જેનું સેવન આપણે બારે માસ કરીએ છીએ છતાં શિયાળામાં તેનું મહાત્મ્ય વધી જાય છે. ભારતમાં તેનો પ્રચાર માત્ર આયુર્વેદિક દવાઓ સાથે ભેળવીને ચાટણ માફક ચાટવા પૂરતો જ છે, પણ રશિયામાં તો મધનો રોજિંદા આહાર તરીકે વપરાશ થાય છે અને ત્યાં નિયમિત રીતે રોજ મધ આરોગતા સો વર્ષ સુધી જીવતા લોકો પણ હયાત છે.મધ એટલે ફૂલોનો રસ. મધમાખી અને ભમરાઓ ફૂલોના રસને એકઠો કરીને ઘટ ચાસણી જેવું ગળ્યું પ્રવાહી બનાવે તે મધ, એ કુદરતી મીઠાશ છે. પાંચ હજાર વરસથી માણસ ખાંડ-ગોળના વિકલ્પરૂપે મધ વાપરતો. ૧૭મી સદીમાં શેરડીનું વાવેતર શરૂ થયું અને ખાંડ-ગોળ મળતાં થયાં ત્યાં સુધી ગળપણ માટે મધ વપરાતું.
મધ ખરા અર્થમાં સેક્યુલર છે. બધાં ધર્મોમાં તેની બોલબાલા છે. ઈસુ ખ્રિસ્ત પાઉં સાથે મધનો કટોરો ડાઇનિંગ ટેબલ પર રાખતા તેમ હજરત મહંમદ પયગંબર સાથે પણ રોટી અને મધનો ઉલ્લેખ મળે છે.
માનવજાત પર કુદરત કેટલી બધી મહેરબાન છે એનો સર્વોત્તમ દાખલો મધ છે. જાંબુ, સંતરા, મોસંબી, કડવો લીમડો, નીલગીરી, કપાસ, લીચી, મસ્ટર્ડ, આમલી, હરડે, તલ, કારેલા અરે,સરગવાનાં ફૂલ પર પણ મધ થાય. બીજાં પણ ઘણાં ફળફૂલોમાં મધ હોય છે.આપણે આહાર કે ઔષધિરૂપે વાપરીએ છીએ એ મધ મધમાખી આપે છે. ઘનઘોર જંગલોમાં કે પહાડો પર મધપૂડામાં મધમાખી વરસાદ કે ઉગ્ર ઉનાળામાં મધનો સંગ્રહ કરે છે. દાયકાઓ અગાઉ મધ મેળવવા જે જંગલી પદ્ધતિ અપનાવાતી તેને કારણે ઘણી મધમાખી મરી જતી. તેના ઇંડાનો નાશ થતો. એટલે જ જીવદયામાં માનતા જૈનો વરસો સુધી મધ વાપરતા નહોતા. ત્યાર બાદ ગાંધીજીના આગ્રહથી ખાદી ગ્રામોદ્યોગ સંસ્થાએ મધમાખી કેન્દ્રો શરૂ કર્યા જે અહિંસક મધ આપતાં થયાં. અત્યારે આપણા દેશમાં ૧૦ લાખ કરતાં પણ વધુ હની-બી કોલોની છે. દરેક કોલોનીમાં સરેરાશ પચીસથી સો મધ પેટી હોય છે.
જો કે કુદરતી મધપૂડામાં મધમાખીની સંખ્યા વધુ હોય છે. જંગલમાં આવા મધપૂડામાં ૫૦ હજારથી દોઢ લાખ મધમાખી હોય છે. તેમાંય ‘ભમરી’ તરીકે ઓળખાતી મધમાખી તો પહાડો પર ૧૦થી ૧૨ ફૂટ ઊંચા અને છથી સાત ફૂટ લાંબા મધપૂડા બાંધે છે. ઘણીવાર આવા એક મધપૂડામાં પાંચથી છ મણ જેટલું મધ હોય છે. માખી આપણને જે મધ આપે છે એ સુપાચ્ય બનાવીને આપે છે. મધને પચાવવા માટે હોજરીમાં મોકલવાની જરૂર નથી. મોંઢામાં મૂકો કે તરત લોહી બનીને નસોમાં વહી જાય છે. એટલે તો દૂધ કરતાં પણ મધને બાળકો માટે સલામત આહાર ગણાવાય છે.
