Saturday, June 15, 2019

આજનું શિક્ષણ વાલીઓ અને બાળકો

અત્યારે આખા દેશમાં સૌથી દયનીય હાલત હોય તો અહીંના શિક્ષણની અને બાળકોની છે. બાળકોને તો એ હદે તાલીમ અપાઈ રહી છે કે, બાળકો અને તેમના માતા-પિતા વચ્ચે અંતર વધી રહ્યું છે.

આ ભણેલી-ગણેલી-સોફીસ્ટીકેટેડ મમ્મી-પપ્પાઓની એવી ભયંકર પેઢી ઉભી થઇ છે જે એમના બાળકોને એવી તે રેટ-રેસમાં મૂકીને એમના પરફોર્મન્સ અને ટકાવારી ઉપર ગર્વ લઇ રહી છે! પ્રાઈવેટ શાળાઓ અને કલાસીસનો રાફડો ફાટ્યો છે, અને વાંક એમાં શાળા કે કલાસીસ વાળા નો નથી. દરેક મા-બાપ ચારેતરફ પોતાના એકના એક ફૂલ ને એક્સ્ટ્રા-શિક્ષણની તકલાદી પાંખો ચડાવીને સફળતાના આકાશમાં ફંગોળી રહ્યા છે, અને કહે છે કે, અમારૂ બાળક કેટલું ટેલેન્ટેડ છે! અરે આ તો પોપટીયું જ્ઞાન છે.



માતા-પિતા જે પોતે મહેનત કરી પણ પોતાના લક્ષ્ય સુધી ન પહોચી શક્યા અને પોતાના જન્મ આપેલા જીવને મોંઘીદાટ સ્કૂલમાં ભણવા પર ભાર દેશે. વળી બાળક ઘરે આવે એટલે પરાણે ખવડાવશે, સુવાડશે, અને ઉઠે એટલે સીધો ટયુશનમાં: આતે કેવી જિંદગી આપો છો તમારા જીવથી વ્હાલા સંતાનને. ટ્યુશનથી આવે એટલે અડધો-એક કલાક અમુક “સ્પેસીફીક, સેઈફ, અને ચોખ્ખા’ એરિયામાં મા-બાપે પસંદ કરેલા મિત્રો સાથે જ રમવાનું, રમત ચાલુ થતી હોય ત્યાં સાંજનું જમવાનું, પછી મા-બાપનો સિરીયલોનો સમય! અને પછી થોડીવાર આખા પરિવારે મોબાઈલમાં રમીને સુઈ જવાનું! આવી જીંદગી હોય બાળકની? આ શું બનશે એની ઉપાધી છે તમને? તમને એમ છે કે તમારા છોકરા તમારું નામ રોશન કરશે!



જો તમે તમારી પ્રતિકૃતિને સફળ અને એક અલગ વ્યક્તિત્વ આપવા માંગો છો તો તેને ધીરજ, સંયમ, સહનશીલતા અને પડકાર સામે ઝઝૂમવાનું કૌશલ્ય આપો એ જિંદગી ના છેલ્લા શ્વાસ સુધી તમારો સાથ નહિ છોડે.

આ બાળકોની પેઢી અપડેટ થઈને આવતી હોય છે. એમને માઉસ કેમ પકડવું કે મોબાઇલમાં ગેમ કેમ રમવી એ શીખવવું નહીં પડે. એમના સવાલો અલગ હશે, જવાબો અલગ હશે. એની ‘સામે પગલા ન ભરો, એની ‘સાથે’ પગલા ભરો. એને સ્કૂલ-ટયુશનના ઝેરી ચક્રોમાં દોડાવીને રેસના ઘોડા ન બનાવો, એને એના દોસ્તારો સાથે રખડવા દો, ઝઘડવા દો, કોઈના બે લાફાં ખાવા દો, અને અન્યાય થતો હોય તો કોઈને બે લાફો મારીને આવે એવી અંદરની તાકાત તે એકલા કેળવવા દો.

આજે એ શેરીમાં ખુલ્લે પગે દોડ્યો હશે તો ભવિષ્યમાં કયારેય એકેય ક્ષેત્રમાં પોતાના પગમાં પડતા છાલાની ઉપાધી નહી કરે. આજે માટી-ધૂળમાં રમ્યો હશે કે અંધારામાં મોડી રાત સુધી બહાર રખડ્યો હશે તો કાલે ઉઠીને મૂછે વડ દઈ શકે એવો મરદ કે મારફાડ વંટોળ જેવી વીરાંગના પેદા થશે.

આ એકવીસમી પેઢીના મા-બાપ કઈ ગમાર કે અભણ તો નથી જ ! બધા સ્કૂલે ગયેલા છે અને એમણે પોતે જીંદગીભર શિક્ષણપ્રથાને અને સ્કૂલને ગાળો જ આપી છે. પોતાની મહેનતુ જિંદગી માં સવારથી સાંજ સુધી કશું મેળવી શક્યા નથી એટલે સંતાનોના બાળપણ જીવન છીનવી લેવા ઉભાં થયા છે. એમને કડવી વાત કહો એટલે કહેશે કે પણ શું કરો બધાના છોકરાઓ આજ કાલ આવી રીતે જ ભણે છે. અરે ભાઈ બધા ની વાત છોડો તમે તમારા ફૂલ ને કઈક નવા રંગો આપોને… બેટા તારી ભૂલ થોડી થાય એમ કહીને સમજાવવા ની શરૂઆત કરો તો જિંદગીઓ બદલાઈ જાશે.



