Sunday, November 15, 2015

રેતીના પર્વતોથી શોભાયમાન સુન્ધા પર્વત રાજસ્થાન

        દિવાળી પછીનું વેકેશન શરૂ થઈ ગયું છે. ઘણાબધાં લોકોએ પ્રવાસમાં જવાની તૈયારીઓ કરી લીધી હશે, ઘણાબધાં કરી રહ્યાં હશે અને ઘણાબધાં તો પ્રવાસમાં ઉપડી પણ ગયાં હશે. અમુક લોકો હજી વિચારતાં હશે કે ક્યાં જવું, જવું કે ન જવું? આવાં લોકો વિચારતાં જ રહેશે. આ સમય વિચારવાનો નથી, વિહરવાનો છે, કોઈ પોતાની આર્થિક, સામાજિક પરિસ્થિતિ કે અન્ય કોઈ કારણોસર ન જઈ શકે તે અલગ વાત છે, આવા મિત્રોએ પોતાની આસપાસની નજીકની કોઈ સારી જગ્યાએ મહાલવાનો આનંદ તો જરૂર લેવો જોઈએ. રખડવાનો પણ આનંદ હોય છે.


બાળકો, યુવાનો, વૃધ્ધો સૌને ગમે એવુ સરસ મજાનુ સ્થળ રેતીના પર્વતોથી શોભાયમાન સુન્ધા પર્વત


રાજસ્થાન રાજ્યનો મારવાડ નામે ઓળખાતો પ્રદેશ વર્તમાન તબક્કે ઝાલોર જિલ્લાના નામે પ્રસિદ્ધ છે. ભિનમાલ નામના શહેરથી માત્ર ૨૦ કિ.મી. તથા રાણીવાડી નામના ગામથી તદ્દન નજીક આવેલા સુન્ધા પર્વત ઉપર બિરાજેલા સુન્ધા માતાનું તીર્થધામ આવેલુ છે. નાના-મોટા ચૌદ જેટલા પર્વતોના ઝૂંડમાં બિરાજેલું આ સ્થળ ખૂબ જ નયનરમ્ય જણાય છે.પર્વતોના ઝૂંડમાં સુન્ધા માતાનાં બેસણાં થવાથી તે સુન્ધા પર્વતથી લોકો જાણે છે. આ પર્વત તળેટીની સપાટી ૩૫૦૦ ફૂટ જેટલી ઊંચાઇ ધરાવે છે. તમામ પર્વતોમાં સુન્ધા નામનો પર્વત મુખ્ય મનાય છે. તળેટીમાંથી અસંખ્ય પર્વતોની હારમાળા શરૂ થાય છે. નીચે બંને સાઇડના પર્વતોની સાથે મુખ્ય પર્વત સુન્ધા માતા તરફ જવા માટે રાજ્ય સરકાર દ્વારા ઇલેક્ટ્રિક રોપ-વેની વ્યવસ્થા છે. આવન-જાવનની વ્યક્તિ દીઠ રૂ. 110 લેવામાં આવે છે. સુન્ધા પર્વતનો કેટલોક ભાગ તોડીને ત્યાં જવા માટે પથ્થરના સુંદર અને થાક ન લાગે તે માટે પગથિયાં તથા વિશ્રામ માટેના પથ્થરોની બેઠકો તથા મેદાનની વ્યવસ્થાની કાળજી રાખવામાં આવી છે. સુન્ધા માતાનું ઉદભવ સ્વરૂપ આમ તો મા ચામુંડાનું અસલી તથા મૂળ સ્થળ મનાયું છે