મધમાખીથી માણસ સુધી મધ શી રીતે આવે છે એ જાણવાનું રસપ્રદ છે. મધમાખી ફૂલ પર બેસે ત્યારે એના આખા શરીર પર પરાગ ચોંટે છે. તેના આગલા પગ પર વાળના ગુચ્છા હોય છે. તેના વડે પીંછી કે બ્રશની જેમ પરાગ એકઠો કરીને પાછલા પગ પાસે કુદરતે મૂકેલી ટોપલીમાં જમા કરે છે. પછી પૂડામાં પાછી ફરીને ખાનામાં એ પરાગ ઠાલવી દે છે. કરોળિયો પોતાની લાળ વડે જાળું રચે તેમ મધમાખી પોતાના શરીરના પરસેવા વડે મધપૂડો બનાવે છે. તેના પેટ નીચે તૈયાર થતાં એ પરસેવાને આપણે મીણ કહીએ છીએ. દુનિયાના સર્વશ્રેષ્ઠ આર્કિટેક્ટ પણ ચકરાઈ જાય એવી બાંધણી મધપૂડાની આ નાનકડા જીવો કરે છે. દરેક ખાનાં ચોક્કસ માપના હોય છે.
ડોક્ટર કહો, વૈદ્ય કહો, હકીમ કહો કે ડોશીવૈદું કહો, દુનિયામાં તમામ ઉપચાર શાસ્ત્રમાં મધનો મહિમા મોટો છે. તેનું કારણ પણ કદાચ એ જ છે કે, મધ અજાતશત્રુ અથવા સર્વમિત્ર છે.
(૧) એ વજન ઉતારવાના કામમાં આવે તેમ વજન વધારવાના કામમાં પણ આવે. રોજ સવારે નરણે કોઠે નવશેકા પાણીમાં પાંચ-સાત ટીપાં લીંબુનો રસ અને એક ચમચો મધ લો તો થોડા સમયમાં વધારાની ચરબીના થપેડા ઊતરી જાય.
(૨) એ જ રીતે ઠંડા ફ્રીજમાં મૂકેલું ઠંડું નહીં, ગરમ કર્યા પછી આપમેળે ઠરી જાય એવા દૂધમાં રોજ એક ચમચો મધ લો તો થોડા સમયમાં વજન વધી જશે.
(૩) સખત શરદી-ઉધરસમાં શીતોપલાદિ ચૂર્ણ મધમાં લેવાથી મટી જાય છે. આ ઉપરાંત કેટલાં બધાં રોગોમાં મધ વાપરવાથી તેની અસર તાત્કાલિક રોગો ઉપર થાય છે.
આપણે ત્યાં ભગવાનને સ્નાન કરાવવામાં મધનો ઉપયોગ કરી ‘મધુસ્નાનમ’ કરાવ્યાનો મહિમા છે, તે ઉપરાંત ભગવાનને સ્નાન કરાવતું પંચામૃત, તેમાંનું એક મધ અમૃત છે.
કુદરતી ઉપચારના સમર્થકો મધને પૃથ્વી પરનું અમૃત કહે છે. જે નિરોગીનો આહાર છે તેમ રોગીનો ઉપચાર છે. મીઠાશ ઉપરાંત થોડી તીખાશ અને તુરાશ પણ હોય છે મધમાં. સામાન્ય રીતે તેનો રંગ પાણી જેવો હોય છે. જો કે રંગનો આધાર કયા ફળ-ફૂલનું મધ છે તેના પર રહે છે. દાખલા તરીકે જાંબુનું મધ સહેજ ઘેરા કાળા રંગનું હોય છે. તો લીચી કે સંતરા-મોસંબીનું મધ સોનેરી પીળા યા કેસરી રંગનું હોય છે. જો કે લાંબો સમય રહે તો તેનો રંગ અને સુગંધ બદલાઈ જાય છે, પણ તેના ઔષધિય ગુણો અકબંધ રહે છે. થોડાં વરસો પહેલાં ઇજિપ્તના પિરામિડો ખોદ્યા ત્યારે શાહી કબરોમાંથી ૩૪૦૦ (ત્રણ હજાર ચારસો) વરસ જૂના માટીના કુંભ મળી આવેલા તેમાં એ સમયનું સર્વોત્તમ મધ ભરેલું હતું.
