ખૂબ જાણીતી કહેવત છે કે જે સૌએ સાંભળી હશે, ‘ઉતાવળે આંબા ન પાકે.’ બીજી કહેવત છે, ‘ધીરજના ફળ મીઠા.’ જ્યારે તમને કોઈપણ કાર્ય હાથમાં લીધા પછી કદાચ લાંબો સમય તેમાં સફળતા ન મળે અને કાર્ય છોડી દેવાનો વિચાર આવે તો તે જ સમયે, તે જ ક્ષણે કાર્યને છોડી દેવું નહિ પણ થોડો સમય વધારે આગળ ચલાવશો. કદાચ એવું બને કે ત્યાર પછીના થોડા સમયમાં જ તમને સફળતા મળવાની હોય !
આ બાબત મેં જાતે અનુભવી છે. અને કદાચ આપે પણ અનુભવી હશે.... એકવાર હું પોતે જ એક બસ સ્ટોપ પર બસની રાહ જોઈને ઊભો હતો. બસનો સમય થઈ ગયો હતો. છતાં બસ ન આવી. અંતે મારી ધીરજ ખૂટી. હું કંટાળીને રિક્ષામાં બેઠો. બસ જ્યાં માત્ર પાંચ રૂપિયામાં લઈ જતી હતી, ત્યાં રિક્ષાવાળો ત્રીસ રૂપિયામાં આવવા તૈયાર થયો. છતાં હું કબૂલ થયો અને રિક્ષા કરી. રિક્ષા ઉપડી અને ત્યાર પછીની ચોથી મિનિટે એ જ બસ અમારી રિક્ષાને ઓવરટેક કરીને આગળ ગઈ. જો મેં માત્ર ચાર મિનિટ વધારે રાહ જોઈ હોત તો હું ઘણો સસ્તામાં અને વધુ ઝડપથી મારા ધાર્યા સ્થળે પહોંચી ગયો હોત. આમ કટોકટીની પળે ધીરજ ગુમાવી દેવાથી આપણા મોં સુધી આવેલો સફળતાનો પ્યાલો ઢોળાઈ જાય છે. માટે કટોકટીના એવા સમયે કે જ્યારે આપણે મનથી નિષ્ફળતાને સ્વીકારી લીધી હોય ત્યારે થોડો વધુ સમય આપણા કામને, ધ્યેયને વળગી રહેવું. કદાચ તે કટોકટી પાછળ જ સફળતા રહેલી હોય છે. જો તમે ધીરજથી કામ કરશો તો જ કાર્ય સારી રીતે થશે અને તમને નાની-નાની સફળતાઓ મોટા ધ્યેય સુધી પહોંચાડશે. પણ જો તમે ખરા સમયે ધીરજ ગુમાવશો તો સફળતાની લગભગ નજીક પહોંચી ગયા પછી પણ હાથમાં આવેલી સફળતા ગુમાવશો. આમ જે કોઈ ક્ષેત્રમાં લોકો સફળ થયા છે, પ્રખ્યાત થયા છે તેઓએ ખૂબ જ ખંતથી અને ધીરજથી કામ કર્યું છે.
............ હું અને કદાચ તમે... પણ આ વ્યક્તિ હશો....
No comments:
Post a Comment