂર પડે છે. સ્વર્ગના બે પરમેનન્ટ ડોક્ટરો છે. ગ્રીકમાં પણ દેવોના ફિજીશિયન હતા.

સૂર્યને પ્રભા નામની પત્ની હતી. આ પ્રભાથી સૂર્યનું તેજ સહન ન થયું. પ્રભા ઘોડીનું રૂપ લઈને ત્યાથી ભાગી. સૂર્યદેવ પણ ઘોડાનું રૂપ લઈ તેની પાછળ પડ્યાં. આગળ જતાં તેમની વચ્ચે સબંધ બંધાતા બે જોડિયા પુત્ર અવતર્યા. આ ટ્વીન્સ અશ્વિનીકુમાર કહેવાયા. અશ્વિની=ઘોડી અને કુમાર=પુત્ર. જેઓ સ્વર્ગના વૈધ છે. તેઓ સદાય સુંદર અને જુવાન દેખાય છે. આ બે માસ્ટર ડિગ્રીવાળા ડોકટરોએ ઘરડા ચ્યવન ઋષિને તેઓએ ફરી જુવાન બનાવ્યા અને આંખો આપી.( ચ્યવનપ્રાશ યાદ આવ્યું ?) મહાભારતના માદ્રીપુત્ર નકુળ-સહદેવના પિતા એટલે અશ્વિનીકુમાર.

મહાન એવા દેશ ભારતમાં ડોક્ટરોને "વૈધ" કહેવાનો રિવાજ હતો. આધુનિક ડોક્ટર તો અંગ્રેજ શાસન આવ્યા બાદ જોવા મળ્યાં. સદીઓથી મેડિકલ ક્ષેત્રે ભારત ધ્વજવાહકની ભૂમિકામાં હતું. આપણે ત્યાં એવું કહેવાતું હતું કે, કોઈપણ રોગના જુદાજુદાં સો મારણો જાણનાર "ખરેખરો વૈદ્ય" કહેવાય. જ્યારે એક જ રોગના બસો ઉપચારો જાણનારો "વૈદ્ય ભિષજ" કહેવાય છે.

આ સિવાય ડોક્ટરોના ત્રણ પ્રકાર કહેવાય છે.(1) જે ડોક્ટર જેમ-તેમ કરીને ડિગ્રી મેળવીને, બીજા ડોક્ટરના જેવાં સાધનો વસાવીને સારા ડોક્ટર હોવાનો ડોળ કરે એવા. (2) બીજો એવો કે જેનામાં ગુણ ન હોય પણ ધનાઢ્ય, જ્ઞાની અને ઉચ્ચ વર્ગના લોકોની પ્રસંશાને કારણે ડોક્ટર તરીકે ઓળખાતો હોય. (3) ડોક્ટરને લગતી તમામ વિદ્યામાં પારંગત હોય, ડોક્ટરના તમામ ગુણ ઠાંસીઠાંસીને ભરેલા હોય એવો ડોક્ટર.... જેની પાસે ઉચ્ચ કક્ષાની ડિગ્રી છે પણ કરૂણા, દયા અને પરોપકારના ગુણ ન હોય તો તેને "હાફ-ડોક્ટર" ગણવો.

રોગની પરિક્ષા કરી દવા આપવાનો ધંધો કરનાર માણસ એટલે દાક્તર. આવી સીધી સમજણ આપણાં સૌની છે. દાક્તરની એક ખૂબી એવી છે જે ક્યારેક સંતોમાં પણ જોવા મળતી નથી- પોતાને કોઈ લોહીનું સગપણ નથી, તે પોતાનો કોઈ સગો-સંબંધી નથી, તે પોતાનો દિલોજાન મિત્ર નથી, તેના પ્રત્યે દયાભાવ રાખી તેની સારવાર કરવી એ અત્યંત કઠિન કામ તેઓ કરે છે. એક સર્વે એવું દર્શાવે છે કે, ડોક્ટરો દર્દીને 18 સેકંડથી લઈને 30 મિનિટ સુધી તપાસે છે, સાંભળે છે અને રોગનું નિદાન કરવા પ્રયત્ન કરે છે. મોટાભાગે તેઓનું નિદાન સાચું હોય છે. માત્ર શ્યોર થવા ઘણીવાર ટેસ્ટ કરાવે છે. આજે જે પરિસ્થિતી ઊભી થઈ છે તેમાંથી કોઈ બચાવી શકે એમ હોય તો આ આધુનિક અશ્વિનીકુમારો જ છે.

પોતાના ફેમિલીને ભગવાન ભરોસે મૂકી બીજાનો ભગવાન બનનાર આ આપણાં સમાજનો સાચો ભગવાન છે. પોતાના જીવને જોખમમાં મૂકી રાઉન્ડ ધ ક્લોક સેવા કરનાર અત્યારે આ જ એક છે. આજેપણ આપણાં બુધ્ધિના બાળ બ્રહ્મચારીઓ બીમારીમાથી સાજા થઈને કહે છે, "દસ હજાર ખર્ચ થયો ત્યારે સારું થયું." દાક્તરની જગ્યાએ ધનને ક્રેડિટ આપવાની આદત સુધારવા જેવી છે. જો પૈસા અને જ્ઞાનથી જ કોઈના જીવ બચતાં હોત તો રાજાઓ આજેય સજીવન હોત !! સિકંદર અને અશોક રાજ કરતાં હોત !

ડોક્ટરોની ફી વધારે હોય તેનું કારણ છે-જ્યારે તેઓની સાથે ભણનારા મજાક મસ્તી અને ધિંગા મસ્તી કરતાં હતા ત્યારે આ લોકો આંખો ફોડીને-ઉજાગરા કરીને ભણતા હતા. પોતાની જિંદગીના અમૂલ્ય વર્ષો દાક્તરી જ્ઞાન મેળવવામાં ખર્ચી નાંખ્યા. યુવાની બાયોલોજી નામની પ્રેમિકા સાથે વીતાવી નાંખી. નાનપણથી સતત અને લાગલગાટ ઉચ્ચ ક્રમાંક મેળવ્યો ત્યારે આજે જેને તમે ફી કહો છો એ "ફળ' મળે છે. તમને પણ એ ફળ મળી શકતું હતું પણ તમે એ ન મેળવી શક્યા. આજે અત્યંત જ્વલનશીલ બની એની નિંદા કરો છો એ યોગ્ય નથી.

ડોક્ટરને ક્યારેય નાત-જાત, રંગ, ધર્મ, વર્ગ હોતાં નથી. હા, કબૂલ કે ડોક્ટર ફી કરતાં તેની સેવાથી વધારે ઓળખાય છે. ખેડા જિલ્લાના માતર તાલુકાનાં એક નાનકડાં ગામ માલાવાડામાં વૈદ્ય ભીખાભાઈ રબારી વસે છે. લકવાના રોગના સ્પેશયાલિસ્ટ ગણાય છે. અનેક લોકો દૂરદૂરથી સારવાર માટે આવે છે. કોઈ ગરીબ સારવાર માટે આવે તો આ ભોળિયો વૈદ્ય દવાના પૈસા તો ન લે ઉપરથી જમાડે અને જવા-આવવાનું ભાડું પણ આપે !!! આભને ટેકો આપનારા આવા લોકોથી પૃથ્વી વિહરવા યોગ્ય રહી છે. માતર પાસે "માનવ પરિવાર" નામે દર્દીઓનું પિયર આવેલું છે. વિનામૂલ્યે અત્યાધુનિક દવા અને સારવાર મફત મળે છે, વળી દર્દીઓ માટે જમવાનું પણ હોય છે.

આજે કોરોનાના કહેરથી બચાવવા આ દેવદૂત મેદાને પડ્યો છે. તેનો ઉત્સાહ વધારો. તેને માન-સન્માન આપો. તેનો પડ્યો બોલ ઝીલો. આપણાં દેશમાં ડાકટરોની અછત છે. તેઓએ દવાખાનાના દરવાજા ખુલ્લા મૂકી દીધા છે. આજે ડોક્ટરો, પરિચારિકાઓ, વોર્ડ બોય, પેથોલોજીસ્ટો, સ્વીપરો સૌનો આભાર માનો. પ્રભુને પ્રાર્થના કરો કે, તેઓ પોતાના કાર્યમાં સફળ થાય. મારી જાણ મુજબ સૌથી વધુ શાંતિના નોબલ પ્રાઈઝ રેડક્રોસ સોસાયટીને મળ્યાં છે. એકવાર કહ્યું હતું કે, એક હજાર ફરીસ્તા બરાબર એક ડોક્ટર. આજે એ વાત સાચી પડી છે.