આજે એકાદ-બે પુરાના વૈદ્યરાજો પાસે ૫૦ વરસ પહેલાંનું ઓસ્ટ્રેલિયન મધ સચવાયેલું છે.
અત્યારના જમાનામાં આપણને ઘરઆંગણે મધ મળી રહે છે. કેટલીય ઔષધિ બનાવતી કંપનીઓ તેમની બ્રાન્ડનું શુદ્ધ મધ હોવાનો દાવો કરીને વેચે છે. એ સાથે જ ઘણા લેભાગુ લોકો ખાંડની ચાસણી મધના નામે વેચે છે. આવા લોકો પર સરકાર તવાઈ પણ લાવે છે.
આહાર તરીકે મધની વિશેષતા એક દાખલા પરથી સમજાશે. પાસઠ ઇંડા, તેર લિટર દૂધ અને ૧૨ ડઝન એટલે કે ૧૪૪ નંગ સફરજન મળીને કુલ ૩૫૦૦ કેલરી આપે. આટલી કેલરી ફક્ત એક કિલો મધમાંથી મળી જાય છે.
આપણે ત્યાં તો મધ ફક્ત ઔષધિ તરીકે જ વપરાય છે. વિદેશોમાં તો મધ રોજિંદા આહારનો અનિવાર્ય હિસ્સો હોય છે. અમેરિકાની જ વાત લો. એકલા ફ્લોરિડા સ્ટેટમાં વરસે એક કરોડ આઠ લાખ કિલો મધનો વપરાશ છે. ત્યાં સૌથી ઓછો વપરાશ ટેક્સાસ સ્ટેટમાં હોવાનું કહેવાય છે. છતાં વરસે ૯૧ લાખ ૯૦ હજાર કિલો મધ ખવાય છે. અમેરિકાનું ૧૯૯૪નું મધ ઉત્પાદન સાડા નવ કરોડ કિલોનું હતું એની સરખામણીમાં ભારતમાં વરસે ૨૬ હજાર ટન એટલે કે ૧૦૦૦ કિલો મધ બને છે. જે આપણી વસતી માટે ઓછું કહેવાય. એનું એક કારણ એ કે, મધ સર્વોત્તમ આહારછે એ હકીકત લોકોને કોઈએ સમજાવી નથી. સામાન્ય માણસ તો મધને દવા જ સમજે છે. બીજું કારણ એ કે, મધ મોંઘારતને હિસાબે શ્રીમંતોને જ પરવડે.
વિશ્વમાં મધના સૌથી મોટા ઉત્પાદક દેશ ચીન, રશિયા અને અમેરિકા છે, પણ શ્રેષ્ઠતાની દૃષ્ટિએ આર્જેન્ટિના, બેલ્જિયમ અને ચીનનું મધ વખણાય છે. ઘરઆંગણે સૌથી વધુ મધ દક્ષિણ ભારતનાં ચાર રાજ્યો તમિળનાડુ, કર્ણાટક, કેરળ અને ઓરિસામાં થાય છે. કેરળમાં સૌથી વધુ મધ થાય છે. સૌથી ઓછું મધ મધ્યપ્રદેશમાં થાય છે. અહિંસક મધ ભેગું કરવાની સરળ પદ્ધતિ જાણવા જેવી છે. તેઓ મધમાખીની રાણીને મધપૂડામાંથી કાઢીને દૂર મૂકી દે છે. થોડીવાર પછી માખીઓનું આખું લશ્કર રાણીની પાછળ જાય છે. થોડીવાર પછી ખાલી પડેલો મધપૂડો સાવધ રહીને ઊંચકી લેવાનો. આ કાર્ય જેટલું સહેલું છે તેટલું જ અઘરું છે, કારણ કે પહેલાં તો માખીઓના ઝૂંડમાં માખીઓની રાણીને શોધીને અલગ તારવીને અન્ય જગ્યાએ ફેરવવી. જો તિ થાય તો માખીઓ આપણને જ ચોંટે. આ માટે નિષ્ણાતોનું કામ છે.
