Wednesday, September 22, 2010

સંપ ત્યાં JUMP (KAYAM CHURAN NU SUCCESS) MUST BE READ

SHETH BROTHER’S  KAYAM CHURAN



ભાવનગરની ગલીઓમાં એક સમયે ખભે કોથળો નાખીને કાગળની પસ્તી વીણતો, રેગ-પીકર છોકરો આજે માત્ર દેશ જ નહીં, દુનિયાભરમાં ભાવનગરનું નામ રોશન કરી ચૂક્યો છે. તેની બ્રાન્ડ આખી દુનિયામાં વેચાય છે અને કરોડોની બ્રાન્ડવેલ્યુ ધરાવે છે. સફળતાનો પર્યાય બની ચૂકેલી આ વ્યક્તિનું નામ છે, અશોકભાઇ શેઠ. કદાચ, નામ કરતાં તેમની બ્રાન્ડને તમે જલદી ઓળખી જશો. એ છે, કાયમ ચૂર્ણ! ભાવનગરવાળા શેઠ બ્રધર્સનું કાયમ ચૂર્ણ દુનિયામાં જ્યાં જ્યાં ગુજરાતીઓ વસે છે ત્યાં તો વેચાય જ છે પણ જર્મની હોય કે જાપાન, સવારને સફળ બનાવવા માટે તેનો ભરપેટ ઉપયોગ થાય છે. 

પીપરમિન્ટના કારખાનામાં ગોળીઓ બનાવવાનું, રાખડીઓ વેચવાનું, ઘડિયાળના પટ્ટા વેચવાનું, વજનકાંટા વેચવાનું વગેરે કામ કરી ચૂકેલા અશોકભાઇએ દુનિયાભરમાં નામના કાઢનાર ગ્લોબલ બ્રાન્ડ કઇ રીતે વિકસાવી અને જવલંત સફળતા કઇ રીતે મેળવી તથા તેમાં આધુનિક મેનેજમેન્ટના કયા ફંડાનો સફળતાપૂર્વક ઉપયોગ જાણ્યેઅજાણ્યે કર્યો તે મેનેજમેન્ટના અભ્યાસુની દ્રષ્ટિથી જોઇએ.

અશોકભાઇને ત્રણ અટક છે. તેમની પરદાદા કરસનદાસની મૂળ અટક મહેતા હતી. પોતે રાજવૈધ એટલે ભાવનગરના રાજવીએ તેમને ઇલ્કાબ આપ્યો નગરશેઠનો. એટલે અટક પડી શેઠ. વળી, વૈદકની સાથે ધંધો કરે ગાંધિયાણા-કરિયાણાનો એટલે કહેવાયા ગાંધી. અશોકભાઇના દાદાનું નામ લખાતું ગાંધી ભૂદરભાઇ કરસનદાસ શેઠ. બંને બાજુ અટક ધરાવતું આ નામ અત્યારે થોડું વિચિત્ર લાગે. ભૂદરભાઇની શાખ સારી અને પાંચમાં પુછાય એવા માણસ. 

તેમના પુત્ર અને અશોકભાઇના પિતા કાન્તિભાઇ શેઠનું માત્ર ૩૬ વર્ષની ઉમરે અવસાન થયું ત્યારે ચાર પુત્ર અને ચાર પુત્રીઓ સાવ નાની વયનાં હતાં. સંબંધીઓ મિલકત ખાઇ ગયા. એટલું જ નહીં, દેવું થઇ ગયું. અશોકભાઇના મોટાભાઇ રસિકભાઇ પર માતા અને ભાંડરડાંની જવાબદારી આવી પડી. પિતાના અવસાનના આઘાતમાં માતા માનસિક રીતે અસ્થિર થઇ ગયાં, તે છેક સુધી સાજાં ન થયાં. રસિકભાઇ વૈદું જાણે પણ વૈદ તરીકે ધંધો કેટલો ચાલે? કિશોર વયના અન્ય ભાઇઓ કિસનભાઇ, અશોકભાઇ અને કિરીટભાઇ જે મળે તે કામ કરીને બે પૈસા કમાય. ઘરમાં હાંડલાં કૂસ્તી કરે. 

