Friday, October 1, 2010

>> GANDHI BAPU..... Bani Sakiye... Yes.... I Can....

ગાંધીજી : આપણે સૌ થઈ શકીએ......

મહાત્મા, બાપુ, રાષ્ટ્રપિતા, મહામાનવ, યુગપુરુષ, ધર્મસુધારક, કર્મવીર, જેવાં અનેક વિશેષણોથી જેમનું વ્યક્તિત્વ ઢંકાઈ ગયું છે તેવી આ વ્યક્તિનું નામ અને કામ સમગ્ર વિશ્વમાં સૌનું ધ્યાન ખેંચી રહ્યું છે. શબ્દકોશમાં ગાંધીનો મૂળ અર્થ કરિયાણાના વેપારીનો છે, પરંતુ આજે ગાંધીશબ્દનો અર્થ સનાતન મૂલ્યોની સાધના કરતા માણસના સંદર્ભમાં વધારે પ્રસ્તુત લાગે છે. અંગત કે સાર્વજનિક જીવનનાં કાર્યોને મૂલવવા માટે ગાંધીશબ્દ કસોટીનો પથ્થર સાબિત થયો છે.
અન્યાય અને શોષણના પાયા પર ચણાયેલ સામ્રાજ્યવાદની એક બુલંદ ઈમારતના પાયામાં લૂણો લગાડી તેના કાંગરા ખેરવી નાખવાનું દુષ્કર કાર્ય આગવી રીતે પાર પાડનાર આ વ્યક્તિ સાચા અર્થમાં ક્રાંતિવીરછે. ગાંધીજીનું જીવનકાર્ય એટલું વ્યાપક છે કે આવનારી અનેક પેઢીઓને તેમાંથી પ્રેરણા મળશે. આલ્બર્ટ આઈન્સ્ટાઈનની અંજલિ કે ભવિષ્યની પેઢી આશ્ચર્ય અનુભવશે કે આ પૃથ્વી પર આવો માનવ સદેહે વિચરણ કરતો હતો. આ અહોભાવ સૌ ભારતીયોનું મસ્તક ગૌરવથી ઉન્નત કરે છે, પણ ગાંધીજીને આમ ઉચ્ચાસને બેસાડી તેના માર્ગે આપણે કેમ ચાલી શકીએ ? તેવો પ્રશ્ન કરવો તે પલાયનવાદનો પુરાવો છે.      

