રામકૃષ્ણ પરમહંસ પહેલી જ નજરમાં નરેન્દ્રમાં રહેલું હીર પારખી જાય છે અને તેને પોતાને ત્યાં મળવા આવવાનું ઇજન આપે છે. નરેન્દ્ર તેને મળવા જાય છે, પણ ત્યારે તેના પર બ્રહ્મોસમાજની વિચારધારા હાવી હતી, અજ્ઞોયવાદ તરફ તેને ખેંચાણ હતું. પૂજા-ભક્તિ વગેરે પરંપરાગત વાતોમાં તેને બહુ રસ નહોતો. રામકૃષ્ણના વિચારો અને વાત્સલ્ય તેને આકર્ષતા છતાં તેમના અમુક પ્રકારના વર્તનમાં વિશ્વાસ બેસતો નહોતો. તીવ્ર તર્કશક્તિ ધરાવતો નરેન્દ્ર એમ કોઈની વાતમાં આવી જાય એવો નહોતો. નરેન્દ્રે રામકૃષ્ણ વિશે સાંભળ્યું હતું કે તેઓ પૈસાને સ્પર્શ સુધ્ધાં કરતા નથી, તેમને મન પૈસાનું કોઈ મૂલ્ય નથી. પૈસો તો ભલભલાને ચલિત કરી નાખે છે ત્યારે નરેન્દ્રે તેમની કસોટી લેવાનું વિચાર્યું. એક વાર અન્ય શિષ્યો સાથે નરેન્દ્ર પણ ગુરુ રામકૃષ્ણના ઓરડામાં બેઠા હતા. કોઈ કામસર ગુરુ જ્યારે ઓરડાની બહાર ગયા ત્યારે નરેન્દ્રે એક રાણીછાપ સિક્કો કાઢીને ગુરુના પલંગ પરના ગાદલા નીચે મૂકી દીધો. થોડી વાર પછી ગુરુ પાછા આવીને જેવા પલંગ પર બેસવા ગયા કે વીજળીનો ઝાટકો વાગ્યો હોય તેમ તરત ઊભા થઈ ગયા. અહીં ક્યાંય કોઈએ પૈસા મૂક્યા છે, એવું બોલી ઊઠયા. નરેન્દ્ર તો ઓરડામાંથી બહાર સરકી ગયા પણ રામકૃષ્ણ સમજી ગયા કે શિષ્ય ગુરુની કસોટી કરી રહ્યો હતો. આમ, વિવેકાનંદે રામકૃષ્ણ પરમહંસ જેવા ગુરુ પર પણ આંધળો વિશ્વાસ મૂક્યો નહોતો. આની સામે આજે શિક્ષિત લોકો ઠાલા ખોખા જેવા અને જોકરછાપ ગુરુઓ પર આંધળો વિશ્વાસ મૂકતા જોઈને હસવું કે રડવું, એ સમજાતું નથી.
No comments:
Post a Comment