અશોકભાઇ આ સ્થિતિને યાદ કરતાં કહે છે, એવો સમય હતો, જ્યારે ચારેય ભાઇ એક સાડલે ડીલ લૂછતા. ઘરમાં પાંચ કિલો અનાજ આવી ગયું હોય તો જાણે જાહોજલાલી આવી હોય એવું લાગે. અઠવાડિયા સુધી જમવાનું મળશે એ ખાતરી થવાથી રસિકભાઇએ વૈદકનું જ્ઞાન ભાઇઓને પણ આપ્યું. અશોકભાઇ માત્ર દસ વર્ષની ઉમરે આયુર્વેદના જાણકાર થઇ ગયા. આંબા ચોકમાં એક ખોબા જેવડી દુકાનમાં એરંડિયું, બાળાગોળી વગેરે વેચવાનો અનુભવ બધા ભાઇઓએ લીધો. અશોકભાઇને કમાવાની ધગશ ભારે. તેઓ કહે છે, ‘ત્યારે પણ મને નવા નવા ધંધા કરવાના આઇડિયા બહુ આવતા. કમાવા માટે જાતજાતનાં કામ કર્યા. અગરબત્તી બનાવતા પણ શીખ્યો અને કુજલભાઇની નમન ફેકટરીમાં પીપરમિન્ટ બનાવવાનું કામ પણ કરતો. 

કોઇ કામને મેં નાનું ગણ્યું નથી. સાંજે કાગળ પણ વીણતો. એક કોથળો ભરાય તો ત્યારે ત્રણ રૂપિયા પસ્તીના મળતા. મારે આ ગરીબીમાંથી ગમે તેમ કરીને બહાર નીકળવું હતું. મુંબઇમાં પૈસા કમાઇ શકાય એવી માન્યતા હતી એટલે મુંબઇ ગયો. ઝંડુમાં નોકરી મળી.સામાન્ય રીતે આપણે સફળતાને વરેલા ઉધોગ સાહસિકોની વાતોમાં એવું સાંભળતા હોઇએ છીએ કે, મુંબઇમાં ગયા, મહેનત કરી એટલે ભાગ્ય આડેનું પાંદડું ખસી ગયું, પછી ખાધું પીધું ને રાજ કીધું. અશોકભાઇની સ્ટોરીમાં આવું વાંચવાની અપેક્ષા રાખતા હો તો સોરી, મુંબઇ જતાંવેંત તેમને ત્યાંનું પાણી ફાવ્યું નહીં અને, બીમાર પડીને પાછા ફરવું પડ્યું.

થોડો સમય ભાવનગરમાં છૂટક કામ કર્યા પછી ફરીથી મુંબઇ જવાનું ભૂત ચડ્યું અને ચરક ફાર્મસીમાં નોકરીએ લાગ્યા. ગોળીઓ બનાવવાનું તો તેઓ કુજલભાઇની ફેકટરીમાં શીખી જ ગયા હતા એ કૌશલ્ય કામ લાગ્યું. પરંતુ, કમળો થયો એટલે ફરી ભાવનગર આવ્યા. રસિકભાઇની સાથે મળીને જે બાળાગોળી બનાવતા તે અને અન્ય ઓસડિયાં લઇને અશોકભાઇ મિત્ર શબ્બીર પીલાણી સાથે ભાડાની સાઇકલ પર ૭૦-૮૦ કિલોમીટર દૂરનાં ગામડાં સુધી ફરતા. 

કિશોર વયના અશોકભાઇ હાફ પેન્ટ પહેરતા પણ, ગળે ટાઇ તો હોય જ. રસિકભાઇના પુત્ર દેવેન્દ્રભાઇ કહે છે, ‘જીકાકા (અશોકભાઇનું ઘરમાં લેવાતું નામ) પાસે ભલે બે જ જોડી કપડાં હોય છતાં, તેને ધોઇ, ઇસ્ત્રી કરીને જ પહેરીને જતાં. અપ-ટુ-ડેટ રહેવાનું કોઇ તેમની પાસેથી શીખે.અહીં સુધીના સંઘર્ષમાં કેટલા મેનેજમેન્ટ ફંડાનો ઉપયોગ સાવ અજાણ્યે થયો તે જાણીએ :

૧. કોઇ કામને નાનું ન ગણવું, દરેક કામનું પોતાનું મહત્ત્વ હોય છે.
ર. સફળ થવાની ધગશને ક્યારેય ઠરવા દેવી નહીં.
૩. ધંધાની બેઝિક બાબતોમાં કૌશલ્ય અને અનુભવ હંમેશાં સફળતાને દોરી લાવે છે.
૪. શરૂઆતની નિષ્ફળતાથી ડરી જવાને બદલે અગાઉની ભૂલોમાંથી પર્દાથપાઠ લઇને ફરી કામ હાથ ધરવું.

