આપણી કહેવતો જણાવે છે કે ફરે તે ચરે અને જીવ્યા કરતાં જોયું ભલું, પણ બીજી તરફ એવી જ એક કહેવત છે કે મન ચંગા તો કથરોટ મેં ગંગા મતલબ કે ક્યાંય ન જાવ તો પણ આનંદ તમારા આંગણામાં જ છે. આ બધી વિરોધાભાસી બાબતોમાંથી તારણ શું કાઢવું? રજા માણવાની શ્રેષ્ઠ રીત કઈ? પ્રવાસમાંથી મહત્તમ આનંદ કઈ રીતે લૂંટી શકાય? આવો, જાણો.- શુભકામના પ્રસાદ ખાન
કામ, કુટુંબ અને સામાજિક જવાબદારીઓ સિવાય રજા એ ફુરસદની એક એવી પ્રવૃત્તિ છે, જે વ્યક્તિ એકવિધતાને તોડવા, આરામ અને મનોરંજન માટે પોતાની ઇચ્છાથી કરે છે.- જોફ્રે દિમાજદિયર, સમાજશાસ્ત્રી
તમારે વર્ષના ૩૬૫ દિવસ કામ કર્યા કરવું પડે અને એક દિવસ અચાનક કહેવામાં આવે કે તમને એક વર્ષની રજા આપવામાં આવે છે, તો તમે શું કરશો? આનંદથી પાગલ થઇ જશો? કે કામ વિના કરવું શું એના વિચારમાં ઉદાસ થઈ જશો? સમાજશાસ્ત્રીઓ અને મનોવિજ્ઞાનીઓ આને જિંદગીના સંતુલનનો ‘તુંડે તુંડે પ્રભાવ ભિન્ના’ ગણાવે છે. દરેક થાકેલા માણસને પોતાની ઊર્જા મેળવવા આરામ તો જોઈએ જ, પણ કોને કેવી રીતે આરામ મળે એનો આધાર તો જે તે વ્યક્તિના સ્વભાવ અને મૂડ પર હોય છે.
પ્રવાસ તમને કામ અને આરામ બન્નેનો આનંદ આપીને શક્તિ પૂરી પાડે છે, કારણ કે જૂદી સંસ્કૃતિના સંપર્કમાં આવવાથી તમને નવિનતાનો અનુભવ થાય છે અને તમારી વિસ્મયવૃત્તિને પોષણ મળે છે. રોમાંચ અને રાહત આનંદના બે છેડા છે, પણ રોજબરોજની જિંદગીમાં મોટા ભાગના લોકો આ બન્નેને ઊંડાણથી અનુભવી નથી શકતા, નહીંતર રજાની જરૂર જ ન પડતી હોત. કેવી રીતે, ચાલો એ જોઇએ-
રવિ રાવલ મુંબઇના મિડીયા ગ્રુપમાં કાર્યરત છે. આખું અઠવાડિયું ઓફિસમાં મોડે સુધી કામ કર્યા બાદ તેઓ પંદર દિવસમાં એક વખત પોતાના કુટુંબ સાથે વીક એંડ(શનિ-રવિવાર) માણવા માટે મુંબઇની આસપાસ ફરવા ચાલ્યા જાય છે. બે દિવસનો આ નાનકડો બ્રેક તેમને ફ્રેશ બનાવી દે છે. ફરી પાછા ડ્યુટી ઉપર આવે છે ત્યારે વધુ સારી રીતે કોન્સન્ટ્રેશન કરી શકે છે. રાહુલ રાજડા રેલવેમાં એક ઊરચ હોદ્દા ઉપર છે. કામના કલાકો અનિશ્વિત હોવાથી ચોવીસ કલાકની નોકરી.
રાહુલ પંદર દિવસે અથવા વધુમાં વધુ એક મહિના પછી ક્યાંક ન જતાં ત્રણ દિવસની રજા લઇ ઘરે જ આરામ કરવાનું પસંદ કરે છે. અભિષેક આચાર્ય એક મલ્ટીનેશનલ બેંકમાં નોકરી કરે છે. મહેનતુ છે અને ઘડિયાળના કાંટા સામે નથી જોતા. તેઓ પંદર દિવસમાં ઓછામાં ઓછા એક વખત તો બિઝનેસ ટ્રીપનું પ્લાનિંગ કરી બીજા કોઇ શહેર ચાલ્યા જાય છે. તેમના માટે આ કામની સાથે તાજગી મેળવવાની એક પ્રવૃત્તિ સાબિત થાય છે.