સુન્ધા માતાના માર્ગમાં પર્વતોની વિશાળ અને ઊંડી ખીણોમાંથી તથા નાની-મોટી નદીઓ તથા ઝરણાનો મધુર ખળખળ અવાજ શ્રદ્ધાળુઓના મનને આકર્ષણ સાથે આનંદ આપે છે. પર્વતોની બંને સાઇડના માર્ગો પગથિયા બનાવવા માટે અંદાજે ૧૦ થી ૩૦ ફૂટ જેટલા વિશાળ કદના પથ્થરોનો નજારો અદભૂત છે. સુન્ધા માતાના મંદિરના માર્ગની મધ્યમાં જમણી સાઇડમાં એક ફેણ ચઢાવીને બઠેલા નાગના આકારની દીવાલમાં નવ દુગૉમાનું સ્થાનક આવેલું છે. સુન્ધા માતાનું મંદિર શિખરના એક ભોંયરામાં છે. અન્ય મૂર્તિઓ પણ છે. માતાજીની મૂર્તિ પાસે સિક્કા નાખવાની તેમજ સ્પર્શ કરવાનો તથા ફોટો લેવાનો નિષેધ છે. આ જ ગુફામાં ચાંદીના થાળામાં ચાંદીના નાગ, ગળતી સાથેનું સિદ્ધ પાર્ષદ શિવલિંગ પણ છે. આ જગ્યામાં ચોવીસે કલાક સિક્યુરિટીની જડબેસલાક રક્ષણ માટેની વ્યવસ્થા છે. ગુફાને સાંકળતું આખુંય મંદિર રાજસ્થાનની પ્રસિદ્ધ નકશીનું સંપૂર્ણ આરસથી બનાવેલું છે. સુન્ધા માતાના મંદિરના કમ્પાઉન્ડમાં સુવર્ણ રંગનું સુંદર તથા વિશાળ ત્રિશૂળનો સ્થંભ શ્રદ્ધાળુ ભક્ત સમુદાયને અને તેના કલાત્મક નયનરમ્ય બાંધકામના શિલ્પથી પ્રભાવિત કરીને તેની પાસે તેમનો યાદગાર ફોટો લેવાનું કદી ચૂકતા નથી. સુન્ધા મંદિરના મેદાનમાં નજીકમાં જ ભગવાન વિષ્ણુ તથા ગણેશજીના કલાત્મક બગીચાઓ-મંદિરો તથા આગમોની પણ નોંધ લેવી જ રહી.સુન્ધા માતાના મંદિરની અન્ય વિશેષતામાં થોડે દૂર પૂર્વ દિશામાં કલાત્મક તોરણ આકારના પ્રવેશ દ્વારમાંથી પસાર થયા બાદ બે એકરની જમીનમાં પથરાયેલું વિશાળ તળાવને ગુલાબી રંગના સુંદર નકશીમય પથ્થરોથી બાંધેલું છે. તેમાં પર્વતો તથા અન્ય ખીણોમાંથી ઝરતું શુદ્ધ પાણી સ્વયંભૂ આ તળાવમાં જમા થાય છે. આ તળાવ નાનાં-મોટાં સુંદર ફૂલો તથા પોયણાઓ તથા મોટાભાગે અસંખ્ય લાલ કમળોથી સભર છે. આ તમામ ફૂલોનો દેવ-દેવીઓ માટે પૂજાની સામગ્રીમાં ઉપયોગ થાય છે. આ તળાવની પાછળના ભાગે ઉત્તર તથા પૂર્વ દિશામાં પ્રસિદ્ધિ માટે જાણીતા બે પર્વતો ઊભા છે જેની ખાસિયત તે પથ્થર વિનાના જ એક ધૂળનો તથા બીજો દરિયાની રેતી જેવો જણાય છે. રેતીના પર્વત પર રેતીમા રમવાનો આનંદ સૌને રોમાંચિત કરે તેની યાત્રિકો પ્રત્યક્ષ ત્યાં જઇને ખાતરી કર્યા બાદ કુદરતના કરિશ્માનો રોમાંચ સાથે અનુભવ માણે છે.

@ પર્વત પર રહેવાની જમવાની ઉત્તમ સગવડ ઉપલબ્ધ છે. વિવિધ જ્ઞાતિ ના સમાજ આવેલા છે.

@ ત્યા જવા માટે અમદાવાદ થી ડાયરેકટ બસ છે રિટર્ન આવ્વા માટે સવારે 6, 8 , બપોરે 1.30, સાંજે 6 કલાકે અમદાવાદ જવા માટે ડાયરેકટ બસ મળે છે.

@ પર્સનલ વાહન સાથે આપ ડીસા,પાલનપુર, મન્દાલ વાયા રાનીવાડા થઈ સુન્ધા પર્વત જઈ શકાય છે.

જો આપ આબુરોડ થી આવો તો રેવદર ગામ વાયા જસવંતપુરા થઇ જઈ શકાય છે. આબુરોડ થી 95 કિમીનું અંતર છે


પ્રવાસ એટલે માત્ર સુંદર સ્થળો, રળિયામણાં પર્યટનો એવો જ અર્થ નથી થતો. કોઈ રણ કે વેરાન જગ્યાએ ફરવાનો આનંદ પણ લેવો જોઈએ. રણના એક છેડાથી બીજા છેડા સુધીનો કોઈ પ્રવાસ કરી આવે અને પછી એમ કહે કે ત્યાં તો બધું જ વેરાન છે, કશું જોવા જેવું નથી,તો એવા માણસની દયા ખાવી જોઈએ. આપણી જિંદગી જ્યારે એકધારી થઈ જાય, તેમાંથી નાવીન્ય ખૂટી જાય, બળદની ઘાણીની જેમ ગોળ ગોળ થઈ જાય, જિંદગી સાવ કુંડાળા જેવી થઈ જાય ત્યારે આ કુંડાળું આત્માનાં આંગણાની રંગોળી બની જાય અને આપણે આપણી અંદર અનુભવની એક દિવાળી ઊજવી શકીએ તે માટે પ્રવાસ જરૂરી છે.

સાભાર સંદેશ ન્યુઝ







posted from Bloggeroid

2 comments: