Thursday, August 4, 2016

GST ભારતના આર્થિક ઈતિહાસમાં લેવાયેલું એક ઐતિહાસિક કદમ: જીએસટી

ભારતના આર્થિક ઈતિહાસમાં લેવાયેલું એક ઐતિહાસિક કદમ: જીએસટી
GST

ભારત દેશનું અત્યાર સુધીનું સૌથી મોટું ટેક્ષ રિફોર્મ અંગેનું કદમ. જીએસટી (ગુડ્સ એન્ડ સર્વિસ ટેક્ષ)ને કારણે સમગ્ર દેશ એક જ બજાર બની જશે. તેનાથી રાજ્યોની સત્તા પર કોઈ અસર નહીં પડે. જીએસટી નું માળખું એવી રીતે ઊભું કરવામાં આવ્યું છે કે કેન્દ્ર અને રાજ્ય સરકારો સાથે મળીને કામ કરી શકશે. દેશની કર-વ્યવસ્થામાં ક્રાંતિ લાવશે, તેનાથી દેશના અર્થતંત્રને વેગ મળશે અને જીડીપીમાં લગભગ બે ટકાનો વધારો આવતા બે વર્ષમાં જોવામાં આવશે. જીએસટીમાં રાજ્યોની પાસે બે-તૃત્તિયાંશ મતાધિકાર રહેશે, જ્યારે એક-તૃત્તિયાંશ મતાધિકાર કેન્દ્ર સરકાર પાસે રહેશે. જીએસટીની ટકાવારી પર નિર્ણય ત્રણ-ચુતુર્થાંશ બહુમતિથી નિર્ણય લેવામાં આવશે.

16 વર્ષ અગાઉ વાજપેયી સરકારે જીએસટી બિલ માટે પાયો નાખ્યો હતો પરંતુ લઘુમતી સરકાર હોવાનાં કારણે, તે પસાર થતો ન હતો. વર્ષ 2009માં યુપીએ સરકારે તેના માટે પ્રયાસ કર્યો. પરંતુ, ત્યારે મોટાભાગના રાજ્યોમાં બિન-કોંગ્રેસી સરકારો હતી. રાજ્ય સરકારોની માંગ હતી કે, નુકસાનની ભરપાઈ કરી દેવામાં આવે. હાલમાં કેન્દ્રમાં ભાજપની સરકાર છે તથા મોટાભાગના રાજ્યોમાં ભાજપની સરકાર છે. અત્યારસુધી જે ચીજો પર 30-35 ટકા ટેક્સ છે તે ઘટીને 17-18 ટકા થઈ જશે.

એક રસપ્રદ બાબત એ પણ છે કે, જીએસટી લાગુ થયાં બાદ થયેલી ચૂંટણીઓમાં કોઈ સરકાર ફરી ચૂંટાઈ નથી આવી. કારણ કે, પ્રારંભિક વર્ષોમાં ચીજો મોંઘી થાય છે. જેનું પરિણામ સરકારોએ ભોગવવું પડે છે. હાલ વિશ્વના 150 જેટલા રાષ્ટ્રોમાં જીએસટી લાગુ છે, પરંતુ તેના દર અલગ-અલગ છે. જાપાનમાં પાંચ ટકા, સિંગાપુરમાં સાત ટકા, કેનેડામાં દસ ટકાનો દર છે. જ્યારે ઓસ્ટ્રેલિયામાં દસ ટકા, જર્મનીમાં 19 ટકા, ન્યુઝિલેન્ડમાં 15 ટકા તથા સ્વીડનમાં 25 ટકાનો દર લાગુ થયેલો છે.

જીએસટીના અમલ બાદ ત્રણ પ્રકારના ટેક્સ રહેશે.
(01) CGST એટલે કે સેન્ટ્રલ જીએસટી. જેને કેન્દ્ર સરકાર વસૂલશે.
(02) SGST એટલે કે સ્ટેટ જીએસટી. જેને રાજ્ય સરકાર વસૂલશે.
(03) IGST એટલે કે ઈન્ટિગ્રેટેડ સર્વિસ ટેક્સ. બે રાજ્યો વચ્ચે વેપાર પર લાગુ પડશે.