કલ્પના કરો કે એક છે મિસ્ટર એક્સ, બીજા વાય અને ત્રીજા ઝેડ. પંદર દિવસના કામ પછી ત્રણેને ત્રણ દિવસની રજા મંજૂર કરવામાં આવી છે. મિસ્ટર એક્સ વિચાર કરે છે કે પંદર દિવસના કામ પહેલાં ત્રણ દિવસની રજા મળે તો બાકીના પંદર દિવસ સારા જાય. વાય સાહેબ વિચાર કરે છે કે આ ત્રણ દિવસ જો હમણાં ન મળે અને સતત ત્રીસ દિવસનું કામ કરાવ્યા બાદ એક સાથે છ દિવસની રજા મંજૂર થાય તો મજા પડી જાય. મિસ્ટર ઝેડ વિચારે છે કે આ ત્રણ દિવસનો શો અર્થ છે, જ્યારે પાછા આવ્યા બાદ ફરી પંદર દિવસ કામમાં જ જોતરાઈ જવાનું છે.
આ ત્રણે વ્યક્તિઓથી જુદા પડે છે શ્રીમાન અ. તેમને પંદર દિવસના કામમાં એટલી જ મજા પડે છે, જેટલી ત્રણ દિવસની રજાઓમાં. રજાઓમાં પણ તેઓ ઘરના વાતાવરણને એટલું મનોરંજક બનાવી દે છે, જેટલું ઓફિસના કામને. હકીકતમાં તેમના માટે ઘર અને ઓફિસ બન્નો શક્તિ આપનારાં સ્થળો છે. રજાઓ જો મળે તો પણ સારું અન્યથા મોડી રાત સુધી નવલકથા વાંચવી તેમને એટલો જ આનંદ આપે છે, જેટલો રજાના દિવસે ફિલ્મ જોવાનો કાર્યક્રમ. તેમને મન દૂરનો દેશ કે ગલીનું નાકું, બન્નો સરખા છે.
તમે વિચારી શકો છો કે રજાની ખરી મજા કોણ માણી રહ્યું છે. ટેન્શન અને સ્ટ્રેસ સાથે લડવાનું મૂળ તત્વ આપણી અંદરથી આવે છે. મુસાફરી ફુરસદ અને ઊર્જાનો મેળ કરાવીને તમને ત્યારે જ શક્તિશાળી બનાવી શકે છે, જ્યારે તમે જિંદગીને નકામો બોજો ન માનતા હોવ. જીવનમાં તાણ, કંટાળો, અફસોસ અને થાક એવી અવસ્થાઓ છે, જે વ્યક્તિની કામ કરવાની ગતિ અને ક્ષમતાને ધીમી કરી દઇને જીવનને નીરસ બનાવી શકે છે. મનોવિજ્ઞાન કહે છે કે થોડી ફુરસદ અથવા રજા માણસના મગજને સ્થિર અને શરીરનાં અવયવોને શાંત બનાવી તેને નવી શક્તિ આપે છે.
સતત અને અત્યંત તણાવની માણસના જીવન ઉપર નકારાત્મક અસર પડે છે. તેનાથી બ્લડપ્રેશર, થાક, અફસોસ, આશંકા જેવી તકલીફોનો સામનો કરવો પડે છે. સાથે સાથે મનુષ્યમાં કંટાળાની એક એવી ભાવના પેદા થાય છે, જેનાથી તે દૂર રહેવા માગે છે, તેમ છતાં તે મગજમાં ઘૂસી જ જાય છે. આ એક એવી માનસિક સ્થિતિ છે, જેમાં વ્યક્તિ શારીરિક રીતે પૂર્ણપણે સ્વસ્થ હોવા છતાં મગજ વડે અનુભવી શકાતી ઉત્તેજના (હકારાત્મક અથવા નકારાત્મક) અને બહારના પ્રોત્સાહનની ખામી અનુભવ્યા કરે છે.