૧૯૧૩માં ભારતમાં સર્વપ્રથમ સિમલામાં ‘મધમાખી ઉછેર સંઘ’ નામની સંસ્થા સ્થપાઈ. ભારતમાં વૈજ્ઞાનિક પદ્ધતિથી મધમાખી ઉછેર કેન્દ્રો બ્રિટિશ સરકારે ૧૯૩૦માં શરૂ કર્યા હતા. કચ્છમાં સુમરાસર, રાપર, ભૂજ, દૂધઈ અને કંથકોટ વિસ્તારમાં મધમાખી ઉછેર કેન્દ્રો સરસ કામ કરે છે.
અહિંસક મધ પ્રાપ્તિનો પ્રયોગ ૧૮૫૧માં એલ.એલ. લેંગ્સવર્થ નામના ગોરા સાહેબે કરેલો. કચ્છમાં માર્ચ-એપ્રિલ અને ઓક્ટોબર-નવેમ્બરમાં વધુ મધ મળે છે. નાનકડી મધમાખીઓ જે મધપૂડા કચ્છમાં બનાવે છે તે દરેક પૂડા દીઠ ચારથી પાંચ કિલો મધ મળે છે.
શિયાળાના ખુશનુમા દિવસોમાં તમને તબિયતથી જમવાનું થાય તો આવતીકાલ સવારથી નિયમિત એક ચમચો મધ લેવાનું શરૂ કરી દેજો. જો જો ચોક્કસ આનંદમય દિવસો પસાર થશે.
અસલી મધ કઈ રીતે ઓળખવું …
* જીવતી માખીને મધમાં ડૂબાડી દો. થોડીક સેકન્ડમાં એ જાતે બહાર નીકળીને ઊડી જાય તો સમજવું કે તે ચોખ્ખું મધ છે.
* રૂની વાટ મધમાં બોળીને સળગાવો. તડતડિયાં બોલાવ્યા વગર તે બળે- પ્રકાશ આપે તો ચોખ્ખું ગણવું.
* કૂતરાંને મધ બિલકુલ ભાવતું નથી. રીંછને ખૂબ ભાવે. પાઉં કે રોટલી પર મધ ચોપડીને કૂતરાંને આપો. સૂંઘીને ખાધા વગર મૂકી દે તો મધ ચોખ્ખું.
* એક વાટકો પાણીમાં મધનું ટીપું નાખો. તરત નીચે બેસી જાય તો મધ ચોખ્ખું.
* બનાવટી મધમાં ઘણી વખત ખાંડની પોપડીઓ બાઝી જાય છે.
સૌજન્ય : સંદેશ દૈનિક
મધના ગુણો …
૧] આદુનો રસ અને મધ સમાન માત્રામાં લઈને ચાટવાથી શ્વાસની તકલીફ દૂર થાય છે, હેડકીઓ આવતી બંધ થાય છે.
૨] સંતરાની છાલોનું ચૂર્ણ બનાવીને તેમાં બે ચમચી મધ મેળવીને તૈયાર કરેલો માલમ ત્વચા પર લગાડવાથી ત્વચા નીખરી ઉઠે છે અને ક્રાંતીવાન બને છે.
૩] સૂકી શરદીમાં મધ અને લીંબુના રસનું સમાન માત્રામાં સેવન કરવાથી લાભ થાય છે.
૪] કબજિયાતમાં ટમેટું અથવા સંતરાના રસમાં એક ચમચી મધ નાખીને સેવન કરવાથી લાભ થાય છે.
