Sunday, August 28, 2016

Success story

12 વર્ષની ઉંમરનો એક બાળક છઠા ધોરણમાં અભ્યાસ કરતો હતો. એકદિવસ આ છોકરો રમતા રમતા એક અમીર માણસનાં ઘરમાં જઇ ચડ્યો. અમીર માણસે છોકરાને એના ઘરના આંગણામાં જોયો એટલે એના પર તાડૂક્યા. ગુસ્સે થઈને છોકરાને કહ્યું, "તું સાયકલ રિક્ષા ચલાવનારા એક સામાન્ય માણસનો દીકરો છે. તારી હિંમત કેવી રીતે થઈ મારા ઘરમાં પગ મુકવાની ?

છોકરો હેબતાઈ ગયો. 'આ અંકલ આટલા બધા ગુસ્સે કેમ થાય છે' એ એને સમજાતું નહોતું. બીજા દિવસે શાળામાં એક શિક્ષકને આ છોકરાએ વાત કરી. પેલા શિક્ષકે સમજાવ્યું કે બેટા, તારા પિતાની આર્થિક પરિસ્થિતિના કારણે એ ભાઈએ તારું અપમાન કર્યું. નાના છોકરાએ પૂછ્યું, "સર, પણ કોઈ મારું અપમાન ના કરે એવું કરવું હોય તો મારે શું કરવું જોઈએ"? શિક્ષકે મજાક મજાક માં કહ્યું "એક કામ કર, તું કલેકટર બની જા પછી તારા પિતાની આર્થિક પરિસ્થિતિ સામે કોઈ નહિ જુવે અને ક્યારેય કોઈ તારું અપમાન પણ નહિ કરે"

કલેકટર શું કહેવાય એની આ છોકરાને કંઈ જ ખબર નહોતી પણ એને એ જ ક્ષણે નક્કી કર્યું કે મારે કલેકટર થવું છે. પછી તો અભ્યાસ આગળ વધતો ગયો તેમ તેમ ધ્યેય વધુ સ્પષ્ટ થતું ગયું. ગ્રેજ્યુએશન પૂરું કર્યા પછી પરીક્ષાની તૈયારી માટે આ છોકરો દિલ્હી આવ્યો. સાયકલ રિક્ષા ચલાવીને માંડમાંડ પરિવારનો ગુજારો કરતા પિતાજીએ પણ છોકરાને ભણાવવા દેવું કર્યું. છોકરો પણ કોઈ ખોટો ખર્ચો નાં કરે બે મહિના તો માત્ર 2 વખત ચા પીવાના પૈસા નાં હોય એવી સ્થિતિમાં કાઢ્યા.

આ છોકરાએ કલેકટર બનવા માટે યુપીએસસીની પરીક્ષા આપી. પરિક્ષના પહેલા 2 સ્ટેજ પાસ પણ કરી લીધા. હવે ઇન્ટરવ્યૂમાં જવાનું હતું પણ એની પાસે પહેરવાના સારા કપડાં કે બુટ કંઈ જ નહોતું. છોકરાની મોટી બહેન પરણીને સાસરે ગયેલી એણે પોતાની પ્રસુતિ માટે 2000 બચાવેલા. આ 2000 એમણે કપડાં અને બુટ લેવા માટે નાના ભાઈને આપી દીધા.

રિક્ષા ડ્રાઇવરના દીકરાએ યુપીએસસીની પરીક્ષા પાસ કરી અને કલેકટર પણ બન્યો. આ છોકરાનું નામ છે ગોવિંદ જયસ્વાલ. બાળપણમાં થયેલા અપમાને ગોવિંદને એવી લગની લગાડી કે એણે દુનિયાની સૌથી અધરી ગણાતી પરીક્ષા પણ પાસ કરી દીધી. કલેકટર બનેલા ગોવિંદના ચહેરા પર તમને જે આનંદ દેખાશે એના કરતા સાયકલ રિક્ષા ચલાવતા એના પિતાના ચહેરા પર બમણો આનંદ દેખાશે.

મિત્રો, જો મનોબળ મજબૂત હોય અને ધ્યેય પ્રાપ્તિ માટે સમર્પણભાવથી પુરુષાર્થ કરવાની તૈયારી હોય તો દુનિયાની કોઈ તાકાત તમને સફળ બનાવતા રોકી ના શકે.

posted from Bloggeroid

No comments:

Post a Comment