તળાવનાં પાણીમાં વહેલી સવારના એક માછલી વિચારમાં પડી: ” પાણી બહાર પશુ-પક્ષીઓ, જીવજંતુઓ કેટલાં આનંદમાં રહે છે.! મનમાં આવે તે પ્રમાણે એઓ કરી શકે છે. મારે કેમ ફક્ત પાણીમા જ રહેવું પડે ? …તે પણ આ તળાવમા જ રહેવું પડે ?”…આવા વિચાર સાથે તળાવ, જેઓનું ઘર હતુ, તે જેલ લાગ્યુ અને એક ધ્યાનમા રહી એણે પ્રભુને પ્રાર્થના કરી : “હે પ્રભુ ! તું દયાળુ છે., મને પાણી બહાર જીવી શકાય એવું જીવન આપ.” પ્રાર્થના સાંભળી પ્રભુ પ્રગટ થયા અને માછલીને કહ્યું “તથાસ્તુ ! તારી ઇચ્છા પ્રમાણે તને તારુ જીવન અને તારી ઇચ્છા પ્રમાણે તારા સગા-સ્નેહીઓને એઓનુ જીવન તુ આપી શકશે.!” આટલી પ્રભુવાણી બાદ, માછલી એના ધ્યાનમાંથી જાગ્રુત થઈ અને એવો કુદકો માર્યો કે સીધી તળાવની પાળે પડી. હવે, પાણી બહાર તે શ્વાસ લેતી હતી. બહાર ઠંડા પવનની મહેંક હતી. એ તો હર્ષથી નાચવા લાગી. અને તળાવ પાણી તરફ નજર કરી પૂકાર કર્યા “મિત્રો બહાર આવો હવે આપણે તળાવ ને પાણીની બહાર જીવી શકીયે છીએ. હવે, આપણે તળાવ ના કેદીઓ નથી.” આવા શબ્દો સાંભળી તળાવની સર્વે માછલીઓએ પાણી બહાર જોયું….તળાવ બહાર તળાવની એક પાળે માછલીના ન્રુત્યથી સૌને અચંબો થયો. જરા પણ વિચાર કર્યા વગર નાની-નાની અનેક માછલીઓ તેમજ વ્રુધ્ધ માછલીઓ તળાવ પાળે આવવા લાગી.મોટી મા-બાપ માછલીઓ તેમજ વ્રુધ્ધ માછલીઓ થોડા વિચારમાં પડ્યા “આ કંઈ સ્વપન તો નથીને ?” એમના બાળકોને તળાવ બહાર કાંઈ તકલીફ ન હતી. અનેક માછલીઓ એ તળાવ બહાર જવા નિર્ણય લીધો. કોઈ કુદકાં મારી તળાવ પાળે તો કોઈક ધીરેધીરે પેટે લસરી તળાવ પાળે પહોંચી. તળાવ પાસે થયેલ માછલીઓ ના ટોળામાંથી કોઈએ મોટા ઝાડના થડ નજીક, કોઈએ નાના છોડો નીચે તો કોઈએ પથ્થરો વચ્ચે પોતાના ઘર બનાવી દીધાં. તળાવ તરફ નજર કરી સૌએ તળાવની હાંસી ઉડાવી.
થોડો સમય આનંદમાં વહી ગયો. શાંત વાતાવરણ હતું. એવા શાંત સમયે ગામના ફળીયાની એક બિલાડી તળાવ નજીક આવી. માછલીઓની સુગંધથી એ લલચાય અને એ તો વહેલીવહેલી તળાવ પાળ આવી ગઈ.એક માછલીને તળાવ પાસે કુદકા મારતી નિહાળી અને એણે તો એક તરાપ મારી અને માછલીને એના મોંમા મૂકી દીધી. શાંતિથી બે-ત્રણ માછલીઓ નુ ભોજન કરી બિલાડી ચાલી ગઈ. ત્યાર બાદ, બે-ત્રણ ગોવાળનાં બાળકો માછલી પકડવાના સાધનો સાથે તળાવ પાસે આવ્યા. તાજીતાજી જીવતી માછલીઓ ને તળાવ પાસે રમતી નિહાળી એ ઓ તો હર્ષથી નાચવા લાગ્યા. અને કહેવા લાગ્યા : “હવે તો આ સાધનની જરૂર નથી.” ખુશી સાથે મનગમતી માછલીઓને પોતપોતાના વાસણોમાં મૂકી તળાવ પાળ છોડી ચાલ્યા ગયા. જતાં-જતાં એઓ કહેતાં ગયા : “માછલીઓ માટે ફરી આવીશું !”
હવે સાંજનો સમય થઈ ચૂક્યો હતો. પ્રથમ માછલી જેણે પ્રભુવાણી સાંભળી હતી એ હજું સલામત હતી. એણે બિલાડી અને ગોવાળના બાળકોને તળાવ પાસે નિહાળ્યા હતા.જે થયુ તેથી એ માછલી ફરી વિચારમાં પડી અને મનમાં કહેવા લાગી : ” આ જીવન તે કેવું ! જરાપણ સલામતી નથી. આના કરતાં તો તળાવમાં મારૂ જીવન સારૂ હતું.” આવા વિચાર સાથે એણે પ્રભુને ફરી યાદ કર્યા. પ્રભુએ દર્શન આપ્યા અને કહ્યું ” હું તારા પર ખુશ છું . તારી ઈચ્છા પૂર્ણ કરીશ. માંગ જે માંગવુ હોય તે માંગ !” પ્રભુના આવા શબ્દો સાંભળી માછલી પ્રભુને કહેવા લાગી : ” પ્રભુ, તમોએ મોટું તળાવ અમને આપ્યું હતું, તમોએ અમારા રક્ષણનો પણ વિચાર કર્યો હતો. હા, કોઈવાર મુસીબતો હતી, કિંન્તુ અમારૂ જીવન સલામત હતું. તળાવ અમારૂ ઘર છે…. એ જેલ નથી. દયા કરી પ્રભુ અમોને ફરી તળાવમાં જીવન જીવવાની શક્તિ આપો !” મુખ પર મીઠાં હાસ્ય સાથે પ્રભુ બોલ્યા: “તથાસ્તુ !” આટલું કહી પ્રભુ અદ્રશ્ય થઈ ગયા. માછલીઓએ તળાવ પાસેથી કુદકાં માર્યા અને તળાવના પાણીમાં સૌ આનંદથી તરવાં લાગ્યા.
સૌ આનંદથી તળાવમાં તરી રહ્યા હતાં ત્યારે એકસ્થાને સ્થિર થઈ પેલી માછલી ફરી વિચાર કરતી હતી “પ્રભુએ જે કાયામાં જેવી રીતે જન્મ આપ્યો એને સ્વીકારી આનંદ સહિત પ્રભુનો પાડ માનવો રહ્યો” બસ, આટલા વિચાર સાથે એ માછલીના અંધકાર દૂર થઈ ગયા હતા અને તળાવમાં તે આનંદ સહિત તરતી હતી. તળાવનો પોતાના ઘર તરીકે એણે સ્વીકાર કર્યો હતો, તળાવ હવે એને જેલ જેવું લાગતુ ન હતું.