અમને લાયક બનાવો,હે પરમાત્મા!
જેથી અમે દુનિયાભરના,
ગરીબી અને ભૂખમાં જીવતા ને મૃત્યુ પામતા
અમારા બાંધવોની સેવા કરી શકીએ.
જેથી અમે દુનિયાભરના,
ગરીબી અને ભૂખમાં જીવતા ને મૃત્યુ પામતા
અમારા બાંધવોની સેવા કરી શકીએ.
અમારા હાથો દ્વારા તેમને તેમની રોજની રોટી આપો;
અમારા સમજયુકત પ્રેમ દ્વારા
તેમને શાંતિ અને આનંદ મળો.
અમારા સમજયુકત પ્રેમ દ્વારા
તેમને શાંતિ અને આનંદ મળો.
વિશ્વના દીનદુઃખિયાઓમાં પ્રેસિડેન્ટ ઓબામા કરતાં પણ પૃથ્વી પરનો કોઈ સૌથી જાણીતો ચહેરો હોય તો તે મધર ટેરેસાનો છે. મધર ટેરેસાની ૧૦૦મી વર્ષગાંઠ આખું વિશ્વ ઊજવી રહ્યું છે. ૧૦૦ વર્ષ પહેલાં તા. ૨૬ ઓગસ્ટ, ૧૯૧૦ના રોજ અલ્બેનિયા (હાલ મેસેડોનિયા)માં જન્મેલી અગ્નેસ બાયાહુ નામની એક દીકરી એક દિવસ આખા વિશ્વ માટે 'મધર' બની જશે અને ભારતને જ તેમણે પોતાનું વતન બનાવી દેશે તેવી કોઈને ખબર નહોતી. અગ્નેસનાં માતા-પિતા રોમન કેથલિક ખ્રિસ્તી હતાં. પિતાનું નામ નિકોલા અને માતાનું નામ દ્રાના હતું. પિતા પાંચ ભાષાના જાણકાર હતા અને રાજકીય આગેવાન પણ હતા. અગ્નેસની માતા નિયમિત બાળકોને લઈ નજીકના એક ચર્ચમાં જતી અને રોજ પ્રાર્થના કરતી હતી. અગ્નેસની માતા અવારનવાર અનાથ બાળકોને મદદ કરવા શેરીઓમાં જતી અને અગ્નેસ આ બધું નિહાળી રહેતી. અગ્નેસની ઉંમર ૯ વર્ષની હતી ત્યારે તેના પિતાનું રહસ્યમય સંજોગોમાં અવસાન થયું. તે પછી અગ્નેસની માતા પાસે તેમનાં ત્રણ સંતાનોને બચાવવા માટે સંઘર્ષ કરવો પડયો. નાનકડી અગ્નેસને પણ પોતાના જીવન અને ભાવિ અંગે અનિશ્ચિતતાઓ જણાતી હતી, પરંતુ શિસ્ત, નમ્રતા અને દયાના ભાવ એને નાનપણમાંથી પ્રાપ્ત થયાં હતાં. અગ્નેસ ૧૨ વર્ષની હતી ત્યારથી જ તેને ગરીબો માટે અનુકંપા હતી. અગ્નેસે ક્યાંક લખ્યું છે : “જિસસ વોઝ માય ફર્સ્ટ લવ.” આજે વિશ્વની ટીન-એજ કન્યાઓ સ્કૂલમાં કયો અભ્યાસક્રમ લેવો તે અંગે દ્વિધા અનુભવે છે ત્યારે ૧૯ વર્ષની અગ્નેસે એ જમાનામાં મિશનરી માટે કામ કરવાનો નિર્ણય લઈ લીધો. થોડાં વર્ષો પછી તેનો ભાઈ આર્મીમાં જોડાયો, પરંતુ અગ્નેસે ફાધર ફ્રેન્જો નામના એક પાદરીની પ્રેરણાથી સેવા માટે ભારતને પોતાનું કાર્યક્ષેત્ર બનાવવાનું નક્કી કરી નાંખ્યું.