ડોક્ટર છેવટે માણસ છે અને વિજ્ઞાનની એક મર્યાદા છે.આ વાતનું સ્મરણ રાખજો.

જે.કે.સાઁઈ

Monday, March 9, 2020

માય ડીયર લાગણી

હા, હું કોઈ વાર દંભી
તો કોઈ વાર show-off કરતો જણાવું છું,
કોઈ વાર મારો ego પણ વચ્ચે આવે છે,
અને કોઈ વાર હું એ પણ જાણું છું કે
એને લીધે તું મારાથી દુર દુર જઈ રહી છે,
પણ કોઈ વાર સંજોગો તો કોઈ વાર professional pressure,
મને ખબર હોવા છતાં પણ મારી આવડતનો દંભ કરવો પડે છે,
survival of the fittest ના જમાનામાં હું જો મારી આવડતનો દંભ
ન કરુ, તો કદાચ ક્યાંનો ક્યાં ફેંકાઇ જાઉં.
લગ્ન જેવા પ્રસંગે ઘરની વૃદ્ધ વ્યક્તિઓની સગવડ ખાતર
કદાચ મોંઘી હોટલોમાં રહેવું પડે, અને એ કદાચ દંભ હોઈ શકે,
પણ ખરેખર તો એમના પ્રત્યેની લાગણી જ એ વસ્તુ કરાવી ગઈ.
મને તો તારી ખુબ જ જરૂર છે. માનવ જીવન તારા વગર યાંત્રિક બની જાય છે.
દુધમાં જેમ સાગર ભળી જાય એમાં હું માનું છું કે
કોઈ પણ માનવ મારા ને તારા સમન્વયથી
દરેક કાર્ય સંવેદનશીલ બુદ્ધિથી ઉત્તમ રીતે પાર પાડી શકશે.
સંબંધોની મીઠાશ પરમ સ્થાન પર પહોચી જશે.
પણ એ શક્ય બને એ માટે મને તારા સાથની જરૂર છે…અને હા, મારો દંભ
સદંતર કાઢી નાખવાનો દિલથી પ્રયત્ન કરીશ, અને મને ખાતરી છે
કે એમાં હું સફળ બનીશ…મને ખબર છે કે પ્રેમાળ લાગણી
ગમે તેવા અહંકાર ને ઓગાળી નાખે છે….મારા વિચારો
વાચવા બદલ ખુબ ખુબ આભાર…

હું બુદ્ધિ

હોળી_હુતાસણી_હોળાષ્ટક

થોડાંક વરસો પહેલાં એક ફેસબુક મિત્રના ફોટામાં પાછળની દિવાલ પર લખેલ વંચાતુ હતું.
#હોલી_માતકી_જય .
મે પુછ્યું
"હોલી માતા ?
કઇ રીતે ?
ક્યારથી ?

જવાબ હતો "મને કંઇ જ જાણ નથી."

કેટલાક મિત્રોના મેસેજ હોય છે અંગ્રેજીમાં
Happy Holi

નાનપણ થી જોતો આવ્યો છું કે હોળી ઉન્માદનો તહેવાર છે.
આમ તો માનવ મન અને ચંદ્રની કળાને એવો અનુબંધ છે કે પ્રયેક પૂનમ પર આવતા લગભગ તહેવારો પર વિવીધ પ્રકારના ઉન્માદો છવાયેલ હોય છે.

નાના હતા ત્યારે ગામડે હોળીમાં અત્યંત અભદ્ર વાણી વિલાસ અને વર્તન કરતા.
હોળીનું પર્વ ઝગડાઓ વિના ભાગ્યે જતું.
બે દિવસ સુધી એસ. ટી. ની બસો બંધ રહેતી.
ઘણા ય ગામડાઓમાં હોળી જાણે કે વેર પિપાસાનુ પર્વ બની રહેતું.
શહેર માં જેને ધૂળેટી કહે એને ગ્રામ્ય બોલી માં પડવો કહે.
અમુક ગામોમાં બે બે પડવા થતા.
રા' નીકળતા.
જે રા' બને એમણે ગામને હવાડે નહાવાનું, હોળીની ભસ્મમાં આળોટવાનુ પછી ગધેડા પર ઉંધા મોઢે બેસાડવાનું. એમને ખાસડાં ના હાર પહેરાવાતા અને ગામમાં શેરીએ ગલીએ ઘુમવાનુ. પાછળ તોફાની ટોળી હોય જેને ઘેરૈયાની ટોળી કહેવાતી.
જેટલી તોડ ફોડ અને નુકસાની વધુ કરે એટલી ટોળીની પ્રસંશા વધુ થતી.
ઘણી ય વાર ધૂળેટી પર રંગના બદલે લોહીયાળ હોળી ખેલાતી.

હું હોળીનો આનંદ અન્ય મિત્રોની જેમ નથી ઉઠાવી શકતો જેનુ કારણ કદાચ
મે હોળી આસપાસ બે ત્રણ સ્વજનો ગુમાવેલ છે એનું સ્મરણ થઇ આવે.

ફાગણ સુદ પૂનમ એટલે વસંત ઋતુનો અંતિમ દિવસ.
તામસી સુખની છોળોની ચરમ સીમા.
એ પછી શરૂ થતી હોય છે ગ્રીષ્મ, એટલે કે પાનખર ઋતુ.

ચૈત્ર વૈશાખ માં ગ્રીષ્મના તડકા થી ઘણા અકળાય જતા હોય છે.
પણ ખેતી કરનાર માટે ગ્રીષ્મ એટલે ભૂમિનું ખેડવુ, તપાવવું. ખેડાયેલ ભુમિ ગ્રીષ્મના તડકા માં તપે એટલે વર્ષા ઋતુમાં વધુ ફળદ્રુપ બને.
ગ્રીષ્મના તડકાઓ જે તરબુચ સાકર ટેટી ને પકાવે છે. પાકવા માટે બફારો અનિવાર્ય છે. જાણે કોઇ જોગીની ગુફા સમી ગ્રીષ્મની ધુણી થકી જ ખાટી ખાખડી પાકી કેરીમાં પરીવર્તીત થાય છે.
દઝાડતી દાહકતા દ્વારા જ શીતળતાનું સાચું મુલ્ય સમજાય છે.

અમારા જમાનાની હોળીનો અનુભવ

નાનપણ માં હોળી પર હું ય ઘેરૈયાની ટોળી માં જતો.
કોઇ માતા કયે કે છોકરાઓ આ છાણાની મોટલી લેતા જાવ તો મજા ન આવતી પણ કોઇકના મોઢવા માં થી બે ચાર છાણાં ચોરવા જઇએ અને કોઇ પાછળ દોડે કે ગાળો કાઢે ત્યારે કંઇક વિચિત્ર મજા આવતી.
એક વાર વાલા બાપા દરજીને ત્યાં પડેલી એક્કા ગાડી ઉપાડીને હોળી માં હોમી દીધેલ.
જેરામ કુંભારની કેબીન આગળ કરેલી વાંસ અને નાળીયેરીના તાલાંઓની છાજલી ઉખેડીને હોળીમાં હોમી દીધેલ.
નરસિંહ કુંભારના ગધેડા પર માટલાં રાખવા માટે વાંસ અને કાથીની બનેલ ખોલકી એ હોળી માં હોમી દીધેલ.
મારા પિતાજી ત્યારે સરપંચ હતા.
સવારે બે ય મારા બાપા પાસે આવીને છુટા મોઢે પોક મુકી રડવા લાગ્યા.
કોક અમને પજવે તો તમારી પાંહે આવીએ પણ તમારો જ દિકરો ઉઠીને અમ ગરીબની રોજી રોટી બાળી નાખે 😢

બાપા એ મને બવ જ લમધારેલ અને મને કીધેલ કે તારી હારે જે હતા એ બધાને બોલાવીને વાંસ અને નાળીયેરીનાં તાલાં થી તમારે હાથે જ પાછી હતી એવી બનાવી દયો તાં સુધી ઘર માં પગ નો મુકતો નકર તારા ટાંટીયા ભાંગી નાખીહ રાખ્ખહ (રાક્ષસ)
અમે એ કર્યું.
ત્યારે બાપાની આંખ માં માત્ર ક્રોધ જ નહોતો પુત્રના કુકર્મ બદલ અપરાધ ભાવ અને ભોંઠપ સ્પષ્ટ દેખાતી હતી. એ પછી મે ઘેરૈયામાં જવાનું છોડી દીધેલ
ખીમભાઈ રામ

Saturday, March 7, 2020

સ્ત્રી .... ન માથે ચડાવો, ન ઠેબે ચડાવો!

