Thursday, April 28, 2011

LIFE :: જીવનની સાર્થકતા (PART III)


તમને જીવનમાં કંઈક 
વિશેષ કરવાની ઈચ્છા હોય તો 
પ્રગતિ કરવાની તક શોધી કાઢો 
અને એ લક્ષ્ય તરફ સતત આગળ વધો 
તો આવી પરિસ્થિતિ અને ઉત્તમ અવસ્થાઓ પર 
પહોંચવાની શક્યતાઓ વધી જશે. 


શું આ પ્રકારનું વહેતી નદી જેવું જીવન દરેક જણ રાખી શકે ખરું ? જો કુદરતી રીતે વિચારવાની આ પ્રકારની પદ્ધતિ વિકસી ન હોય તો પણ યોગ્ય દિશા વિશે જાણ્યા પછી સતત પ્રયત્નો કરીને જાગૃતતા કેળવી શકાય છે. એક વાર મન જાગૃત થઈ જાય પછી એ પોતે જ આપોઆપ ઓછી અગ્રતાવાળા કામોને ઘટાડીને વધુ ને વધુ વિકાસને લગતાં કામો તરફ ધ્યાન કેન્દ્રિત કરવા લાગે છે. બર્થ-ડે પાર્ટી, ગેટ-ટુ-ગેધર, ઘરના સરસામાનની ખરીદી, ગાડીનું સમારકામ વગેરે જેવા અસંખ્ય ટાળી ન શકાયે એવા કામોની વચ્ચે પણ સમય ચોરીને જરૂરી કામો પ્રથમ થાય અને વિકાસને લગતાં કામો સૌથી પહેલાં થાય એવું મન ગોઠવી આપે છે. મનની આ જ તો ખૂબી છે ! પણ તકલીફ એ છે કે મનનો માલિક જ્યાં સુધી આ ખૂબીને વાપરે નહિ ત્યાં સુધી તે વણવપરાયેલી પડી રહે છે. જેમ કે, તમારી ગાડીના ચાર ગિયરમાંથી ચોથા ગિયરમાં વાહનને સૌથી વધારે ઝડપે હંકારવાની શક્તિ રહેલી છે. પરંતુ, જ્યાં સુધી એ ગિયર પાડો નહિ, ત્યાં સુધી ગાડી એ સ્પીડ પર જઈ શકે નહિ. આ પ્રકારની જાગૃત અવસ્થા જેટલી વહેલી આવે, એટલી પુખ્તતા વહેલી આવે અને એટલો જ જીવનનો વિકાસ ઝડપી થાય. જાગૃત અવસ્થામાં મનનો વિકાસ લોગેરિથમિક સ્કેલપ્રમાણે થાય છે; એટલે કે વિકાસ જ્યારે દસગણો થાય ત્યારે એને ડબલ થયો કહેવાય અને સો ગણો થાય ત્યારે ત્રણગણો ! ટૂંકમાં, વિકાસ જેટલો ઝડપી થાય એમ માણસ વધુ ઝડપથી આપોઆપ વધુને વધુ સારી રીતે વિકસ્યા કરે.

આ પ્રકારનું જીવન જીવવાથી વ્યક્તિમાં નવો આત્મવિશ્વાસ ઊભો થાય છે. કોઈ એક સમયે તે ભયમુક્ત બનીને જીવન જીવતો થઈ જાય છે. આ ભયમુક્ત જીવન માણસના મનને એવી અવસ્થામાં લઈ જાય છે જેના પર પ્રબુદ્ધ લોકો પહોંચ્યા હોય છે. જ્યારે મનની સંતુલિત અવસ્થા હોય ત્યારે વ્યક્તિ અંદરથી મજબૂત બને છે. એના અવાજમાં ગજબની શાંતિ અનુભવાય છે. સામાન્ય વ્યક્તિઓની જેમ હાંફળા-ફાંફળા થઈને, ચિંતિત બનીને ઊંચા જીવે દોડાદોડ કર્યા કરવાની એની અવસ્થા બદલાઈ જાય છે. ચિંતાને સ્થાને નૂતન દષ્ટિકોણ, આળસના બદલે પ્રવૃત્તિ અને દોડાદોડની જગ્યાએ શિસ્તબદ્ધ આયોજન શરૂ થાય છે. પરિણામની ચિંતાને બદલે સર્જનનો આનંદ મનમાં વ્યાપી જાય છે. આત્મા જેમ સત્ત, ચિત્ત અને આનંદ સિવાય બીજા કશા તરફ ગતિ કરતો નથી એ રીતે મન સૃષ્ટિના સ્પંદનો સાથે તાદાત્મય સાધી લે છે, જેથી મન એના પ્રાકૃતિક મૂળ સ્વરૂપમાં પાછું ફરે છે. આને વગર ધ્યાને સમાધિ કહી શકીએ ! આ સ્થિતિમાં પડકારો તકમાં ફેરવાઈ જાય છે અને જીવનનો અનુભવ દરેક ક્ષણે સાર્થક થતો જાય છે. ડરના સ્થાને હિંમત અને ઉચાટના સ્થાને વિસ્મયનો ભાવ ઊભો થાય છે. જેમ ભગવાન બુદ્ધ માટે આગાહી હતી કે તેઓ ચક્રવર્તી સમ્રાટ અથવા પ્રબુદ્ધ સંન્યાસી થશે.. એવી રીતે જો વિકાસનો સાચો પંથ મળી જાય તો માનસિક અવસ્થા સંસારમાં રહેવા છતાં ધ્યાન કરનારા યોગી જેવી થઈ રહે છે.


શ્રી વિરેનભાઈ શાહ (ટેક્સાસ, અમેરિકા)

No comments:

Post a Comment