‘ઊઠો, જાગો અને ધ્યેયપ્રાપ્તિ સુધી મંડયા રહો’ના તેમના વાક્યે કેટકેટલા યુવાનોને આળસ અને અકર્મણ્યતામાંથી જગાડયા અને ધ્યેયપ્રાપ્તિ સુધી મંડયા રહેવાની પ્રેરણા પૂરી પાડી હશે? માત્ર ઓગણચાલીસ વર્ષનું આયુષ્ય,છતાં તેમણે યુગો યુગો સુધી યાદ રહે એવી વાતો કરી છે અને માત્ર વાતો જ નથી કરી,મહાનતમ કાર્યોને પણ અંજામ આપ્યો છે.
૧૨મી જાન્યુઆરી, ૧૮૬૩ના રોજ સૂર્યોદય થવામાં પાંચ-છ મિનિટો બાકી હતી ત્યારે ભુવનેશ્વરીદેવીએ પુત્રને જન્મ આપ્યો. એ દિવસ પિતા વિશ્વનાથ દત્ત માટે બહુ ખુશીનો હતો. દીકરાનું નામ પાડવાનો દિવસ આવ્યો ત્યારે એના દાદાની સ્મૃતિમાં તેનું નામ દુર્ગાદાસ રાખવાનું વિચારાયું હતું, પણ માતાએ કહ્યું કે જેની કૃપાથી મને દીકરો પ્રાપ્ત થયો છે,તેમનું નામ આપવું એટલે ‘વીરેશ્વર’ નામ પસંદ કરવામાં આવ્યું પણ આખરે નરેન્દ્રનાથ નામ નક્કી થયું. જેની સ્મૃતિમાં સ્વામી વિવેકાનંદનું નામ દુર્ગાદાસ રાખવાનું વિચારાતું હતું, તે વિશ્વનાથના પિતાએ પચીસ વર્ષની વયે સંસાર ત્યાગીને સંન્યાસ ગ્રહણ કર્યો હતો. આમ,સ્વામી વિવેકાનંદના લોહીમાં સંન્યાસ હતો! વિવેકાનંદ નાના હતા ત્યારે ખૂબ તોફાની હતા. ભુવનેશ્વરી દેવી તેની ધીંગામસ્તીથી કંટાળી જતાં ત્યારે કહેતાં કે મેં શંકર ભગવાન પાસે પુત્ર માગ્યો હતો અને તેમણે પોતાના એક ભૂતને જ મોકલી આપ્યો લાગે છે!
No comments:
Post a Comment