આજે મહિલાદિન નિમિત્તે મહિલાઓ વિશે થનારી મીઠી મીઠી અને રૂડીરૂડી વાતો સાથે થોડી ચોખ્ખી વાતો પણ કરી લઈએ.

પહેલી વાત. સ્ત્રીને દેવી ન ગણવી, કારણ કે સ્ત્રી પણ છેવટે માણસ છે અને જેમ માણસમાં એક છેડે ઉત્કૃષ્ટ અને સામેના છેડે નિકૃષ્ટ માનવીઓની જે બહોળી રેન્જ જોવા મળે છે એવી જ રેન્જ સ્ત્રીઓમાં પણ જોવા મળવાની. વળી એક જ સ્ત્રી અલગઅલગ સમયે આ આખી રેન્જમાં અલગઅલગ સ્પોટ્સ પર જોવા મળી શકે. કોઈ પણ સ્ત્રીને ફ્ક્ત સ્ત્રી હોવાને કારણે નિર્દોષ, ભલી, પ્રેમાળ, ક્ષમાવાન અને પવિત્ર એવી દેવી ગણી લેવી નહીં. સ્ત્રીને એક વ્યક્તિ તરીકે, કેસ-ટુ-કેસ મૂલવવી. કામના સ્થળે માર્કેટિંગ વિભાગમાં કોઈ લેડીના પર્ફોર્મન્સનું મૂલ્યાંકન કરવાનું આવે ત્યારે તેના ફિગરના ફિગર્સ (શરીર માપતા આંકડા)ને બદલે તેનાં સેલ્સ અને કલેક્શનના જ ફિગર્સ જોવા. ટૂંકમાં, સ્ત્રીનું મૂલ્યાંકન કરવાનું આવે ત્યારે નકારાત્મક તો ઠીક, હકારાત્મક પૂર્વગ્રહથી પણ બચવું. સ્ત્રીની જાતિ અને રૂપ જોવાને બદલે તેના અસલી વ્યક્તિત્વ પર જ ધ્યાન આપવું. તો જ તેના વિશે સાચું જજમેન્ટ શક્ય બનશે.

બીજો મુદ્દો. એ નકારાત્મક પૂર્વગ્રહ વિશેનો છે. સ્ત્રીને નરકની ખાણ ગણવાનું, તેને સત્તાકેન્દ્રોથી દૂર રાખવાનું અને તેની પ્રગતિના માર્ગમાં રોડાં-અવરોધો નાખવાનું તાત્કાલિક ધોરણે, ઇમ્મિજિએટ ઇફ્ક્ટથી બંધ કરવા જેવું છે.

અહીં પ્લીઝ એવું તો કોઈ કહેશો જ નહીં કે જમાનો બહુ સુધરી ગયો છે અને હવે મહિલાઓના માર્ગમાં કોઈ અવરોધો છે જ નહીં. અવરોધો છે, ઘણાં છે.

સૌથી પહેલો અવરોધ તો જન્મ લેવામાં જ નડી શકે. ખબર પડી જાય કે પેટમાં બાળકી છે તો ઘણાંને વિચાર આવી જાયઃ 'ગર્ભપાત કરાવી નાખીએ?' જૂના જમાનામાં બાળકીને જન્મવા દેવામાં આવતી અને પછી મારીને દાટી દેવાતી અને હવે નવા જમાનામાં તો તેને જન્મ પહેલાં જ પેટમાંથી કાઢીને નષ્ટ કરી દેવામાં આવે છે.

કમ ઓન. એને જન્મવા તો દો.

અને એ જન્મી જાય અને મોટી થઈ જાય પછી સત્તા-ધન-નેતૃત્વના કોઈ મોટા હોદ્દાની વાત આવે ત્યારે પુરુષોની સામાન્ય (અને મોટે ભાગે ખાનગી) પ્રતિક્રિયા એવી હોય કે બૈરાંનું એ કામ નહીં, સ્ત્રીની બુદ્ધિ પગની પાનીએ વગેરે વગેરે. આ માન્યતા વાહિયાત છે.

સવાલ સ્ત્રીના સશક્તીકરણનો નથી, કારણ કે મહિલા પોતે જ સશક્ત છે. સશક્ત તો એટલી બધી છે કે તેનાં સંતાનોને ભૂખ્યા ન રહેવું પડે એ માટે તે ગમે તે હદે જઈ શકે, કોઈને મારી પણ શકે અને પોતે મરી પણ શકે. નારી જ્યારે વિફરે ત્યારે તે કોઈની રહેતી નથી. માત્ર નારી જ નહીં, તમામ જાતિઓની માદા કેટલીક વાતે નોન-નેગોશિયેબલ (વાટાઘાટ ન કરવાના) મોડમાં આવીને પ્યોર શક્તિ-સ્વરૂપા બનીને ભલભલાને ભારે પડી શકે.

ટૂંકમાં, સ્ત્રીમાં શક્તિ છે જ. તેને સશક્ત બનાવવાની જરૂર નથી. પુરુષો વળી કોણ છે સ્ત્રીને સશક્ત બનાવનારા? સવાલ સ્ત્રીની વાજબી શક્તિની અભિવ્યક્તિમાં નડતા ગેરવાજબી અવરોધો દૂર કરવાનો છે. સવાલ એ છે કે મહિલાની શક્તિઓ બહાર આવી શકે તે માટેનો માર્ગ કઈ રીતે મોકળો કરવો? આ સવાલનો એક જ જવાબ છેઃ ભેદભાવ મિટાવો.

અહીં એક વાત સમજી લઈએ કે સ્ત્રી અને પુરુષ વચ્ચે ભેદ તો છે જ. સ્ત્રીઓમાં લાગણી-ચીવટ-હૂંફ-ચતુરાઈ-પોષણનું પ્રાધાન્ય જોવા મળવાનું. બોસ તરીકે મહિલા હોય તો એ કર્મચારીઓનું પર્ફેર્મન્સ સુધારવા ઉપરાંત તેનું આરોગ્ય સુધારવા વિશે પણ વિચારશે. અંતઃસ્ફૂરણાના જોરે પરિસ્થિતિનો તાગ પામવામાં સ્ત્રી પુરુષ કરતાં ઊંચેરી હોય છે. સ્ત્રી-પુરુષનાં શરીરો જુદાં છે, અંગો જુદાં છે, માનસિક બંધારણ જુદું છે, પરંતુ સ્ત્રી-પુરુષ વચ્ચે આ બધા જે ફરક છે એ વર્ટિકલ (ઊભા, ઊંચનીચના) નથી, હોરિઝોન્ટલ (આડા, અલગ હોવાને લગતા) છે. બંને સપાટ ભૂમિ પર અલગઅલગ જગ્યા પર છે. બેમાંથી એક જૂથ ઊંચે અને બીજું જૂથ નીચે નથી. તો પછી બંનેને સમાન તક કેમ નથી મળતી?

સંસદમાં સ્ત્રીઓનું પ્રમાણ ૫૦ ટકા કેમ નથી? અને ૫૦ને બદલે ૩૩ ટકા સાંસદીય પ્રતિનિધિત્વની લોલીપોપ વરસોથી દેખાડ્યા પછી પણ વાસ્તવમાં એટલું પ્રતિનિધિત્વ અપાતું નથી. શું કામ? કારણ કે પુરુષો અંદરખાને એવું માનતા હોય છે કે બૈરાંઓનું એ કામ નહીં. આ અભિગમ ખોટો છે, અન્યાયકારી છે, મુર્ખામીપૂર્ણ છે.

'મોટાં કામો'ની વાત આવે ત્યારે સ્ત્રીઓનું એ કામ નહીં એવું વિચારવું એ જે રીતે ભેદભાવ-અન્યાય-જુલમ છે એ જ રીતે 'સામાન્ય સ્ત્રીઓ' જે 'સામાન્ય કામો' કરે છે, જેમ કે, બાળઉછેર, રસોઈ, વૃદ્ધોની સંભાળ, વાસણ-કપડાં-સફઈ વગેરે, તેનું સાચું મૂલ્ય ન આંકવું તે પણ ભેદભાવ-અન્યાય-જુલમ જ છે. આ કામોનું મૂલ્ય શા માટે ઓછું છે? બાળઉછેર શું નાનું કામ છે? જે ભોજન આપણને જીવતાં રાખે છે, દોડતાં રાખે છે એ ભોજન તૈયાર કરવું તે શું નાનું કામ છે? કહેવાનો મતલબ એ નથી કે સ્ત્રીઓએ ફ્ક્ત બાળઉછેરમાં અને રસોડામાં જ ખૂંપેલા રહેવું જોઈએ. કહેવાનું તાત્પર્ય એ છે કે સ્ત્રી જે કામ કરે તેને ‘સસ્તું ‘શા માટે ગણવામાં આવે છે?