અશોકભાઈ જ્યારે મુંબઈથી પરત ભાવનગર આવ્યા ત્યારે ઉપાધિઓ રાહ જોઈને તૈયાર બેઠેલી. મોટાભાઈ રસિકભાઈ અને કિસનભાઈ બંનેને ટીબી થયેલો. રસિકભાઈ સર્વોદય હોસ્પિટલમાં અને કિસનભાઈ જિંથરી હોસ્પિટલમાં સારવાર લેતા હતા. ત્રણ ટકાના વ્યાજે પૈસા લઈને ઘર ચલાવવાનો વખત હતો. રાત-દિવસ મહેનતમજૂરી કર્યા પછી જે નાણાં મળે તેમાંનાં મોટાભાગનાં વ્યાજમાં વપરાઈ જતાં હતાં. ગાંધીયાણાની દુકાનમાં આવક બહુ સામાન્ય હતી.

અશોકભાઈ જ્યારે મુંબઈ હતા ત્યારે પ્રિન્સેસ સ્ટ્રીટમાંના એક અત્તરવાલા ડાન્સર હેલનના ઓળખીતા હતા. તેમણે કહ્યું કે, નૃત્ય કરનારાની સ્ટેમિના જળવાઈ રહે અને થાક ન લાગે તે માટેનું કોઈ ઔષધ બનાવો તો બહુ ચાલે. વૈદકના જાણકાર અશોકભાઈએ ઈલેકટ્રો નામનું તેલ બનાવવાનું વિચાર્યું. તે માટેની જાહેરાતની ડિઝાઈન પણ બનાવી લીધી. ડાન્સરના ફોટાવાળી આ જાહેરાત જો કે, નકામી પડી રહી, કારણ કે, મુંબઈથી તેમણે આવતાં રહેવું પડ્યું પણ ઈલેકટ્રો નામ કામમાં આવી ગયું. 

તે સમયે હીરા ઘસવાનો ઉધોગ નવો નવો હતો. બેઠાડુ હીરાઘસુઓને પેટના રોગોમાંથી મુકિત મળે તે માટેની દવા બનાવી અને બજારમાં મૂકી. ત્યારે ગોળીઓ પણ બોટલમાં વેચાતી. એક બાટલીના ૧૨ રૂપિયા લેખે હીરાવાળાઓને આ ગોળીઓ વેચવા માટે અશોકભાઈ હીરાની ઘંટીના કારખાનાંનાં પગથિયાં ઘસતા.

વૈદકમાં આખા ગોહિલવાડમાં જેનું નામ આદરથી લેવાતું તે રસિકભાઈ તથા તેમના વૈદાં વિશે છાપામાં છપાતું રહેતું. એક પત્રકારમિત્ર વી.કે. દવે સાથે રસિકભાઈને ઘરોબો થઈ ગયેલો એટલે દવેએ એક વખત કહ્યું કે, તમારા વિશે છાપામાં તો વારંવાર છાપીએ છીએ પણ, મને બે પૈસા મળે એવું કાંઈક કરો, તમે જાહેરાત આપો. તે વખતે આર્થિક સ્થિતિ નબળી. એટલે રસિકભાઈએ જવાબ આપ્યો કે મારું માંડ પૂરું થાય છે તેમાં તમને જાહેરાત કઈ રીતે આપું? પણ, દવે માન્યા નહીં અને જાહેરાત લઈને જ ગયા. 

રસિકભાઈએ જાહેરાતનું હેડિંગ આપ્યું, ફૂલી ગયેલું પેટ ઘટાડો, કોમલા ગુટિકા વાપરો. સૌરાષ્ટ્ર સમાચારમાં આ જાહેરાત છપાઈ. જાહેરાત છપાઈ તે દિવસે દુકાન પર ચૌદ ઘરાક કોમલા ગુટિકા લેવા માટે આવ્યા. રસિકભાઈએ તો આપવા ખાતર જાહેરાત આપી હતી, કોમલા ગુટિકા નામની દવાનું અસ્તિત્વ જ નહોતું. અશોકભાઈએ આ ચૌદ ગ્રાહકનું બુકિંગ કરી લીધું અને બીજા દિવસે દવા લઈ જવાનું કહ્યું. બંને ભાઈઓએ મળીને નક્કી કર્યું કે ઈલેકટ્રો ટેબ્લેટનું નામ બદલાવી નાખવું. 

