Thursday, April 21, 2016

એકવાર ભગવાને ગધેડા , કુતરા, વાંદરા અને માણસને બોલાવ્યા. ચારે ભગવાન સમક્ષ હાજર થયા. ભગવાને કહ્યુ કે મારે તમને તમારી ફરજો સોંપવી છે અને આ ફરજો બજાવવા માટે તમને આયુષ્ય આપવું છે.

સૌ પ્રથમ ભગવાને ગધેડાને કહ્યુ , “તું સૂર્યોદય થી લઈને સુર્યાસ્ત સુધી થાક્યા વગર તારી પીઠ પર બોજો ઉઠાવવાનું કામ કરશે, તને બુદ્ધિ નહિ હોય અને તું 50 વર્ષ સુધી જીવશે." ગધેડો બોલ્યો, " અરે, પ્રભુ આવી જીંદગી જીવવાની હોય તો 50 વર્ષ કેમ નીકળે મને માત્ર 20 વર્ષનું આયુષ્ય આપો." ભગવાને તેની વિનંતી માન્ય રાખી.

પછી ભગવાને કુતરાને કહ્યુ , “ તું મનુષ્યોના ઘરોની ચોકીદારી કરશે અને એને નાખેલા રોટલાના ટુકડા ખાઇને તારુ જીવન નિર્વાહ કરીશ. હું તને 30 વર્ષનું આયુષ્ય આપુ છું.” કુતરાએ કહ્યું, "હે પ્રભુ ૩૦ વર્ષ ઓશિયાળુ જીવન કેમનું જીવાશે! દયા કરો 15 વર્ષ રાખો. ભગવાને કુતરાની વાત પણ સ્વિકારી. હવે ભગવાને વાંદરાને કહ્યું, "તું ક્યાંય સ્થિર નહી બેસી શકે એક ડાળી થી બીજી ડાળી પર જુદા જુદા કરતબ કરતો કુદાકુદ કરશે અને અને લોકોને મનોરંજન પૂરું પાડશે, તું 20 વર્ષ જીવીશ." વાંદરો બોલ્યો "20 વર્ષ તો ઘણા કહેવાય 10 વર્ષ રાખો". ભગવાને મંજુર કર્યું.

છેલ્લે ભગવાને મનુષ્યને પોતાની પાસે બોલાવ્યો તેના માથા પર હાથ ફેરવીને કહ્યુ " પૃથ્વી પર તું એક માત્ર બુદ્ધિજીવી પ્રાણી હોઇશ. તું તારી અક્કલ નાં ઉપયોગ વડે સર્વે પ્રાણીઓનો સ્વામી બનીશ.તું કુદરતની સામે બાથ ભિડવા પણ સક્ષમ બનીશ અને તું 20 વર્ષ જીવીશ." માણસ બોલ્યો : " પ્રભુ, આપે મને આટલી બધી શક્તિઓ આપી છે તો 20 વર્ષનું આયુષ્ય ઘણું ઓછું કહેવાય, મને ગધેડાએ નકારેલ 30 વર્ષ, કુતરાએ નકારેલ 15 વર્ષ અને વાંદરાએ નકારેલ 10 પણ આપી દો." ભગવાને મનુષ્ય ની ઈચ્છા સ્વીકારી લીધી.

મિત્રો, બસ ત્યારથી માણસ પોતે માણસ તરીકે 20 વર્ષ જીવે છે, લગ્ન કરીને પછીના 30 વર્ષ ગધેડાની જેમ સતત કામ કરતો રહે છે, બાળકો મોટા થાય એટલે ૧૫ વર્ષ કુતરા તરીકે ઘરની ચોકી કરે છે અને છોકરાઓ જે ખાવા દે તે ખાઈ લે છે, અંતે જ્યારે વૃદ્ધ થાય ત્યારે નિવૃત્ત થઈને વાંદરા તરીકે 10 વર્ષ સુધી આ પુત્રના ઘરથી પેલા પુત્રના ઘરે અથવા પુત્રીને ઘરે જઈને જુદા જુદા ખેલ કરીને પૌત્ર-પૌત્રીઓ અને દોહિત્ર-દોહિત્રીઓને મનોરંજન પૂરું પાડે છે

posted from Bloggeroid

No comments:

Post a Comment