આ વાત સૂક્ષ્મ છે, છતાં ખાસ સમજવા જેવી છે. ભેદભાવ માત્ર સ્ત્રીના વ્યક્તિત્વ સાથે નથી થતો, તેનાં કાર્યો સાથે પણ થાય છે. સ્ત્રી જે કંઈ કરે તે નાનું, તે ક્ષુલ્લક, તે ગૌણ…

સ્ત્રીનાં કામનું ઝાઝું મૂલ્ય નથી અંકાતું. માટે સ્ત્રીના પ્રદાનનું મૂલ્ય ઓછું અંકાય છે. માટે તે મૂલ્યવાન નથી ગણાતી. અને માટે મોંઘેરા પુત્ર કરતાં સાપના ભારા જેવી પુત્રી જન્મે તે પહેલાં જ તેને મારી નાખવાના નબળા વિચારો ઘણાં નબળા મનુષ્યોને આવી જાય છે.

મૂળ વાત આ છે. સ્ત્રીની ‘માર્કેટ વેલ્યૂ’ ઓછી છે. અસલમાં સ્ત્રીનું મૂલ્ય એટલું જ છે જેટલું પુરુષોનું છે. છતાં સ્ત્રીઓને, તેમના દ્વારા થતાં કાર્યોને ઝાઝો ભાવ ન આપીને સરવાળે તેનું ઓછું મૂલ્ય આંકવાની જે અંચઈ હજારો વર્ષથી ચાલતી આવી તે હજુ અટકી નથી.

પેલા યત્ર નાર્યસ્તુ પૂજ્યન્તેવાળા શ્લોકનું હાર્દ પણ આ જ છે કે સ્ત્રીને આદર આપો, તેના કામને આદર આપો. બાજોઠ પર બેસાડીને કંકુ-ચોખા વડે તેની પૂજા નહીં કરો તો ચાલશે, પણ તેના પ્રદાનને ઓછું આંકો તે નહીં ચાલે. એવો અન્યાય કરશો તો તમારે ત્યાંથી દેવતાઓ, સુખ, સમૃદ્ધિ અને શાંતિ ભાગી છૂટશે.

ઉપરની બધી વાતો વધતે-ઓછે અંશે અને જુદી જુદી રીતે બાળકો, પછાતો, ગ્રામીણો, ગરીબો, વૃદ્ધો, આદિવાસીઓને પણ લાગુ પડે છે. એમને પણ ન માથે ચડાવવાની જરૂર છે, ન ઠેબે ચડાવવાની.

ખેર, એ અલગ લેખનો વિષય છે.

આ લેખ પૂરતું એટલું જ કહેવાનું કે સ્ત્રીની સાચી વેલ્યૂ સમજીએ, તેની પ્રગતિમાં અવરોધરૂપ બનતી અડચણો દૂર કરીએ અને તેમને હૃદયપૂર્વક કહેતાં રહીએ કે હે મહિલાઓ, તમારી કોઠાસૂઝ બદલ, પીડા વેઠીને જન્મ આપવાની ક્ષમતા બદલ, સંવેદનશીલ મન-શરીર-હૃદય ધરાવવા બદલ, શક્તિ-સ્વરૂપા હોવા બદલ, સંસારરથના સમાન મહત્ત્વ ધરાવતા પૈડા તરીકેની તમારી મજબૂત ભૂમિકા બદલ, આભાર.

ખૂબ ખૂબ આભાર.

- દીપક સોલિયા, સંસ્કાર પૂર્તિ, સંદેશ

Tuesday, March 3, 2020

પ્રેરણાનું ઝરણું... તુષાર સુમેરા

ધો.10 અને ધો.12ની બોર્ડની પરીક્ષા શરૂ થઈ રહી છે ત્યારે વિદ્યાર્થીઓ અને વાલીઓ માટે એક પ્રેરક સત્ય ઘટના રજુ કરું છું જે વિદ્યાર્થીઓ અને વાલીઓનો પરીક્ષાનો તણાવ ઓછો કરવામાં જરૂરથી મદદ કરશે.


રાજકોટની ચૌધરી હાઇસ્કુલ (સરકારી શાળા)માં અભ્યાસ કરતા એક વિદ્યાર્થીએ ધો.10ની બોર્ડની પરીક્ષા આપી. પરીક્ષાનું પરિણામ આવ્યું ત્યારે ઉચ્ચ ગુણાંક સાથે અનેક વિદ્યાર્થીઓ પાસ થયા પણ આ વિદ્યાર્થી માંડ માંડ પાસ થયો. ગણિત, વિજ્ઞાન અને અંગ્રેજી જેવા મહત્વના ત્રણે વિષયમાં એને માત્ર 35 માર્ક્સ આવ્યા.

પોતાના પરિણામથી હતાશ થવાના બદલે આ વિદ્યાર્થીએ આગળનો અભ્યાસ ચાલુ રાખ્યો. 11-12 આર્ટ્સ પૂરું કરીને એ કોલેજમાં દાખલ થયો. આ વિદ્યાર્થીનું અંગ્રેજી કેટલું કાચું હતું કે કોલેજમાં આવ્યો તો પણ પોતાના નામનો સ્પેલિંગ લખવામાં એ ભૂલ કરતો. નામમાં આવતા બધા અક્ષર નાના કરે અને નામનો છેલ્લો અક્ષર કેપિટલ કરે. એની આ ભૂલ જોઈને શિક્ષક ખીજાયા પણ ખરા આમ છતાં આ વિદ્યાર્થી નિરાશ કે હતાશ થયા વગર પોતાની ભૂલ સુધારીને આગળ વધવાના દ્રઢ સંકલ્પ સાથે ભણતો રહ્યો.

કોલેજનો અભ્યાસ અને બીએડ પણ પૂરું કરી લીધું પછી ચોટીલાની એક શાળામાં પ્રાથમિક શિક્ષક તરીકે નોકરી મળી. મહિનાનો પગાર માત્ર 2500 રૂપિયા. આ નોકરી દરમ્યાન જ આ છોકરાને કલેક્ટર બનવાનો વિચાર આવ્યો અને એના માટેની પરીક્ષાની તૈયારી કરવાનું નક્કી કર્યું. કલેક્ટર બનવા યુપીએસસીની અધરી પરીક્ષા આપવી પડે. આ છોકરાએ એમના પિતાજીને આ બાબતે વાત કરી.

પિતાજીએ આ દીકરાને ઉતારી પાડવાને બદલે પ્રોત્સાહન આપ્યું અને સારી રીતે તૈયારી કરી શકે એટલે નોકરી પણ મૂકી દેવાની મંજૂરી આપી. 2007માં પ્રાથમિક શિક્ષક તરીકેની નોકરી મૂકીને એ છોકરો કલેકટર બનવાની તૈયારીમાં લાગી ગયો. દસમા ધોરણમાં માંડ માંડ પાસ થનાર અને કોલેજ સુધી પોતાના નામનો સ્પેલિંગ પણ બરોબર ન લખી શકનાર કલેક્ટર બનવાનું સપનું જુવે એટલે લોકો મશ્કરી કરે એ સ્વાભાવિક છે પરંતુ એ છોકરો કોઈની વાત કાને ધર્યા વગર પરીક્ષાની તૈયારીમાં લાગી ગયો.

એમણે નક્કી કરેલું કે હું ભલે ગુજરાતી માધ્યમમાં ભણ્યો હોય પણ મારે પરીક્ષા તો અંગ્રેજી માધ્યમમાં જ આપવી છે. પ્રથમ વખત પરીક્ષા આપી ત્યારે અનુભવ થયો કે અંગ્રેજી લખવાની સ્પીડ બહુ જ ધીમી છે. સ્પીડ વધારવા કરસ્યું રાઈટીગનો ઉપયોગ કરવો પડે. એમણે આ ઉંમરે પણ કરસ્યું રાઈટીગ શીખીને ખૂબ પ્રેકટીસ કરી સ્પીડ વધારી.

વર્ષ ઉપર વર્ષ પસાર થાય પણ પરીક્ષામાં સફળતા ન મળે. નિરાશ થયા વગર પોતાનાથી થતી ભૂલો સુધારીને આગળ વધે. આ સંઘર્ષયાત્રા દરમિયાન પરિવારનો પણ પૂરતો સપોર્ટ મળતો રહ્યો.