રાતોરાત કોમલા ગુટિકાનાં લેબલ છપાવ્યાં અને ઇલેકટ્રોની ડબીઓ પર લગાવી દીધા. જેમણે દવા લીધી તેમને જબ્બર ફાયદો થયો એટલે દવા ચાલવા માંડી. મુંબઈથી પણ ઈન્કવાયરી આવવા માંડી. રોજની પ૦-૬૦ બોટલ વેચાવા માંડી. અશોકભાઈ આ વાત યાદ કરતાં કહે છે, સો રૂપિયાની નોટ જોઈ નહોતી તેવામાં સમયમાં રોજના ચાર-પાંચસો રૂપિયાનો વકરો થવા માંડયો. અહીં પીપરમિન્ટ બનાવવામાં કૌશલ્ય કામમાં આવ્યું. રાતે કુજલભાઈનું પીપરમેન્ટનું કામ પૂરું થાય એટલે તે ગોળીઓ બનાવવાના હાંડા તરીકે ઓળખાતા મશીનમાં કોમલા ગુટિકાની ગોળીઓ બનાવવા માંડ્યા. 

પીપરમિન્ટના કારખાનામાં કામ કરતા રામચેતન નામના ભૈયાએ સલાહ આપી કે ગોળીઓ બનાવવા માટે હાંડાનું ભાડું આપો છો તેના કરતાં હાંડો જ બનાવડાવી લો ને. અને, શેઠ બ્રધર્સે પહેલું ઓટોમાઈઝેશન કર્યું. હાંડો બનાવડાવ્યો. કોમલા ગુટિકા તેમાં બનવા માંડી. આ હાંડાની શેઠ પરિવાર આજે પણ પૂજા કરે છે.

મેનેજમેન્ટ ફંડા

૧. નિષ્ફળતાઓ બટાલિયનમાં આવે તેની પાછળ સફળતાની બચાવટુકડી પણ આવતી જ હોય છે, ધીરજ રાખો.
૨. નવી તક હંમેશાં શોધતા રહો.
૩. માગ આધારિત ઓટોમાઈઝેશન અપનાવો, ટેક્નોલોજીને અપગ્રેડ કરતા રહો.
૪. ગ્રાહકોની જરૂરિયાતને સમજો, તે પ્રમાણે પ્રોડક્ટ બનાવો.

કોમલા ગુટિકા પછી તો ચાલી નહીં, દોડી. જાહેરાત આપનાર દવેને સામેથી બોલાવીને ફરી અન્ય છાપાં, મેગેઝિનોમાં જાહેરાત આપી. રોજના ૩૦૦ પાર્સલ ગુજરાત અને મુંબઈમાં જવા માંડયાં. અને, અશોકભાઈને ફરી મુંબઈ જવાની હોંશ ઊપડી. મુંબઈમાં પેટની સામાન્ય સમસ્યાઓ વધુ હોય એટલે મુંબઈમાં કોમલા ગુટિકા વેચીએ તો કેવું? એવો વિચાર આવ્યો અને ઊપડ્યા મુંબઈ. મુંબઈના નાના ચોકમાં બનેવીની કટપીસની દુકાન હતી. બનેવીએ કહ્યું, કટપીસની સાથે તારી દવા પણ વેચવા માંડ. 

રસિકભાઈ શેઠ એટલે હિંમતનું બીજું નામ. જોખમ ખેડતાં જરાપણ અચકાય નહીં એવી છાતી ધરાવે. એટલે, એક ગુજરાતી મેગેઝિનનું આખું છેલ્લું પાનું બુક કરાવ્યું. તે વખતે પંચોતેર હજારમાં છેલ્લા પાનાની જાહેરાત પડી. વ્યાજે નાણાં લઈને આ જાહેરાત છપાવી. લખાણ હતું, મુંબઈનું ચોમાસું અને તમારું પેટ. શુક્રવારે મેગેઝિન સ્ટોલ પર આવ્યું ત્યારે સવારથી જ અશોકભાઈ કોમલા ગુટિકા લઈને બેસી ગયા. સાંજે પાંચ વાગ્યા સુધી એક પણ ગ્રાહક આવ્યો નહીં. આ ઘટના યાદ કરતા અશોકભાઈ કહે છે, ‘મારી આંખમાં આંસુ આવી ગયાં, ફરી એકવાર નિષ્ફળ જઈશું તો? સાડા પાંચે પહેલો ઘરાક આવ્યો. એ જાડો માણસ મને આજે પણ યાદ છે. તે ત્રણ બાટલી લઈ ગયો. 

પહેલે દિવસે ૪૨ બાટલી વેચાઈ. ત્રણ દિવસમાં તો માલ ખલાસ થઈ ગયો. રસિકભાઈને ફોન લગાડયો તો તેમણે કહ્યું, વિમાનમાં ભાવનગર આવી જા, દવા તાત્કાલિક બનાવવી પડશે. ૧૯૬પની સાલમાં વિમાનનું ભાડું ૬૦ રૂપિયા હતું.ધંધા માટે અશોકભાઈ વિમાનમાં ભાવનગર આવ્યા. આજે અશોકભાઈ દર પંદર દિવસે મુંબઈ જાય છે પણ, ક્યારેય ફલાઈટમાં જતા નથી. ટ્રેન અથવા બસમાં જ જાય છે. તેમની કંપનીના કર્મચારીઓ વિમાનમાં ફરે છે. 