૫] હાઈ બી પી (બ્લડપ્રેશર) માં મધનું સેવન લસણ સાથે કરવાથી લાભ થાય છે.
૬] શુષ્ક ત્વચા પર મધ, મલાઈ તેમજ બેસન (ચણાનો લોટ) મેળવીને તૈયાર કરાયેલ મલમ ત્વચા પર લગાડવાથી ત્વચાની શુષ્કતા દૂર થાય છે અને લાવણ્યમય ત્વચા બને છે.
૭] મધથી માસપેસીઓ બળવાન બને છે.
૮] એક ગ્લાસ દૂધમાં ખાંડ નાખ્યા વિના મધ ઘોળીને રાત્રે પીવાથી શરીરનું બેડોળપણું દૂર થાય છે અને શરીર સુડોળ, રૂષ્ટપુષ્ટ અને બળવાન બને છે.
૯] પેટના નાના મોટાં ઘાવ અને પ્રાથમિક (પ્રારંભિક) સ્થિતિનું અલ્સર મધને દૂધ કે ચા સાથે લેવાથી ઠીક થઇ શકે છે.
૧૦] મધના નિત્ય સેવનથી નિર્બળ આંતરડાને બાદ મળે છે.
૧૧] હૃદયની ધમનીઓ માટે મધ ખૂબજ શક્તિ વર્ધક છે. સૂતી વખતે મધ અને લીંબુનો રસ મેળવીને એક ગ્લાસ પાણીમાં પીવાથી કમજોર હૃદયમાં શક્તિનો સંચાર થાય છે.
૧૨] ડુંગળીનો રસ અને મધ સમાન માત્રામાં મેળવીને ચાટવાથી કફ દૂર થાય છે તથા આંતરડામાં થયેલા વિજાતીય દ્રવ્યોને દૂર કરીને કીડા નષ્ટ થાય છે. તેને પાણીમાં ભેળવીને એનિમા લેવાથી લાભ થાય છે.
વધારાનો મુખવાસ …
૧] શારીરિક અશક્તિ, થાક અને એવી અનેક પ્રકારની બીમારીઓમાં મધનું શરબત અથવા દુધમાં મધ ભેળવી પીવાથી ખૂબ ફાયદો થાય છે.
૨] મધનો બનેલો સુરમો આંખ માટે ખૂબ ફાયદાકારક છે.
૩] પેટના :દુખાવો અને ઝાડાની તકલીફમાં પણ મધ ઝડપથી રાહત પહોચાડે છે.
૪] મધ જઠર અને આંતરડામાં ભરાઈ રહેલી ગંદકી દૂર કરે છે.
૫] જે વ્યક્તિ પ્રતિ માસ (મહીને) ત્રણ દિવસ સુધી સવારના થોડું મધ પીવે તેને કશી મોટી બીમારી લાગુ પડશે નહિ.
૬] કફની તકલીફ ખાસ કરીને વૃદ્ધ વ્યક્તિઓને વધારે હોય છે. તેવો ખાસ નોંધી લે કે મધ કફનાશક છે. કફને મધ બહાર કાઢે છે. ઉધરસમાં રાહત પહોચાડે છે.
૭] મધ ઉમેરીને બનાવેલી દવાઓ, ચાટણ, મલમ વગેરે લાંબા સમય સુધી બગડતી નથી.
૮] મધ છાતીની તકલીફ દૂર કરે છે, પેશાબ ઉતારવામાં થતી અડચણો દૂર કરી પેશાબ છૂટથી લાવે છે.
૯] મધ તાજાં ફળોને છ માસ સુધી બગડવા દેતું નથી.
૧૦] સવારમાં નરણે કોઠે મધ ખાવા કે પીવાથી જઠરનો કચરો સાફ થઈ જાય છે. મધ શરીરમાં જામી ગયેલા દૂષિત તત્વોને ઓગળીને બહાર કાઢે છે અને અનેક બીમારીઓથી શરીરનું રક્ષણ કરે છે.