2012ના વર્ષમાં આ છોકરાએ ભારત દેશની સૌથી અઘરી ગણાતી યુપીએસસીની પરીક્ષા પાસ કરી લીધી અને આઈએએસ બની ગયા. આ છોકરાનું નામ છે, તુષાર સુમેરા અને અત્યારે તેઓ જૂનાગઢ મહાનગરપાલિકામાં કમિશ્નર તરીકે સેવાઓ આપે છે.

મિત્રો, નબળા પરિણામથી કારકિર્દીના બધા જ દરવાજાઓ બંધ નથી જતા માટે કોઈપણ જાતની ચિંતા કે ડર વગર બોર્ડની પરીક્ષા આપજો. સુમેરા સાહેબ સાથે બોર્ડની પરીક્ષા આપનાર અને તે સમયે સમગ્ર બોર્ડમાં પ્રથમ નંબર લાવનાર અત્યારે સુમેરા સાહેબ જેવી સત્તા કદાચ નહીં ભોગવતા હોય. મારે પણ બોર્ડની પરીક્ષામાં માત્ર 56% માર્ક્સ આવેલા અને છતાં હું અત્યારે સિનિયર ક્લાસ -1 અધિકારી છું. તમારી આજુબાજુ એવા ઢગલાબંધ માણસો હશે જેની માર્કશીટ ભલે નબળી હોય પણ સફળતા કાબિલેદાદ હશે.

સાભાર :- શૈલેષભાઇ સગપરિયાસાહેબ

વાલીઓ પણ આ વાત સમજે કે ટકાવારી જરૂરી છે પણ ટકાવારી જ સર્વસ્વ નથી.

બોર્ડની પરીક્ષા આપતા તમામ વિદ્યાર્થીઓને ખૂબ ખૂબ શુભેચ્છાઓ.

Thursday, February 13, 2020

દરેક માણસમાં કૈંક વિશેષતા કૈંક મર્યાદા હોય



મોદીજીના વિરોધીઓને એમનામાં માત્ર મર્યાદાઓ જ દેખાય છે એ ય વળી અઢળક .
મને એમની વિશેષતામાં જે સૌથી વધુ પ્રભાવિત કરે છે એ વિષે હું કહું .

મોદીજીની રાજકીય વિશેષતા વિષે અત્યારે મારે કઈ કહેવું નથી .
મારે એમના વિષે બે ત્રણ એવી વાત કહેવી છે જેના વિષે એમના કટ્ટર માં કટ્ટર વિરોધીએ પણ સંમત થવું જ પડે.

1. પહેલું સુખ તે જાતે નર્યા
ભારતીય સંસ્કૃતિમાં શારીરિક સ્વસ્થતાને પ્રથમ પ્રાધાન્ય અપાયેલ છે .
૧૯૫૦ માં જન્મ
એકાવન વર્ષની ઉંમરે ૨૦૦૧ માં સીધા મુખ્ય મંત્રી તરીકે નિયુક્ત થયા ત્યાર થી અત્યાર સુધી આ માણસને છ કલાક થી વધુ આરામ નો સમય ન જ મળતો હોય
એક જ સ્થળે ભોજન કે આરામ નહીં એમ છતાં ય ચૂંટણી સભાઓમાં ભાષણને કારણે અવાજ બેસી જવાને બાદ કરતાં આ માણસ કોઈ બીમારીને કારણે અઠવાડિયું તો શું ત્રણ ચાર દિવસે ય હોસ્પિટલાઇઝ થયાનું ક્યારેય સાંભળ્યું નથી
#ગઝબની_સ્વસ્થતા

2. એ જે પ્રમાણે દેશ વિદેશમાં પ્રવાસો કરતા રહે છે પ્રવાસ પછી ય આરામને બદલે તરત જ કાર્યક્રમો હોય એમાં ય ક્યારેય આળસ મરડતા કે બગાસા લેતા નજરે ન ચડે
#ગઝબની_સક્ષમતા

3. જેટ લેગ વિષે જે જાણતા હશે એ સમજી શકશે કે પ્લેનમાં દિવસના ટેક ઓફ થયા પછી બાર કલાકે દૂર વિદેશમાં પ્લેન લેન્ડ થાય ત્યારે ત્યાં ય દિવસ જ હોય ત્યારે સમય પત્રક પાલન કરવું કેટલું મુશ્કેલ હોય શકે પણ મેં ટીવીમાં એક ઇન્ટરવ્યૂમાં એમને એવું બોલતા સાંભળેલા કે
સવારે જાગવા માટે મારે એલાર્મની જરૂર નથી પડતી અને રાત્રે પથારીમાં લંબાવ્યા પછી છઠ્ઠી મિનિટે હું ઘસઘસાટ ઊંઘી જાવ છું .
૭૦ માં વરસે ય
#ગઝબની_સમર્થતા

હવે પછી તમે જે વાંચશો એ બધા જ શબ્દો મિત્ર મહેશ પુરોહીતના છે.
👇👇
એક વ્યક્તિ મુખ્યમંત્રી બને ને ત્રણ મહિના બાદ જ આખા રાજ્ય મા દંગા ફાટી નીકળે તેના પહેલાં રાજ્ય વ્યવસ્થા નો બહોળો અનુભવ ના હોય આજૂ બાજુ ના ત્રણેય રાજ્યો મા વિપરીત વિચારધારા ની સરકાર હોવા ના કારણે કોઈ પોલીસ મદદ ન મળે અને છતાં ત્રણ દિવસ ના દંગા કંટ્રોલ કરાય છતાં પણ તે દંગા ને આંતરરાષ્ટ્રીય સ્તર પર પ્રચારિત કરી કરી ને બદનામ કરવામા આવે હા હુ મોદીજી ની વાત કરુ છુ...

મોદીજી ફક્ત નેતા પુરતા જ નહી પરંતુ તેમના અંગત જીવન મા પણ પ્રેરણા રુપ છે. ૨૦૦૨ ના દંગા બાદ તેમના વિશે ખબર નહિ કેવા કેવા ગંદા આરોપો અને શબ્દો વાપરવા મા આવ્યા, નીચ, નપુંસક, રાક્ષશ, મોત નો સોદાગર, આ ઉપરાંત દેશ નુ કહેવાતુ સેકુલર મિડીયા કોઈ એક દિવસ આવો નહિ હોય કે ડિબેટ મા મોદીજી વિશે મનફાવે તેમ ના બોલવા મા આવ્યું હોય, આંતરરાષ્ટ્રીય કક્ષા ની સંસ્થાઓ એક્ટિવ રહી ને તેમને કેટલાક દેશ મા પ્રતિબંધ પણ કરાવ્યો, કેન્દ્ર મા કોન્ગ્રેસ ની સરકાર હોવા થી તમામ કાનુની દબાવ આ માણસે સહન કર્યો, તે એક માત્ર એક મુખ્ય મંત્રી જેમણે આઠ આઠ કલાક SIT નો સામનો કર્યો, આવા માહોલ હોવા ના કારણે ભાજપ ના જ કેટલાક નેતા પણ તેમનો વિરોધ કરવા લાગ્યા હતા, વિચાર કરો આવી સ્થિતિ કેટલી વિકટ હશે, છતા આ માણસ ને મે અકળતા નથી જોયો અકળાઈ ને ગમે તેમ બોલતા નથી જોયો, તેમને કામ પર કામ ચાલુ રાખ્યા આજે પ્રધાન મંત્રી છે. અમેરિકા થી લઈ બ્રિટન લાલ ઝાજમ પાથરે છે.

બસ તમે માનો નહિ કોઈ પણ આવા આરોપ ની કપરી સ્થિતિ મા હુ આખો બંધ કરી આ માણસ ( મોદીજી ) ને યાદ કરી લઉ ને સ્વસથ્ય થઈ જાઉં છુ.

નોટ:- પુરાવા વગર ના આરોપો થી કોઈ ફેર પડતો હોતો નથી. અને ગૂનો કર્યો હોય તો પુરાવા વગર પણ ભગવાન શિક્ષા આપી જ દેતો હોય જ છે.

સાભાર
- મહેશ પુરોહિત, નવસારી

Sunday, February 9, 2020

...અને પંખી શિક્ષીત થઈ ગયું



એક પંખી, સાવ ગમાર.
આખો દિવસ ઉડાઉડ,
નવા નવા ફળની શોધ,
ઉંચે ગગનમાં ઉડવું ને ભૂખ લાગે તો ખાવું..
આવો એનો ધંધો!