અશોકભાઈ કહે છે, હું તો શેઠ બ્રધર્સનો પીઆરઓ છું. નવા માણસોને મળવાનું, તેમની સાથે સંબંધ બાંધવાનું ટ્રેન અને બસમાં મુસાફરી કરીએ તો વધુ બને. અશોકભાઈ ખરેખર સંબંધોના માણસ છે. તેમને એકવાર મળેલો માણસ તેમનો મિત્ર બની જાય. મૈત્રીનો વ્યાપ પણ તેઓ વધારતા જ જાય. સંબંધ એવો રાખે કે વર્ષોપછી પણ તાજો લાગે. સુરતમાં શ્રીરામ મેડિકલમાં અશોકભાઈ પ્રથમ કોમલા ગુટિકા વેચવા ગયા હતા ત્યારથી અત્યાર સુધી તેમની સાથે ઘર જેવો સંબંધ છે. ૩૫ વર્ષ સુધી તેમણે શેઠ બ્રધર્સની પ્રોડક્ટ વેચવા માટે સતત ટુરિંગ કર્યું છે.

સૌરાષ્ટ્રના એકેએક નગરમાં તેઓ ફર્યા છે. આજે પણ ઉપલેટાની ઘાયલ લોજ કે વેરાવળ, રાજુલા, મહુવા, તળાજા, જૂનાગઢ વગેરે શહેરના જુના સમયના મેડિકલ સ્ટોર માલિકોને તેઓ પ્રેમથી યાદ કરે છે. કિસનભાઈ અને રસિકભાઈએ પણ શેઠ બ્રધર્સની પ્રોડક્ટ વેચવા માટે એટલી જ ટૂર કરી છે. મુંબઈમાં ડિમાન્ડ વધી એટલે સ્ટોકિસ્ટ નીમવાનો વિચાર કર્યો. પાંચ લાખ રૂપિયા ડિપોઝિટ લઈને સ્ટોકિસ્ટ નીમ્યો. તે પછી તો આખા મહારાષ્ટ્ર માટે ડિસ્ટ્રિબ્યુટરની પણ નિમણૂક કરી.

મેનેજમેન્ટ ફંડા

૧. પ્રોડક્ટને આવકાર મળે તે માટે યોગ્ય જાહેરાત અને માર્કેટિંગ જરૂરી છે.
૨. પ્રોડક્ટ સફળતાની સીડીનું પ્રથમ પગથિયું ચડે તે પછી તેને દોડતી કરવા માટે આક્રમક માર્કેટિંગ સ્ટ્રેટેજીને ઢીલી ન પડવા દેવી.
૩. ધંધાના વિસ્તાર માટે જોખમ ખેડીને પણ નાણાનું રોકાણ કર્યું.
૪. ડિસ્ટ્રિબ્યુટર્સ અને સ્ટોકિસ્ટ ઉત્પાદકના હાથ-પગ છે, તેમની સાથે પારિવારિક ભાવના કેળવવી.

કોમલા ગુટિકા થોડી ચાલી એટલે રસિકભાઈનો સંશોધક જીવ નવી ફોમ્ર્યુલા બનાવવા માંડયો. તેમાંથી પેદા થયા બિજોરિન ચૂર્ણ અને કાયમ ચૂર્ણ. કાયમ ચૂર્ણની ફોમ્ર્યુલા તો એટલી સફળ થઈ કે આજે પણ તેમાં કોઈ ફેરફાર આવશ્યક નથી અને કબજિયાત માટે તેના જેટલો ઉપાડ છે, અન્ય કોઈ દવાનો થતો નથી. અશોકભાઈ અને રસિકભાઈ અડધો જંગ તો તેમની ચોટડૂક ભાષા ધરાવતી જાહેરાતોને કારણે જીતી ગયા હતા. કાયમ ચૂર્ણની શરૂઆતની જાહેરાતનું સ્લોગન હતું, જેનો ઝાડો ખરાબ એનો દાડો ખરાબ. કાયમ ચૂર્ણ એવું ઔષધ છે જે બાર કલાકમાં અસર દેખાડે છે. તારક મહેતા કા ઊલટા ચશ્માં સિરિયલમાં તેમણે જે રીતે ક્રિકેટ મેચના એપિસોડમાં કાયમ ર્ચૂણની જાહેરાત કરી તે યુનિક હતી. 

