Saturday, June 8, 2019

સુપર ૩૦ (પ્રેરણાદાયી સત્ય વાર્તા )

એક બાળક જેનું નામ અનુપ. બિહાર રાજ્યના સાસારામ જિલ્લાના એક નાનકડા ગામમાં વસતો હતો. આ બાળકને એક દિવસ ખૂબ ભૂખ લાગી. ઘરમાં કઈં જ ખાવાનું ન હતું. બાળક રોકકળ કરે છે. મા-બાપ માટે કોઈ વિકલ્પ નથી. પિતા કહે છે,” તુ, ચૂલા પર પાણી ગરમ મૂક. હું ક્યાંકથી ચોખાની વ્યવસ્થા કરું છું. આપણે ભાત અને મીઠું ખાઈ લઈશું.” પિતા ચોખા લેવા ગયા. આજદિન સુધી પાછા આવ્યા નથી. આ બાળકના આગળ જતાં બોર્ડમાં સારા માર્ક્સ આવ્યાં. આગળ ભણવું હતું. પણ જે મા-દિકરાના પગમાં પહેરવાના ચંપલ ન હોય તે શું કરી શકે ? મને ઘણીવાર લોકોની ધાર્મિકતા અને ઉડાઉ ખર્ચા પર એટલે જ ગુસ્સો આવે છે કે ધાર્મિક સંસ્થાઓમાં લાખોનું દાન કરે છે- બેંકકોકમાં જઈને મસાજ કરાવે છે પણ અનુપ જેવાં માટે કઈં જ નહીં.

મા-દિકરો સાસારામથી પટના મદદ મેળવવા માટે આવ્યાં. પાંચ દિવસ ઉઘાડા પગે ફર્યાં. નિરાશા મળી. કોઈકે એક સેવાભાવી શિક્ષકનું નામ આપ્યું. ત્યાં મળવા ગયા. બાળકની ટેલેન્ટ જોઈને એ શિક્ષકે પોતાની સંસ્થામાં રાખી લીધો. આગળ જતાં આ બાળકે ભારતની સૌથી ટફ ગણાતી આઈ.આઈ.ટી.(બોમ્બે) પાસ કરી. તેની પહેલી નોકરી દુબઈના બુર્જ ખલીફામાં લાગી. હવે તેણે નોકરી છોડી દીધી છે. પવઈમાં પોતાનો બિઝનેસ ચાલુ કર્યો છે. આ આખી સ્ટોરીનો મેઈન હીરો પેલો શિક્ષક અને તેની સંસ્થા....આનંદકુમાર અને સુપર ૩૦.

આનંદકુમાર બિહારમાં સુપર ૩૦ સંસ્થા ચલાવે છે. જેમાં દર વર્ષે એક ટેસ્ટ લઈને રાજ્યના અતિ ગરીબ પ્રતિભાશાળી બાળકોને પ્રવેશ આપે છે. દર વર્ષે માત્ર ૩૦ સ્ટુડન્ટને જ પ્રવેશ મળે છે. આ વિદ્યાર્થીઓની પાસેથી કોઈપણ પ્રકારની ફી લેવામાં આવતી નથી. આ તમામ વિદ્યાર્થીઓને આનંદકુમાર પોતાના ઘરે રાખે છે, ભણાવે છે, તેઓનો ખાવા-પીવાનો તમામ ખર્ચ ભોગવે છે. આ માટે આનંદકુમાર સરકાર પાસેથી, કોઈ સંસ્થા પાસેથી કે કોઈ ઉધોગગૃહ પાસેથી એક પૈસો લેતાં નથી.