૧૧] મધ દવા પણ છે અને ખોરાક પણ છે માટે કોઈ પણ નુસખામાં કશા સંકોચ વિના ઉમેરી શકાય છે. મધ તંદુરસ્તીને ઈમાન સાથે સાંકળે છે.
૧૨] ચીકણા કફને મધ શરીરની બહાર કાઢે છે. લાંબા સમય સુધી મધનું સેવન કરવાથી બરોળના સોજા, લકવા (પેરાલીસીસ) અને શરીરમાં ભરાઈ રહેલા ઝેરી તત્વોની અસર દૂર કરે છે. ઉપરાંત તરસ છિપાવે છે. પથરીને બહાર કાઢે છે, જઠર તથા આંખને શક્તિ આપે છે.
૧૩] મધ સ્ત્રીઓ માટે પણ એટલુજ ગુણકારી છે. ધાવણ વધારે છે. સ્ત્રીઓના માસિકની અનિયમિતતાને દૂર કરે છે.
૧૪] મધને જીરાના પાણીમાં નાખી હડકાયું કૂતરું કરડ્યું હોય તેવા દર્દીને આપવાથી ફાયદો થાય છે.
૧૫] લાંબુ આયુષ્ય ભોગવવાની ઇચ્છા રાખનારા માટે મધ જાણે જીવનામૃત છે. જે પ્રદેશમાં મધની પીળાશ વધુ હોય તેવા પ્રદેશના લોકોનું આયુષ્ય બહુધા લાંબી હોય છે.
૧૬] રશિયાના જીવશાસ્ત્રી નિકોલાઇએ ૧૦૦ વરસથી વધુ વય-આયુષ્ય ધરાવનારા ૧૨૦૦ માણસોના જીવનનો અભ્યાસ કરી એવું તારણ કાઢ્યું કે આવા લોકોમાં મોટા ભાગના મધમાખી ઉછેરનાર હતા અને એ સૌએ કબૂલ કર્યું કે એમનો મુખ્યત્વે ખોરાક મધ છે.
૧૭] નિયમિત મધનું સેવન કરનારાઓની આંખો તેજસ્વી રહે છે. આવા લોકોના રંગમાં અનેક પ્રકારનો નિખાર આવે છે. એટલુજ નહિ પરંતુ બીજા લોકો કરતા આમનામાં સહનશક્તિની માત્રા પણ ઘણી વધારે હોય છે.
૧૮] દાંતની તકલીફમાં પણ મધ ઉપયોગી છે. સુરકા (સિરકા) સાથે મેળવીને દાંત ઉપર લગાડવાથી દાંત પરના ડાઘ દૂર થાય છે. દાંત મજબૂત અને ચમકદાર બને છે અને પેઢાપરનો સોજો દૂર થાય છે.
૧૯] ગરમ પાણીમાં મધ મીઠું અને સિરકો નાખી ગરગરા કરવામાં આવે તો ગળાના સોજામાં પણ ફાયદો થાય છે.
૨૦] ઘઉંના લોટમાં મધ ભેળવી મલમ જેવું બનાવી ફોડલા-ફોડલી પર લગાડવાથી ફાયદો થશે.
૨૧] ગુલાબના પાણીમાં મધ ભેળવી માથામાં નાખવાથી જૂ-લીખ હશે તો નાશ થઈ જશે. વાળ ઘેરા, ચમકદાર અને મુલાયમ બનશે.
૨૨] એ પણ યાદ રહે કે મધની કુદરતી મીઠાશ ડાયાબીટીસના દર્દીને કશું નુકશાન કરતી નથી.
૨૩] ઘડપણમાં ખાસ કરીને ત્રણ અગત્યના પ્રશ્નો ઉભા થાય છે . ૧. શારીરિક અશક્તિ. ૨. કફ, બલગમ અને ૩. સાંધાના દર્દ. સદભાગ્યે મધના સેવનથી આ ત્રણેય પ્રશ્નો સરળતાથી ઉકેલી જાય છે.
