Thursday, July 7, 2016

રુમાલની ગાંઠ

એકવખત ભગવાન બુધ્ધ એક સભાને સંબોધિત કરવા માટે આવ્યા. એમના હાથમાં એક રુમાલ હતો. આસન પર બેસીને સભાને પ્રવચન આપવાને બદલે બુધ્ધ પોતાના હાથમાં રહેલા રુમાલને ગાંઠો વાળવા માંડ્યા. બધા જ શ્રોતાઓ આશ્વર્યથી જોઇ રહ્યા હતા કે બુધ્ધ આ શું કરી રહ્યા છે ?
રુમાલને ચાર-પાંચ ગાંઠો વાળ્યા પછી આ ગાંઠો વાળેલો રુમાલ સભાજનોને બતાવતા બુધ્ધે પુછ્યુ , " આ એ જ રુમાલ છે જે હું આવ્યો ત્યારે મારી સાથે લાવ્યો હતો કે એમાં કોઇ ફેરફાર થયો છે ?" એક શ્રોતાએ કહ્યુ , " ભગવંત , રુમાલ તો એ જ છે પણ એનું સ્વરુપ બદલાઇ ગયુ છે." બુધ્ધે કહ્યુ , " તમારી વાત બરોબર છે પણ શું હું ઇચ્છુ તો આ રુમાલનું સ્વરુપ પહેલા જેવુ હતુ એવુ થઇ શકે?" સભામાંથી ફરી કોઇએ જવાબ આપ્યો , " પ્રભુ એ પણ શક્ય જ છે બસ રુમાલની વાળેલી બધી જ ગાંઠો ખોલી નાંખવી પડે. આમ કરવાથી રુમાલ પહેલા જેવો હતો એવો જ થઇ જશે."
બુધ્ધે કહ્યુ , " તમારી વાત પણ બરોબર છે. મારે આ રુમાલની ગાંઠોને ખોલવી છે આ માટે હું રુમાલના બંને છેડા પકડી અને ખેંચુ તો ગાંઠો ખુલી શકે કે નહી ? " એક ભક્તએ કહ્યુ , " અરે પ્રભુ રુમાલના છેડાઓ ખેંચવાથી તો ઉલટાની ગાંઠો વધુ મજબુત બને અને એને ખોલવામાં પણ મુશ્કેલી થાય. "
બુધ્ધે કહ્યુ , " તો પછી આ ગાંઠોને ખોલવાનો ઉપાય શું ? " એક સન્યાસીએ ઉભા થઇને કહ્યુ , " ભગવાન આ માટે પહેલા તો અમારે પહેલા તો રુમાલ હાથમાં લઇને બહુ નજીકથી જોવો પડે કે આપે એમાં ગાંઠો કેવી રીતે વાળી છે? કારણકે જ્યાં સુધી ગાંઠો કેવી રીતે વાળી છે એ ખબર ન હોય તો ગાંઠ છોડવા જતા પણ ઉલટાની વધુ મજબુત થાય એમ પણ બને."
ભગવાન બુધ્ધે સભાજનોને કહ્યુ, " બસ, સંબંધોમાં પડતી ગાંઠોને પણ આ જ રીતે છોડવી."
ઘણીવખત કોઇ
◆ ગેરસમજણને કારણે સંબંધોમાં ગાંઠો પડે છે અને પછી આપણે એને ખેંચીએ છીએ એટલે એ ગાંઠો વધુ મજબુત બને છે. ગાંઠ કેવી રીતે પડી એ જરા ઉંડાણથી તપાસીને જો ગાંઠો છોડવાનો પ્રયાસ કરીએ તો ગાંઠો સહજતાથી છુટી જશે અને સંબંધ પેલા રુમાલની જેમ પહેલા જેવો જ થઇ જશે.

No comments:

Post a Comment