Tuesday, November 29, 2011

આજનું શિક્ષણ કેવું હોવું જોઈએ ..... (વાલીશ્રી ઓએ ખાસ ધ્યાને લેવા જેવી વાતો)

ભિખારી: ભગવાન કે, નામ પે કુછ દે દે ! એક વ્યકતિ: લે, મારી એમબીએની ડીગ્રી લઈ જા !

ભિખારી: અબે, જા ! જા ! તુજે ચાહિયે તો, એ મેરી સીએ કી ડીગ્રી લે જા !



વિવેકાનંદે કહ્યું છે   બાળક સ્વંય શિક્ષણ મેળવે છે, તમારું કર્તવ્ય તો માત્ર તેને સહયોગ આપવાનું અને અડચણો દૂર કરવાનું છે, સાચું શિક્ષણ એ છે કે જે માનવને આત્મનિર્ભર બનાવે છે.



હાલ સમાજના તમામ સ્તરના લોકો ઉચ્ચ વર્ણથી છેક નીચલા વર્ણ સુધીનાને પોતાના સંતાનો ઉચ્ચ ડીગ્રી મેળવી સમાજમાં મોભાદાર સ્થાન મેળવવાની સ્પર્ધા શરૂ થઈ છે. જેમાં ખાસ કરીને પોતાના અથવા વિકલ્પે સગા સ્નેહી કે મિત્રોનો સંતાનમાંથી ઓછામાં ઓછા એક બાળકે તો ડૉકટર બનવું જ જોઈએ તેવો જાણે હ્ઠાગ્રહ શરૂ થયો છે. આ માનસિકતાનો બરાબર લાભ ઉધ્યોગપતિઓ-મોટા વ્યાપારી ગૃહો, રાજકારણીઓ અને સત્તાધારી અમલદારોએ તગડી ફી ઉઘરાવી લાખોનો નફો કરવા કોલેજો ચાલુ કરી છે. આવી મોટાભાગની કોલેજોમાં કુશળ પ્રાધ્યાપકો કે અન્ય આવશ્યક સગવડો ના હોવા છતાં વગ દ્વારા માન્યતા મળતી રહે છે.



આજના યુગમાં વંશ પરંપરાગત ધંધામાં કોઈને રસ નથી. નાના-મોટા કારીગરો જેવા કે કડિયા, સુથાર. સોની, દરજી, ધોબી, લુહાર, પ્લમ્બર, ઈલેક્ટ્રીશ્યનો, ઘરકામ કરનારાઓ, રસોઈ કરનારાઓ, ડ્રાઈવરો વગેરે કુશળ-અર્ધ-કુશળ કે અકુશળ તમામને પોતાના બાળકને ડૉકટર,એંજીનીયર, સી.એ., એમ.બી.એ., બી.બી.એ. કે ટેક્નોક્રેટ અર્થાત વ્હાઈટ કોલર વ્યવસાય કે ધંધામાં કાબેલ બનાવવા હોડ લાગી છે અને તે માટે સખ્ત મહેનત-મજૂરી કરી યેન-કેન-પ્રકારેણ નાણાં મેળવી, બાળકોને આવી મોંઘી લાઈન લેવડાવવા કટિબધ્ધ બની આ સ્પર્ધામાં જોડાઈ રહ્યા છે.



આ વિષે વિચારતા જણાય છે કે આપણાં દેશમાં દુર્ભાગ્યે ડૉકટર-એંજીનીયર તથા જે ધંધો-વ્યવસાય કે નોકરી વ્હાઈટ કોલર ગણવામાં આવે છે તે જ માત્ર સ્ટેટ્સ કે મોભા વાળી સમજાય છે. બાકીના ધંધા-વ્યવસાય હલકા ગણવામાં આવે છે તેવી મજબુત માનસિકતા સમાજમાં પ્રવર્તી રહી છે. પરિણામે વંશ-પરંપરાગત ધંધો કે વ્યવસાય છોડી મોભાદાર નોકરી કે વ્યવસાય તરફની દોટમાં મોટાભાગના લોકો દોડી રહ્યા છે.



કોઈપણ કામ ઉચ્ચ કે નીચ કેમ ગણી શકાય ? તમામ પ્રકારનું કામ ગૌરવપ્રદ અને મોભાદાર જ ગણાવું જોઈએ.



મકાન બનાવવું હોય તો માત્ર એનજીનીયર કે આર્કિટેક્ટ દ્વારા કાગળ ઉપર પ્લાન દોરી કાઢવાથી મકાન ના બને ! તે માટે પાયા ખોદનાર, માટી ઉચકનાર, અને બાદમાં ચણતર કરનાર, ઈંટ, પથ્થર, સીમેંટ, રેતી લાવનાર, વાપરનાર, સુથાર, લાકડૂં વહેરનાર, બારી-દરવાજા તૈયાર કરનાર, વગેરે કારીગરોના સંયુકત શ્રમ અને મજૂરી બાદ મકાન ઉભું થઈ શકે ! એ જ રીતે સફાઈ કે સ્વચ્છતા માટે સફાઈ કરનાર કોઈ ના હોય તો ચો-તરફ ગંદકીનું સામ્રાજય ફેલાય પરિણામે રોગચાળો ફાટી નીકળવાની સંભાવના રહે ! ખોરાક જીવવા માટે અનિવાર્ય ગણાય. તે પેદા કરવા જમીન ખેડનાર ખેડુત, બી વાવનાર વ્યક્તિ, વાવ્યા બાદ પાણી અને ખાતર દ્વારા માવજત કરનાર, બાદ અનાજ પાકી ગયા બાદ લણનાર અને બજાર સુધી પહોંચાડનાર શ્રમજીવીઓ ના હોય તો ? કલ્પના કરી જોજો ! કમ ભાગ્યે આપણાં દેશમાં શ્રમનો કોઈ મહિમા નથી. આવી માનવીના અસ્તિત્વ ટકાવી રાખવાની મૂળભુત જરૂરિયાતને લગતા શ્રમને હલકું ગણવામાં આવે છે.



જ્યારે પશ્ચિમના દેશોમાં કોઈ કામ હલકું ગણવામાં આવતું નથી. સૌ કોઈ કામ કરનારને આદર સાથે નિહાળવામાં આવે છે અને સમાજમાં ઉચ્ચ સ્થાન મેળવનારના તે કયા પ્રકારનું કામ કરે છે તે સાથે કોઈ સંબંધ ધરાવતું નથી વ્યક્તિની પોતાની આવડત, કુનેહ અને ક્ષમતા જોઈ સ્થાન આપવામાં આવે છે.

શ્રી ગુણવંત શાહ અમેરીકાના પ્રવાસે હતા ત્યારે કોઈ સંબંધી જોડે વ્યાખ્યાન સાંભળવા ગયેલા અને જે વ્યક્તિ વ્યાખ્યાન આપતી હતી તે પોતાના વિષયમાં અદભુત અભ્યાસુ હોવાથી આ વ્યાખ્યાનથી શ્રી ગુણવંત શાહ અત્યંત પ્રભાવિત થયેલા અને અંતમાં પેલા વ્યાખ્યાનકર્તાને અભિનંદન આપવાની સાથે તેઓ શું કામગીરી કરે છે તેવું પૂછ્તાં પેલાએ પ્રત્યુત્તરમાં પોતે સફાઈ કામદાર છે તેમ જણાવેલું. મતલબ કે જ્ઞાન અને અભ્યાસને વ્યક્તિ શું અને કેવું અને કયું કામ કરે છે તેની સાથે કોઈ સંબંધ નથી. વ્યક્તિની જ્ઞાન મેળવવાની નિષ્ઠા, એ માટેની તડપન અને ક્ષમતા મહત્ત્વની ગણાવી જોઈએ.



આ દેશના અર્થાત પશ્ચિમ દેશના અમેરીકા સહિત બાળકો પણ પુખ્ત થતાં પોતાનો અભ્યાસ માટેનો, તથા પોતાની અંગત જરૂરિયાતોનો તથા રહેવા કરવા અને ખાધા- ખોરાકીનો ખર્ચ અભ્યાસ કરતા કરતા જ કોઈ પણ કામ શોધી મા-બાપને ચૂકવી દેતા હોય છે અથવા પોતે અલગ રહેવાનું શરૂ કરે છે.



આપણાં દેશના લોકો પણ ત્યાં જાય છે ત્યારે કોઈ પણ કામ કરવા સંકોચ અનુભવતા નથી તેનું પણ આ જ કારણ હોઈ શકે. જે કામ અત્રે કરતા શરમાય કે ક્ષોભ અનુભવે તે વિદેશમાં કરી પોતાના ખરચા કાઢી લેવા પડે છે. જે મા-બાપ પોતાના બાળકને અહિ હોટેલમાં વેઈટર કે વેઈટ્રેસ તરીકે કામ કરે તો હલકું કામ ગણી ના કરવા દે તેવા કામ વિદેશમાં કરે છે અને મા-બાપને ડોલર કે પૌંડ મોકલે છે મા-બાપ પૂછે તો પોતે શું કામ કરે છે તે નહિ કહેતા જોબ કરે છે તેમ કહી ટુંકમાં પતાવે છે .જો આજ બાળકો દેશમાં રહી અભ્યાસ કરતા કરતા કામ કરવાની વાત કરે, તો મા-બાપ સ્પષ્ટ ઈન્કાર કરી ને પોતે બેઠા છે ત્યાં સુધી કશું કરવાની જરૂર નથી, માત્ર અભ્યાસમાં ધ્યાન પરોવો તેવી સુફિયાણી સલાહ આપે છે પરિણામે બાળક સ્વાવલંબી બનતું નથી અને ફાજલ સમયમાં દેખા-દેખી કે ચડસા-ચડસીમાં પરોવાય ફાલતુ ખરચા કરતા રહે છે અને કેટલાક તો અસામાજિક પ્રવૃતિમાં પણ ફસાય જાય છે.



આ ચેપ હવે કારીગરોની જમાતમાં પણ પ્રસરી ચૂક્યો છે. અને પોતે જે વ્યવસાય કે ધંધો પેઢી દર પેઢીથી કરી રહ્યા હોઈ તે હલકો ગણી તેવું કામ બાળકના શીખે તે માટે સતત પ્રયત્નશીલ રહે છે. આમ આ વર્ગને પણ વ્હાઈટ કોલર જોબ કે વ્યવસાયનું ભારે આકર્ષણ/ઘેલું લાગ્યું છે. પરિણામે આજે પણ વિવિધ પ્રકારની કામગીરી માટે કારીગરો મેળવવા કઠિન બન્યા છે કે બનતા જતા હોય આવનારા દિવસોમાં કુશળ, અર્ધ-કુશળ અને અકુશળ અર્થાત સ્કીલ્ડ, સેમી સ્કીલ્ડ અને અનસ્કીલ્ડ કારીગરોની અછ્ત પરાકાષ્ટાએ પહોંચવાની પૂરી સંભાવના રહે છે..અને તેથી તેમની મજૂરીનો દર પ્રવર્તમાન દર કરતાં અનેક ઘણા વધવાની ભરપૂર શક્યતા રહે છે.



આવનારા દિવસોમાં કડિયા-સુથાર કે પ્લમ્બર વગેરે કારીગરો રોજના મજૂરીના રૂપિયા 4000/ થી 7000/- માંગશે તો આશ્ચર્ય નહિ થાય. વળી પોતાની શરતો સાથે કામ કરવા આવવા સ્વીકારશે. કામનો પ્રકાર જાણવા મુલાકાતે આવશે તો વીઝીટ ચાર્જીસ પણ દેવાના રહેશે. ઉપરાંત કામના મર્યાદિત કલાકો નિશ્ચિત કરશે. એ જ રીતે ઘર કામ કરવા આવતી બહેનો કે ભાઈઓ, રસોઈ કરનારઓ, ડ્રાઈવરો, માળીઓ વગેરે પોત પોતાની શરતો સાથે કામ કરવાનું તથા મોટો પગાર માંગશે.



પશ્ચિમના દેશોમાં આવા મોટા ભાગના કામો લોકો પોતે જ શીખી જઈ સ્વ હસ્તે કરતા હોય છે અને આપણાં ત્યાં જનારાઓ પણ આવા કામ અહિ કર્યા હોય કે નહિ પરંતુ ત્યાં નીચી મૂંડીએ કરતા થવાની ફરજ પડે છે. એમ કહેવાય છે કે અત્રેથી ત્યાં જનારાઓની પ્રથમ ખરીદી ટૂલ બોક્સની હોય છે !


No comments:

Post a Comment