રાજ્યના રાજાને લાગ્યું,
“અરે! આ તો કઈ પંખી છે? આવું પંખી કંઈ કામનું નહીં, આ તો ખાલી વનનાં ફળ ખાઈને રાજ્યને નુકસાન કરે છે.
એને તો મંત્રીઓને બોલાવ્યા અને પૂછ્યો હલ,
“આ પંખીનું શું કરીએ?”
એક મંત્રી કહે, “મહારાજ ! એને શિક્ષણ આપો તો કઈ કામનું થશે.”

રાજાએ પોતાના વિશ્વાસુ, ભાણેજને પંખીને શિક્ષણ આપવાનું કામ સોપ્યું.

પંડિતોએ એક જગ્યાએ બેસીને ઊંડો (!) વિચાર કર્યો અને
શિક્ષણનીતિ ઘડી કાઢી.

શોધ્યું એના અજ્ઞાનનું મૂળ, “અરે! પંખી મામૂલી ઘાસ તણખલાંનો માળો બાંધે, એવા માળામાં તે વિદ્યા કેટલીક રહે ? એટલે સૌથી પહેલી જરૂર તેને એક પાંજરું બનાવી આપવાની છે.”
અને હલ શોધનારને મોટું ઇનામ પણ અપાયું કે
તેણે શિક્ષણની નવી જ દિશા ખોલી આપી !

સોનીને હુકમ થયો કે પાંજરું બનાવો.
એને ય વળી એવું તો પાંજરું બનાવ્યું કે દૂર દૂરથી લોકો પાંજરું જોવા આવ્યા!
સોનીના વખાણનો તો કોઈ પાર નહિ.
કોઈક કહેતું કે, ““શિક્ષણ તો જોરદાર ચાલે છે!” તો કોઈ કહે, “શિક્ષણ મળે કે ન મળે પણ પાંજરું તો મળ્યું ને ! પંખીનું નસીબ જોરમાં છે !”
પાંજરાના બહુ વખાણ થયા તો સોનીને પણ ઇનામો મળ્યા !

એક મહાપંડિતને તેને શિક્ષણ આપવા બોલાવાયા. આવતાવેત તેમને કહ્યું કે
“આ એક-બે ચોપડીથી કઈ ના આવડે,
વધુ દળદાર પુસ્તકો જોઈએ”
રાતોરાત બધા મંડી પડ્યા નવા પુસ્તકો બનાવવા.
થોડાક સમયમાં તો પંખી કરતા સો ઘણl પુસ્તકોનો ઢગલો થઇ ગયો!
લોકો તો આ જોઈને આભા જ થઇ ગયા.
“વાહ! વાહ! શું શિક્ષણ છે !”

ધમધોકાર રીતે પંખીનું શિક્ષણ ચાલવા લાગ્યું. તેના પાંજરાની તો જીવથી ય વધુ કાળજી લેવાતી.
તેની સફાઈ, રંગકામ, પોલીસકામ, નવી ડીઝાઈન, નવા સાજ શણગાર, જયારે જુઓ ત્યારે ચાલુ જ હોય!

તેના માટે કેટલાય માણસોને રોકવામાં આવ્યા હતાં, અને એના કરતાંયે વધારે માણસોને એમના પર નજર રાખવા માટે રોકવામાં આવ્યા હતા.

હવે તો સૌ બોલી ઉઠ્યા કે
“હાશ! હવે પંખીનો સર્વાંગી વિકાસ થશે.”

એક દિવસ એક અદેખા માણસે રાજાને કહ્યું કે
પંખીનું શિક્ષણ બરાબર નથી થતું !
રાજાએ તો બોલવ્યો તેમના ભાણેજને
“આ હું શું સાંભળું છું?, કેટલાક લોકો મને કહે છે કે તમે પાંજરાની વધુ દેખરેખ રાખો છો પંખીની નહિ!”

ભાણેજે ઠંડા કલેજે જવાબ આપ્યો
“અરે!,
એ લોકોને પંખીની ઊછળકૂદથી મળતું મનોરંજન બંધ થઇ ગયું છે એટલે વાંધા વચકા કાઢે છે. બાકી પૂછો આ સોની, લુહાર, પંડિતજી, સાફ સફાઈ કરનાર- આ બધા શિક્ષણના જાણકાર છે.”
રાજા તરત સંતોષ પામી ગયો પણ પછી તેણે જાતે જ શિક્ષણ જોવા જવાનું નક્કી કર્યું.
રાજા પહોચ્યો ત્યાં તો બધાએ ભેગા મળીને એવી વ્યવસ્થા કરી દીધી કે
વાત ના પૂછો !
કોઈ ગોખાવતું હોય,
તો કોઈ ગવડાવતું હોય,
તો કોઈ શીખવતું હોય નાચ !, તામ જામ,
– નવા નવા કવર ચઢાવેલા જુના જુના પુસ્તકોનો ખડકલો !
વળી વધારાની દસ બાર પોથીઓ પણ મૂકી.
રાજા તો પ્રસન્ન થઇ ઇનામ આપી પાછો વળતો હતો ત્યાં જ પેલો અદેખો બોલ્યો
“મહારાજ ! પંખીને મળ્યા?”

રાજા પંડિતજીને કહે
“અરે હા! એ તો યાદ જ ન આવ્યું. *પંખીને જોવાનું તો રહી ગયું. *ચાલો તમે કેવી રીતે ભણાવો છો તે જોઈએ.”

રાજાએ જોયું તો શિક્ષણની પદ્ધતિ પંખીના કરતાં એટલી મોટી હતી કે પંખી ક્યાંય દેખાતું નહોતું.
પદ્ધતિ જોઈ મનમાં થાય કે પંખીને ન જોઈએ તોય ચાલે.
રાજાને ખાતરી થઈ ગઈ કે યોજનામાં કંઈ ખામી નથી.

હવે, પાંજરામાં નથી દાણા કે નથી પાણી ! માત્ર ઢગલો પોથીઓમાંથી ઢગલો પાનાં ફાડીને કલમની અણીએ એ પંખીના મોંમાં ઠાંસવાનું કામ ચાલી રહ્યું છે.
ગીત તો બંધ જ થઈ ગયું હતું ને હવે તો પંખીનો અવાજ પણ બહાર નથી આવતો !

બિચારૂ પંખી,
જો કદાચ પોતાના સ્વભાવ પ્રમાણે પાંજરામાં પાંખો ફફડાવે તો કહે,
“આ ગેરશિસ્ત !”
કોઈ વાર પાંજરાને ચાંચ મારીને મુક્ત થવા ઈચ્છે તો કહે
“આને એના ભવિષ્યની પડી જ નથી !”

બસ પંડિતોએ હવે તો એક હાથમાં કલમ અને બીજા હાથમાં સોટી લઈને ચલાવ્યું શિક્ષણ!

અંતે સૂકા પુસ્તકોના પાના ખાઈ ખાઈને....
બિચારા પંખી નું “પંખીપણું" મરી ગયું

...ને ભાણેજે જાહેર કર્યું કે
“પંખી શિક્ષીત થઈ ગયું"

*મૂળ વાર્તા*
🙏 *રવીન્દ્રનાથ ટાગોર* 🙏,

Friday, February 7, 2020

શરત બસ એટલી છે સૌપ્રથમ માણસ બની જઇએ..........



(સત્ય ઘટના)

એક નાની કાર આવીને એમની સામેથી નીકળી ગઇ. પછી ધીમી પડી, ઊભી રહી અને રિવર્સમાં સરકીને એમની પાસે આવીને થંભી ગઇ. બારણું ઊઘડ્યું. એક યુવાન બહાર નીકળ્યો. આ બે વૃદ્ધોનાં ચહેરા-મહોરા અને કપડાં જોઇને એણે સવાલ પૂછ્યો, ‘ગુજરાતથી આવ્યાં છો? કંઇ મુશ્કેલી? હું મદદ કરી શકું?

............. આ તો ટ્રેઇલર હતું... વાત હવે શરૂ થાય છે....

‘ઇ ડિયટ્સ! યુ ડર્ટી પિગ્ઝ! ગેટ આઉટ ફ્રોમ હિઅર! રાઇટ નાઉ એટ ધીસ વેરી મોમેન્ટ...’ અમેરિકાનું ન્યૂયોર્ક શહેર. રાતના દસ વાગ્યાનો સમય. વર્ષોથી સ્થાયી થયેલા એક ગુજરાતી પરિવારમાં ભજવાઇ રહેલું એક શરમજનક ર્દશ્ય.પોતાના ઘરે આશરો લઇને પડેલાં એક આધેડ પતિ-પત્નીને ઘરની સ્ત્રીએ ગાળો ભાંડીને, અપમાનિત કરીને ઘરમાંથી નીકળી જવાનો આદેશ ફરમાવી દીધો. બાવન વર્ષના બચુભાઇ અને પચાસ વર્ષનાં બબીબહેન હજુ માંડ એકાદ મહિના પહેલાં જ અમેરિકા આવ્યાં હતાં.

