Saturday, April 9, 2016

આખો દિવસ શરીર બાળીને 200 રૂપિયાની કમાણી કરતાં મેલા કપડાં વાળા બાપની દીકરીને મોર્ડન બનવા 1400 રૂપિયાનાં શોર્ટસ્ પહેરીને 600 રૂપિયાની કેક કાપવી પડે છે ત્યારે દુ:ખ થાય છે! સાધારણ પરિસ્થિતિવાળા કુટુંબમાંથી હોસ્ટેલમાં આવતી યુવતીઓને હોસ્ટેલનાં કપડાં (સ્કર્ટસ, શોર્ટસ વગેરે) હોસ્ટેલમાં જ મૂકીને ઘરે જતાં જોઈ છે. માત્ર હોસ્ટેલમાં જ પહેરવા રાખેલાં કપડાં કાંતો ઘરે ખબર ન હોય એવાં પૈસાથી ખરીદાયેલા હોય છે અથવા તો ઘરે પહેરી ન શકાય એવાં પ્રકારનાં હોય છે. એક એવી લાગણી છે જે આપણાં ઘરની-પરિવારની નબળી વાસ્તવિકતા સ્વીકારી શકતી નથી એટલે એ મોર્ડન થવાનાં સ્વરૂપે બહાર આવે છે. આ એવા પ્રકારની લાગણી છે જે આપણું પારિવારિક વર્તુળ સ્વીકારતું નથી છતાં આપણે તેને અપનાવવી હોય છે.
બાપાને મુખ્યમંત્રી અને પ્રધાનમંત્રી વચ્ચેનો તફાવત ન ખબર હોય એવાં છોકરાઓ પોતાનાં બાપને મોટો રાજકારણી કે કાકાને ધારાસભ્ય સુધી પણ ગણાવી દેતા જોયા છે.
'નીદા ફાઝલી'નું ક્યારેય નામ પણ ન સાંભળ્યું હોય એવાં લોકો એમનાં અવસાન પર એટલાં ગમગીન હતાં જાણે નાનપણમાં બંન્નેને એકબીજાની ચડ્ડી પહેરવાનો વહેવાર હોય! હવે તો ઘણાં નામ પણ ભૂલી ગયા હશે. આપણે ગમે તે કરીને એક ટ્રેન્ડ સાથે ટકી રહેવું હોય છે અથવા જાણકાર કે આગળ પડતાં દેખાવુ હોય છે એટલે પ્રવાહમાં કૂદી પડીએ છીએ.
કોલેજમાં લેક્ચરરનું અપમાન કરીને વાહ વાહી મેળવવાની કોશીશ કરવાવાળા અપરિપકવ તત્વો કરતાં ચૂપચાપ બેસીને ગુરૂને આદર આપતો યુવાન ઉત્તમ છે. પોતાની સુંદરતાનાં અભિમાનથી અન્ય લોકોને નજર અંદાજ કરીને રહેનારી કે સુંદરતાનાં નશામાં બીજાનું અપમાન સુધાં કરી નાખતી યુવતી કરતાં બધાં લોકો સાથે હળીમળીને રહેનારી અને બીજાનાં માણસ હોવાપણાનો આદર કરનારી કદરૂપી છોકરી આપણાં માટે માન અને આદરનું પાત્ર બની શકે. ઢોંગ કરીને આપણો ઈગો પોષવા કરતાં વાસ્તવિકતા પરિઘમાં રહીને માણસ હોવાપણાનું ગર્વ લઈ શકીએ એ જીવવું સાર્થક છે.
પોતાની સાથેનાં જૂથમાં ટકી રહેવા માટે, લઘુતાગ્રંથિને ઢાંકી દેવા માટે યા તો પછી પોતે બહું શ્રેષ્ઠ છે એવું સાબીત કરવા માટે એક આભાસી મહોરું પહેરી લેવામાં આવે છે. આપણે આપણાં અહમ્ ઠોકર લાગે એ જીરવી શકતા નથી કેમ કે આપણે અવાસ્તવિક અહમ્ ઉભો કરેલો હોય છે. વાસ્તવિકતામાં જીવતાં માણસનો કોઈ અહમ્ હોતો નથી.
🙏🙏🙏🙏🙏🙏🙏
The Truth of Life
-www.rkdangar.blogspot.com

posted from Bloggeroid

No comments:

Post a Comment