આ થાક નહિ, પણ એક પ્રકારની બેચેની છે. સતત એક જ પ્રકારની દિનચર્યા અથવા કાર્યપ્રણાલીને લીધે માણસ કંટાળી જાય છે. વિજ્ઞાન અનુસાર લાંબા સમય સુધી મગજને જ્યારે એક જ પ્રકારનો ઇનપુટ મળતો હોય છે ત્યારે તેના પ્રત્યેની તેની ટીકાત્મક પ્રતિક્રિયા ઓછી થતી જાય છે અને તે બોર થવા લાગે છે. દાખલા તરીકે તમે એક જ વસ્તુ વારંવાર જોયા કરશો, તમે તેના પ્રત્યેની રુચિ ગુમાવી દેશો, કારણ કે આ એક જ વાતનું પુનરાવર્તન થયા કરે ત્યારે એમાં તમારા તરફથી કેવી પ્રતિક્રિયા આવશે એની તમને પહેલેથી જ ખબર હોય છે.
રજા માણસને આ બધી નકારાત્મક લાગણીઓ પર કાબૂ મેળવીને રિલેકસ થવાનો મોકો આપે છે. જો કે, રજા અને પ્રવાસનું આયોજન કરતી વખતે પાકો નિશ્ચય કરી લો કે એ સમયગાળામાં તમે તમારાં કામ, બીજાં ટેન્શન અને સ્ટ્રેસને નજીક પણ નહીં ફરકવા દો. કારણ કે રજાની ખરી મજા અને આનંદ તો ત્યારે જ મળે છે, જ્યારે શરીરની સાથેસાથે માનસિક સ્તરે પણ રજા હોય. લોકો ઘણા કારણોસર પ્રવાસ કરી શકે છે, જેમ કે આનંદ, પુણ્યપ્રાપ્તિ, ઇતિહાસનો પરિચય મેળવવા, અઘ્યયન અથવા વ્યાપાર માટે.
આ એ કારણો છે, જેના લીધે આજે મુસાફરી અને પર્યટન પોતે જ ધંધાનો એક ભાગ બની ગયાં છે. ઇતિહાસમાં નજર નાખશો તો જાણવા મળશે કે આ સદીના બીજા કે ત્રીજા દશકા દરમિયાન ફ્રાંસની પ્રજા પોતાના જ્ઞાન અને વ્યવહારુ અનુભવ વધારવા માટે મુસાફરી કરતા હતા. તે જમાનામાં એ જરૂરી માનવામાં આવતું હતું. આ પ્રવાસીઓ ટુરિસ્ટ કહેવાતા હતા. સમય જતા ધીરે ધીરે આ શબ્દનો પ્રયોગ દરેક પ્રવાસી માટે થવા લાગ્યો, પછી ભલે તેના પ્રવાસનો હેતુ કંઇ પણ હોય.
પ્રવાસ વિશેષજ્ઞ અને લેખક જહોન પ્રોહાસ્કા માને છે કે પ્રવાસ એ તો માણસના લોહીમાં વણાયેલી વૃત્તિ છે. પ્રકૃતિના નિયમની થોડી પણ જેને જાણકારી છે, તે જાણે છે કે મનુષ્ય જન્મથી જ પ્રસાર-પ્રચાર માટે અથવા ભાગી છૂટવા માટે બહાર ફરવા પ્રેરાય છે. પ્રવાસના એક બીજા પાસાને પ્રકાશમાં લાવતા જોન કહે છે કે પ્રવાસનો આ નશો આજકાલ કાયદાથી ભાગી જવાની ઇચ્છા પણ બની ગયો છે. તાજેતરનો જ એક અભ્યાસ બતાવે છે કે આજકાલ ૨૫ ટકા પ્રવાસીઓ કાયદાથી બચવા માટે એક શહેરથી બીજા શહેર અને કદાચ દેશવિદેશનો પ્રવાસ કર્યા કરે છે.
આ લોકો કંઇ કામ નથી કરતા, એક જગ્યાએ લાંબા સમય માટે નથી ટકતા અને વિચિત્ર વેશભૂષામાં દુનિયાભરમાં ભટકે છે. નોર્વેમાં એક પૂરા સમુદાયએ સદીઓજૂની આ પ્રથા અપનાવી છે. આ સમુદાયનો લેપલેન્ડર્સ અથવા તો કોઇ કોઇ વખત ફિન્સના નામે ઓળખવામાં આવે છે. પ્રોહાસ્કા કહે છે કે સાચે જ લોકો આનંદ, રોમાંચ, શિક્ષણ અને વેપાર માટે પ્રવાસ કરે છે પરંતુ વાસ્તવમાં આવા પ્રવાસીઓનું પ્રમાણ જૂજ છે. તેમની ધારણા પ્રમાણે આજના યુગમાં ૬૦ ટકા પ્રવાસ પ્રચાર માટે થતો હોય છે. ૨૫ ટકા પ્રવાસ ભાગેડુ લોકો કરતા હોય છે અને વેપાર, આનંદ વગેરે માટેના પ્રવાસીઓનો હિસ્સો ૧૦ ટકા હોય છે.