દરેક બાળક બાળપણથી હોંશિયાર હોય છે. એકનો એક દીકરો હોય, અને રસ્તે રખડતાં કોઈ વાહનની ઠેબે ભૂલથી આવીને મરી જશે એવો ડર લાગતો હોય તો સંતાન જ ન કરાય. આ દુનિયામાં લાવ્યા છો તો એને દિવસના અમુક કલાક એની પોતાની જીંદગી આપો. સાવ છૂટો મુકો. મોબાઇલ-ટીવીસાઈકલ-સ્પોર્ટ્સ-બુકસ-ક્રિકેટ-ગલ્લીદંડા, કેરમ, ચેસ રમવા કે ધમાલ મસ્તી કરવા દો. એમને ભવિષ્યની તાલીમ દેવાની જરૂર નથી. એનામાં ખૂમારીહિંમત-અને પ્રતિભા ખીલવવી હોય તો એના ગળા પર મુકેલા ધોંસરા કાઢીને તમે ડીઝાઇન કરેલા ખેતરમાં એને બળદની જેમ હાંકવાનું બંધ કરો.

ઠોઠ નિશાળીયો ભલે બને. બનવા દો. આપણા ભણતર આમેય તમને કયાં કામ આવ્યા છે તે એને આવશે એમ સમજીને એને માત્ર સ્કૂલમાં જરૂરી મદદ કરો. ટ્યુશન કે રીઝલ્ટની રેસમાં ન ચડાવો. બાળકનું કરિયર તમે પ્લાન ન કરો. એને સમય પર છોડી દો. પહેલા એને જીવવા દો. તમારા જે ધર્મ, રૂપિયા, સમાજ, અને જીવન પ્રત્યેના વિચાર છે એ તમારા સમયમાં સાચા હશે, પણ આ બાળકો મોટા થશે એટલે બધું બદલી જવાનું છે.

ગુજરાતી મિડીયમમાં મૂક્યો હોય તો ઘરે “એને ગમે ત્યારે જ બેસાડીને સારું અંગ્રેજી શીખવો, અને અંગ્રેજીમાં મૂક્યો હોય તો ઘરે એને સારું ગુજરાતી શીખવો. બસ. વાર્તા પૂરી. આ સાર છે તમારા બાબા-બેબીને ક્યાં મીડીયમમાં મુકવું એનો. (બાબા શબ્દ ગુજરાતીઓએ બનાવેલ છે.) એની ચર્ચા ના હોય કેહજાર માણસને પૂછવાનું ન હોય. તમારે ઘરે કેવું વાતાવરણ છે એમાંથી એ વધુ શીખશે. અને તમે જે અંગ્રેજી-ગુજરાતી મિક્સ કરીને એને દુનિયાદારી શીખવો છો એ ભવિષ્યમાં એને ખુબ હેરાન કરશે. એ કયાંયનો નહી રહે. સારું અંગ્રેજી આવડે તો તમારી સાથે ગુજુ કોમ્યુનિકેશન ટાળશે, અને ગુજરાતી જ ખાલી આવડે તો તમને કોસશે કે અંગ્રેજી કેમ શીખું જ્ઞાનને કોઈ ભાષા નડતી નથી. એની ભૂખ હોય છે. જ્ઞાનની ભૂખ હોય એ બધું શીખી લે છે. આ ફાનની ભૂખ બાળપણમાં રખડવા દેશો, અને ભૂલો કરવા દેશો એટલે આપોઆપ જાગશે. ક્યારેક ગટરમાં રખડે તો પગ ગંદો થશે પણ શારીરિક રીતે રોગપ્રતિકારક શક્તિ વધશે, અને માંદો ઓછો પડશે. વરસાદમાં પલળે તો કુદરત શું છે એ આ જમાનામાં ખબર પડશે. બાકી તો તમારી જેમ જ મોટો થઈને જીંદગી જીવવા માટે પોતાના બાળકોને શીખવતો રહેશે.

એ ક્યારેક એમ કહે ને કે મને વાર્તા સંભળાવો કે અમુક પુસ્તકો લઇ આપો તો પેટે પાટા બાંધીને પણ ખર્ચ કરી લેશે. એ બેડ ટાઈમ સ્ટોરી સાંભળવા માંગતો હોય તો રોજે તૈયારી કરીને એની પાસે જજો. જેઠાલાલના સંસ્કારી એપિસોડ કરતા તેને લાખો કલ્પના ભરેલી વાર્તાઓ કહેજો, પુસ્તકો વાંચતા શીખવજો. આ ભાથું એ બાળપણમાં જ માગશે, અને જો આપ્યું તો દેશનો સારો નાગરિક બનીને નામ રોશન કરશે. પરંતુ એને સ્કૂલ-ટ્યુશનના હોમવર્ક ઢસરડા કરીને ઊંચા ટકાની રેસમાં ન ફેંકશો.

સાભાર
– રાકેશ નાકરાણી
Patelsamaj.co.m

No comments:

Post a Comment