અશોકભાઈ કહે છે, ‘આ એપિસોડ પછી હજારો ફોન એટેન્ડ કરવા પડ્યા છે.જગતના મોટાભાગના દેશોમાં તે જાય છે. વિદેશ જતા અનેક ગુજરાતીની બેગ તપાસો તો તેમાંથી કાયમ ચૂર્ણની ડબી નીકળશે. કાયમ ચૂર્ણ બનાવ્યાના એક જ વર્ષમાં કલ્પનાબહારનું વેચાણ થવા માંડ્યું હતું. આ ગ્રોથ આજે પણ જળવાઈ રહ્યો છે. જેમ માગ વધતી ગઈ તેમ પ્રોડકશન માટે નવાં મકાન લેતા ગયા, કારખાનું નાખ્યું, ગોળી બનાવવાના હાંડાથી શરૂ થયેલું ઓટોમાઈઝેશન આજે અત્યાધુનિક મશીનો સુધી પહોંચી ગયું છે. છતાં, ઓસડિયાંની પસંદગી હજી એ જ જૂની શાસ્ત્રોકત વિધિથી થાય છે. તેને સાફ કરવા માટે અને વીણવા માટે હજી જાણકાર બહેનોને જ કામ સોંપાય છે.

પરિવારની ૧૮પ વર્ષ જૂની વૈદકની પરંપરા અત્યારે મઘ્યાહ્ને ઝળહળી રહી છે. આજે પણ ઔષધની દરેક બેચને અશોકભાઈ અથવા તેમની નવી પેઢી તપાસ્યા પછી જ ડિસ્પેચ કરે છે. રસિકભાઈએ હકીમો, સાધુઓ, આદિવાસીઓ, સુયાણીઓ વગેરે પાસેથી વૈદકનું વિશેષ જ્ઞાન મેળવ્યું હતું. અશોકભાઈ યોગ્ય ઔષધીઓ મેળવવા માટે હિમાલયનાં જંગલોથી માંડીને જર્મની સુધી ફર્યા છે. 

વનૌષધીઓની દુર્લભ તસવીરો મેળવવા માટે મહિનાઓ સુધી રઝળપાટ કરી છે. આ રઝળપાટના પરિપાકરૂપે તેમણે હબ્ર્સ ઓફ આયુર્વેદ નામનો ચાર ભાગમાં વહેંચાયેલો ગ્રંથ અંગ્રેજીમાં લખ્યો છે, જેમાં દરેક વનૌષધીની તસવીર, તેનાં પાંદડાં, મૂળ, થડ, તેમાંથી બનતાં ટીંચર, તેના સૂકવેલા ભાગો વગેરેની તસવીરો ગ્લેઝ પેપર પર તેના કુદરતી રંગો યથાવત્ રહે તે રીતે પ્રસ્તુત કરવામાં આવી છે. આયુર્વેદમાં વનસ્પતિને ઓળખવાનું વિશેષ મહત્ત્વ છે એટલે આ તસવીર સાથેનો ગ્રંથ અદભૂત પુરવાર થયો છે. 

ડો. અબ્દુલ કલામના ડિપાટર્મેન્ટ ઓફ આયુષ્યથી માંડીને દેશની ટોચની યુનિવર્સિઓએ તે ગ્રંથ વસાવ્યો છે. તે અગાઉ તેમણે વસુંધરાની વનસ્પતિ નામનો આવો જ ગ્રંથ ગુજરાતીમાં પણ બહાર પાડયો હતો. મુંબઈમાં પાંચ સ્ટોકિસ્ટ નીમ્યા તે પછી વધુ સ્ટોકિસ્ટ નીમવાનું શેઠ બ્રધર્સે બંધ કર્યું. ગામ પ્રમાણે એક કે એકથી વધુ સ્ટોકિસ્ટ નીમતા. અશોકભાઈ કહે છે, ‘સ્ટોકિસ્ટ અને મેડિકલ સ્ટોરવાળા પણ કમાવા જોઈએ. તેમને નાણાં મળશે તો તમારી પ્રોડક્ટ વેચવામાં તેને રસ રહેશે. અન્યથા, ગમે તેટલી સારી કવોલિટી હશે તો પણ માલનો ઉપાડ વધશે નહીં. કાયમ ચૂર્ણ બનાવ્યું તે સાથે જ પેઢીનું નામ પણ રસિકભાઈ-અશોકભાઈએ શેઠ બ્રધર્સ રાખ્યું. આ બન્ને નામ તેમને ફળ્યા છે.