ખેડા જિલ્લાના નાનકડા શહેરમાં આવેલું મકાન વેચી સાટીને આવ્યાં હતાં. ત્રણ દીકરીઓને મોસાળમાં મૂકીને આવ્યાં હતાં. કોઇ પારકાના ઘરે નહોતાં આવ્યાં, બચુભાઇની મા જણી બહેનના ઘરે આવ્યા હતા. ઉમ્મીદ એટલી જ હતી કે શરૂઆતના છએક મહિના જો બહેન-બનેવી એમના ઘરમાં આશ્રય આપશે તો વિદેશની ધરતી ઉપર સ્થાયી થઇ જવાશે. દેશમાં ધંધો ચોપટ થઇ ગયો હતો અને ત્રણેય દીકરીઓ જુવાનીની ધાર ઉપર આવી ઊભવાની તૈયારીમાં હતી.

જો બધું બરાબર ચાલ્યું હોત તો આવું જ થઇ શક્યું હોત, પણ બચુભાઇની બહેનને બબીભાભી સાથે ફાવ્યું નહીં. નણંદ-ભાભીના યુગો જૂનાં વેર-ઝેર અહીં પણ નડી ગયાં. નણંદબા પંદર વર્ષથી અમેરિકાવાસી બનેલાં હોવાથી પૂરેપૂરાં પાશ્વાત્ય રંગમાં રંગાઇ ચૂક્યાં હતાં. ભાઇની મુશ્કેલીઓ, ભાભીના ગામઠી સંસ્કાર અને જુનવાણી રીતભાત એને હજમ ન થઇ શક્યાં. ન સ્થિતિ જોઇ, ન સમય અને કહી દીધું, ‘ગેટ આઉટ ફ્રોમ ધીસ હાઉસ!’બચુભાઇ અને બબીબહેન ચાર ચોપડી જેટલું ભણ્યાં હતાં.

બહેનના શ્રીમુખમાંથી સરી પડેલી ગાળો તો એમને ક્યાંથી સમજાય! પણ જે શૈલીમાં એ અંગ્રેજી વાક્યો ફેંકાયાં હતાં એ પ્રેમભર્યા કે નિર્દોષ તો નહોતાં જ એટલું એમને સમજાઇ ગયું અને બારણા તરફ ચિંધાયેલી આંગળી! બહેનને સમજાવવાનો કે કરગરવાનો કોઇ મતલબ ન હતો. છેલ્લા થોડાક દિવસોથી એનું વર્તન બગડતું જતું હતું. બચુભાઇ અને બબીબહેન પોતાનાં કપડાંની બેગો ઊંચકીને તે જ ક્ષણે ઘરમાંથી નીકળી ગયાં.

હાડ ઠારી દેતી ઠંડી, ગરમ વસ્ત્રોનો અભાવ, અંગ્રેજી બોલવા-સમજવાની અસમર્થતા અને તાજા કરપીણ ઘા જેવો આઘાત. બંને જણાં રસ્તાની ફૂટપાથ પર બેસી પડ્યાં. જાણે અધરાતે-મધરાતે કાતિલ ઠંડીમાં થીજી જઇને મોતના શરણમાં પહોંચી જવાની માનસિક તૈયારી ન કરી ચૂક્યાં હોય! એકાદ કલાક આમ જ પસાર થઇ ગયો. ત્યાં એક નાની કાર આવીને એમની સામેથી નીકળી ગઇ. પછી ધીમી પડી, ઊભી રહી અને રિવર્સમાં સરકીને એમની પાસે આવીને થંભી ગઇ. બારણું ઊઘડ્યું. એક યુવાન બહાર નીકળ્યો.આ બે થરથરતાં વૃદ્ધોનાં ચહેરા-મહોરા અને કપડાં જોઇને એણે શુદ્ધ ગુજરાતીમાં સવાલ પૂછ્યો, ‘ગુજરાતથી આવ્યાં છો? કંઇ મુશ્કેલી? હું મદદ કરી શકું?’સાવ સીધા-સાદા ત્રણ જ નાના સવાલો! પણ જે સંજોગોમાં એ સાંભળવા મળ્યા, એનો જ પ્રતાપ હશે કે જવાબમાં બે આધેડોની ચાર આંખોમાંથી મહી નદીનાં પાણી વહેવા લાગ્યાં. બચુભાઇએ જવાબ આપતાં પહેલાં આસમાન તરફ જોઇ લીધું, ‘વાહ રે, મારા રણછોડરાય! ડાકોરના ઠાકોર! તેં ખાતરી કરાવી દીધી કે તું ખરેખર છે!

નહીંતર મારી સગી બહેન અંગ્રેજીમાં ગાળો ભાંડતી હોય ત્યારે આ અજાણ્યો જુવાન મારી માતૃભાષામાં કાં વાત કરે...?’ બબીબહેને રડતાં-રડતાં પૂરી આપવીતી વર્ણવી દીધી. જુવાને કહ્યું, ‘યુ ડોન્ટ વરી! માફ કરજો, હું ગુજરાતીમાં બોલું છું. તમે ચિંતા ન કરશો. અત્યારે આવા સમયે તો હું બીજું શું કરી શકું? પણ તમે બેસી જાવ મારી કારમાં. હું એક રૂમ રાખીને રહું છું. આજની રાત તમે મારી સાથે રહેજો. પછી શાંતિથી વિચારીએ કે શું થઇ શકે તેમ છે.’

ગાડીમાં બેસીને બંને જણાં રૂમ પર ગયાં. યુવાન સૌરાષ્ટ્રના ગામડાનો હતો. અહીં ભણવા માટે આવ્યો હતો. સાથે નોકરી પણ કરતો હતો. પરસેવો પાડીને પૈસા કમાવા અને કરકસર કરીને ખર્ચ કાઢવો એ એનાં બે જીવનમંત્રો હતાં. એમાં આ બે જણાંનો બોજ આવી પડ્યો.ફ્રજિમાં ઠંડી પડી ગયેલી સેન્ડવિચ કાઢીને માઇક્રોવેવમાં ગરમ કરીને યુવાને મહેમાનોને ખવડાવી, પોતે પણ ખાધી. દૂધ પીવડાવ્યું. પછી જમીન ઉપર ત્રણ પથારી પાથરી દીધી.

બબીબહેન બોલી ગયાં, ‘બેટા, તારું નામ તો કહે!’‘ઋગ્વેદ! પણ અહીંના લોકો તો સાત પેઢી સુધી શીખે તો પણ આ નામ બોલી ન શકે. માટે મેં જ ટૂંકું કરી નાખ્યું. અહીં બધા મને રોકી કહીને બોલાવે છે, પણ તમે મને ઋગ્વેદ જ કહેજો.’બચુભાઇ હસી પડ્યા, ‘બેટા, મને તો કદાચેય ફાવશે, પણ આ તારી માસીને એવું અઘરું નામ નહીં ફાવે. એના માટે રોકી જ રહેવા દે!’ પછી ગંભીર થઇને ઉમેર્યું, ‘આજ રાત પૂરતી તો વાત છે. કાલે સવારે તો અહીંથી...’‘એવી ઉતાવળ કરવાની જરૂર નથી, અંકલ! હું આ ભાડાની રૂમમાં એકલો જ રહું છું. મારો અડધો દિવસ કોલેજમાં અને બાકીનો દિવસ ‘જોબ’માં પસાર થઇ જાય છે.

સવારે વહેલો નીકળી જાઉં છું, રાત્રે અગિયાર વાગે આવું છું. તમે જો અહીં હશો, તો મને બે વાતની નિરાંત રહેશે.’ મહેમાનોને પહાડ જેવા પાડનો ભાર ન લાગે એ માટે રોકીએ હસીને કહી દીધું, ‘સવારે જતી વખતે મારે બારણું ‘લોક’ નહીં કરવું પડે અને માસી જો ચા બનાવી આપશે તો મારે ભૂખ્યા પેટે નહીં જવું પડે.’‘આ શું બોલ્યો, રોકી બેટા? તારી આ માસી તારા માટે એકલી ચા જ નહીં, તાજો ગરમ નાસ્તો પણ બનાવી આપશે. અમારા ખેડા જિલ્લાની બાઇઓના હાથમાં ભગવાને આ એક તો જાદુ મૂક્યો છે.’