કેન્દ્ર સરકાર આ કર વસૂલશે અને બે રાજ્યો વચ્ચે સમાનભાગે વહેંચી દેશે.

કેન્દ્રના પાંચ આડકતરા વેરાઓ (Indirect Taxes) (૦૧) સેન્ટ્રલ એક્ષાઇઝ (૦૨) એક્ષાઇઝ અને કસ્ટમ ઉપર લાગતી વધારાની ડ્યુટી (૦૩) કસ્ટમ ઉપર લગતી ખાસ વધારાની ડ્યુટી - એસએડી (૦૪) સર્વિસ ટેક્ષ અને (૦૫) ગૂડ્સ અને સર્વિસ ઉપર લાગતા સેસ અને સરચાર્જ -------તથા --------- રાજ્યના આઠ આડકતરા વેરાઓ (Indirect Taxes) (૦૧) વેટ (૦૨) સેન્ટ્રલ સેલ્સ ટેક્ષ (૦૩) પરચેસ ટેક્ષ (૦૪) લક્ષ્રરી ટેક્ષ (૦૫) એન્ટ્રી ટેક્ષ (૦૬) મનોરંજન કર (૦૭) જાહેરાતો, લોટરી, જુગાર તથા બેટિંગ ઉપર લાગતા ટેક્ષ અને (૦૮) રાજ્યના સેસ અને સરચાર્જ.

આ તેર આડકતરા વેરાઓ (Indirect Taxes)ને બદલે જીએસટી લાગુ પડશે. આના કારણે ટેક્ષ ચોરી અટકાવી શકાશે, ટેક્ષના દર ઘટાડી શકાશે, ધંધા-રોજગારને સરળતા રહેશે તથા આખરે દેશની જીડીપીમાં વધારો થશે. કેટલાક વેપારીઓ ઓછું વેચાણ દેખાડે છે. જીએસટીના આગમન બાદ દરેક એન્ટ્રી ઓનલાઈન થશે, એટલે ચોરી મુશ્કેલ બની જશે.

ગ્રાહકોને બે રીતે ફાયદો થશે (૦૧) બધા જ ટેક્ષ જ્યારે ખરેખર વેચાણ થશે ત્યારે જ લેવામાં આવશે. ધારો કે શર્ટ ખરીદીએ તો ૧૮% જીએસટી લેવામાં આવશે તેમાં કેન્દ્ર અને રાજ્યના બધા જ ટેક્ષ સમાવી લેવામાં આવશે. ગ્રાહકને ખબર પડશે કે કિંમતમાં કેટલો ટેક્ષ છે. ટેક્ષમાં પારદર્શકતા આવશે. (૦૨) અગાઉ આડકતરા વેરાઓ (Indirect Taxes) "ટેક્ષ ઉપર ટેક્ષ" લેવામાં આવતો હતો તે બંધ થઇ જશે.

હાલમાં અલગ-અલગ સામાન પર આપણે 30-35 ટકા જેટલો કર ચૂકવીએ છીએ. જીએસટી વ્યવસ્થા હેઠળ આ દર 17-18 ટકા જેટલો રહેશે. હાલમાં ચોક્કસ વસ્તુ પર અલગ-અલગ રાજ્યો દ્વારા અલગ-અલગ દરથી કર વસૂલવામાં આવે છે. જેના કારણે એક જ વસ્તુ બે અલગ-અલગ રાજ્યમાં અલગ-અલગ ભાવથી મળે છે. 'એક દેશ, એક ટેક્સ'ની વ્યવસ્થા લાગુ થતાં, રાજ્યોમાં સામાન એક જ ભાવે મળશે.

www.rkdangar.blogspot.com

posted from Bloggeroid

No comments:

Post a Comment