Tuesday, September 28, 2010

You miss the sunshine, if you concentreateon shadows


તમે જોયું હશે કે વંટોળિયો આવે ત્યારે ધરતી પરની ધૂળ એ વંટોળ ભેગી ઊંચે ચડે છે. વંટોળ વહેતો રહે ત્યાં સુધી એ રજકણો ઉપર અવકાશમાં ઘૂમ્યા કરે છે અને વંટોળ શમી જતાં એ જ રજકણોને પાછું પતન પામીને ધરાશાયી થવું પડે છે. આજનો માનવી મોટે ભાગે આ રજકણો જેવી જ પોકળ પ્રતિષ્ઠામેળવે છે. પોકળએટલા માટે કે એ પ્રતિષ્ઠા કે પ્રસિધ્ધિ પાછળ સિધ્ધિ, સત્યનિષ્ઠા કે ઉચ્ચ અને શુધ્ધ ધ્યેય મોટે ભાગે હોતાં નથી. એટલે જ વંટોળિયાની રજકણો પેઠે પોલી પ્રતિષ્ઠાથોડી જ વારમાં પાછી નીચે આવી જાય છે ! અને છતાં આશ્ચર્ય અને દુ:ખની વાત તો એ છે કે આજનો માનવી આવી પોકળ પ્રતિષ્ઠા પાછળ આંખ મીંચીને દોટ મૂકે છે ! પ્રતિષ્ઠા કે પ્રસિધ્ધિ એ તો સાચી, સંનિષ્ઠા અને શ્રમસાધ્ય સિધ્ધિની પાછળ આપમેળેઆવતો સિધ્ધિનો પવિત્ર અને સ્થાયી યશમુકુટ છે, એ સત્ય આજનો માનવી મોટે ભાગે વીસરી જતો લાગે છે.
આજના યુગના બે મહારોગો તે ધનલાલસા અને કીર્તિલાલસા. ધનલાલસા આજના યુગમાં તીવ્રતર બનતી જાય છે એનું કારણ એ છે કે આજના યુગમાં માનવીની મહત્તાનો માપદંડ પૈસોજ બની ગયો છે ! આજ ના માનવીએ પોતાની જરૂરિયાતો અને વિલાસો એટલાં બધાં વધારી દીધાં છે કે આજે તો માનવી કાજે પૈસોલગભગ અનિવાર્યથઈ પડયો છે ! વળી આ ધનલાલસામાં કીર્તિલાલસા ભળતાં જેટલું વધુ ધન પોતે મેળવશે એટલો વધારે મહાન પોતે લેખાશે એવી માન્યતા પણ આજના માનવીના મનનો કેડો મૂકતી નથી ને આજનો માનવી આંખો મીંચીને ધન અને કીર્તિનાં મૃગજળ પાછળ દોડયે જ જાય છે ! આને પરિણામે અનેક અનિષ્ટો જન્મે છે. ગમે તે માર્ગે ધન મેળવવામાં આજે માનવીને સંકોચ થતો નથી કે કોઈ નૈતિક સિધ્ધાંત આડે આવતો નથી. પ્રતિષ્ઠા માટે એ પ્રચારનો આશ્રય લે છે ને એ રીતે કેવળ પોતાના સ્વાર્થને ખાતર એ આજના યુગના એક મહાદૂષણ પ્રચારને અપનાવે છે. પરિણામે એને પ્રતિષ્ઠા તો મળે છે, પણ તે વંટોળના પેલા રજકણ જેવી જ !
સિધ્ધાંતપ્રિયતા, નીતિપ્રિયતા, ચારિત્ર્ય, ન્યાયપ્રિયતા, પ્રેમાળતા, સંતોષ, ગરવી ગરીબીને જોવાની આંખ, સાચની ખુમારી આ સર્વ સદ્ગુણો આજનો માનવી આ કારણે જ ગુમાવી બેઠો છે અને તેમને સ્થાને પવન તેવી પીઠ દેવાનો સિધ્ધાંતહીનતાભર્યો સિધ્ધાંત, નીતિ કે ઈશ્વર તરફ આંખમીંચામણાં કરવાની ટેવ, ચારિત્ર્યહીનતા, ગમે તે પ્રકારે આગળ વધવાની ઈચ્છા, દંભ, મહત્ત્વાકાંક્ષાના ઓઠા હેઠળ લાલસાનો ગુણાકાર, ગરીબોને અને ગરીબીને હીણવાની હીન વૃત્તિ, અસત્યનું અસત્ય શરણ વગેરે દુર્ગુણો આજના માનવીને ઘેરી વળ્યા છે. અને સૌથી વધારે દુ:ખની વાત તો એ છે કે આ સર્વ દુર્ગુણોને જીવનની કહેવાતી પ્રગતિ કાજે અનિવાર્યલેખતો આજનો માનવી જીવનનો, જીવનસત્યનો, જીવનમર્મનો કે જીવનધર્મનો તાત્ત્વિક રીતે કદી વિચાર જ કરતો નથી ! એવો પામર અને દયાપાત્ર બની ગયો છે આજના યુગનો દંભી માનવી, જેની ક્ષણિક અને પોકળ પ્રતિષ્ઠા છેવટે વંટોળના પેલા રજકણોની પેઠે થોડા સમયમાં જ ધરાશાયી થઈ જાય છે !

Thanx……… to  ચાંપશી ઉદેશી

No comments:

Post a Comment