૧૭ વર્ષની ઉંમરે એણે એના ભાઈએ કહ્યું : “તું જે મ્યુઝિક લેસન્સ આપીને કમાય છે તેમાંથી મને થોડા પૈસા આપ. મારે ગરીબોની મદદ માટે ભારત મોકલવા છે.” ૧૮ વર્ષની ઉંમરે અગ્નેસ ખૂબ વિચારશીલ જણાતી હતી. એ બધાંને કહેતી હતી : “મારે હવે અહીંથી દૂર દૂર જવું છે અને જિસસ ક્રાઈસ્ટના જીવનને લોકો સુધી લઈ જવું છે.” અગ્નેસે પોતાનો આ વિચાર તેની માતાને કહ્યો ત્યારે મા પણ વિચારમાં પડી ગઈ. માતાએ પુત્રીને સાધ્વી બનવાના વિચારમાં સંમતિ ના આપી અને ૨૪ કલાક સુધી એક રૃમમાં રાખી ફરી વિચાર કરવા કહ્યું, પરંતુ છેવટે માતાએ પણ અગ્નેસને મિશનરી કામ કરવા સંમતિ આપી દીધી. એ વખતે લોરેટો સિસ્ટર્સ બંગાળ (ભારત)માં કામ કરતી હતી.
એક દિવસ આર્મીમાં જોડાયેલા તેના ભાઈએ અગ્નેસને પત્ર લખી કહ્યું : “એક આર્મી ઓફિસરની બહેન આ બધું શું કરે છે ?”- તો અગ્નેસે જવાબ આપ્યો હતો : “તમે એક અફસર તરીકે ૨૦ લાખ લોકોના રાજાની સેવા કરો છો, પરંતુ હું આખા વિશ્વના રાજા (ઈશ્વર)ની સેવા કરવા માગું છું.”
અગ્નેસે ખ્રિસ્તી સાધ્વી- 'નન' બનવાનો નિર્ણય લીધો અને માત્ર ૧૯ વર્ષની વયે ઇ.સ. ૧૯૨૮માં કોલકાતાની લોરેટો કોન્વેન્ટમાં પ્રવેશ મેળવી લીધો. હવે તેમનું નામ અગ્નેસ નહીં, પરંતુ સિસ્ટર ટેરેસા બની ગયું. પરંતુ સિસ્ટર લોરેટાના જૂથમાં જોડાયા બાદ સિસ્ટર ટેરેસા બની લોરેટા સ્કૂલનાં બાળકોને ભણાવવાનું કામ શરૃ કર્યું. આ કામ સિસ્ટર ટેરેસાએ પૂરાં ૨૦ વર્ષ સુધી કર્યું.
એવામાં ૧૯૪૬માં કોલકાતામાં કોમી રમખાણો ફાટી નીકળ્યાં. આખું શહેર ભડકે બળતું હતું. કોઈ પણ શહેરમાં આવી કોમી આગ ફાટી નીકળે ત્યારે કેથલિક સિસ્ટર્સ સામાન્ય રીતે બહાર નીકળતી નથી, પરંતુ સિસ્ટર ટેરેસા કે જેઓ તે વખતે સ્કૂલમાં હેડ મિસ્ટ્રેસ હતાં તેઓ ફૂડ લેવા બહાર નીકળ્યાં. શહેરમાં લોહીલુહાણ લોકોની દયાજનક હાલત જોઈ તેઓ દ્રવી ગયાં. તેઓ માનસિક આઘાતમાં સરી પડયાં. તેમના સુપિરિયરે તેમને થોડા દિવસ આરામ કરવા દાર્જીલિંગ મોકલ્યાં. તા. ૧૦ સપ્ટેમ્બર, ૧૯૪૬ના રોજ ટ્રેનમાં બેસી દાર્જીલિંગ જતી વખતે ફરી એક વાર સિસ્ટર ટેરેસાનો અંતરઆત્મા જાગી ઊઠયો. તેમના આત્મામાંથી અવાજ આવ્યો કે, “હવે તારે જીવનનો ઉત્તમ સમય ગરીબો, નિઃસહાય અને દુઃખિયારા લોકોની સેવામાં જ આપવાનો છે.”