ગાંધીવિચારધારા સમજવા માટે કેટલીક પૂર્વશરતો છે. સૌથી પ્રથમ તો ગાંધીજીને ચીપકાવેલાં તમામ વિશેષણોથી તેમને મુક્ત કરવ જોઈએ. ગાંધીજીના વ્યક્તિત્વ અને વક્તવ્યોનો અભ્યાસ કરતાં જણાય છે કે તેઓની દઢ માન્યતા હતી કે તેમણે જે કાર્યો કર્યાં છે તે તમામ કાર્યો કોઈ પણ સાધારણ વ્યક્તિ (મારો, તમારો, આપણા સૌનો એમાં સમાવેશ કરી લઈએ.) અવશ્ય કરી શકે. ગાંધીજીને સામાન્ય માનવી તરીકે સ્વીકારીએ તો જ તેમણે અપનાવેલ માર્ગે આપણે પ્રસ્થાન કરી શકીએ. તેમની આત્મકથા સત્યના પ્રયોગોવાંચીએ તો કેટલીક હેરત પમાડે તેવી ઘટનાઓ જોવા મળે છે. ગાંધીજી બાળપણમાં અંધકાર, ભૂત-પ્રેતથી ખૂબ ડરતા હતા. પોતાને બીકણ, ડરપોક જાહેર કરવામાં તેમને સંકોચ નથી થયો. ડર દૂર કેમ કરવો ! આ કાર્યમાં એમનું માર્ગદર્શન ઘરમાં કામ કરતી બહેન રંભા કરે છે. રંભા બાળ મોહનને સમજાવે છે કે રામનામનું રટણ કરીએ એટલે ભય ટળે. ઘરકામ કરતી બાઈની સલાહ ગાંધીજી ખરા દિલથી સ્વીકારે છે. તેનું પાલન કરે છે. મૃત્યુપર્યંત ગાંધીજી રામનામને વળગી રહે છે. આમાં ગાંધીજીની અંધશ્રદ્ધા હશે તેવો પ્રશ્ન બુદ્ધિગમ્ય છે. તેના સાચા ઉત્તર માટે ગાંધીજીના રામનામપુસ્તકનાં થોડાં વાક્યો વાંચીએ તે જરૂરી છે :
[1] ઈશ્વરને નામની દરકાર ન હોય.
[2]
કોઈ પણ રૂપમાં હૃદયથી ઈશ્વરનું નામ લેવું એ એક મહાન શક્તિનો આધાર લેવા બરાબર છે. એની સરખામણીમાં અણુબૉમ્બ પણ કશી વિસાતમાં નથી.
[3]
નામસ્મરણ તે પોપટિયું ન હોવું જોઈએ પણ છેક આત્માના ઊંડાણમાંથી આવવું જોઈએ.
[4]
રામ એ કોઈ અયોધ્યાના રાજકુમારનું નામ એટલો સીમિત અર્થ ન કરતાં જે શક્તિ સચરાચરમાં સર્વવ્યાપક છે તે અર્થ સાચો છે.
[5]
ઈશ્વર એકલો પૂર્ણ છે. મનુષ્ય કદી પૂર્ણ હોતો નથી. રામનામથી માણસમાં નિર્મોહતા અને સમતા આવે છે અને અણીને વખતે તે પાટા પરથી ઊતરી પડતો નથી.
[6]
રામનામ આજે મારે સારુ અમોઘ શક્તિ છે.
આજે આપણે ઘરકામ કરનાર બાઈની કોઈ વાત ધ્યાનથી સાંભળીએ છીએ ખરા ? વાસ્તવમાં તો હિતેચ્છુ, મિત્રો, વડીલો, શિક્ષકો કે મા-બાપ કોઈની વાત સાંભળતાં કે સમજતાં આપણને નાનપ લાગે છે. જીવનનાં સત્યો ગ્રહણ કરવા સદાય તત્પર રહે તે ગાંધીજી કેમ ન બની શકે ? આ માટે નિષ્ઠા, નિખાલસતા, પરિશ્રમ, સમજદારી અને ચીવટની જરૂર છે. અન્ય એક જાણીતા પ્રસંગમાં પરીક્ષા સમયે નિરીક્ષક પાસે સારું દેખાડવા માટે શિક્ષક જ એક શબ્દની સાચી જોડણીની નકલ કરવાનું કહે છે. ગાંધીજીનું જાગૃત મન આ સલાહ સ્વીકારી શકતું નથી. આવી વિવેકબુદ્ધિને આપણે બાળસહજ ન ગણીએ તે સમજી શકાય છે. ફૂટેલાં પ્રશ્નપત્રોઅને ભ્રષ્ટ પરીક્ષકોને શોધતાં મા-બાપ તો પુખ્તવયનાં હોય છે. જેઓને પોતાનું હિત સાધવા માટે સાધનશુદ્ધિની દરકાર નથી તે સમૂહમાં આપણે સામેલ છીએ. પોતાના સ્વાર્થી કામ માટે ઉપવાસ કે આંદોલન કરી પોતે ગાંધીચીંધ્યા માર્ગે ચાલતા હોવાનો દાવો કરે ત્યારે ગાંધીમાર્ગ ઉપરની બધી બત્તીઓ બુઝાઈ જાય છે અને સ્વાર્થનો ગાઢ અંધકાર પ્રસરે છે. ગાંધીજી તેથી જ કહે છે : જીવન સેવાને સારુ છે, ભોગને સારુ નથી.ઉપભોક્તાવાદની બોલબાલા હોય ત્યાં આવો ઉપદેશ ! ગાંધીજીના જીવનદર્શનથી વિરુદ્ધ દિશામાં જઈ રહેલ વિશ્વમાં હિંસા, અન્યાય અને શોષણ જરૂરિયાત રૂપે સ્થાપિત થઈ રહ્યાં છે. સ્વ માટે જીવવું તે પ્રેય અને પરમાર્થે જીવવું તે શ્રેય એવી આપણી સંસ્કૃતિની માન્યતા છે.
ગાંધીજીનું જીવન પરમ શ્રેયાર્થીનું, સમષ્ટિના સુખ માટે સમર્પિત થયેલું છે. હે રામ, મને ક્યાંથી આવું ભદ્રંભદ્ર ગુજરાતી સૂઝ્યું ! જે ભાષા કોશિયો ન સમજે તો તેનો ઉપયોગ બિનજરૂરી છે. સાદી ભાષામાં ગાંધીજી પરાઈ પીડ જાણી તેને દૂર કરવાને અગ્રતા આપે છે. હિંસા પીડાનું સર્જન કરે છે જ્યારે પ્રેમ તેના ઘાવની પાટાપિંડીનંજ કામ કરે છે. જૈન મત અનુસાર કોઈ પણ જીવને અપાતું દુ:ખ અશાતા ઉત્પન્ન કરે છે. આવી અશાતાનું નિવારણ જરૂરી છે. અન્યથા સુખની સમતુલા જળવાતી નથી. અહિંસાને ગાંધીજી સર્વવ્યાપી પ્રેમની વ્યાખ્યા આપે છે. અહિંસા એ નમ્રતાની પરાકાષ્ઠા છે. ગાંધીજીનો અહિંસાનો આગ્રહ સત્યાગ્રહ આંદોલન પૂરતો સીમિત નથી પણ સર્વગ્રાહી છે. પશ્ચિમના ભોગ અને વ્યક્તિવાદના આગ્રહ સામે ગાંધીજી ચેતવે છે, તેની સીમા બાંધી આપે છે અને તેનાં જોખમો પણ સ્પષ્ટ કરે છે. ગાંધીજીના વિચારો પર શ્રીમદ રાજચંદ્રનો પ્રભાવ અવશ્ય છે પણ ગાંધીજીની મોક્ષ કે આત્મકલ્યાણની ભાવના વ્યક્તિલક્ષીનથી પણ સામાજિક ચેતના અને ઉત્થાન માટે છે. મોક્ષ તો હું ગરીબમાં ગરીબની સેવા વિના અને તેમની સાથે તાદાત્મ્ય વિના અશક્ય સમજું છું.ગરીબીને હટાવવા માટે આથી સારી ગુરુચાવી કઈ છે ? આપણે સૌ થોડું પણ નક્કર કાર્ય કરીએ તો સદકાર્યોનો પ્રભાવ ગુણાકાર જેમ ઝડપથી વધે. સૌને કાંઈક સારું કરવું છે, આ ભાવના દઢ થાય અને સંકલ્પમાં પરિણમે તે માટે અભ્યાસ અને વૈરાગ્યજરૂરી છે. ગાંધીજીના વિચારો મુજબ માળા, તિલક, ઈત્યાદિ સાધનો ભલે ભક્ત વાપરે પણ તે ભક્તિનાં લક્ષણો નથી.
