Tuesday, April 19, 2011

LIFE :: જીવનની સાર્થકતા (PART II)


લોકો નોકરી-બાળકો અને સામાજિક જવાબદારીઓની ઘરેડમાં એવા તો જકડાઈ જાય છે કે ચક્કરની જેમ બસ ગોળગોળ ફર્યા કરે છે ! એ બધાની વચ્ચે માણસનો વ્યક્તિગત વિકાસ સાવ શૂન્ય થઈ જાય છે.
આમાં વ્યક્તિનો વાંક ઓછો છે કારણ કે માણસ સંજોગોનો શિકાર બનતો હોય છે. પણ તેમ છતાં, અમુક ટકા લોકો એવા છે જે કોઈ પણ સંજોગોમાં પોતાનો વ્યક્તિગત વિકાસ જાળવી રાખે છે. શાળાના દિવસો દરમ્યાન થતી શીખવાની ઈચ્છા, કૂતુહલ કે ઉત્સુકતાને તેઓ આજીવન સાચવી શકે છે. જે લોકો આ જાળવી શકે છે તેઓ બીજા સામાન્ય લોકોથી જુદા પડે છે. આ પ્રકારના લોકોને એક વસ્તુ ખબર હોય છે કે એમને શું જોઈએ છે અને તેથી એ લોકો સતત નવું શીખવાનું અને જાણવાનું ચાલુ જ રાખે છે. દર વર્ષે કે દર મહિને એ લોકો પોતાની જાતને અપગ્રેડકરતા રહે છે અને તેમને એમ કરવાનો આનંદ આવે છે. જીવનમાં કશુંક નવું જાણતા રહેવાની આ પ્રક્રિયા એમને ઘણા ફાયદાઓ કરી આપે છે. જેમ કે, આ પ્રકારના લોકો માનસિક રીતે વધુ તંદુરસ્ત અને વિકટ પરિસ્થિતિઓમાં પણ પોતાનું માનસિક સંતુલન જાળવી શકે તેવા બની રહે છે. તેઓને શારીરિક તંદુરસ્તીનો લાભ પણ મળતો રહે છે કારણ કે સંપૂર્ણ માનસિક શાંતિ એમના શરીરને સ્વસ્થ રાખવામાં મદદરૂપ થાય છે. આ લોકો જીવનના પ્રશ્નોથી ઝટ ગભરાઈ ઊઠતા નથી. તેઓ જીવનમાં પ્રશ્નો અને સમસ્યાઓ ઊભી જ ન થાય એ પ્રકારનું આગોતરું આયોજન કરનારા હોય છે.
આ સાથે ઉત્સાહથી જીવન જીવનારને બીજો ફાયદો એ થાય છે કે એના વિચારોની સ્થિરતા એને સારો એવો આર્થિક ફાયદો પણ કરી આપે છે. તેઓ જીવનના અંત સમયે પણ પૈસે-ટકે સ્થિર રહી શકે છે. વિશ્વ-પ્રવાસની પોતાની ઈચ્છાઓ પૂરી કરી શકે છે. વિશ્વની સંસ્કૃતિઓની અનુભૂતિ માણી શકે છે. એમનું નિવૃત્ત જીવન એવી રીતે પસાર થાય છે જેવું અગણિત લોકો પોતાના સપનામાં આદર્શ રૂપે જોતા હોય છે ! જીવનના અંતે એમને પોતાની અંદરથી એક હાશકારો મહેસૂસ થાય છે કે જીવન ખૂબ સફળતાપૂર્વક પસાર થયું અને કોઈ કામ ખોટું થયાનો એમને રંજ રહેતો નથી.

No comments:

Post a Comment