બાકીનો ૫ ટકા ભાગ અન્ય પ્રવાસો માટે હોય છે. આજે એવા ઘણા દેશો છે, જેની આવકનો મોટો હિસ્સો ટુરિસ્ટો દ્વારા મળતો હોય છે. આંતરરાષ્ટ્રીય પર્યટન સંગઠનના આંકડા અનુસાર દર વર્ષે ૬૫ કરોડથી પણ વધુ ટુરિસ્ટ દુનિયાના જુદા-જુદા ભાગોનો પ્રવાસ કરે છે, જેના કારણે પર્યટન વ્યવસાયને આંતરરાષ્ટ્રીય અર્થવ્યવસ્થામાં લગભગ ૪પ૦ અબજ ડોલરનું યોગદાન છે. અમેરિકાની ઓહાયો યુનિવર્સિટીના સમાજશાસ્ત્રી લી બ્રાયન કહે છે કે આજે પ્રવાસ કેવળ ફરવા અથવા મોજ-મસ્તી માટે નથી કરવામાં આવતો. આજે મોટા ભાગના પ્રવાસીઓ પોતાના કોઈ ચોક્કસ લાભ માટે પ્રવાસ કરે છે.
બ્રાયનના મતાનુસાર ‘એક રજા માણસને શારીરિક અને માનસિક બન્નો સ્તરે તાજગી બક્ષીને જીવનને આગળ ધપાવવા માટે જરૂરી ઊર્જા અને શક્તિ આપે છે. એક અઠવાડિયાની રજા માણસને તરુણ બનાવી જીવનની મુખ્ય ધારામાં ફરી નવા જોમ અને ઊર્જા સાથે પરત આવવામાં મોટી ભૂમિકા ભજવે છે. કહેવાય છે કે હાસ્યકલાકાર ચાર્લી ચેપ્લિન પોતાની ફિલ્મોમાં નવા આઇડિયા ઉમેરવા માટે, જરૂરિયાત પડે ત્યારે રજા ઉપર ચાલ્યા જતા હતા. આજકાલ રજાઓ માર્કેટ અને વેપારને પણ એટલી જ પ્રિય છે.
પ્રશ્નોના જવાબ આપો અને ૩ દિવસ અને ૨ રાત કુટુંબ સાથે મજા માણો, તદ્દન મફત. મોટા ભાગની કંપનીઓ આ પ્રકારની જાહેરખબરો કરી લોકોને લોભાવે છે. આજના દિવસોમાં મોટા ભાગની કંપનીઓ ફુરસદ અને પ્રવાસને બિઝનેસ પ્રમોશન અને ગ્રાહકવૃદ્ધિ જાળવી રાખવા માટેનું સાધન માને છે. પ્રોડકશન પ્રત્યે સજાગતા વધારવા માટે અને કર્મચારીઓની ઉત્પાદન ક્ષમતામાં વૃદ્ધિ કરવા માટે આને એક શક્તિશાળી માર્ગ સમજે છે.
એક અમેરિકન સર્વેક્ષણ મુજબ જે કંપનીઓએ રજાનો માર્કેટિંગ તથા પ્રચાર માટે ઇનામ તરીકે ઉપયોગ કર્યો હતો, તેમને વેચાણમાં ૩૦ ટકાની વૃદ્ધિ પ્રાપ્ત થઇ હતી. હાલમાં જ યુએસએ ટુડેએ કરેલા એક સર્વે મુજબ ૯૩ ટકા પ્રતિયોગીઓએ ઇનામના રૂપમાં રોકડાને બદલે રજાની મજા માણવાનું પસંદ કર્યું હતું. ઇન્સેન્ટિવ ફેડરેશનના મુખ્ય અધિકારી પોર્ટરફિલ્ડ કહે છે કે, આવું એટલા માટે છે કે એક રજા વ્યક્તિને આરામ અને આનંદથી ભરપુર એવો અનુભવ આપે છે.