મધર ટેરેસાના મૃત્યુ પછી જ જ્યારે તેમનાં પત્રો પ્રગટ થયા ત્યારે જ લોકોએ જાણ્યું કે,દાર્જીલિંગ જતી વખતે ટ્રેનમાં કાંઈક બન્યું હતું. “એ પત્રો દ્વારા લોકોને ખબર પડી કે, પર્વતોની ગિરિકંદરાઓમાંથી પસાર થતી ટ્રેનમાં સિસ્ટર ટેરેસાએ જીસસ ક્રાઈસ્ટનો અવાજ સાંભળ્યો હતો અને તે પછી સિસ્ટર ટેરેસાએ બાળકોને ભણાવવાનું અને બીજાં બધાં જ કામ પડતાં મૂકી દીનદુઃખિયારા લોકોની સેવા કરવાનું બીડું ઝડપી લીધું. શારીરિક રીતે કમજોર હોવા છતાં એક મક્કમ નિર્ણયવાળી મહિલાએ કોલકાતાની સડકો પર રહેતા નિઃસહાય લોકોની સેવા કરવાનું શરૃ કર્યું. લોરેન્ટો કોન્વેન્ટની તમામ સુખ-સગવડો તેમણે છોડી દીધી. એક નાનકડી થેલીમાં માંડ પાંચ રૃપિયા લઈને તેમણે લોરેન્ટો કોન્વેન્ટનું પ્રાંગણ છોડી દીધું.
ઈ.સ. ૧૯૪૮થી તેમની મિશનરીઝ ઓફ ચેરિટી શરૃ થઈ. કહેવાય છે કે, કોઈ 'વિઝન' દરમિયાન જિસસ ક્રાઈસ્ટ ઘણી વખત તેમને 'માય લિટલ વન' કહેતા અને મધર ટેરેસા તેમને 'માય ઓન જિસસ' કહેતાં. મધર ટેરેસાએ લખ્યું છે કે, “જિસસ ક્રાઈસ્ટે મને એક ઝાંખી દરમિયાન કહ્યું હતું :“રિમેમ્બર, આઈ એમ વિથ યુ.” મધર ટેરેસાને જિસસને વધસ્તંભ પર ચડાવાયા હતા તે દૃશ્યની ઘણી વખત ઝાંખી થઈ હતી અને તે પછી 'મિશનરીઝ ઓફ ચેરિટી' નામની સંસ્થા ઊભી કરી. શરૃઆતમાં અનેક મુશ્કેલીઓનો સામનો કરવો પડયો. મધર ટેરેસાને થયેલી અનુભૂતિ સાબિત કરવી મુશ્કેલ છે, પરંતુ મધર ટેરેસાએ તે પછી આખા વિશ્વમાં નિઃસહાય અને ગરીબોમાં પણ ગરીબ લોકો માટે કરેલું કામ ચમત્કારથી જરાયે કમ નથી.
ઈશ્વર હ્રદયના મૌનમાંથી બોલે છે; અને આપણે સાંભળીએ છીએ. જે વ્યક્તીને જીસસે પોતાના કાર્ય માટે પસંદ કરી હોય તેને ખબર છે કે, ઈશ્વરે કહ્યું છે,
” મેં તને તારા નામથી સાદ દીધો છે. તું મારી છે. તને પાણી ડુબાડી નહીં શકે. તને આગ બાળી નહીં શકે. હું તને દેશોના દેશો આપી દઈશ. તું મારે માટે અમુલ્ય છે. હું તને પ્રેમ કરું છું. એક મા કદાચ પોતાના બાળકને ભુલી જાય; પણ હું તને નહીં ભુલું. મેં તારું નામ મારી હથેળીમાં કોતરી રાખ્યું છે. “
· કોલકાતાથી દાર્જીલિંગ જતી વખતે ટ્રેનમાં એમને એક આધ્યાત્મિક અનુભૂતિ થઈ !