બીજા દિવસની સવારે બબીબહેને ચાની સાથે સ્વાદિષ્ટ ખમણ બનાવી આપ્યાં. પછી તો એક પ્રકારનો સ્વાદિષ્ટ સિલસિલો સ્થપાઇ ગયો. ઇડલી, ખીચું, મુઠિયાં, બટાકાપૌંવા, ઢોકળા, ઉપમા...! રોકીની મુશ્કેલી દૂર થઇ ગઇ. એ ક્યારેક આભાર માનવા માટે હોઠ ઊઘાડવા જતો, ત્યારે બબીબહેન રડી પડતાં, ‘અમે શું કરીએ છીએ, બેટા? ખરો ઉપકાર તો તું કરે છે. પારકા દેશમાં બે અજાણ્યા માણસોને આશરો આપીને! બેટા, મને એ તો કહે કે પૂર્વજન્મના ક્યા સંબંધે તું આ બધું કરી રહ્યો છે?’આ જગતમાં બધા સવાલોના કંઇ જવાબો નથી હોતા અને લાગણીની દુનિયામાં તો નથી જ હોતા.

બધું સરસ રીતે ગોઠવાતું ગયું. એકાદ મહિના પછી રોકીને વિચાર સૂÍયો, ‘અંકલ, એવું ન થઇ શકે કે માસીના હાથનો જાદુ આપણે બીજાની જીભ સુધી પણ પહોંચાડીએ? આ શહેરમાં મારા જેવા સેંકડો ભારતીય યુવાનો એવા છે કે જેઓ ભૂખ્યા પેટે ‘જોબ’ કરવા જાય છે અને ઠંડી સેન્ડવિચ ખાઇને ઊંઘી જાય છે. આપણે વેપારી દ્રષ્ટિએ એમને સગવડ પૂરી પાડી શકીએ?’થોડાક દિવસમાં એ પણ ગોઠવાઇ ગયું. રોકીએ પોતાની બચતમાંથી સરંજામ ખરીધ્યો.

એક ભાડૂતી વેન અને માણસ રાખી લીધો. બબીબે’ન રોજ પાંચ વાગ્યે ઊઠીને નાસ્તાઓ બનાવે અને બચુભાઇ ગ્રાહકોના ઘરે પહોંચાડી આપે. મહેનતનો પરસેવો મહેંકી ઊઠ્યો. ભારતના છોકરાઓ વતનમાં રહી ગયેલી મમ્મીઓને ભૂલી જવા માંડ્યા. ત્રીજા મહિને રોકીએ સાવ બાજુમાં એક બંધ પડેલી રેસ્ટોરન્ટ ભાડેથી લઇ લીધી. હિન્દીમાં બોર્ડ મારી દીધું: ભારતીય ઉપહાર કેન્દ્ર. સફિe ઇન્ડિયન્સ કે લિયે. દિવસભર નવરાં ન પડાય એટલા ઘરાકોની કતાર જામવા લાગી. ડોલર્સનો વરસાદ વરસવા માંડ્યો.દસ જ મહિનામાં ત્રણેય જણાં તરી ગયાં. એક સાંજે બચુભાઇએ વાત કાઢી, ‘રોકી! બેટા, અમારા માટે હવે એક અલગ મકાન શોધી કાઢ. તારા માથે બહુ દિવસો પડી લીધું. ના, બેટા, તારી કશી ભૂલચૂક નથી થઇ, પણ અમારો વિચાર એવો છે કે અમારી ત્રણેય દીકરીઓને અહીં બોલાવી લઇએ અને તારી સાથે કયો સંબંધ છે જેના કારણે અમે તારા માથે બોજ...?’‘બસ, અંકલ, હવે વધુ ન બોલશો. મકાન તો આપણે મોટું લેવું જ પડશે. ત્રણેય દીકરીઓને પણ તમે તેડાવી લો. પણ આપણે રહીશું તો સાથે જ.

એક બીજી વાત! તમે બંને વારંવાર પૂછ્યાં કરો છો ને આપણી વચ્ચે કોઇ સગાઇ કે સંબંધ નથી! હું તમને પૂછું છું-તમારી મોટી દીકરીનો હાથ મારા હાથમાં સોંપશો? પછી મારે તમને અંકલ અને માસી કહેવાની જરૂર નહીં રહે. અરે, પણ તમે બંને જવાબ આપવાને બદલે રડી શા માટે પડ્યાં? બોલો! કંઇક તો બોલો! બોલી ન શકો તો માથાં હલાવીને તો હા પાડો...’આવા સુખની તો બંનેએ સપનામાંયે કલ્પના નહોતી કરી. બચુભાઇએ અને બબીબહેને માથાં હલાવીને નહીં, પણ ઋગ્વેદના માથા ઉપર હાથ મૂકીને હા પાડી.

Wednesday, January 22, 2020

ખુશહાલ જીવન જીવતું કુટુંબ

ડોશો ડોશીને દવાખાને બતાવીને લાકડીને ટેકે ટેકે રીક્ષામાંથી ઉતરી ઘેર મોડે મોડે દોઢ વાગે પહોંચ્યા.
ત્યાં તો દરવાજો બંધ.તાળું મારેલ.😢 ડોશો ધ્રુજતા હાથે ખિસ્સામાથી મોબાઇલ કાઢે ત્યાં જ પાડોશીએ કહ્યુ તમારી વહુ ચાવી આપી ગઇ છે.💐એણે તાળું ખોલી આપ્યું. 👍
દંપતી અંદર પહોંચે ત્યાંજ વહુ પહોંચી ગઇ. 👍
ઝડપથી એક ગ્લાસમાં બાપુજી માટે માટલાનું અને એક ગ્લાસમાં હાંડાનું પાણી બા માટે લઇ આવી.
😢 લાલાની પેરેન્ટ્સ મીટીંગમાથી આવત્તા પંચર પડયું ને મોડું થયુ એવો અફસોસ કરતાં રસોડામાં જઇ ફટાફટ દાળ ગરમ મુકી. 👍
બા માટે ખમણેલી હળદર, બાપુજી માટે કટકા.....બાપુજીની દાળ ગરણીથી ગાળી નાખી.👌
થાકેલ બા ને ડાયનીન્ગ ટેબલને બદલે સોફા પર જ જમવાનું દેવાના હેતુથી થાળી વાટકો અને ગ્લાસ ટીપાઇ પર ગોઠવતી હતી ત્યાં ..... તો બાએ વહુનો હાથ પકડી લીધો.
વહુ કહે બા કેમ ..??? સારુ તો છે ને? કહી બા નાં પગ પાસે બેસી ગઇ.
બા એ દવાની કોથળી ખોલી એમાંથી દવાખાને જાતી વખતે વહુએ છાનુંમાનું મુકી દીધેલ બિસ્કીટનું પેકેટ ખોલી બે બિસ્કીટ વહુના મોઢામાં મુકી દીધાં.

વહુએ પુછ્યું બા તમે દવાખાને ખાધા નહીં ..???

બા કહે તને મુકીને હુ ઘરડી આખી ખાઇ લઉ ..??😊
ઘડીક શ્વાસ લે #જમકુ.#.. એમ પેટ નેમ થી બોલાવી........☺
વહુ બા નાં ખોળામા માથું રાખી દીધું ને આખો થાક ઉતરી ગ્યો. 😊
અચાનક વહુ કહે બા મારે એકાદશી હતી ..........!!!! બા કહે તુ અમને જે રીતે સાચવશ તને રોજ ભાગવત સપ્તાહનું પુણ્ય મળે છે. કહેતાં કહેતાં બે બિસ્કીટ પાછા મોઢામાં મુકી દીધાં....
ત્યાં તો સામેની ખુરશીમા બેઠેલા બાપુજીએ બિસ્કીટ માટે મોઢું ફાડી રાખેલ જે જોઇ સાસુ વહુ ખડખડાટ હસી પડ્યા .......
☺☺☺☺☺☺☺☺
આ બધાં પ્રસંગ વચ્ચે ઘરનો દરવાજો ખુલ્લો રહીં ગયો એ ખબર ન રહીં.
💐💐
ધ્યાન ગયુ ત્યારે દાદાની હયાતી ચેક કરવા આવેલ દોઢ લાખ પગાર વાળા બેન્ક મેનેજર આ બધુ દૃશ્ય જોઇ રડી રડી રહ્યાં હતાં.
😢😢😢😢😢😢
ખબર નહીં કેમ ...??????????
💐💐💐💐એક પ્રયત્ન 💐💐💐💐

સાભાર
અજ્ઞાત....