ગીતાના ગુજરાતી ભાષાંતરની પ્રસ્તાવનામાં ગાંધીજી લખે છે : ગુજરાતી ભાષાનું મારું જ્ઞાન ઓછું હોવા છતાં તેની વાટે ગુજરાતીઓની મારી પાસે જે કંઈ મૂડી હોય તે આપી જવાની મને હંમેશાં ભારે અભિલાષા રહેલી છે.મૂડી મેળવવામાં રસ ન હોય તો તે કાચો ગુજરાતી ગણાય. તેથી ગાંધીજી જ્ઞાન માટે મૂડી શબ્દ તો નહીં વાપરતા હોય ! ગાંધીજી આગળ લખે છે કે, ‘અત્યારે ગંદાસાહિત્યનો ધોધ વહી રહ્યો છે, (ફિલ્મો-ચેનલોના સિવાય પણ આવું જ હશે શું ?) તેવે સમયે હિન્દુ ધર્મમાં જે અદ્વિતિય ગ્રંથ ગણાય છે તેનો સરળ અનુવાદ ગુજરાતી પ્રજા પામે, ને તેમાંથી પેલા ધોધની સામે થવા શક્તિ મેળવે.આ અનુવાદની પાછળ આડત્રીસ વર્ષના આચારના પ્રયત્નનો દાવો છે. ભક્તની વ્યાખ્યા કરતાં ગાંધીજી ગીતાનો/ધર્મનો અર્ક આપણને આપે છે : જે કોઈનો દ્વેષ કરતો નથી, જે કરુણાનો ભંડાર છે, જે અહં તેમ જ મમતાથી મુક્ત છે, જેને સુખદુ:ખ, ટાઢ-તડકો સરખાં છે, જે ક્ષમાશીલ છે, જે સદાય સંતોષી છે, જેના નિશ્ચય કદી ફરતા નથી, જેણે મન અને બુદ્ધિ ઈશ્વરને અર્પણ કર્યાં છે, જેનાથી લોકો ત્રાસતા નથી, જે લોકોનો ભય નથી રાખતો, જે હર્ષશોકભયાદિથી મુક્ત છે, જે પવિત્ર છે, જે કાર્યદક્ષ છે છતાં તટસ્થ છે, જે શુભાશુભનો ત્યાગ કરનારો છે, જે શત્રુમિત્ર પ્રત્યે સમભાવી છે, જેને માન-અપમાન સરખાં છે, જે સ્તુતિથી ફૂલાતો નથી, નિંદાથી ગ્લાનિ પામતો નથી, જે મૌનધારી છે, જેને એકાંત પ્રિય છે, જેની સ્થિર બુદ્ધિ છે તે ભક્ત છે.મહાત્માજી સદગુણરૂપી રત્નોની ખાણ આપણી સમક્ષ ખુલ્લી મૂકે છે.
ગાંધીજનના એક અમૃત મહોત્સવ પ્રસંગે તેને પ્રશ્ન પૂછ્યો કે, ‘ગાંધીજીમાંથી તમને શું પ્રેરણા પ્રાપ્ત થઈ હતી ?’ તેનો જવાબ હતો કે : ગાંધીજી પારસમણિ હતા. તેમના સંપર્ક અને માર્ગદર્શનથી લાખો લોકોનાં જીવનમાં ધરમૂળ પરિવર્તન આવ્યું હતું. ગાંધીજીના ઉપદેશનો સાર એટલો જ છે કે હંમેશાં જાગતા જીવે જીવવું માંહ્યલો કહે તે સાંભળવું. દરેક માનવીમાં સારા થવાની, સારું કરવાની અમાપ શક્તિ અને શક્યતા રહેલી છે. તે ગાંધીજીની આસ્થાનો પાયો છે. સાચું શું અને ખોટું શું તેની તટસ્થ વિચારણા કરી નિર્ણય કરવો અને આચરણમાં મૂકવો. તેનાં પરિણામો ઈશ્વર પર છોડવાં, તેમાં આસક્તિ ન રાખવી. સત્યના ક્ષીરને પ્રલોભન-સ્વાર્થનાં નીરથી છૂટાં પાડવામાં ગાંધીજી વિવેકસાગરના રાજહંસ છે.
ગાંધીવિચારો મૂળભૂત રીતે જીવન જીવવાની કળાના સિદ્ધાંતો છે. જીવન સામાન્ય ઘટનાઓ અને રોજિંદી પ્રવૃત્તિઓમાં સીમિત રહે તો માનવજન્મ સાર્થક ન થાય. ગાંધીજી માટે તો માણસના જીવનનો પાયો નીતિ છે. આ પાયાથી માણસ ચળ્યો તે ક્ષણે તે ધાર્મિક મટે છે.દા, માણસ જૂઠ આચરે, દયાધર્મ છોડે, અસંયમી બને અને છતાં ઈશ્વર પોતાની બાજુએ છે એવો દાવો કરે એ હાસ્યાસ્પદ છે.

ગાંધીજીના જીવન અને જીવનપ્રસંગો પર આધારિત સુંદર પુસ્તક હિંદ સ્વરાજના શિલ્પી : મહાત્મા ગાંધીમાંથી સાભાર

No comments:

Post a Comment