૨૪] સામાન્ય રીતે ફ્લૂની તકલીફ માંથી માણસ ૧૦ દિવસ સુધી સાજો થતો નથી, અને સાજો થયા પછી પણ લાંબા સમય સુધી અશક્તિ રહયા છે. આવા દર્દીને દિવસમાં ૧-૨ મોટા ચમચા મધના પિવડાવવાથી ત્રણ દિવસમાં દર્દી સાજો થઈ જશે અને અશક્તિ પણ દૂર થઈ જશે.
૨૫] દમના દર્દીને શ્વાસનળીમાં થતી ગભરામણ દૂર કરવા અને જામેલો કફ શરીરની બહાર કાઢવા માટે ગરમ પાણીમાં મધ નાખીને પિવડાવવાથી ફાયદો થાય છે. દમના દર્દી માટે આનાથી વધારે સારી બીજી કોઈ દવા નથી.
૨૬] ન્યૂમોનિયાના દર્દી પર તેના રોગના જંતુ નાશ કરવાની દવાની કોઈ અસર થતી નથી. આવા દર્દીને એક કિલો મધ પિવડાવવાથી તેની તબિયત સારી થઈ શકે છે અને મધના ઉપયોગથી કોઈ આડ અસર થવાનો પણ ભય પણ રહેતો નથી.
૨૭] પરીક્ષાના દિવસોમાં અભ્યાસ કરનારા બાળકોને દરરોજ મધ પાવામાં આવે તો વધુ સમય સુધી તેઓ થાક્યા વગર અભ્યાસ કરી શકે છે.
૨૮] શરીર પર શસ્ત્રક્રિયા (ઓપરેશન) પછી આવતી અશક્તિને દૂર કરવા માટે મધ એક ઉત્તમ ઇલાજ છે.
૨૯] પડી-આખડી જવાથી મોચ, સોજો કે હાડકું ભાંગી જાય તો હાડવૈદ જે લેપ લગાડે છે તેમાં પણ ખાસ કરીને મધનો વધુ ઉપયોગ થયેલ હોય છે.
૩૦] કોલસાની સાથે મધનો ઉપયોગ કરી સારું દાંત મંજન બનાવી શકાય છે.
૩૧] બદામના છોતરાં બાળી તેને મધ અને સિર્કામાં ભેળવીને બનાવેલું મંજન સૌથી ઉત્તમ અને ફાયદાકારક છે, વળી બદામના છોડની રાખ કરતા પણ ખજૂરના ઠળિયાની રાખ વધુ ફાયદાકારક છે.
૩૨] ઝય્તુનના (ઓલિવ ઓઈલ)તેલને મધ સાથે મિશ્રણ કરી તેમાં લીંબુનું રસ ઉમેરી ગુરદાની પથરી વાળા દર્દીને આપવામાં આવે તો ઘણો ફાયદો થશે.
૩૩] કાળા રંગની માખીઓનું મધ, કફ બલગમ ખાંસી તાવ અને નાકસોરીની તકલીફમાં અન્ય મધ કરતા પણ વધુ ફાયદાકારક અને ગુણકારી છે.
૩૪] નાના કદની ચમકદાર માખીઓનું મધ આંખની બીમારીઓમાં વિશેષ લાભકારી છે.
૩૫] ભમરીને મળતી આવતી પીળા રંગની મધમાખી ઓનું મધ લોહીની ઊલટી, પેટમાના જંતુઓ, મધુપ્રમેહ, હિસ્ટીરિયા અને ઝેરના ઉતારા માટે વધુ લાભદાયક છે.
૩૬] છત્રી આકારના મધપુડા વાળી જંગલી મધમાખી ઓનું મધ મસા, ખાંસી, ક્ષય, કૉલેરા, કમળા અને ઝખ્મના ઇલાજમાં વધુ લાભકારક છે.