મજાની વાત એ છે કે શેઠ બ્રધર્સ ક્યારેય ઉધાર માલ આપતા નથી. એક દિવસની પણ ક્રેડિટ નહીં. એડવાન્સમાં નાણાં લઈ લેવાના, પછી જ ડિલિવરી રવાના કરવાની. અશોકભાઈ કહે છે, ‘નાનકડી દુકાનમાં બેસીને હાથેથી પાર્સલના બોક્સ બનાવીને લારીમાં ચડાવતા, લારી લઈને ડિસ્ટ્રિબ્યુટ કરવા જતા ત્યારે પણ ઉધાર માલ નથી આપ્યો, આજે પણ નહીં. સ્ટોરવાળાએ નાણાં ચૂકવીને માલ લીધો હોય એટલે તેને વેચવાની ઉતાવળ આવે. ઉધાર નહીં આપવાનો અર્થ એવો નથી કે વિશ્વાસ નથી. પણ, ઉધાર આપો તો વેચવાની ઉતાવળ ન હોય. વળી, દુકાનદાર જરૂરિયાત પ્રમાણે જ માલ મગાવે એટલે માલ પડ્યો ન રહે.

મેનેજમેન્ટ ફંડા

૧. જાહેરાતોની ભાષા, સ્લોગન અને પ્રસ્તુતિ બહુ જ મહત્વની હોય છે, તેની પસંદગી કાળજીભૂર્વક કરવી.
૨. ક્રેડિટ આપવી જરા પણ અયોગ્ય નથી પરંતુ, ક્રેડિટ વગર પણ ધંધો કરી શકાય ખરો.
૩. ધંધાનું વિસ્તરણ ડિમાન્ડ અને સપ્લાયની ક્ષમતા પ્રમાણે થવું જોઈએ.

કાયમ ચૂર્ણ, સોમવા-૩૪, પ્રતિકાર ચૂર્ણ, બીજોરિન અને કે યુવા નામનો ટૂથ પાવડર, આટલી જ પ્રોડક્ટ છતાં આટલી જબરદસ્ત સફળતા અને આવડું મોટું બ્રાન્ડ નેમ કઈ રીતે બન્યું તેવું પૂછતાં અશોકભાઈ શેઠ કહે છે, નોલેજ, કવોલિટી, નીતિ, મહેનત અને નિષ્ઠાના પંચકર્મ જેવા પાંચ સિઘ્ધાંતોના આધારે અમે સફળતા મેળવી છે. આયુર્વેદનું નોલેજ અમારી પાસે વંશપરંપરાગત હતું. 

તેમાં પણ અમે અપડેટ થતા રહ્યા. ગુણવત્તા બાબતે ક્યારેય બાંધછોડ કરતા નથી. દરેક ઔષધીને વૃક્ષ પરથી ઉતારવાથી માંડીને તેને સૂકવવા, ખાંડવા, પલાળવા વગેરે સુધીમાં શાસ્ત્રોકત વિધિ સાથે તેની ગુણવત્તાને પણ મહત્વ આપીએ છીએ. ધંધો હંમેશાં નીતિથી કર્યો છે. ક્યારેય માલ ઓછો કે ખરાબ ન આપવો, કોઈના બે પૈસા પણ ખોટા ન થાય તેની વ્યક્તિગત કાળજી લેવી. મહેનત તો કોઈ મજૂરની જેમ કરી છે. આજે પણ ચારેય ભાઈના પુત્રોનો બહોળો પરિવાર એ જ રીતે રોજના દશ-બાર કલાક મહેનત કરે છે. 

ગ્રાહકો પ્રત્યેની નિષ્ઠા અમે જાળવી રાખી છે, એટલે જ લોકોનો આટલો પ્રેમ મળ્યો છે. નિષ્ઠા અને નીતિની સાથે નસીબ ભળે એટલે સોનામાં સુગંધ ભળે. સાથે જ અમે સારામાં સારાં પેકિંગનો પણ આગ્રહ રાખીએ છીએ. અશોકભાઈ બહુ ભણ્યા નથી. એટલે મેનેજમેન્ટનો અભ્યાસ કરવાની તો વાત જ નથી આવતી પણ, તેમની વાતોમાં આધુનિક મેનેજમેન્ટના કેટલા ફંડા દેખાય છે?

૧. ગુણવત્તાનો કોઈ વિકલ્પ નથી હોતો.
૨. ગુણવત્તાની સાથે મહેનત, નિષ્ઠા અને વ્યવસ્થાતંત્ર જરૂરી છે.
૩. પ્રોડક્ટ ગમે તેટલી સફળ હોય, તેને વિકસાવવા માટે યોગ્ય માર્કેટિંગના ટેકાની જરૂર હંમેશાં રહે છે.