એ પછી મધર ટેરેસાએ તેમની સંસ્થામાં ભારતીય સાધ્વીઓને પ્રવેશ આપ્યો. ભારત દેશને જ તેમણે પોતાનો દેશ બનાવી દીધો. મધર ટેરેસાએ તેમના સંગઠનમાં આવતી સાધ્વીઓને ભારતીય વસ્ત્રો પરિધાન કરાવરાવ્યાં. ભારતીય જેવા જ દેખાવાનું કહ્યું. સાધ્વીઓ પણ ગરીબ મહિલાઓ જેવી દેખાવી જોઈએ. તેવા ખ્યાલના કારણે તેમણે ખ્રિસ્તી સાધ્વીઓનો પરંપરાગત ડ્રેસ છોડી
બધાંએ ભૂરી કિનારીવાળી સાડી જ અપનાવી. તેમણે બાઈબલમાં લખવામાં આવેલો જિસસ ક્રાઈસ્ટનો એક જ સંદેશો તેમની સાધ્વીઓને આપ્યો : “જે ભૂખ્યા છે તેમને અન્ન આપો, જે નગ્ન છે તેમને વસ્ત્ર આપો. જેઓ તરસ્યા છે તેમને પાણી આપો. જે બીમાર છે તેમની સેવા કરો.”
શરૃઆતમાં મધર ટેરેસાની આ નવી ર્ધાિમક વ્યવસ્થા અંગે ચર્ચ સંમત નહોતું, પરંતુ છેવટે ૧૯૪૮માં નામદાર પોલ તરફથી 'ધી મિશનરીઝ ઓફ ચેરિટી'ને વેટિકનની મંજૂરી મળી. એમની આ નવી સંસ્થાનો પ્રથમ આરંભ દિન તા. ૨૧ ડિસેમ્બર-૧૯૪૮ હતો. તે વખતે ટેરેસાની વય માત્ર ૩૮ વર્ષની જ હતી. તેમણે જ આ નવા સંગઠનનું નેતૃત્વ સંભાળ્યું. તેમની સેવાનો પ્રથમ માનવી કોલકાતાની સડક પર પડેલો એક માણસ હતો, જે બીમાર હતો, કીડા પડી ગયા હતા. અંતિમ શ્વાસ લઈ રહ્યો હતો. મધર ટેરેસાએ તેને બેઠો કર્યો. તેના ઘા ધોયા. પાણી પીવરાવ્યું. દવા અને ભોજન આપ્યું. ત્યાંથી તેઓ બીજી એક શેરીમાં ગયાં. જ્યાં ભૂખથી બાળકો કણસી રહ્યાં હતાં. એ વખતે કોલકાતામાં સૌથી વધુ ગરીબો હતાં. ૩૦૦૦ જેટલી તો ઝૂંપડપટ્ટીઓ હતી. બીમાર લોકો શેરીઓમાં જ મૃત્યુ પામતાં હતાં. કોલકાતાની મ્યુનિસિપાલિટીને આ પ્રશ્ન હલ કરવો હતો અને એ કામ મધર ટેરેસાએ ઉપાડી લીધું અને કોલકાતાની સડકો પર જઈ મૃત્યુની સમીપ ગયેલા માનવીઓ માટે મધર ટેરેસાએ જે કામ કર્યું તેની ખ્યાતિ આખા વિશ્વમાં પ્રસરી ગઈ. એ પછી મધર ટેરેસાએ દુઃખિયારા લોકોની સેવા કરવામાં પાછું વળીને જોયું જ નહીં. મૃત્યુની નજીક પહોંચેલા માણસો માટે આવું કામ આજ સુધી કોઈએ કર્યું નહોતું. પશ્ચિમ બંગાળના તે વખતના ચીફ મિનિસ્ટર ડો. બી. સી. રોયે મધર ટેરેસાની કામગીરી બિરદાવી. તે પછી એ વખતના વડા પ્રધાન જવાહરલાલ નહેરુએ મધર ટેરેસાને 'પદ્મશ્રી' એવોર્ડ એનાયત કરાવરાવ્યો. તે પછીના પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી જ્યોતિ બસુએ પણ તેમને પૂરેપૂરી સહાય કરી. મધર ટેરેસાએ ભારતીય નાગરિકત્વ સ્વીકાર્યું હતું. ૧૯૭૯માં તેમને માનવતાવાદી કામ કરવા બદલ નોબલ પ્રાઈઝ મળ્યું હતું. ૧૯૮૦માં તેમને ભારતનો સર્વોચ્ચ 'ભારતરત્ન એવોર્ડ' પણ એનાયત થયો. ૧૯૯૭માં ૮૭ વર્ષની વયે તેમનું હૃદયરોગના હુમલાથી અવસાન થયું. તેમની અંતિમક્રિયા સરકાર દ્વારા સન્માનપૂર્વક કરવામાં આવી. જેમાં હિલેરી ક્લિન્ટને પણ હાજરી આપી. અમેરિકાના પૂર્વ પ્રેસિડન્ટ રોનાલ્ડ રેગન, સેનેટર એડવર્ડ કેનેડી, ક્વિન એલિઝાબેથ, પ્રિન્સેસ ડાયના, પ્રિન્સ ચાર્લ્સ, યાસર અરાફાત, દલાઈ લામાથી માંડીને ડેસમન્ડ ટુટુ જેવી વિશ્વની અનેક હસ્તીઓ તેમને રૃબરૃ મળી હતી અને મધર ટેરેસાની કામગીરીને બિરદાવી હતી. મધર ટેરેસાના અવસાનને આજે ૧૩ વર્ષ થઈ ગયાં, પરંતુ દુનિયા આજે પણ બહુ જ ભાવથી તેમને યાદ કરે છે. મધર ટેરેસાએ સ્થાપેલા 'મિશનરીઝ ઓફ ચેરિટીની સિસ્ટર્સની સંખ્યા આજે ૪૮૨૬ છે. વિશ્વના ૧૬૪ જેટલા દેશોમાં આ સંસ્થાનાં ૭૬૬ જેટલાં કેન્દ્રો દ્વારા સિસ્ટર્સ મધર ટેરેસાએ શરૃ કરેલાં કામો આગળ ધપાવી રહી છે.
મધર ટેરેસાનું એક વાક્ય ઘણું બધું કહી જાય છે : “ઈશ્વર આપણને બધાને ખૂબ મોટાં કામો કરવાનું કહેતો જ નથી. તે તો આપણને પ્રેમથી નાનાં નાનાં કામો પણ કરવાનું કહે છે.” મધર ટેરેસા કેથલિક ખ્રિસ્તી હતાં, પરંતુ તેમની 'નિર્મળ હૃદય' સંસ્થામાં આવનારાં દુઃખિયારાં લોકો કયા ધર્મમાંથી આવે તે કદી પૂછવામાં આવતું નહીં અને તેથી જ તેઓ આખા વિશ્વનાં 'મધર' બની ગયાં.
અંતરની વાણીને ઉજાગર કરવા ઇચ્છુક વ્યક્તિના પાયામાં ભાવ અને કરૂણા ધરબાઇને જ પડેલાં હોય. આ બેય જેમણે પોતાના વ્યક્તિત્વમાં સર્વતઃ આત્મસાત્ કરેલા હતા તેવા, માત્ર ભારતના જ નહીં પણ સમસ્ત વિશ્વના, આપણા જમાનાના, સંતની આ વાણી આપણને ભાવ અને કરૂણાથી સભર કરી દે!
ચાલો આજ તેમના જન્મદિન નિમિતે તેમના સદગુણો ને અપનાવી ખરા અર્થ માં ઉજવણી કરીએ
No comments:
Post a Comment