Saturday, July 25, 2015

નવવધુ

એક યુવકના લગ્ન થયા. ઘરમાં નવવધુ આવી અને ઘર આનંદ ઉલ્લાસથી ગુંજવા લાગ્યુ. નવી આવેલી વહુ બધાની ખુબ સારસંભાળ રાખતી હતી. ઘરના બધા સભ્યો ઘરના આ નવા સભ્યના આગમનથી આનંદમાં હતા પણ એકમાત્ર યુવાનની માતા થોડી ઉદાસ ઉદાસ રહેતી હતી.

યુવકના પિતાને થોડાક દિવસમાં જ ખબર પડી ગઇ કે વહુ આવ્યા પછી એમની પત્નિ થોડી ઉદાસ થઇ ગઇ છે. પત્નિની આ ઉદાસીનું કારણ જાણવા માટે એકવાર ઘરમાં કોઇ નહોતુ ત્યારે એ ભાઇએ પોતાની પત્નિને પુછ્યુ, " હું જોઇ રહ્યો છું કે વહુના આવ્યા પછી તુ થોડી ઉદાસ થઇ ગઇ છે. આ માટે કોઇ ખાસ કારણ ? "

પત્નિએ કહ્યુ, " તમે કોઇ નોંધ લીધી. લગ્ન પછી આપણો દિકરો સાવ બદલાઇ ગયો છે. પહેલા એ મારી સાથે બેસીને વાતો કરતો પણ હવે એને મારા માટે ટાઇમ જ નથી ક્યારેક ક્યારેક જ વાતો થાય છે. જો એકાદ દિવસની રજા પડે તો વહુને લઇને એના સસરાને ત્યાં જતો રહે છે. મારા કરતા તો એની સાસુ સાથે હવે વધારે વાતો કરે છે મને એવુ લાગે છે કે આપણો દિકરો હવે અડધો એના સસરાનો થઇ ગયો છે.

બસ આ બધા વિચારોથી હું સતત બેચેન રહુ છું" પેલા ભાઇએ પોતાની પત્નિનો હાથ પોતાના હાથમાં લઇને કહ્યુ, " તારી વાત બિલકુલ સાચી છે. હવે આપણો દિકરો પુરેપુરો આપણો નથી રહ્યો. પણ મારે તને એક વાત પુછવી છે. તને એવુ લાગે છે કે આપણી વહુએ આ ઘરમાં આવીને ઘરનું વાતાવરણ બગાડી નાંખ્યુ છે ? " છોકરાની મમ્મી બોલી, " ના બિલકુલ નહી, એ તો સ્વભાવની બહુ સારી છે મારુ અને તમારુ બહુ સારુ ધ્યાન રાખે છે."

છોકરાના પપ્પાએ હસતા હસતા કહ્યુ,

" ગાંડી કોઇ બીજાની દિકરી
"પુરેપુરી આપણી થઇ જતી હોય" તો પછી "આપણો દિકરો અડધો એનો કે એના માતા-પિતાનો" થાય એમાં આમ ઉદાસ થોડુ થવાનું હોય ?"

મિત્રો,
એક સ્ત્રી પોતાનું સર્વસ્વ છોડીને આપણી થવા માટે આપણા આંગણે આવે છે ત્યારે જો આપણે પુરેપુરા નહી,
માત્ર અડધા પણ એના અને એના પરિવારના બનીએ તો પારિવારિક પ્રશ્નો ઉભા નહી થાય.

No comments:

Post a Comment