સ્ટીવ જોબ્સ ગાંધીવાદી ન હતા કે તેમનું કાળું ટી-શર્ટ ખાદીનું ન હતું. પરંતુ ગાંધીજી પ્રત્યે તેમના મનમાં ખાસ સ્થાન હતું એવું એકથી વધારે પ્રસંગે દેખાઇ આવ્યું. એક જાણીતી ઘટના ૧૯૯૯ની છે. ‘ટાઇમ’ સામયિક એ વખતે ‘પર્સન ઓફ ધ સેન્ચુરી’ માટે સર્વેક્ષણ કરતું હતું, ત્યારે સ્ટીવ જોબ્સે કહ્યું હતું કે ‘આ માન માટે મારી પસંદગી મોહનદાસ ગાંધી છે. કારણ કે તેમણે માનવજાતની સંહારાત્મક વૃત્તિમાંથી બહાર નીકળવાનો માર્ગ આપણને બતાવ્યો.’ ગાંધીજીએ પરિવર્તન માટે ‘પશુબળ’ને બદલે ‘નૈતિક બળ’ને આગળ કર્યું, એ માટે પણ સ્ટીવે તેમને યાદ કરીને કહ્યું હતું કે ‘માનવજાતને આ જાતના શાણપણની અત્યારે છે એટલી જરૂર અગાઉ ક્યારેય ન હતી.’
બને કે સ્ટીવના આ શબ્દોમાં કોઇને ‘ડાહી ડાહી વાતો’ પ્રકારનો ભાવ વંચાય. પરંતુ ગાંધીજી વિશેના સ્ટીવના ભાવનો ખ્યાલ તેમના જૂના સાથીદાર જોન સ્કલીએ ‘હફિંગ્ટન પોસ્ટ’ને આપેલી એક મુલાકાતમાં સાહજિક રીતે જાણવા મળ્યો. ‘પેપ્સી’માં કામ કરતા સ્કલીને જોબ્સ ‘આખી જિંદગી ગળચટ્ટાં પીણાં જ વેચ્યા કરશો?’ એવું મહેણું મારીને સ્ટીવે સ્કલીને ‘એપલ’માં ચીફ એક્ઝિક્યુટીવ તરીકે જોડાવા મનાવી લીધા હતા. પાછળથી સ્ટીવના એક પ્રોજેક્ટની નિષ્ફળતા અને મેકિન્તોશ કમ્પ્યુટરના આરંભિક ધીમા વેચાણને કારણે બન્ને વચ્ચે મતભેદ થયા. સ્કલી અને બોર્ડના બીજા સભ્યો સાથે ખટરાગના પગલે સ્ટીવને ‘એપલ’ છોડવાનો વારો આવ્યો, એ કથા જગજાહેર છે.
પણ સ્ટીવના મૃત્યુ પછી, ‘સ્ટીવનો કયો ગુણ તમારા મતે સૌથી મોટો છતાં ખાસ જાહેર ન થયો હોય એવો છે?’ એવા સવાલના જવાબમાં સ્કલીએ સ્ટીવની સાદગીને-નિસ્પૃહતાને બિરદાવતાં કહ્યું,‘તેને ધનદોલતનો ખડકલો કરવામાં રસ ન હતો. અમે જ્યારે સાથે કામ કરતા હતા ત્યારે સ્ટીવના ઘરમાં નહીં જેવું ફર્નિચર હતું: એક પલંગ, એક લેમ્પ અને આઇનસ્ટાઇન-ગાંધીની તસવીર. બસ!’
પોતાના ઘરના ઓછામાં ઓછા ફર્નિચરમાં ગાંધીની તસવીર રાખનાર સ્ટીવે ૧૯૯૭માં ‘થિન્ક ડિફરન્ટ’નું સૂત્ર ધરાવતી જાહેરખબર ઝુંબેશમાં બીજાં અનેક ક્ષેત્રની હસ્તીઓ ઉપરાંત આઇન્સ્ટાઇન અને ગાંધીજીના વ્યક્તિત્વનો પણ ઉપયોગ કર્યો હતો, તેની હવે ભાગ્યે જ નવાઇ લાગે.
સ્ટીવને નજીકથી જાણનારા સ્કલી જેવા બીજા ઘણા લોકોની અંજલિમાંથી ઉપસતી કેટલીક રેખાઓ અનાયાસ ગાંધીની યાદ અપાવે એવી છેઃ ઔપચારિક ભણતરને બદલે કોઠાસૂઝને મળેલું મહત્ત્વ, પોતાનું જીવનકાર્ય શોધવાની તત્પરતા- તાલાવેલી, એ ન મળે ત્યાં સુધી ઠરીને નહીં બેસવાનો નિર્ધાર અને એક વાર એ મળી ગયા પછી તેને આજીવન અપનાવી લેવાની દઢતા, ઊંચાં ઘ્યેય અને તેને પહોંચી વળવા માટે સાથીદારોની કસોટી કરી નાખે એવી આકરી અપેક્ષાઓ, નેતા તરીકે ઉત્તમ, મૌલિક અને બિનસમાધાનકારી, સૌંદર્યદૃષ્ટિ ગુમાવ્યા વિના સાદગી માટે દુરાગ્રહની કક્ષાનો આગ્રહ, પહેરવેશ અને બાહ્ય દેખાવ પ્રત્યે અનાસક્તિ, નિષ્ફળતાથી ડગવાને બદલે તેની સામે શીંગડાં ભરાવીને મુકાબલો કરવાનું ઝનૂન, પોતાના ઘ્યેય અને ‘અંદરના અવાજ’માં અતૂટ શ્રદ્ધા, પોતાની શક્તિઓની સાથોસાથ મર્યાદાઓનું અને પોતે શું કરી શક્યા નથી તેનું ભાન, પોતાના અને પછીના સમય પર ભૂગોળના સીમાડાને આંબતો તેમનો પ્રભાવ...
બન્ને વચ્ચેના વૈષમ્યની યાદી આનાથી અનેક ગણી વધારે લાંબી બને. છતાં બે જુદી સદીના, જુદા ક્ષેત્રોનાં વ્યક્તિત્વો વચ્ચે આટલી સમાનતા મળે તે પણ વિશિષ્ટ યોગાનુયોગ અથવા કદાચ એનાથી કંઇક વિશેષ ગણાય.
No comments:
Post a Comment