૩૭] મધમાં કુદરતી ખાંડનું પ્રમાણ વધુ ફાયદો થાય છે. દ્રાક્ષના (દરાખ) વેલા દ્વારા મેળવેલ મધમાં ખાંડ વધુ હોય તો તે મધ જામી જવા સંભવ છે માટે આ મધ જામી જાય તો ભેળસેળ વાળું મધ છે એમ માની લેવું ભૂલભરેલું છે. અલબત મધ ઉપર ફીણ જેવું રહેતું હોય તો મધમાં મિલાવટ હોવાનો સંભવ છે.
૩૮] લીમડા અને અર્જુનના ફૂલોમાંથી બનેલું મધ વિશેષ ગુણો ધરાવે છે.
૩૯] જુના જમાનામાં મિસરના રાજા-રાણીના મૃતદેહ સાચવી રાખવામાં આવતા હતા. પાચ હજાર વરસથી પણ વધુ જુના આવા મૃતદેહ મીશરના પીરામીડમાંથી શોધી કાઢવામાં આવ્યા, ત્યારે સંશોધનકારોએ જણાવ્યું કે આટલાં લાંબા સમય સુધી આ મૃતદેહ સાચવી રાખવા જે મસાલાનો ઉપયોગ થયો છે તે મસાલામાં સવિશેષ તો મધ સામેલ છે.
શંકા સમાધાન :
મને કબજિયાતની તકલીફ છે અને આ અંગે મને એક હોમિયોપેથીક ડોક્ટર દ્વારા સવારે હુંફાળા ગરમ પાણીમાં બે ચમચી મધ અને એક લીંબુના રસ ઉમેરીને લેવાની સલાહ આપવામાં આવી હતી. જે લેવાની મેં શરૂઆત કરી અને લગભગ એમ મહિનાના સમયગાળામાં મને સામાન્ય આરામ પણ થયો.
હવે અહીં પ્રશ્ન એ છે આપના અન્ય કોઇ દર્દીને આપવામાં આવેલા એક જવાબમાં એવું વાચ્યું હતું કે મધને લીંબુ કે ગરમ પાણી સાથે ક્યારેય ન લેવું જોઇએ. આથી હવે હું મૂંઝવણમાં છું હું હોમિયોપેથીક ડોક્ટર દ્વારા આપવામાં આવેલી સલાહ અનુસાર ગરમ પાણી અને લીંબુ સાથે લેવાનું ચાલુ રાખું કે પછી બંધ કરી દઉ.
ગરમ પાણીમાં મધ અને લીંબુ ન લેવુ જોઇએ તે સંદર્ભ એ વજન ઘટાડવા માટે કરવામાં આવતા નુસ્ખા માટેનો છે અને આયુર્વેદના મત અનુસાર વજન ઘટાડવા માટે સાદા પાણીમાં માત્ર બે ચમચી મધ નાંખીને જ લેવું યોગ્ય અને હિતકારક છે. આયુર્વેદશાસ્ત્ર પ્રમાણે મધને ગરમ ન કરવું જોઇએ કારણ કે તેમ કરવાથી તેમાં રહેલા તત્વો એ ફાયદો કરવાને બદલે નુકશાન કારક બની શકે છે અને તે એક પ્રકારના ઝેર (ખરાબ તત્વ) તરીકે કામ કરતું હોય છે, ઝાડા કરાવવા તરીકે કામ આપે છે. હકીકતમાં તે તેની સાઇડ ઇફેક્ટ છે; નહિ કે તે કબજિયાત દૂર કરે છે. ભવિષ્યમાં તમને ઝાડાનો પ્રશ્ન પણ ઉદ્ભવી શકે.
ગરમ પાણીમાં મધ અને તેમાં લીબું નાંખવુ. દરરોજ આવી રીતે લિંબુ લેવાને કારણે ભવિષ્યમાં સાંધા જકડાઇ જવા અને સાંધાનો વા થવો જેવી તકલીફો ઘણાં બધાં લોકો ને વેઠતા મેં મારી પ્રેક્ટિસમાં જોયા જ છે. અને તેનાં દૂરના ભવિષ્યના જોખમોનો ચોક્કસ વિચાર કરવો જોઇએ.
વૈધ નિકૂલ પટેલ …
posted from Bloggeroid