તેમના ભાઈ, માતા, પત્ની વગેરે સૌ આ ગરીબ અને હોનહાર બાળકો માટેની તમામ વ્યવસ્થા કરે છે. આનંદકુમાર માને છે કે, કુદરતે આ બાળકો પ્રત્યે અન્યાય કર્યો છે. તેમને પ્રતિભા આપી પણ સાધનો ન આપ્યાં. સુપર-૩૦ ની સ્થાપના ૨૦૦૨માં કરવામાં આવી હતી. અત્યાર સુધીમાં તેમાં ૪૮૦ ગરીબ બાળકો કોચિંગ મેળવી ચૂકયા છે તે પૈકી ૪૨૮ બાળકોએ દેશની જુદી-જુદી આઈ.આઈ.ટીઓમાં પ્રવેશ મેળવી પોતાની જિંદગી સુધારી લીધી છે.(આઈ.આઈ.ટીમાં પ્રવેશ મેળવવો કેટલો અઘરો છે તે કોઈ એન્જિનિયરીંગના સ્ટુડન્ટને પૂછી જોજો...) બાકીના પણ ક્યાંક ને ક્યાંક સેટ થઈ ગયા છે.

પૈસાદાર અને રાજકારણીઓએ ગરીબોની પ્રગતિમાં રૂકાવટ માટે ઘણાં મોટાં-મોટાં ખાડા ખોદી રાખ્યા છે. પોતાના લોકો માટે લિસ્સા અને ચમકદાર રસ્તાઓ બનાવી લીધાં છે. આનંદકુમારની એવી ફીલોસોફી છે કે, આ જ ખાડાઓએ સુપર-૩૦ ના બાળકોને મોટી અને લાંબી છલાંગો લગાવતા શીખવી દીધું છે. આનંદકુમારે ધાર્યું હોત તો ....પોતાની શિક્ષક તરીકેની આવડતથી લાખો-કરોડો રૂપિયા કમાઈ શક્યા હોત.

તેઓ એક ઉચ્ચ કક્ષાના ગણિતશાસ્ત્રી છે. બરાક ઓબામાથી લઈને ટાઈમ્સ મેગેઝીને પણ તેઓના કામની નોંધ લીધી છે. દેશના રાષ્ટ્રપતિ થી માંડીને મુખ્યમંત્રીઓ સુધીનાઓએ તેમની સંસ્થાની મુલાકાત લઈ, તેમના કાર્યને બિરદાવ્યું છે. આનંદકુમાર પેલા ૩૦ બાળકોનો બધો ખર્ચ કઈ રીતે કાઢતા હશે ? એ માટે તેઓ પટનામાં જ ‘રામાનુજ સ્કૂલ ઓફ મેથેમેટીક્સ’ કોચિંગ ક્લાસ ચલાવે છે. જેમાં ૩૦૦ થી ૫૦૦ વિદ્યાર્થીઓ આવે છે. તેની ફીમાંથી જે આવક થાય તે આ ગરીબ બાળકોના ભણતર પાછળ ખર્ચ કરવામાં આવે છે. બોલો, મહેનત કરી પૈસા કમાઈને ગરીબ બાળકોને આગળ વધારવા વાપરવાના.....

આનંદકુમારને સામાજ સામે એક આક્રોશ છે કે, આપણો સમાજ ગરીબ વિદ્યાર્થીઓને મદદ કરતો નથી એટલે જ રાજાનો દિકરો રાજા બની રહ્યો છે. હવે રાજાનો દિકરો રાજા નહીં બને. હવે રાજા એ જ બનશે જે હકદાર હશે !!! સુપર-૩૦ ની સોસિયલ ઈમ્પેક્ટ પડી છે. દેશના કેટલાય રાજ્યોમાં આવી સંસ્થાઓ ખુલી છે જે ગરીબ પ્રતિભાશાળી બાળકોને મદદ કરી રહી છે. જો તમે એક શિક્ષક હોવ તો તમને જીવંત દંતકથા સમાન આનંદકુમાર જેવો પ્રેરણાસ્ત્રોત ક્યારેય નહીં મળે. જો દેશના દરેક શિક્ષક આનંદકુમાર જેવી વિચારસરણીવાળા બની જાય તો ???


આભાર
......
ફિલ્મવિવેચક મિત્ર
જે.કે.સાંઈ (તેમની ફેસબુક દીવાલ પરથી)

No comments:

Post a Comment