અશોકભાઈ શેઠને મળો તો લાગે કે આ માણસની ઉમર પપ-પ૬ વર્ષની હશે. હકીકતમાં તેઓ ૬પ વર્ષ વટાવી ગયા છે. નવી પેઢીને તેમણે તૈયાર કરી છે. દીકરા ગૌરવથી માંડીને ભત્રીજાઓ દેવેન્દ્રભાઈ, મોહિતભાઈ, કમલેશભાઈ, પ્રજ્ઞેશભાઈ, આલોકભાઈ, તેજસભાઈ શેઠ બ્રધર્સમાં વિવિધ વિભાગો સંભાળે છે. દેવેન્દ્રભાઈને અમે જ્યારે પુછ્યું કે માત્ર છ જ પ્રોડક્ટ કેમ? છ પ્રોડક્ટમાં પણ કોમલા બાલ ગુટિકા ઔષધો નહીં મળવાને કારણે બંધ થઈ ગઈ હતી તે હમણાં ચાલુ થવાની છે. દેવેન્દ્રભાઈનો ઉત્તર નવી પેઢીને શોભે તેવો છે: વિસ્તરણ માટે નવું પ્રોડકશન યુનિટ તૈયાર છે, બહુ જ ટૂંકા ગાળામાં અમે વિવિધ હેલ્થકેર પ્રોડક્ટસ લઈને આવી રહ્યા છીએ. 

શેઠ બ્રધર્સના બે સદીનાં જ્ઞાનનો લાભ કંપની અને ગ્રાહકોને મળે તેવો ઉદેશ છે. અશોકભાઈની બીજી એક ઓળખ એ છે કે તેઓ નિસંતાન દંપતીઓની નિ:શુલ્ક સારવાર કરે છે. રસિકભાઈએ વિકસાવેલી ફોમ્ર્યુલા અને પોતે મેળવેલાં જ્ઞાનનો સમન્વય કરીને અશોકભાઈએ પ૦૦થી વધુ દંપતીઓના ઘરે પારણાં બંધાવ્યાં છે. તેઓ કહે છે, ‘આ સેવાનું કામ છે, તેના પૈસા ન હોય. પૈસા કમાઈ શકાય, કીર્તિ કમાવી અઘરી છે.આયુર્વેદના પ્રસાર માટે દર બે-ત્રણ વર્ષે તેઓ વનૌષધિઓનું વિશાળ પ્રદર્શન વિવિધ શહેરોમાં યોજે છે. 

ગાંઠના ગોપીચંદ કરીને યોજેલા આ પ્રદર્શનમાં સેંકડો વનસ્પતિઓ હોય છે અને તેના ઉપયોગ અંગે વિસ્તૃત માહિતી પણ લખેલી હોય છે. પોતાના ફાર્મ હાઉસમાં પણ ઔષધીઓ ઉગાડી છે અને હોમિયોપેથી તથા આયુર્વેદના વિધાર્થીઓને માર્ગદર્શન આપ્યું છે, આયુર્વેદના પ્રસારનો ઝંડો તેમણે ચૂપચાપ ઉઠાવ્યો છે. નિરાંતની પળોમાં તબલાં અને હોર્મોનિયમ વગાડવાનો શોખ ધરાવતા અશોકભાઈને નિવૃતિ અંગે પૂછવામાં આવે એટલે હસી પડે છે, ‘નિવૃત્ત થવું જ નથી. હંમેશાં કામ જ કરવું છે. 

શ્રીનાથજી ભગવાન સતત કામ કરવાની શક્તિ આપે એટલું જ તેમની પાસે માગવું છે. હા, એક ઈચ્છા હજી બાકી છે. ફિલ્મની પટકથા લખવાની. મુંબઈના ખ્યાતનામ ફિલ્મ ડિસ્ટ્રિબ્યુટર અને થિયેટરોના માલિક મનોજભાઈ તેમના મિત્ર છે. મનોજભાઈની સાથે મળીને તક નામની ફિલ્મ બનાવવી છે, પોતાની જ સંઘર્ષયાત્રા પરથી. પોતાની જાહેરાતોનાં સ્લોગનો પોતે જ લખતાં અશોકભાઈનો ભાષા પરનો કાબુ જોતાં લાગે છે કે પટકથા પણ સફળ હશે, કાયમચૂર્ણની જેમ.

1 comment:

  1. this is really very nice!i can learn from this person,the best management ideas!

    ReplyDelete