આ બીજા કોઇ પ્રકારના પ્રોત્સાહન કરતાં વધુ લાંબા સમય સુધી યાદ રહે છે. અમેરિકાના વર્થલીન વર્લ્ડ વાઇડ રિસર્ચના એક સર્વે હેઠળ કર્મચારીઓને તેમને અપાતા પુરસ્કારમાંથી કોઇ એક પર્યાયને પસંદ કરવાનું કહેવામાં આવ્યું. પરિણામે ૮૮ ટકા પ્રતિયોગીઓએ રજા ઉપર જ પસંદગી ઉતારી.
પરિણામ સ્પષ્ટ છે. તમે દુનિયાના કોઇ પણ ભાગને તમારી મંજિલ બનાવી શકો છો. તમારી રજા ઘરની બાલ્કનીથી લઇ લૉસ એંજલ્સની સડકો સુધી ગમે ત્યાં મનાવી શકો છો. ઘ્યાન ફકત એટલું જ રાખવાનું કે રજાઓ ખરેખર તમારા ટેન્શને રજા આપનારી બની રહેવી જોઈએ.
રજાનું મનોવિજ્ઞાન
સામાન્ય રીતે જોઇએ તો રજા એટલે બિઝી હોવામાંથી મુક્તિ. વર્તમાન સમયમાં વ્યક્તિ સ્વયંને પુન: શોધવા, તણાવ અને વ્યસ્તતાથી દૂર જવા અને ફુરસદ મેળવવા માટે રજા ઝંખે છે. રજાઓના સમયમાં વ્યક્તિનું સ્થળ, હવામાન, લોકો અને સંપૂર્ણ વાતાવરણ બદલાઇ જાય છે. આ બધું મળીને તેનામાં શારીરિક અને માનસિક સ્તર પર એક એવું પરિવર્તન લાવે છે, જેમાં તે તેના જીવનની બધી વ્યસ્તતાઓથી દૂર થઇને એક તાજગીભર્યોશ્વાસ લે છે અને એક નવી ઊર્જા સાથે જીવનની મુખ્ય પ્રવાહમાં ફરી ભળે છે.
થાક વિરુદ્ધ આરામ
જ્ઞાનીઓના મત પ્રમાણે સતત શારીરિક પ્રવૃત્તિઓને કારણે સાંધામાં લેકટીક એસિડ ઉત્પન્ન થાય છે. શરીરમાં જ્યારે તેની માત્રા ખૂબ વધી જાય છે ત્યારે માણસ થાક અનુભવવા લાગે છે. યુનિવર્સિટી ઓફ પોર્ટ્સમાઉથની વિજ્ઞાની ડો. પાઉલા રોબસન ઐન્સલેના અનુસાર ઇંટરલ્યૂકિન-૬ નામનો સાંકેતિક અણુ મગજને ધીમે ચાલવાનો સંકેત મોકલે છે. તેનો અર્થ થાય છે, હવે શરીરની માંસપેશીઓથી વધુ કામ નહિ લઇ શકાય. લાંબા સમય સુધીની શારીરિક પ્રવૃત્તિઓ બાદ લોહીમાં ઇંટરલ્યૂકિન-૬નું સ્તર સામાન્યથી ૬૦થી ૧૦૦ ગણું વધી જાય છે ત્યારે માણસને આરામની જરૂર પડે છે અને તે ઊંઘ સિવાય શરીરની બીજી ક્રિયાઓ ઓછી કરીને તે પોતાના શરીરને ફરી કામે લગાડવા તૈયાર કરે છે. તેથી જ માણસ માટે ફુરસદ અને આરામ જરૂરી છે.
માણસની આ જરૂરિયાત માટે વિશ્વઆખાના દેશોની સરકારોએ શ્રમજીવી સ્ત્રી-પુરુષો માટે શ્રમ કાયદાઓ (લેબર લોઝ) હેઠળ રજાના નિયમો નિશ્વિત કર્યા છે. અસંખ્ય ખાનગી કંપનીઓ અને સરકારી ઉપક્રમો તો કર્મચારીને રજા ઉપર જવા માટે વર્ષમાં એક વખત પ્રવાસ ભથ્યું (લીવ ટ્રાવેલ બેનિફિટ) પણ આપે છે.